You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નોરા ફતેહી અને સંજય દત્તના ગીત પર પ્રતિબંધ, બોલીવૂડનું આઇટમ સૉન્ગ વિવાદમાં કેમ આવ્યું?
- લેેખક, શુભાંગી મિશ્રા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
કન્નડ ફિલ્મ 'કેડીઃ ધ ડેવિલ'નું ગીત 'સરકે ચુનર તેરી સરકે' અત્યારે વિવાદમાં ઘેરાયું છે. ત્યાર પછી ભારત સરકારે આ ગીતને તમામ પ્લેટફૉર્મ પરથી હટાવીને પ્રતિબંધ મૂકી દીધો છે.
નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવાયેલા આ ગીતના 'અશ્લીલ' શબ્દોના મામલે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો છે.
છેલ્લા એક અઠવાડિયામાં આ વિવાદ એટલો વકર્યો કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે કેન્દ્ર સરકારને કાનૂની નોટિસ મોકલી.
રાષ્ટ્રીય મહિલા પંચે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓને પોતાની સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યા. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ અલીગઢના સંગઠન મુસ્લિમ પર્સનલ દારુલ ઇફ્તાએ નોરા ફતેહી વિરુદ્ધ ફતવો બહાર પાડી દીધો.
ફિલ્મ સાથે સંકળાયેલા અલગ અલગ કલાકારોએ આ ગીતના શબ્દો અંગે અફસોસ વ્યક્ત કર્યો છે.
ગાયિકા માંગલીએ સોશિયલ મીડિયા પર માફી માંગી અને આ ગીતનું એક નવું વર્ઝન લાવવાનો વાયદો કર્યો છે.
ગીતકાર રકીબ આલમે કહ્યું કે આખા ગીતમાં એક પણ મૂળ શબ્દ તેમનો નથી, તેમણે માત્ર કન્નડમાંથી હિંદીમાં શબ્દોનો અનુવાદ કર્યો છે.
જ્યારે અભિનેત્રી નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને કહ્યું કે આ ગીત કન્નડમાં શૂટ કરવામાં આવ્યું હતું અને તેમને શબ્દોનો અર્થ ખબર ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "મેં જેવો હિંદી અનુવાદ સાંભળ્યો કે મારા કાન ઊભા થઈ ગયા. મને ખબર હતી કે ગીતના શબ્દો સામે વાંધો ઉઠાવાશે. મેં આ વાત ફિલ્મના ડાયરેક્ટરને પણ કહી હતી અને મેં આ ગીતને ક્યાંય પ્રમોટ કર્યું નથી."
'સરકે ચુનર તેરી સરકે' ગીત પર પ્રતિબંધ કેમ મૂકાયો
આ ગીતનો વિવાદ એટલી હદે વધ્યો કે સંસદમાં પણ તેની ચર્ચા થઈ. 17 માર્ચે માનવાધિકાર પંચે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના ચૅરમેન પ્રસૂન જોશી, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અને ગૂગલ ઇન્ડિયાને કાનૂની નોટિસ ફટકારી.
ત્યાર પછી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ સંસદમાં જાહેરાત કરી કે આ ગીતને તમામ ભાષાઓમાં દરેક પ્લેટફૉર્મ પરથી હટાવી દેવાશે.
આ દરમિયાન સીબીએફસી એટલે કે સેન્સર બોર્ડે કહ્યું કે આ ગીતને રિલીઝ પહેલાં તેની પાસે મંજૂરી માટે મોકલાયું ન હતું અને ઇન્ટરનેટ પર હાજર કન્ટેન્ટ પર તેનું કોઈ સીધું નિયંત્રણ નથી.
સીબીએફસીએ ઍક્સ પર લખ્યું કે "સીબીએફસી એક જવાબદાર અને સજાગ સંસ્થા છે. તેમના સભ્યો સિનેમામાં મહિલાઓના ચિત્રણને ગંભીરતાથી લે છે અને પોતાના પ્રયાસોથી વિવાદને વાતચીતની દિશામાં લઈ જવાની કોશિશ કરે છે."
સીબીએફસીની વેબસાઇટ મુજબ જ્યારે પણ કોઈ ફિલ્મ સર્ટિફિકેશન માટે અરજી કરે, ત્યારે તેણે ગીતો, તેના શબ્દો અને ટાઇમ કોડ પણ ક્લિયરન્સ માટે જમા કરાવવાના હોય છે.
ભારતમાં આઇટમ સૉંગ પર પ્રતિબંધ મૂકાયો હોય એવી આ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં ગાયક બાદશાહના હરિયાણવી ગીત તાતીરીને તમામ પ્લેટફૉર્મ પરથી દૂર કરાયું હતું.
અગાઉ ખલનાયક (1993) અને રાજા બાબુ (1994) જેવી ફિલ્મોનાં ગીતો ઑલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન જેવા પ્લૅટફૉર્મ પર પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
બોલીવૂડ અને 'આઇટમ સૉંગ'
બોલીવૂડમાં 'આઇટમ સૉંગ'ની પરંપરા ઘણી જૂની છે.
પત્રકાર અને ફિલ્મ વિવેચક સુપર્ણા શર્મા કહે છે કે 1940ના દાયકામાં, પુરુષ કલાકારો મહિલાઓના પોશાક પહેરીને નૃત્ય કરતા હતા. બાદમાં, 1940 અને 1950ના દાયકામાં અભિનેત્રી કુકુએ "પતલી કમર હૈ" (બરસાત, 1949) અને "બેચૈન દિલ ખોઈ સી નજર" (યહુદી, 1958) જેવાં હિટ ગીતો પર ડાન્સ કર્યો.
સુપર્ણા શર્માએ બીબીસીને જણાવ્યું, "કુકુના યુગ પછી હેલને બૉલિવૂડ પર ડાન્સિંગ ક્વીન તરીકે રાજ કર્યું, પરંતુ તેમને ક્યારેય 'આઇટમ ગર્લ' કહેવામાં આવ્યાં નહીં."
હેલનના સમયમાં "યે મેરા દિલ પ્યાર કા દીવાના" (ડોન, 1967) અને "પિયા તું અબ તો આજા" (કારવાં, 1971) જેવાં ઘણાં હિટ ગીતો આવ્યાં.
ઇકોનૉમિક ઍન્ડ પૉલિટિકલ વીકલીમાં પ્રકાશિત એક લેખ મુજબ, 1990ના દાયકામાં બોલિવૂડમાં "આઇટમ નંબર" શબ્દનો ઉપયોગ શરૂ થયો હતો.
આ લેખ મુજબ "આઇટમ ગર્લ" શબ્દનો ઉપયોગ સૌપ્રથમ મલાઇકા અરોરા ખાન માટે "છૈયા છૈયા" ગીત પછી કરવામાં આવ્યો હતો.
વિવેચક સુપર્ણા શર્માએ વધુમાં જણાવ્યું કે, "બોલિવૂડમાં આઇટમ ગર્લ્સને મોટા ભાગે ફક્ત કોઈ ગીતમાં નૃત્ય કરવા માટે રાખવામાં આવે છે. ફિલ્મમાં તેમનો કોઈ મુખ્ય કે વિશિષ્ટ રોલ હોતો નથી."
ચેન્નાઈ સ્થિત ફિલ્મ વિવેચક રમેશ બાલાએ જણાવ્યું હતું કે આજની અભિનેત્રીઓ "આઇટમ નંબર" શબ્દનો ઉપયોગ કરવાને બદલે "સ્પેશિયલ સૉંગ" શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
તેમણે કહ્યું કે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ અભિનેત્રીઓ અગાઉ આવાં ગીતો ટાળતી હતી, જ્યારે સિલ્ક સ્મિતા અથવા ડિસ્કો શાંતિ જેવી ડાન્સરો આ ભૂમિકાઓમાં જોવા મળતી હતી.
બીબીસી હિન્દી સાથે વાત કરતા તેમણે કહ્યું, "એવું નથી કે આ ગીતો પહેલાં બન્યા ન હતા. પરંતુ તે સમયે ગીતકારો પાસે શબ્દરચના દ્વારા અર્થ છુપાવવાની કુશળતા હતી."
"આજકાલ, ગીતના શબ્દો અને વિઝ્યુઅલ બહુ સીધા અને વલ્ગર બની ગયા છે."
આઇટમ સૉંગ અંગે યુવા પેઢીના વિચારો
આ ગીતને લગતા વિવાદ બાદ બીબીસી હિન્દીએ ફિલ્મ નિર્માતાઓ, વિવેચકો અને યુવા પેઢીના લોકો સાથે તેમના મંતવ્યો સમજવા માટે વાત કરી.
ફિલ્મ સમીક્ષક ઇશિતા સેનગુપ્તાએ કહ્યું કે આવાં ગીતો ફિલ્મો પ્રત્યે આકર્ષણ વધારવા માટે પણ લખાય છે.
બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ફિલ્મ 'કેડી: ધ ડેવિલ' છેલ્લા એક અઠવાડિયાથી સમાચારમાં છે. જો ગીતના શબ્દો આટલા વિવાદાસ્પદ ન હોત, તો કોઈ ફિલ્મ વિશે આટલી બધી વાત કરી ન હોત."
જ્યારે "અનારકલી ઑફ આરા" (2017) અને "ઇન ગલીયોં મેં" (2025)ના નિર્દેશક અવિનાશ દાસે કહ્યું, "આ ગીત આ ફિલ્મને ચર્ચામાં લાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે."
અવિનાશ દાસના મતે, "સરકે ચુનર તેરી" ના શબ્દો કંઈક વધારે જ ખરાબ છે અને તેમાં કોઈ પ્રતીક કે સૌંદર્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે સમાજમાં પ્રવર્તતા પાર્ટી કલ્ચરમાં ગીતના શબ્દો ખાસ મહત્ત્વ નથી ધરાવતા.
તે કહે છે, "પાર્ટી કલ્ચરમાં લોકોને શબ્દોથી ફરક નથી પડતો જેટલો ધમાકેદાર મ્યુઝિકથી પડે છે. "સૈરાટ" ફિલ્મનું "ઝીંગાટ" ગીત આજકાલ બિહારમાં પણ વાગતું સાંભળવા મળે છે."
બીબીસીએ દિલ્હી યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી જેથી બોલીવૂડના આઇટમ ગીતો પર યુવા પેઢીના વિચારો સમજી શકાય.
પોલિટિકલ સાયન્સનાં વિદ્યાર્થીની કોમલે કહ્યું કે ડાન્સ ગીતોની લય ભલે ઊર્જાભરી હોય, પરંતુ તેમના શબ્દો વાંધાજનક હોય છે.
તેમનાં મિત્ર અનુષ્કાએ કહ્યું, "નોરા ફતેહીના નવા ગીતના શબ્દો ખૂબ જ ખરાબ છે. તેના પર પ્રતિબંધ મૂકવો બિલકુલ યોગ્ય છે."
અંગ્રેજી સાહિત્યનાં વિદ્યાર્થીની જયશ્રીએ કહ્યું, "ડાન્સ ગીતો લોકપ્રિય હોઈ શકે છે, પરંતુ આજના સમયમાં તેનું કોઈ સ્થાન નથી."
રૂપાલી અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. તેઓ કહે છે, "જે દેશમાં જેન્ડરને સંવેદનશીલ રીતે સમજવાની જરૂર છે, ત્યાં આવા ગીતો કેમ બને છે? આવાં ગીતો લખાવા જ ન જોઈએ."
જોકે, કેટલાક વિદ્યાર્થીઓએ પ્રતિબંધનો વિરોધ પણ કર્યો હતો.
રાહુલ નામના વિદ્યાર્થીએ કહ્યું કે, "મને તો ડાન્સ ગીતો બહુ ગમે છે. જે લોકો તેમને સાંભળવા માંગતા નથી તેમણે ન સાંભળવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન