પુલવામા હુમલો : UNSCમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા સામે ચીનને શું વાંધો છે?

    • લેેખક, સંદીપ સોની
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

આ વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મહોમ્મદ દ્વારા થયેલા હુમલા બાદ મસૂદ અઝહરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે.

જૈશ-એ-મહોમ્મદ પાકિસ્તાનનું એક ઉગ્રવાદી જૂથ છે, જેના સ્થાપક મસૂદ અઝહર છે. ભારત ઇચ્છે છે કે મસૂદ અઝહરને આતંરરાષ્ટ્રિય ઉગ્રવાદી જાહેર કરવામાં આવે.

આ માટે ભારત સુરક્ષા પરિષદમાં અપીલ કરતું રહ્યું છે. પરંતુ દરેક વખતે ચીને ભારતના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કર્યો. ચીન આવું કેમ કરે છે?

આ સવાલના જવાબમાં ભારતના પૂર્વ ડિપ્લોમેટ વિવેક કાત્જુ કહે છે, "ચીન પાકિસ્તાનની સેનાને મસૂદ અઝહર મામલે આશરો આપતું રહ્યું છે. મસૂદ અઝહર પાકિસ્તાનની સેનાના એક અદૃશ્ય સભ્ય છે."

"મસૂદ અઝહર, જૈશ-એ-મહોમ્મદ, લશ્કર-એ-તોયબા અને હાફિઝ સઈદ પાકિસ્તાનની વિદેશ નીતિ અને સામરિક નીતિને આગળ વધારવામાં મદદ કરે છે."

વિવેક કાત્જુ કહે છે, "મને લાગે છે કે પાકિસ્તાની સેનાએ ચીનને વિનંતી કરી છે કે તેઓ મસૂદ અઝહરને યૂએનમાંથી ઉગ્રવાદી જાહેર ન થવા દે."

"જ્યારે જૈશ-એ-મહોમ્મદ તો ઉગ્રવાદી જૂથ જાહેર થઈ ચૂક્યું છે."

"પરંતુ મસૂદ અઝહર પ્રત્યે પાકિસ્તાનને વિશેષ લગાવ છે અને તેથી જ તેઓ ચીનને ફોસલાવ્યા કરે છે કે તેઓ મસૂદ અઝહરને આશરો આપે."

તમે આ વાંચ્યું કે નહીં?

ચીન અને પાકિસ્તાનની દોસ્તી જૂની છે

ઇસ્લામાબાદમાં બીબીસીના સંવાદદાતા આસિફ ફારુકી કહે છે, "ચીન સાથે પાકિસ્તાનની દોસ્તી હિમાલયથી ઊંચી, દરિયાથી ઊંડી અને મધથી પણ મીઠી છે. છેલ્લા ચાર-પાંચ દાયકાથી આપણે આ જ સાંભળતાં આવ્યા છીએ."

"પાકિસ્તાનમાં બહુ અનિશ્ચિતતાઓ રહેલી છે. પરંતુ આ દોસ્તી યથાવત્ રહી છે."

"છેલ્લાં બે-ત્રણ વર્ષમાં તેમાં નવો પ્રાણ ફૂંકાયો છે. ચીને પાકિસ્તાનમાં ખુલ્લા હાથે રોકાણ કર્યું છે."

"રાજકારણ હોય, સેના હોય કે સમાજ, પાકિસ્તાનમાં ચીનની વિરુદ્ધ કંઈ બોલે એવા લોકો ખૂબ ઓછા મળશે."

જોકે પાકિસ્તાનમાં એક એવો બુદ્ધિજીવી વર્ગ પણ છે જે પાકિસ્તાનમાં ચીનની હદથી વધારે દખલગીરીને યોગ્ય નથી માનતો.

તેઓ કહે છે કે મિત્રતા હોવી જોઈએ પરંતુ 'માપમાં' હોવી જોઈએ.

બીજિંગમાં રહેલાં વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તા માને છે કે જે વાતો આપણને સાંભળવા અને સમજવાની આદત પડી ગઈ છે તેનાથી દૂર જઈશું તો જ આપણને સમજાશે કે ચીન પાકિસ્તાનનો સાથ કેમ આપે છે?

સૈબલ દાસગુપ્તા કહે છે, "જેમ કે ભારતમાં એવું કહેવાય છે કે ચીન પાકિસ્તાનને ભારત વિરુદ્ધ હાથો બનાવી રહ્યું છે, આ વાત એક હદ સુધી સાચી છે."

"આવું કરવાથી ભારતને મહાસત્તા બનતું અટકાવી શકાય છે. પરંતુ ચીન અને પાકિસ્તાનના સંબંધો આજ-કાલના નથી."

"1950ના દાયકામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ મદદ વિના કારાકોરમની ખીણને પહોળી કરવામાં આવી હતી. જેથી ચીનના ટ્રક પાકિસ્તાનમાં પ્રવેશી શકે."

"આજે પણ ચીનથી પાકિસ્તાન જવાનો એ એક માત્ર માર્ગ છે. આજનું ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર એ જ રસ્તો છે જેને લંબાવી દેવામાં આવ્યો છે."

સૈબલ આ મિત્રતાનું વધુ એક પાસું જણાવે છે, "આ જ રીતે પાકિસ્તાને અક્સાઈ વિસ્તાર ચીનને આપી દીધો, કારણ કે ચીનને ખબર હતી કે તેમનાથી આ વિસ્તાર નહીં સંભાળી શકાય. પાકિસ્તાન અને ચીનનો આ જૂનો સંબંધ છે."

"વચ્ચે એવું પણ થયું કે અમેરિકા આવ્યું અને પાકિસ્તાનને ડૉલર આપવા લાગ્યું. ચીન પાસે આપવા માટે આટલા પૈસા નહોતા."

"ડૉલરથી પાકિસ્તાન અને અમેરિકાનો પ્રેમ ખીલી ઊઠ્યો. આજે પણ પાકિસ્તાને અમેરિકાને લગભગ 60 અબજ ડૉલર ચૂકવવાના છે."

"પરંતુ ચીન હવે પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. તે પાકિસ્તાનનું પડોશી છે અને ભારતની વિરુદ્ધ પણ. ચીન પાસેથી સેના માટે વિમાન અને ટૅંક પણ મળી રહ્યા છે. પાકિસ્તાનને શું જોઈએ."

મુદ્દો મસૂદ અઝહરનો

ભારતના પૂર્વ ડિપ્લોમેટ વિવેક કાત્જુ જણાવે છે, "જૈશ-એ-મહોમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને ભારત સાથે અન્ય દેશો પણ એક ઉગ્રવાદી માને છે. પરંતુ માત્ર ચીનના વીટોના કારણે મસૂદ અઝહર દર વખતે બચી જાય છે."

તેઓ કહે છે,"મસૂદ અઝહર વર્ષો પહેલા હરકત ઉલ અંસારનો એક ભાગ હતો. ભારતના કાશ્મીરમાં પકડાઈ ગયો અને જેલની સજા થઈ."

"પરંતુ વર્ષ 1999માં કંદહાર વિમાન અપહરણ કેસમાં 160 લોકોના જીવ બચાવવા માટે ભારતે મસૂદ અઝહરને છોડવો પડ્યો."

"મુક્તિ બાદ મસૂદ અઝહર પાકિસ્તાન ગયો. પાકિસ્તાનમાં તેનું જોરદાર સ્વાગત થયું. તેના થોડા મહિના બાદ તેણે બહાવલપુરમાં પોતાનું સંગઠન બનાવ્યું."

"પાકિસ્તાની સરકારે તેની ભરપૂર મદદ કરી. પછી કાશ્મીરમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો."

તેમનો દાવો છે, "ભારત જ નહીં, પરંતુ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને અન્ય દેશો પણ ભારત સાથે સહમત છે."

"તેમને પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ 1267 અંતર્ગત અઝહરને આંતરરાષ્ટ્રિય ઉગ્રવાદી જાહેર કરવામાં કોઈ તકલીફ નથી."

"પરંતુ ચીન અડિંગો જમાવીને બેઠું છે તેનું કારણ પાકિસ્તાન છે અને ખાસ કરીને પાકિસ્તાનની સેના."

વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તા મસૂદ અઝહરની વિરુદ્ધ ભારતના પ્રસ્તાવ પર ચીનના વીટોના ત્રણ કારણ ગણાવે છે.

તેઓ કહે છે,"ચીન પહેલું કારણ એ બતાવે છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કેટલાક કાયદા-કાનૂન છે, જેનું પાલન કરવું જરૂરી છે. તેથી લિસ્ટિંગ થાય ત્યારે એ હિસાબે વિચાર કરીએ છીએ."

"બીજું કારણ છે કે મસૂદ અઝહર વિરુદ્ધ ભારત કોઈ ખાસ પુરાવા રજૂ કરી શક્યું નથી. તેથી જ્યારે પુરાવા મળશે ત્યારે જોઈશું."

"ત્રીજું કારણ છે, ચીન કહે છે કે સુરક્ષા પરિષદના દરેક સભ્યો આ મુદ્દે ભારતના સમર્થનમાં નથી. જ્યારે ભારત કહે છે, તેને ચીન સિવાય બધા દેશોનું સમર્થન છે."

ઇસ્લામાબાદમાં બીબીસીના સંવાદદાતા આસિફ ફારુકી કહે છે કે પાકિસ્તાનમાં ભારતની જેમ આ મુદ્દે બહુ ચર્ચા નથી થતી કે ચીને ભારતના પ્રસ્તાવ પર વીટો કરી નાખ્યો છે.

તેઓ કહે છે, "ચીનના વીટોનું કારણ પાકિસ્તાન સાથે દોસ્તી નહીં, પરંતુ ભારત સાથેની દુશ્મની છે."

"ઉગ્રવાદી જૂથોને આનો ફાયદો થાય છે. દુશ્મનના દુશ્મન દોસ્તવાળી આ વાત છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનનું વલણ આ જ દર્શાવે છે."

સેના અને સરકારની ભૂમિકા

બીબીસી સંવાદદાતા આસિફ ફારુકી જણાવે છે કે પાકિસ્તાનમાં પ્રતિબંધ હોવા છતાં જૈશ-એ-મહોમ્મદની પ્રવૃત્તિ દેખાઈ છે. જેના વિશે કહેવાય છે કે તેને પાકિસ્તાની જાસૂસી તંત્રની મદદ મળી રહી છે પણ તેનો કોઈ પુરાવો નથી.

તેઓ જણાવે છે, "વર્ષ 1999માં કંદહારકાંડ બાદ મસૂદ અઝહરે અફઘાનિસ્તાનમાં તાલિબાનની મદદથી જૈશ-એ-મહોમ્મદ બનાવ્યું."

"બે-ત્રણ વર્ષ બાદ તેઓ પાકિસ્તાન આવ્યા. તેમની ધરપકડ કરવામાં આવી અને તેમના સંગઠન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો."

"મેં આજ સુધી કોઈ નેતા નથી જોયા જેણે ખુલ્લેઆમ અથવા છૂપાઈને દબાતા સ્વરે પણ મસૂદ અઝહરની તરફેણમાં કોઈ વાત કરી હોય."

છતાં પાકિસ્તાનમાં એક વર્ગ એવો પણ છે જે તેમનું સમર્થન કરે છે. આસિફ ફારુકી જણાવે છે, "પાકિસ્તાનમાં મસૂદ અઝહરની કોઈ સારી છાપ નથી."

"બધા જ જાણે છે કે તે એક ઉગ્રવાદી જૂથના આગેવાન છે અને ઉગ્રવાદનો પ્રચાર કરે છે."

"ઘણી ઉગ્રવાદી ઘટનાઓમાં તેમનો હાથ રહ્યો છે. આજના યુવાનો તેમના વિશે સારી છાપ નથી ધરાવતા."

"પરંતુ સમાજનો એક વર્ગ એવો પણ છે કે જે તેમનું સમર્થન કરે છે. આ એવો લોકો છે જે ભારતને પોતાનું દુશ્મન માને છે અને ભારત તબાહ થઈ જાય તેવું ઇચ્છે છે."

તેઓ કહે છે, "કરાચીના એક કાર્યક્રમમાં લગભગ 17 વર્ષ પહેલાં જાહેરમાં દેખાયેલા મસૂદ અઝહર ત્યાર બાદ અન્ડર-ગ્રાઉન્ડ થઈ ગયા છે."

"હાફિઝ સઈદની જેમ તેમની મીડિયામાં પણ કોઈ ખાસ હાજરી નથી. ત્રણ વર્ષ પહેલાં પાકિસ્તાની કાશ્મીરના મુઝફ્ફરાબાદ પાસે જેહાદી આગેવાનોની કૉન્ફરન્સમાં તેમને છેલ્લી વખત જોયા હતા."

બીજિંગના વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તા જણાવે છે, "પાકિસ્તાનની સેના મસૂદ અઝહરની સાથે છે. આઈએસઆઈ પણ તેમના સમર્થનમાં છે."

"ચીન આઈએસઆઈ અને પાકિસ્તાની સેના નારાજ થયા તેવું નથી ઇચ્છતું, કારણ કે ચીનને પાકિસ્તાની સેનાની જરૂર છે."

"ચીનની સીમા પર શિનજિયાંગ વિસ્તાર છે, જ્યાં મુસલમાનોની વસતી છે. તેઓ સરકારના વિરોધમાં છે. ચીન નથી ઇચ્છતું કે તાલિબાન તેમની મદદથી એ તરફથી તેમની તરફ આવી જાય."

મસૂદ અઝહર મામલે ચીન પોતાનું વલણ નહીં બદલે

આ પ્રશ્ન પર ભારતના પૂર્વ ડિપ્લોમેટ વિવેક કાત્જુ કહે છે, "ચીન પાસે પોતાનું વલણ બદલવા માટેની આ તક છે."

"પરંતુ ચીન પોતાનું વલણ બદલશે નહીં, કારણ કે ઉગ્રવાદ અને ઉગ્રવાદનો ઉપયોગ પાકિસ્તાનની સિક્યૉરિટી ડૉક્ટ્રિનનો એક મહત્ત્વનો ભાગ છે."

"પાકિસ્તાનની સેના માટે આતંકી જૂથોનો ઉપયોગ કરવો જરૂરી છે. તેથી તેઓ તેમને શરણ અને પ્રોત્સાહન આપે છે."

"પરંતુ આપણે આશા રાખીએ કે એક દિવસ એવો પણ આવશે જ્યારે ચીન આ અંગે ગંભીરતાથી વિચારશે અને અનુભવશે કે આ કારણથી ભારતમાં લોકો તેમની વિરુદ્ધમાં છે."

"ભારત સાથે સારો સંબંધ જાળવી રાખવા માટે લોકોનો આક્રોશ યોગ્ય નથી."

શું ભારત ક્યારેય મસૂદ અઝહર સુદી પહોંચી શકશે?

શું અમેરિકાએ પાકિસ્તાનમાં જઈને લાદેન વિરુદ્ધ કરી તેવી કાર્યવાહી ભારત ક્યારેય કરી શકશે?

પ્રશ્નના જવાબમાં વિવેક કાત્જુ કહે છે, "અમેરિકાને લાદેન વિરુદ્ધ ઍક્શન લેવાની તક મળી અને તે પણ તેમને સરળતાથી નહોતી મળી."

"મને નથી લાગતું કે અમેરિકા સિવાય કોઈ બીજો દેશ આ રસ્તો અપનાવી શકે. દુનિયામાં અમેરિકાની ક્ષમતાને કોઈ નકારી શકતું નથી."

અમેરિકાની જેમ કાર્યવાહી ન કરી શકવું એ ભારતની નબળાઈ છે કે પસંદ એ અંગે કાત્જુ કહે છે, "હું માનુ છું એ ભારતની નબળાઈ કે પસંદ નહીં પણ વિચારધારા છે."

"વિચારધારા જ પાછળથી કાર્યવાહીનું સ્વરૂપ ધારણ કરે છે. મને નથી લાગતું કે ભારતે ક્યારેય આ પ્રકારની કાર્યવાહી વિશે વિચાર્યું છે."

"તેનાં ઘણાં આંતરરાષ્ટ્રિય પરિણામો હશે. તેથી આ રસ્તા વિશે ક્યારેય વિચાર કરવામાં આવ્યો નથી."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો