You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન: ખામેનેઈનાં દીકરી-જમાઈ અને ટોચની લીડરશિપ સુધી, હુમલામાં કોણ-કોણ માર્યું ગયું?
અમેરિકા અને ઇઝરાયલે ઈરાનનાં અનેક શહેરો પર હુમલા કર્યા હતા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું છે. તેમના સાથે ઈરાની સૈન્યના ચીફ ઑફ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવી અને રક્ષા પ્રધાન મેજર જનરલ અઝીઝ નાસિરઝાદેહ પણ માર્યા ગયા છે.
આઇઆરજીસીના વડા જનરલ મહમ્મદ પાકપુર અને કેટલાક વરિષ્ઠ કમાન્ડરોના માર્યા જવાના સમાચારની પણ પુષ્ટિ થઈ છે.
રવિવારે વહેલી સવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ખામેનેઈના મૃત્યુ અંગે દાવો કર્યો હતો. એ પછી ઈરાનના સરકારી મીડિયાએ ખામેનેઈનાં મૃત્યુની પુષ્ટિ કરી અને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું: "ઇતિહાસના સૌથી ખરાબ લોકોમાંથી એક ખામેનેઈનું હવે મોત થયું છે."
અમેરિકામાં બીબીસીના સહયોગી મીડિયા નેટવર્ક CBSએ સૂત્રોના હવાલે જણાવ્યું કે આ હુમલાઓમાં અંદાજે 40 ઈરાની અધિકારીઓ માર્યા ગયા છે.
ખામેનેઈ સિવાય અન્ય કોણ-કોણ મૃત્યુ પામ્યા?
અમેરિકા અને ઇઝરાઇલના હુમલામાં ઈરાની સૈન્યનું ટોચનું નેતૃત્વ પણ માર્યું ગયું છે.
ઈરાની ટેલિવિઝનની રિપોર્ટ મુજબ, દેશના સશસ્ત્ર દળોના ચીફ-ઑફ-સ્ટાફ અબ્દુલરહીમ મૌસાવી હવાઈ હુમલામાં મોતને ભેટ્યા છે.
ઈરાને આ વાતની પણ પુષ્ટિ કરી છે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડર જનરલ મહમ્મદ પાકપુરની પણ આ હુમલામાં મૃત્યુ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત રક્ષામંત્રી મેજર જનરલ અઝીઝ નાસિરઝાદેહ અને સુપ્રીમ ડિફેન્સ કાઉન્સિલના ચૅરમૅન અલી શમખાનીનું પણ મૃત્યુ થયું છે. સરકારી મીડિયાએ આ વાત પણ કહી છે કે ખામેનેઈનાં પુત્રી, જમાઈ તેમજ પૌત્ર કે પૌત્રીનાં પણ આ હુમલામાં મૃત્યુ થયાં છે.
ઈરાનના સરકારી ટીવીના પ્રસ્તુતકર્તાએ રડતાં-રડતાં ખામેનેઈનાં મૃત્યુની જાહેરાત કરી અને જણાવ્યું કે દેશમાં 40 દિવસનો શોક મનાવવામાં આવશે.
ગુપ્તચર અને સૈન્ય સૂત્રોને ટાંકતા CBS ન્યૂઝને જણાવ્યું છે કે આ હુમલામાં કુલ મળીને લગભગ 40 ઈરાની અધિકારીઓ માર્યા ગયા છે.
આઇઆરજીસીના દાવા પછી તણાવ વકરવાની આશંકા
ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરે (આઇઆરજીસી) એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે અમેરિકાનાં સૈન્યમથકો તથા ઇઝરાયલ ઉપર હુમલા કરવાની ચેતવણી ઉચ્ચારી હતી.
જેમાં જણાવ્યું હતું, 'ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનની સશસ્ત્ર સેના ઇતિહાસનો સૌથી મોટો હુમલો થોડીવારમાં અમેરિકાના આતંકવાદી અડ્ડા તરફ શરૂ થશે.'
એ પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું, "ઈરાને હમણાં કહ્યું છે કે આજે તેઓ ખૂબ જ જોરદાર હુમલો કરશે, એટલો જોરદાર કે તેમણે અગાઉ ક્યારેય નથી કર્યો. પરંતુ, તેઓ આમ ન કરે, તો સારું રહેશે. કેમ કે જો તેઓ આમ કરશે તો અમે તેમની ઉપર એવો જોરદાર હુમલો કરીશું, જેઓ તેમણે અગાઉ ક્યારેય નહીં જોયો હોય."
બીબીસીની ફાસરી સેવાના જણાવ્યા પ્રમાણે, આઇઆરજીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 'આ વિસ્તારમાં 27 અમેરિકન ઠેકાણાંની સાથે તેલ અવીવ બેઝ, ઇઝરાયલની સેનાના જનરલ કમાન્ડ મુખ્યાલય તથા તેલ અવીવ ખાતે વિશાળ ડિફેન્સ કૉમ્પલેક્સને નિશાન બનાવ્યું છે.'
આઇઆરજીસીનું કહેવું છે કે તે અમેરિકાનાં ઠેકાણાંમાં ખતરાના સાયરન બંધ નહીં થવા દે.
દરમિયાન રવિવારે સવારે ફરી વખત તહેરાનમાં ધડાકા સંભળાયા હતા. ઇઝરાયલનું કહેવું છે કે તેણે નવેસરથી હુમલા શરૂ કર્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન