You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇયાન વાવાઝોડું : એ લોકો જેઓ વાવાઝોડાથી બચાવ માટે ઘર છોડી ન જઈ શક્યા
- લેેખક, બર્ન્ડ ડેબુસમાન જુનિયર અને એલેક્ઝાન્ડ્રા ઓસ્ટેસિએવિક્ઝ
- પદ, ફોર્ટ માયર્સ, ફ્લોરિડા
રેની સ્મિથ અને તેમના લકવા અને કૅન્સરગ્રસ્ત પતિ ક્રિસ્ટોફર માટે ઇયાન વાવાઝોડું ત્રાટક્યું તે સમયે ફ્લોરિડાના તેમના ઘરેથી અન્ય સ્થળે જતાં રહેવું એ વિકલ્પ નહોતો.
કોઈ પણ વિકલ્પ વગર સ્મિથનાં પત્ની સ્મિથની રક્ષા માટે આત્યંતિક ઉપાય કરવા પડ્યા.
તેમણે તેમના મુખ્ય દરવાજાને 150 માઇલ પ્રતિ કલાકની ગતિથી ચાલી રહેલ પવનથી બચાવવા માટે તેમના પતિની વ્હીલચૅરનો ઉપયોગ કર્યો અને તેમના હૉસ્પિટલ બેડને પાણીથી બચાવવા માટે તાડપત્રી અને કૅબલનો ઉપયોગ કર્યો.
જોકે તેમને એ ભય હતો કે કદાચ એટલું પણ પૂરતું નહીં રહે.
તેમણે પુંતા ગોર્ડા ખાતેથી પોતાના ઘરેથી બીબીસીને જણાવ્યું કે, "હું તેમની સંભાળ રાખું છું તેથી હું પણ રહી ગઈ." પુંતા ગોર્ડા વિસ્તાર એ ખાડીનો એવો વિસ્તાર છે જ્યાંના સ્થાનિકોને આ વાવાઝોડાની સૌથી વધુ અસર થઈ છે.
"મેં તેમની ગરદનની આસપાસ લાઇફ પ્રિઝર્વર રાખ્યું, તેમને ચુંબન કર્યું અને કહ્યું કે હું તેમને પ્રેમ કરું છું."
તેમના કિસ્સામાં તેમના પર વાવાઝોડાના કારણે ચાલી રહેલ ઝડપી હવાના કારણે સંકટ હતું. અન્ય ઘણાને તીવ્ર બનતા જતા વાવાઝોડાના કારણે અસર થઈ હતી.
ફોર્ટ માયર્સનાં રહેવાસી સુઝી મૅકે બીબીસીને જણાવ્યું કે વાવાઝોડા દરમિયાન તેમના ભાઈના મોબાઇલ હોમ પાર્કમાં આઠ ફૂટ કરતાં પણ વધુ પાણી જોવા મળ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "તેઓ તેમના ઘરે ઍર મૅટ્રેસ પર ચડી ગયા, કારણ કે બહાર નીકળવામાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તેમના ઘરમાં માત્ર એક ફૂટ સુધી જ હવા બાકી બચી હતી."
તેઓ કહે છે કે, "ત્યાં કોઈનો જીવ ન ગયો, પરંતુ હાલત ત્યાં ઘણી ખરાબ થઈ ચૂકી હતી."
પરંતુ બધા કંઈક એટલા ખુશનસીબ નહોતા. સ્થાનિક શૅરિફ અનુસાર ફ્લોરિડાની લી કાઉન્ટીમાં અત્યાર સુધી 35 લોકોનાં મૃત્યુ થયાં છે, અને મૃતાંક વધવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
ઇયાન વાવાઝોડામાં ફ્લોરિડાના અમુક રહેવાસીઓની ટીકા પણ થઈ છે, કારણ કે તેમણે વારંવાર કરાયેલ સ્થળાંતરની અરજીઓ અને ચેતવણી પર ધ્યાન નહોતું આપ્યું. પરંતુ સ્મિથ અને તેમના જેવા અન્ય હજારો માટે સ્થળાંતર માટેના આર્થિક અને માળખાગત પડકારો એવા હતા કે તેમના માટે રોકાવું એ જ એક વિકલ્પ હતો.
તેમજ અમુક લોકો ખરાબ નસીબના કારણે ત્યાં ફસાઈ ગયા હતા.
ઉદાહરણ તરીકે મેલૉડી નામનાં એક મહિલા, તેઓ ફોર્ટ માયર્સના ટેમ્પા ખાડી વિસ્તારમાં આવેલ તેમના ઘરમાંથી નીકળી ગયાં. પરંતુ જ્યાં સુધી વાવાઝોડા ઇયાને દક્ષિણ તરફ પોતાની દિશા બદલી હોવાની ખબર પડી, તેમના માટે ઘણું મોડું થઈ ગયું હતું.
ઇયાન વાવાઝોડાએ ફ્લોરિડામાં કેવી તબાહી મચાવી?
- અમેરિકાના ફ્લોરિડામાં ઇયાન વાવાઝોડું ત્રાટક્યું હતું
- કૅટગરી ચારના આ વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા
- સ્વતંત્ર નિષ્ણાતોના મતે વાવાઝોડાના કારણે ઘણા બિલિયન ડૉલરનું નુકસાન થયું છે
- પરંતુ આ ભયાનક વાવાઝોડામાં કેટલાક લોકો એવા પણ હતા જેઓ અમુક કારણોસર પોતાનાં ઘરો છોડીને નહોતા જઈ શક્યા
- વિસ્તારના ઘણા લોકો પુન:નિર્માણને લઈને આશાવાદી છે તો ઘણા પુન:નિર્માણને લઈને આશંકા વ્યક્ત કરી રહ્યા છે
તેમણે ફોર્ટ માયર્સ ખાતે મોબાઇલ હોમ પાર્કમાં બીબીસીને કહ્યું કે, "મારો વિસ્તાર સુરક્ષિત હોવાનું બહાર આવ્યું, તેને કોઈ અસર ન થઈ."
"જોકે હું અહીં આવી અને મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ મને થયો."
"જો હવે બીજી વખત વાવાઝોડું આવશે તો હું શિકાગો જતી રહીશ."
કઠોર નિર્ણય
ઇયાન વાવાઝોડાથી થયેલ નુકસાનનો આંકડો હજુ સુધી સામે આવી શક્યો નથી. પરંતુ સ્વતંત્ર નિષ્ણાતો આ વાવાઝોડાના કારણે ઘણા બિલિયન ડૉલરનું નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
મિલિમાન કન્સલ્ટન્સીના એક અનુમાન અનુસાર જે લોકોને વિસ્તારમાંથી ખસેડવામાં આવ્યા છે તે પૈકી માત્ર 18 ટકા પાસે જ પૂરને લગતો વીમો હતો. જેના કારણે મોટા ભાગના લોકો જેમનાં ઘરોનું નુકસાન થયું છે તેમને પોતાનું નુકસાનગ્રસ્ત ઘર બનાવવામાં ઘણી મુશ્કેલી પડશે.
ગવર્નર રોન ડે સાંટિસે ઇયાન વાવાઝોડાને "500 વર્ષમાં એક વાર આવતી પૂરની આપત્તિ" ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે, "કદાચ આ વાવાઝોડાએ અમારા રાજ્યનું ચરિત્ર બદલી નાખ્યું હશે."
આ પરિસ્થિતિમાં ફ્લોરિડાના ઘણા રહેવાસીઓ હવે એ વાતનો વિચાર કરવા લાગ્યા છે કે હવે તેમનું ભવિષ્ય કેવું રહેશે, રાજ્યમાં જ રહેવું કે જતાં રહેવું.
ફોર્ટ માયર્સથી 38 માઇલના અંતરે આવેલ નગર પૉર્ટ શારલોટના 48 વર્ષીય રહેવાસી, ટૉમે બીબીસીને કહ્યું કે તેમણે પોતાનાં 66 વર્ષીય માતા કૅથી સાથે વાવાઝોડાની બીજી સવારે નગર છોડી દેવાનો નિર્ણય લીધો છે.
અગાઉથી તેઓ કોલારાડો જવાની યોજના બનાવી ચૂક્યાં હતાં, પરંતુ વાવાઝોડાના કારણે તેમણે વાવાઝોડું પસાર થયું એની બીજી સવારે નીકવાનો નિર્ણય કરી લીધો.
કૅથીએ કહ્યું, "નગર તબાહ થઈ ચૂક્યું છે. તે સાથે પાછલાં છ વર્ષથી તેમનું ઘર પણ કંઈક આવી જ હાલતમાં હતું."
ઉત્તર ફોર્ટ માયર્સમાં સન સીકર્સ મોબાઇ હોમ પાર્કના રહેવાસીઓને સરકાર તેમની મિલકતોને 'રહેવા માટે અયોગ્ય' ગણાવી તેમને અન્ય સ્થળે ખસેડવા નિર્ણય લઈ શકે.
મોબાઇલ હોમ પાર્કનાં એક રહેવાસી સિન્ડી બ્રૅકેટ જણાવે છે કે તેમને તેમના ઘરેથી અન્યત્રે ખસેડવાની આશંકા ભયાનક વાવાઝોડાના તુરંત બાદ વધુ એક વિપત્તિ જેવું છે.
તેઓ કહે છે કે, "મારા આર્થરાઇટિસ સાથે હું કંઈ કરી શકતી નથી. હું મારા ઘરેથી બહાર પણ નીકળી નથી શકતી. મને ખૂબ જ નકામી હોઉં એવું લાગે છે."
તેઓ અહીંથી જવા માગતાં નથી અને તેમને ખબર નથી કે જો તેમને જવું પડશે તો તેઓ ક્યાં જશે.
સંઘીય અધિકારીઓ અને અમેરિકન રેડ ક્રૉસ અનુસાર હાલ દસ હજાર લોકો શેલ્ટરમાં રહી રહ્યા છે. આ આંકડામાં પોતાના મિત્રો, કુટુંબના ઘરે આશરો લેનાર લોકો સામેલ નથી. ના એવા લોકો સામેલ છે જેમણે વિસ્તાર સંપૂર્ણપણે ત્યાગી દેવો પડ્યો છે.
રાજ્ય અને સંઘીય અધિકારીઓએ રાહત માટે નાણાકીય સહાયનો વાયદો કર્યો છે. પરંતુ સપાટી પર રહેલ અમુક લોકોને આશંકા છે કે આ મદદ તેમના સુધી પહોંચશે કે કેમ.
પુન:નિર્માણ શરૂ
જે લોકો રહેવા માગે છે અને સક્ષમ છે, તેમના માટે પુન: નિર્માણનું કામ શરૂ કરી દેવાયું છે.
પશ્ચિમ ફ્લોરિડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં બીબીસીએ જોયું કે લોકોએ પોતાના કામ-ધંધાના સ્થળેથી અને ઘરેથી કાટમાળ કાઢવાનું અને સફાઈનું કામ શરૂ કરી દીધું છે.
ઘણાં સ્થળોએ લોકો વૃક્ષ હેઠળ કચડાઈ ગયેલ કે વાવાઝોડામાં ઊલટી પડી ગયેલ કાર, પાણીથી દૂર ફેંકાઈ ગયેલ હોડીઓને યોગ્ય સ્થળે લાવવા માટે મથી રહ્યા હોય તેવાં પણ દૃશ્યો જોવાં મળ્યાં.
ફોર્ટ માયર્સના એક રેસ્ટોરાંના માલિક કૅલ બ્રૂનો, જેમણે વાવાઝોડા સમયે રહેવાસીઓને મફત પાસ્તાની સેવા આપી હતી જણાવે છે કે, "અહીં લોકો બરબાદ થઈ ગયા છે."
અહીં રહીને બધું સુધારવા માટે પ્રયત્ન કરી રહેલ કેટલાક પૈકી એક બાંધકામક્ષેત્રે સંકળાયેલ એલેહાન્ડ્રો કરેરા છે. તેઓ ફોર્ટ માયર્સમાં 14 વર્ષથી રહે છે અને આર્જેન્ટિનાના ઇમિગ્રન્ટ છે.
તેમણે બીબીસીને કહ્યું કે, "અમે બધું ફરીથી ઊભું કરીશું. હું બાંધકામક્ષેત્રે સંકળાયેલો છું, હવે મારી પાસે ઘણું કામ હશે."
બધા આટલા આશાવાદી નથી
વૉશિંગટન ડીસીમાં રહેતા સાનિબેલ ટાપુના મૂળ નિવાસી ફોબે ગાવિનનાં માબાપે બચાવ માટે ફોર્ટ માયર્સ નજીક કૉઝ-વે પાર કરવું પડ્યું હતું. તેઓ કહે છે કે તેમને આશા નથી કે તેમના ટાપુ પર પુન:નિર્માણનું કામ ઝડપથી થશે.
સાનિબેલ ટાપુ દરિયાકાંઠાથી થોડું દૂર આવેલું છે. ટાપુની વસતિ છ હજાર છે. આ ટાપુ પર રહેનારા લોકો પર વાવાઝોડાની ગંભીર અસર થઈ હતી.
સાનિબેલ ટાપુને ફ્લોરિડાથી જોડતાં કોઝવને પણ વાવાઝોડામાં નુકસાન થયું છે, જેના કારણે શહેર સુધીની પહોંચને અસર થઈ છે.
તેમણે કહ્યું કે, "મને નથી લાગતું કે આ ટાપુનું પુન:નિર્માણ એ પ્રાથમિકતામાં ટોચ પર છે. જો આવતાં વર્ષ સુધી મને અગાઉની જેવો ટ્રાફિક દેખાવા લાગે તો એ વાત મારા માટે આશ્ચર્યજનક રહેશે."
તેમણે કહ્યું કે મુખ્ય શહેર સાથે કનેક્ટિવિટીના અભાવના કારણે ટુરિઝમ પર નિર્ભર ટાપુની વસતિ માટે આગળનો સમય મુશ્કેલીભર્યો રહેશે. કૉઝ-વેના વિકલ્પ જેમ કે ફેરી મુસાફરોને અન્ય સ્થળે દોરી જઈ શકે છે.
તેઓ આગળ કહે છે કે, "ઘણા લોકો સરળ વિકલ્પ પસંદ કરશે."
ફોર્ટ માયર્સનાં એક પેન્શનર લુસિઆ કિમ જણાવે છે કે સ્થાનિક જીવન અમુક સમય બાદ પાટે આવી જશે. પરંતુ વિસ્તારના નિવાસીઓ 'સ્પિરિટ' ગુમાવી દઈ શકે છે.
કિમ ન્યૂયૉર્કથી અહીં દસ વર્ષ પહેલાં આવ્યાં છે. તેમને વિસ્તારનો સ્વતંત્રતાનો ભાવ, સામાજિક એકતા અહીં ખેંચી લાવ્યાં હતાં.
તેઓ દૂર સ્થિત આર્ટ ડેકો બિલ્ડિંગ તરફ ઇશારો કરતાં કહે છે, "અહીંની 1960ની બાંધકામકળા પર જરા નજર કરો, ખબર નહીં ભવિષ્યમાં શું થશે?"
'હજી ઘણું ખરાબ થઈ શક્યું હોત'
ઇયાન વાવાઝોડું પસાર થયા બાદ રેની સ્મિથ નુકસાનના આકલન માટે બહાર આવ્યાં.
તેમને જે જોવા મળ્યું એ પ્રોત્સાહિત કરનાર નહોતું.
તેમનો ડ્રાઇવ વે કાટમાળથી ઢંકાયેલો છે. આસપાસની ઇમારતોને નુકસાન થયું છે અને તેના ટુકડા ખૂબ દૂર સુધી ઊડ્યા છે.
આટલું ઓછું હોય એમ તેમને જોવા મળ્યું કે તેમનો મુખ્ય દરવાજો હવે બંધ થતો નથી. તેમના ઘરની ચીમની તૂટી પડી છે. તેમજ તેમના ઘરની છતના અમુક ભાગ ઊડી ગયા છે, તેના કારણે હવે તેઓ અને તેમના પથારીવશ પતિ વધુ ખતરામાં મુકાઈ ગયા છે.
શ્રીમતી સ્મિથ સૂચવે છે કે આસપાસના વિસ્તારોમાં થયેલ નુકસાનના કારણે તેમના વિસ્તારના લોકો વધુ મક્કમ મન ધરાવતા થશે. વર્ષ 2004માં ત્રાટકેલ વાવાઝોડા ચાર્લી બાદ બનાવાયેલ ઇમારતોએ આ વખત વાવાઝોડા સામે સારી ટક્કર ઝીલી છે.
પરંતુ તેમના પતિની સ્થિતિને કારણે તેમણે તો દરેક સ્થિતિમાં ઘરે જ રહેવું પડશે, તેમના પાસે કોઈ વિકલ્પ નથી.
તેઓ ખુશ છે કારણે કુદરતે તેમને જીવનદાન આપ્યું છે. વાવાઝોડું પસાર થયા બાદથી ફ્લોરિડામાં વાદળછાયું વાતાવરણ છે, જે કારણે વિસ્તારની ગરમીથી લોકોને કામચલાઉ રાહત મળી છે.
તેઓ કહે છે કે, "દુષ્કાળ પછીની પરિસ્થિતિને જોતાં લાગે છે કે આ નુકસાન ખૂબ વધી ગયું હોત, પરંતુ એવું નથી થયું એટલે અમે નસીબદાર છીએ."
જૉન સડવર્થ અને અઝાદે મોશિરીએ વધારાનું રિપોર્ટિંગ કર્યું છે
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો