વૈભવ સૂર્યવંશી:15 વર્ષીય ખેલાડી, જેને ક્રિકેટ હવે અવગણી શકે તેમ નથી

    • લેેખક, આનંદ વસુ
    • પદ, ક્રિકેટ લેખક
  • વાંચવાનો સમય: 5 મિનિટ

વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સિઝન શનિવારથી શરૂ થઈ રહી છે ત્યારે મોટાં નામો પર ઘણાનું ધ્યાન રહેશે. તેમાંનું કેટલુંક કિશોર વયના ક્રિકેટરો પર પણ હશે.

આઇપીએલ 27 માર્ચે શરૂ થશે તેના એક દિવસ પહેલાં રાજસ્થાન રૉયલ્સના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી 15 વર્ષના થઈ જશે. તેની સાથે ક્રિકેટના સૌથી રસપ્રદ સવાલો પૈકીનો એ સવાલ કેન્દ્રમાં છે કે વૈભવ મોટી ટૂર્નામેન્ટ માટે તૈયાર છે?

વૈભવ ત્રણ વર્ષ પહેલાં ચર્ચામાં આવ્યા હતા. એ વખતે તે 12 વર્ષના બૅટ્સમૅન હતા અને તેમના પિતાથી બમણી વયના બૉલર્સની જોરદાર ધોલાઈ કરતા હતા.

ત્યારથી અત્યાર સુધી તેમની બૅટિંગની ક્વોલિટી, તેનું સાતત્ય અને બહુ જ ઝડપી સ્ટ્રાઇક રેટ સાથે મોટો સ્કોર બનાવવાની તેમની ભૂખ સૌથી વધારે ચર્ચાનો વિષય બની રહી છે.

ક્રીઝ પરનો વૈભવ સ્વાભાવિક રીતે આક્રમક બૅટ્સમૅન છે. તેઓ બૉલની રાહ જોવાને બદલે તેના પર હુમલો કરે છે અને એ તેમના સૌથી શ્રેષ્ઠ ફૉર્મમાં હોય છે ત્યારે તેમના શોટ્સમાં એવી શાનદાર શૈલી જોવા મળે છે, જેની તુલના ઘણા લોકો મહાન ગેરી સોબર્સ સાથે કરે છે.

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઇસીસી) 2020માં એક ભેદરેખા દોરી હતી. "ખેલાડીઓની સુરક્ષા"ના નામે લઘુતમ વયનો નિયમ બનાવ્યો હતો. અંડર-19ના સ્તરે પણ સંદેશો સ્પષ્ટ હતો કે 15 વર્ષથી ઓછી વયનો કોઈ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય મંચ પર ડગલું મૂકશે નહીં.

આઇસીસીએ લઘુતમ વયનો નિયમ પહેલી વાર બનાવ્યો એ પહેલાં પાકિસ્તાનના હસન રઝાના નામે સૌથી નાની વયના પુરુષ ટેસ્ટ ક્રિકેટર હોવાનો રેકોર્ડ હતો. હસન રઝાએ 1996માં ડેબ્યૂ કર્યું ત્યારે તેમની વય 14 વર્ષ અને 227 દિવસ હતી.

હસન રઝાનો રેકૉર્ડ હજુ યથાવત્ છે, પરંતુ એક મર્યાદા ચૂપચાપ હઠી ગઈ છે. એ છે સચીન તેંડુલકરે બનાવેલો બૅન્ચમાર્ક. સચીને 16 વર્ષ અને 205 દિવસની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. એ હવે વૈભવ સૂર્યવંશીની પહોંચની બહાર નથી.

ભારતીય પસંદગીકારો વધારે રાહ જોશે તો તે આશ્ચર્યની વાત હશે. સચીન પછી અનેક યુવા પ્રતિભાઓને ઝડપથી આગળ વધારવામાં આવી છે, પરંતુ બહુ ઓછા ખેલાડીઓમાં નાની વયે આ પ્રકારની નિશ્ચિતતા જોવા મળી છે. વૈભવ સૂર્યવંશી માત્ર આશાસ્પદ જ નથી લાગતા, પરંતુ તે ભારતની જર્સી પહેરવા માટે જ સર્જાયા હોય એવું લાગે છે.

વિચિત્ર વાત એ છે કે વૈભવની ઝડપી પ્રગતિમાં જેટલો સાથ નસીબનો છે તેટલો જ તેમની કાબેલિયતનો પણ છે.

વિનુ માંકડ ટ્રૉફી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીબીસીઆઇ)ની ઘરેલુ અંડર-19 ટુર્નામેન્ટ છે. ચંદીગઢમાં યોજાયેલી વિનુ માંકડ ટ્રૉફીની એક મૅચને જોવા માટે સિલેક્ટર તિલક નાયડુને મોકલવામાં આવ્યા હતા. એ મૅચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી.

નાયડુ પાસે ખાલી સમય હતો અને તેમણે બિહારના એક છોકરા વિશે ઘણી વાતો સાંભળી હતી. તેથી તેઓ એ સમયે રમાઈ રહેલી એક બીજી મૅચ જોવા ગયા હતા.

એ બાબત નિર્ણાયક પુરવાર થઈ હતી. એ વખતે વૈભવ હજુ ટીનેજર પણ નહોતા અને તેમણે 76 બૉલમાં 86 રન ફટકારીને બિહારને આસામ સામે જીત અપાવી હતી. એ ઇનિંગ્ઝ એટલી જબરજસ્ત હતી કે તેને કારણે વૈભવની પ્રગતિનો માર્ગ ખૂલી ગયો.

વૈભવની કાબેલિયત અને તેમણે ફટકારેલી બે અડધી સદીઓથી નાયડુને એટલી હદે ખાતરી થઈ ગઈ હતી કે તેમણે બૅંગ્લુરુમાં બીસીઇઆઈના સેન્ટર ઑફ એક્સેલન્સના વડા વીવીએસ લક્ષ્મણ સાથે વાત કર્યા બાદ આ બૅટ્સમૅનને ઝડપથી આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો.

સદી ફટકારનાર સૌથી નાની વયના ખેલાડી

વૈભવે દરેક પગલે તેનો લય જાળવી રાખ્યો હતો. નવેમ્બર – 2023માં અંડર-19 ચૅલેન્જર ટ્રૉફીમાં વૈભવે અઢળક રન બનાવ્યાં હતા અને પછી એ મહિનાની આખરમાં ઇંગ્લૅન્ડ તથા બાંગ્લાદેશ સામેની ઇન્ડિયા અંડર-19 ટીમ તરફથી રમતાં ચાર ટીમોવાળી એક શ્રેણીમાં પોતાનું શાનદાર પર્ફૉર્મન્સ જાળવી રાખ્યું હતું.

તેમની અસલી કમાલ એક વર્ષ બાદ જોવા મળી હતી. ઑક્ટોબર 2024માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ યુથ ટેસ્ટ રમવા માટે પસંદગી થઈ પછી વૈભવે માત્ર 58 બૉલમાં સદી ફટકારી હતી. તે એક એવી ઇંનિંગ હતી, જેણે વૈભવના દુનિયાભરમાં મશહૂર કરી દીધા.

એ વખતે એવી દલીલ કરવામાં આવી હતી કે પોતાના પગ પર ઊભા રહેવાનું શીખી રહેલા એક છોકરા માટે આઇપીએલ કદાચ વધારે મોટી ટુર્નામેન્ટ હોઈ શકે અને દુનિયાના ઉત્તમ બૉલર્સનો આટલી નાની વયે સામનો કરવો એ તેના માટે ફાયદાને બદલે વધારે નુકસાનકારક સાબિત થઈ શકે.

2025ની સિઝનમાં વૈભવે આવી બધી ચિંતાઓને સંપૂર્ણપણે સાફ કરી નાખી હતી. તેમણે અનુભવી બૉલર શાર્દૂલ ઠાકુરના પહેલા જ બૉલ પર જોરદાર સિક્સર ફટકારી હતી.

થોડા સમય પછી, રાજસ્થાન રૉયલ્સે 13 વર્ષના એક છોકરા પર કરેલા 1,30,000 ડૉલરના ઇન્વેસ્ટમેન્ટને વૈભવે, ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધની મૅચમાં 35 બોલમાં તોફાની સદી ફટકારીને સંપૂર્ણપણે યોગ્ય સાબિત કર્યું હતું. એ સિનિયર ક્રિકેટના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી નાની વયના ખેલાડી બની ગયા હતા.

તેમ છતાં એક અડચણ પાર કરવાની હતી. ટીકાકારો એવી દલીલ કરતા હતા કે આઇપીએલ તો કૌશલ્યની અજમાયશની ઘરેલુ ટુર્નામેન્ટ છે. એ પ્રતિભાશાળી છે, પરંતુ નિર્ણાયક નથી. 2026ની શરૂઆતમાં વૈભવ અંડર-19 વર્લ્ડકપ રમવા મેદાને પડ્યો ત્યારે તેમની રમતને આ દૃષ્ટિકોણથી જોવામાં આવી હતી.

ત્યાં સુધીમાં ભારતે પોતાનો દૃષ્ટિકોણ વધારે આકરો બનાવ્યો હતોઃ તમારી વય ભલે ગમે તે હોય, પણ ટુર્નામેન્ટમાં માત્ર એક તક મળશે. વિચાર સ્પષ્ટ હતો. તેનો ઉદ્દેશ વયસંબંધી ગોબાચારીને ખતમ કરવાનો, સ્તરને ઉપર ઉઠાવવાનો અને ખેલાડી સમય પહેલાં નહીં, પરંતુ સંપૂર્ણપણે તૈયાર થઈને આવે તે સુનિશ્ચિત કરવાનો હતો.

અંડર 19 વર્લ્ડકપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

વૈભવે લીગ તબક્કામાં 72, 40, 52 અને 30 રન બનાવ્યા હતા. તેનાથી ભારત નૉકઆઉટ તબક્કામાં પહોંચી ગયું હતું. પછી સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે 33 બૉલમાં 68 રન ફટકારીને વૈભવે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

જોકે, ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે તેમનું પ્રદર્શન ચરમસીમાએ હતું. વૈભવે 32 બૉલમાં અડધી સદી અને 55 બૉલમાં સદી ફટકારી હતી. આખરે વૈભવે માત્ર 80 બોલમાં 175 રન ફટકારીને દાવ સમાપ્ત કર્યો હતો. તેમાં 16 સિક્સર અને એટલી જ બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો.

એ સમય સુધીમાં વૈભવના તેમના એજ-ગ્રૂપ લેવલે રમાડવાનું બંધ કરવાની માંગણીએ, તેઓ તેમનાથી પાંચ વર્ષ મોટા ખેલાડીઓ વિરુદ્ધ રમતા હોવા છતાં, જોર પકડ્યું હતું.

એ મુકાબલો વધારે પડતો અસંતુલિત હતો, પરંતુ ભારતીય ક્રિકેટ આઇસીસીના એક નિયમને કારણે ફસાયેલું હતું. એ નિયમ મુજબ, વૈભવની પસંદગી સિનિયર ટીમ માટે કરવી શક્ય ન હતી.

ભૂતપૂર્વ ક્રિકટરોની પ્રતિક્રિયા આશ્ચર્ય અને અવિશ્વાસ વચ્ચે ઝૂલતી હતી. રવિ શાસ્ત્રીએ કહ્યું હતું, "એ વયે સચીન તેંડૂલકર અને વિરાટ કોહલી કેટલા સારા હતા? આ છોકરો આટલી વયે આટલું સારું રમતો હોય તો તે ચાર દિવસીય ક્રિકેટ ન રમી શકે તેનું કોઈ કારણ નથી."

એબી ડિવિલિયર્સે કહ્યું હતું કે વૈભવ "તેની વયના પ્રમાણમાં ઘણો સમજદાર છે." મેથ્યૂ હેડને વૈભવની આઇપીએલ સદીને "તમામ રમતના યુવા ખેલાડીઓ માટે પ્રેરણાની પળ" ગણાવી હતી.

વૈભવની "રોમાંચક શૈલી"થી ડબલ્યૂવી રામન બહુ રાજી થયા હતા અને સચીન તેંડુલકરે વૈભવના "નીડર અભિગમ, બૅટ સ્પીડ, ઝડપથી લેંગ્થ પારખવાની ક્ષમતા અને બૉલની પાછળ ઍનર્જી ટ્રાન્સફર કરવાના" કૌશલ્યને વખાણ્યું હતું.

27 માર્ચે વૈભવ સૂર્યવંશી બર્થ ડે કેક પરની મીણબત્તીઓ ઓલવતા હતા ત્યારે તેઓ તૈયાર છે કે નહીં એ સવાલ ન હતો, પણ દુનિયા તેમના માટે તૈયાર છે કે નહીં, એ હતો.

ભારતીય ક્રિકેટ ચાહકો માટે વૈભવ પહેલાંથી સ્પેશિયલ બની ગયા છે. નવજોતસિંહ સિદ્ધુ ગરદન અકડાઈ જવાને કારણે 1994માં ન્યૂઝીલૅન્ડ સામેની ઓકલૅન્ડ ખાતેની એક વનડે ઇન્ટરનૅશનલ મૅચમાંથી પડતા મુકાયા હતા અને મોહમ્મદ અઝહરુદ્દીને સચીન તેંડૂલકરને બેટિંગ ઓપન કરવા માટે પ્રમોટ કર્યા હતા.

તેંડુલકરે 49 બૉલમાં 82 રન ફટકાર્યા હતા અને પછી ક્યારેય પાછું વાળીને જોયું ન હતું. એ પછી સચીને વનડે ઇન્ટરનૅશનલમાં ઓપનર તરીકે 48.29ની સરેરાશ સાથે 15,310 રન નોંધાવ્યા હતા.

તેમાં 49 અડધી સદી પૈકીની ચારને બાદ કરતાં બાકીની તમામ તેમણે આ પૉઝિશન પર ફટકારી હતી. 1994ની 27 માર્ચે ભારતીય ક્રિકેટની દિશા કાયમ માટે બદલાઈ ગઈ એવું કહેવું સાચું છે. હવે 32 વર્ષ પછી વધુ એક ટર્નિંગ પૉઇન્ટ આવવાનો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન