ઈરાન માટેની આ તક અમેરિકા અને ઇઝરાયલ શા માટે નહોતા જવા દેવા માંગતા?

    • લેેખક, જેરેમી બોવેન
    • પદ, ઇન્ટરનૅશનલ ઍડિટર
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાન સાથે નવેસરથી યુદ્ધ કરવાનો અમેરિકા તથા ઇઝરાયલનો નિર્ણય ખૂબ જ ભયાનક પરિસ્થિતિ ઊભી કરી શકે છે અને તેનાં અણધાર્યાં પરિણામો આવી શકે છે.

ઇઝરાયલે આ હુમલાને વાજબી ઠેરવવા માટે "જોખમ ટાળવા માટેનું આગોતરું પગલું" ગણાવ્યું છે. આનો અર્થ એ થયો કે ઇઝરાયલ ઉપર તત્કાળ કોઈ જોખમ ન હતું. બલ્કે, આ યુદ્ધ પસંદ કરવામાં આવ્યું છે.

ઇઝરાયલ તથા અમેરિકાની ગણતરી છે કે હાલમાં ઈરાનની ઇસ્લામિક સરકાર કફોળી પરિસ્થિતિમાં છે. આયાતુલ્લાહ અલી ખામેનેઈ, ટોચના રાજનેતાઓ અને સશસ્ત્ર દળોના કમાન્ડરોનાં મૃત્યુ પછી સ્થિતિ વધુ કફોળી બની છે.

જોકે, ગાર્જિયન કાઉન્સિલે સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે અને ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે આગામી એક-બે દિવસમાં 'સર્વોચ્ચ નેતા'ની ચૂંટણી કરી લેવામાં આવશે.

ઇઝરાયલમાં આંતરિક આર્થિકસંકટ ચાલી રહ્યું છે, ચાલુ વર્ષની શરૂઆતમાં જે વિરોધપ્રદર્શન શરૂ થયાં હતાં, તેને ક્રૂરતાપૂર્વક કચડી નાખવામાં આવ્યાં હતાં.

જૂન-2025માં જે યુદ્ધ થયું હતું, તેમાં ઈરાનની હવાઈ સુરક્ષા પ્રણાલીને ખાસ્સું નુકસાન થયું છે તથા તે હજુ સુધી દુરસ્ત નથી થવા પામી. એટલે તેમની ગણતરી છે કે આ એવી તક છે કે જેને જતી ન કરવી જોઈએ.

છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ડગમગી રહી હતી, આ તેના ઉપર કારમો પ્રહાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ તેમનાં નિવેદનમાં કહ્યું છે કે ઈરાનને કારણે તેમના દેશ ઉપર જોખમ હતું. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન વૈશ્વિક જોખમ છે.

અમેરિકા-ઇઝરાયલ વિ. ઈરાન અને કારણો

ઈરાનની ઇસ્લામિક સરકાર તથા અમેરિકા-ઇઝરાયલ વચ્ચે કટ્ટર દુશ્મનાવટ પ્રવર્તે છે, એ વાતમાં કોઈ શંકા નથી. પરંતુ એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ-અમેરિકા. આ સંજોગોમાં સ્વરક્ષણનો તર્ક કાયદેસર રીતે ન્યાયસંગત નથી જણાતો, કારણ કે તેમની શક્તિઓમાં જમીન-આસમાનનો તફાવત છે.

યુદ્ધએ રાજકીય કૃત્ય છે. એક વખત સશસ્ત્ર સંઘર્ષ શરૂ થાય, એટલે તેને અટકાવવો ખૂબ જ કપરો હોય છે. યુદ્ધમાં ઊતરતા પહેલાં નેતાઓનાં મનમાં યુદ્ધ દ્વારા તેઓ શું હાંસલ કરવા માંગે છે, તેના વિશે સ્પષ્ટતા હોવી જોઈએ.

નેતન્યાહૂ દાયકાઓથી ઈરાનને ઇઝરાયલના ખૂબ જ ખતરનાક દુશ્મન તરીકે જુએ છે. તેમના માટે હાલની પરિસ્થિતિ ઈરાનની સરકારને પહોંચાડી શકાય એટલું નુકસાન પહોંચાડવાની તક છે.

આગામી મહિનાઓમાં ઇઝરાયલમાં ચૂંટણી યોજાવાની છે. હમાસ અને ઇઝરાયલ વચ્ચે બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ભૂતકાળને જોતા કહી શકાય છે કે ઇઝરાયલ યુદ્ધ લડી રહ્યું હોય, ત્યારે નેતન્યાહૂની રાજકીય સ્થિતિ મજબૂત બનતી હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિત્વ મુજબ જ, આ યુદ્ધમાં ઝંપલાવવા પાછળનાં કારણો અચાનક બદલાતાં રહે છે. જાન્યુઆરી-2026માં ઈરાનમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં હતાં, ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે 'દેખાવકારો માટેની મદદ રસ્તામાં છે.'

જોકે, એ સમયે અમેરિકાનું નૌકાદળ વેનેઝુએલાના નેતા નિકોલસ મદુરોને પદચ્યુત કરવા માટે પ્રયાસરત હતું, એટલે તેમની પાસે મર્યાદિત સૈન્ય વિકલ્પો હતા.

અમેરિકાએ આ ભૂભાગમાં તેના બે નૌકાકાફલા તહેનાત કર્યા છે. આ સિવાય તેણે ખાસ્સા એવા પ્રમાણમાં ખુશ્કીદળ પણ ખડક્યું છે.

ટ્રમ્પે ઈરાનની ન્યુક્લિયર મહત્ત્વકાંક્ષા અંગે વારંવાર વાત કરી છે. જોકે, જૂન-2025માં અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ ઉપર હુમલા કર્યા, ત્યારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અણુમથકોને "નામશેષ" કરી દેવાયાં છે.

ઈરાનની સરકારનું કહેવું છે કે તે અણુહથિયાર બનાવવા નથી માંગતી. જોકે, અણુઊર્જાના ઉત્પાદનમાં ખૂબ જ સંવર્ધિત યુરેનિયમની જરૂર નથી પડતી.

કમ સે કમ એવું લાગે છે કે તે અણુબૉમ્બ બનાવવાનો વિકલ્પ ખુલ્લો રાખવા માંગે છે. હજુ સુધી ઇઝરાયલ કે અમેરિકાએ એવા કોઈ પુરાવા સાર્વજનિક નથી કર્યા કે જેનાથી એવું સાબિત કરી શકાય કે ઈરાન અણુબૉમ્બ બનાવી રહ્યું હતું.

પોતાના વીડિયોમાં ટ્રમ્પે ઈરાનીઓને કહ્યું "સ્વતંત્રતાનો સમય" આવી ગયો છે. નેતન્યાહૂએ પણ આવો જ સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે આ યુદ્ધથી ઈરાનની જનતાને વર્તમાન સરકારને ઉખેડી ફેંકવાની તક મળશે. એ એટલું સહેલું નથી.

હવાઇહુમલા અને સત્તાપરિવર્તન વચ્ચે સંબંધ છે?

હવાઇહુમલા કરવાથી સત્તાપરિવર્તન થાય એવા કોઈ દાખલા નથી. વર્ષ-2003માં ઇરાકમાંથી સદ્દામ હુસૈનના શાસનને હઠાવી દેવામાં આવ્યું હતું. એ સમયે અમેરિકાનાં નેતૃત્વમાં બહુ મોટી સેનાએ જમીનના રસ્તે હુમલો કર્યો હતો.

વર્ષ 2011માં બળવાખોર સશસ્ત્ર દળો દ્વારા લિબિયામાંથી ગદ્દાફીને સત્તા પરથી હઠાવી દેવામાં આવ્યા હતા. જેના માટે નાટો તથા કેટલાક આરબ દેશોએ હવાઈહુમલા કર્યા હતા.

આ બંને કિસ્સામાં સરકારનું પતન થયું એ પછી આંતરિક ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને હજારો લોકો માર્યા ગયા હતા.

લિબિયા હજુ બેઠું નથી થઈ શક્યું અને ત્યાં અંધાધૂંધી પ્રવર્તે છે. જ્યારે ઇરાક હજુ પણ એ સૈન્યકાર્યવાહી તથા એ પછી ફાટી નીકળેલી લોહિયાળ હિંસાનાં પરિણામ ભોગવી રહ્યું છે.

જો માત્ર હવાઇહુમલાને કારણે સત્તાપરિવર્તન થશે, તો પણ ઇસ્લામિક સરકારના સ્થાને કોઈ ઉદારમતવાદી લોકશાહી સરકાર નહીં આવે, જે માનવાધિકારોનું સન્માન કરે. કોઈ વિશ્વાસપાત્ર વૈકલ્પિક સરકારનો વિકલ્પ નજરે નથી પડતો.

લગભગ અડધી સદીથી ઈરાનમાં સરકાર સત્તા ઉપર છે. તેણે વિચારધારા, ભ્રષ્ટાચાર અન જરૂર પડ્યે ક્રૂરતાપૂર્વક બળપ્રયોગના કારણે જટિલ પ્રકારની રાજકીય વ્યવસ્થા ઊભી કરી છે.

તહેરાનની સરકાર જરૂર પડ્યે દેખાવકારોની હત્યા કરી શકે છે અને આ વાત જાન્યુઆરી મહિનામાં સ્પષ્ટ થઈ ગઈ હતી.

ઈરાન અને સુપ્રીમ લીડરની હત્યા

સરકાર પાસે એવા સુરક્ષાબળો છે જે એક આદેશ પર સ્વતંત્રતા અને વ્યવસ્થાપરિવર્તનની માંગ કરી રહેલા પોતાના દેશબાંધવો ઉપર ગોળીબાર કરી શકે છે.

અમેરિકા અને ઇઝરાયલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખોમેનેઈની હત્યા કરી નાખી છે. ઇઝરાયલ રાજકીય હત્યાને વ્યૂહરચના તરીકે જુએ છે.

ગત બે વર્ષ દરમિયાન ગાઝામાં હમાસ તથા લેબનોનમાં હિઝબુલ્લાહના અનેક નેતાઓ અને તેમના સહાયકોની ઇઝરાયલે હત્યા કરી છે. શનિવારની કાર્યવાહીમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈ, રાજકીય નેતાઓ તથા અનેક સૈન્ય નેતાઓ મૃત્યુ પામ્યુ પામ્યા છે.

જોકે, ઈરાનની ઇસ્લામિક સરકારની વાત અલગ છે. તે કોઈ સશસ્ત્ર બળ કે ચળવળ નથી. તે એક દેશ છે અને તેની પોતાની સરકાર છે. ત્યાં કોઈ 'વન-મૅન શૉ' નથી. ખોમેનેઈના મૃત્યુ પછી તેની જગ્યાએ બીજા કોઈ ધાર્મિક નેતા આવશે.

આ નેતાને ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્ કોરનો (આઇઆરજીસી) ટેકો મળશે. જે પરંપરાગત સેનાની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. આઇઆરજીસીનું કામ વર્તમાન સરકારને દેશ તથા વિદેશમાંથી ઊભા થતાં કોઈ પણ જોખમથી બચાવવાનું છે.

ટ્રમ્પનું કહેવું હતું કે જો તેઓ હથિયાર ત્યજી દે તો તેમને દયાદાન આપવામાં આવશે અન્યથા તેમનું મોત નક્કી છે. આઇઆરજીસી આ ઓફરથી લલચાઈ જાય એવી શક્યતા નથી. શિયા ઇસ્લામ તથા ઇસ્લામિક ગણરાજ્યની વિચારધારામાં 'શહીદી' એ સાતત્યપૂર્ણ વિચાર છે.

ઈરાનનાં અલગ-અલગ શહેરોમાં જે હુમલા કરવામાં આવ્યા છે, તેમાં આઇઆરજીસીનાં કેટલાંક મથકોનો પણ સમાવેશ થાય છે.

ટ્રમ્પ માને છે અને પોતાના પુસ્તકમાં પણ લખે છે કે રાજકારણ અને જીવનમાં 'આપ-લે' દ્વારા કંઈપણ કરાવી શકાય છે.

જોકે, ઈરાન સાથે ડીલ કરતી વખતે તમારે વિચારધારા અને માન્યતાની તાકતને પણ ધ્યાને લેવા પડે અને તેને માપવા માટેનું કોઈ પરિમાણ નથી.

ઈરાન માટે આક્રમણ અપેક્ષિત હતું

વર્ષની શરૂઆતથી જ તણાવ પ્રવર્તમાન હતો. અમેરિકાએ તેના નૌકાકાફલાને વિશ્વના આ ભૂભાગમાં મોકલ્યા હતા. ત્યારથી જ આગમના અણસાર સ્પષ્ટ હતા.

ગત વર્ષે વાટાઘાટો ચાલી રહી હતી, ત્યારે જ ઇઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન ઉપર હુમલો કરી દીધો હતો.

આ વખતે પણ ઈરાનમાં સરકારને લાગતું હતું કે યુદ્ધને ટાળી નહીં શકાય, છતાં તેઓ વાટાઘાટો કરી રહ્યા હતા.

અમેરિકન તથા ઇઝરાયલીઓમાં ઈરાનને લગીરેય વિશ્વાસ નથી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ઈરાન સાથેની અણુસંધિમાંથી અમેરિકા ખસી ગયું હતું.

એ સંધિને કારણે ઈરાનના પરમાણુ કાર્યક્રમ ઉપર નિયંત્રણ હતું. તેને તત્કાલીન ઓબામા સરકારની વિદેશનીતિની જ્વલંત સિદ્ધિ માનવામાં આવતી હતી.

એવા અણસાર હતા કે ઈરાન કોઈ સંધિ ઉપર હસ્તાક્ષર કરી દેશે, કદાચ આમ કરીને તે સમય મેળવવા માંગતું હતું. પરંતુ એવું જણાય છે કે અમેરિકા દ્વારા ઈરાનના મિસાઇલ કાર્યક્રમ ઉપર ભારે નિયંત્રણોની માગ કરવામાં આવી હતી.

સાથે જ ઇઝરાયલ અને અમેરિકાનો વિરોધ કરી રહેલાં પ્રાદેશિક જૂથોને ટેકો આપવાનું બંધ કરે એવી અમેરિકાની માગણી હતી.

જોકે ઈરાનને આ વાત મંજૂર ન હતી. તેને લાગતું હતું કે જો તે મિસાઇલ કાર્યક્રમ ત્યજી દે તથા વિશ્વના આ ભૂભાગમાં તેનાં પરોક્ષ સાથીદળો નહીં રહે તો ઈરાનની સરકારનાં પતનની શક્યતાઓ વધી જશે. હવે, વાસ્તવિકતા ઉપર નજર કરીએ તો હુમલો થયો છે.

હાલ તો ઈરાનના નેતાઓ આ યુદ્ધમાંથી કેવી રીતે પાર ઊતરવું, કેવી રીતે ટકી રહેવું અને એ પછી જે પરિસ્થિતિ ઊભી થાય, તેને કેવી રીતે પહોંચી વળવું તેની ગણતરીમાં લાગેલા હશે.

સાઉદી અરેબિયાના નેતૃત્વમાં પાડોશી દેશો આ સૈન્યકાર્યવાહીથી જે અનિશ્ચિત પરિસ્થિતિ ઊભી થશે, તેનાથી ખિન્ન હશે.

વિશ્વમાં પહેલાંથી જ ભારે અનિશ્ચિતતા, હિંસા અને જોખમી પરિસ્થિતિ પરિસ્થતિ પ્રવર્તમાન છે, ત્યારે મધ્યપૂર્વમાં ઊભો થયેલો આ તણાવ અન્યત્ર પણ ફેલાઈ શકે છે. તેના કારણે આ વિસ્તારમાં ફરીથી ભયંકર યુદ્ધ અને અસ્થિરતા શરૂ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન