You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત પાસે આટલા દિવસ પૂરતો ક્રૂડઑઇલનો વ્યૂહરચનાત્મક ભંડાર, સરકારે કહ્યું સ્થિતિ કાબૂ હેઠળ
- લેેખક, જાસ્મિન નિહલાની
- પદ, બીબીસી
- વાંચવાનો સમય: 4 મિનિટ
બીબીસીના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે ભારતના વ્યૂહરચનાત્મક ઑઇલ ભંડાર માત્ર પાંચ દિવસની માગ પૂરી કરી શકે છે, કારણ કે કુલ ક્ષમતાના એક તૃતિયાંશ કરતાં વધુ ભાગ ખાલી પડ્યો છે.
સરકારે ગત વર્ષે જણાવ્યું હતું કે ભારતની કુલ સંગ્રહક્ષમતા લગભગ 74 દિવસની છે.
કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (કૅગ)ના 2025માં જાહેર કરાયેલા ઑડિટ રિપોર્ટ પ્રમાણે, આ સંગ્રહક્ષમતાનું વર્ષોથી પૂરો ઉપયોગ નથી થયો.
ઈંધણની અછતની આશંકાએ ભારતમાં ઘણાં શહેરોમાં ગભરાટથી પ્રેરિત ખરીદીને પ્રોત્સાહન આપ્યું, જોકે, કેન્દ્ર સરકારનું કહેવુ છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટૉક ઉપલબ્ધ છે. સરકારે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાની વાત કરી છે.
રાજ્યસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભરોસો અપાવ્યો કે ભારત પાસે ક્રૂડઑઇલનો પૂરતો જથ્થો છે. તેમણે કહ્યું કે ભારતે ક્રૂડઑઇલની પોતાની આયાત વિવિધતાસભર બનાવી છે અને સંકટનો સામનો કરવા માટે ક્રૂડઑઇલના સંગ્રહને પ્રાથમિકતા આપી છે.
જોકે, આ અઠવાડિયાની શરૂઆતમાં, પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભાને જણાવ્યું હતું કે ભારતના ક્રૂડઑઇલના ભંડારની કુલ ક્ષમતા લગભગ 64 ટકા છે.
રાજ્યસભામાં તેમણે આપેલા જવાબને આધારે ભારત પાસે આંધ્રપ્રદેશ અને કર્ણાટક ખાતે ત્રણ સ્થળોએ 5.33 મિલિયન મૅટ્રિક ટન (એમએમટી) ક્રૂડઑઇલનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર જાળવવાની ક્ષમતા છે.
જે પૈકી હાલ, 3.372 એમએમટી ભરેલો છે, જેનો અર્થ એ છે કે કુલ ક્ષમતાનો ત્રીજા ભાગ કરતાં વધુ ભાગ ખાલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ભંડાર સરકાર દ્વારા ખાસ હેતુ માટે સ્થાપિત ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (આઇએસપીઆરએલ) દ્વારા સંચાલિત છે.
ઑઇલ સંગ્રહ મામલે સરકારે શું કહ્યું?
ભારત દર મહિને લગભગ 20 એમએમટી જેટલી પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ કરે છે, આમ, આની દૈનિક સરેરાશ 0.67 એમએમટી થઈ.
વર્તમાન સ્તરે, આ વ્યૂહાત્મક ભંડારમાં લગભગ પાંચ દિવસ માટે પૂરતો રહેશે.
સરકારે ગત વર્ષે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઑઇલ માર્કેટિંગ કંપનીઓ આ વ્યૂહાત્મક ભંડારથી અલગ 64.5 દિવસ ચાલે એટલો જથ્થો ધરાવે છે. આમ, આઇએસપીઆરએલની 9.5 દિવસ ચાલે તેટલી કુલ ક્ષમતાની સાથે ભારતની કુલ સંગ્રહક્ષમતા 74 દિવસની છે.
નોંધનીય છે કે ભારત ક્રૂડઑઇલના વપરાશમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને પોતાની જરૂરિયાતના 88 ટકા કરતાં વધુ ભાગ માટે આયાત પર નિર્ભર છે.
વાણિજ્ય મંત્રાલયના ડેટાનું વિશ્લેષણ જણાવે છે કે વર્ષ 2025માં ભારતની કુલ ક્રૂડઑઇલ આયાતના 50 ટકા કરતાં વધુ ભાગની આયાત મધ્ય પૂર્વમાંથી થઈ હતી, જે પૈકી મોટા ભાગની ઇરાક, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત પાસેથી થઈ હતી. આ નિર્ભરતા 2019 અને 2022 વચ્ચે 60 ટકાને પાર કરી ગઈ હતી.
વ્યૂહાત્મક ભંડાર આ પ્રકારની અડચણો સમયે કે અચાનક ભાવવધારા સમયે બફર તરીકે કાર્ય કરે એ માટે હોય છે.
રેટિંગ એજન્સી આઇસીઆરએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પ્રશાંત વશિષ્ટે બીબીસીને જણાવ્યું, "આપણો વ્યૂહાત્મક ભંડાર ઘણો ઓછો છે, અને ઊર્જામંત્રીએ જણાવ્યા પ્રમાણે વ્યૂહાત્મક અને સંચાલકીય ભંડાર 74 દિવસ ચાલે એટલો છે."
"આ એક નબળાઈ છે, કારણ કે આપણે આયાત પર ઘણા નિર્ભર છીએ. સમય સાથે, મને લાગે છે કે સરકારે (ક્ષમતા) વધારી છે અને વધારવા માટે યોજના ધરાવે છે."
આગળ જતાં ભારતની વ્યૂહરચના અંગે વશિષ્ટે કહ્યું, "એક છે વધુ વ્યૂહાત્મક અને સંચાલકીય ભંડાર. બીજું છે પુન:પ્રાપ્ય ઊર્જાસ્રોતો પર નિર્ભરતા વધારવી."
"ત્રીજું છે, આપણા ક્ષેત્રીય ઑઇલ અને ગૅસ સેક્ટરને મજબૂત કરવું જેથી આપણું ઉત્પાદન વધી શકે."
સંગ્રહક્ષમતાનું લક્ષ્ય
ઇન્ટિગ્રેટેડ રિસર્ચ ઍન્ડ ઍક્શન ફૉર ડેવલપમેન્ટ (આઇઆરએડીઇ)ના ચૅરમૅન અને પૂર્વ આયોજનપંચના સભ્ય કિરીટ પરીખે પણ બીબીસીને જણાવ્યું કે, "ક્રૂડઑઇલની માગ ઝડપથી અને વધુ તીવ્રતાથી ઘટાડવા માટે ખર્ચ કરવો એ સારી વ્યૂહરચના હશે..."
"મને લાગે છે કે માગમાં ઘટાડો કરવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે, અને તેનો ઉપયોગ થવો જોઈએ. આપણે પહેલાંથી જ તેના પર કામ કરી રહ્યા છીએ. આપણે માત્ર આ કામ વધુ ઝડપે કરવું પડશે."
કૅગ રિપોર્ટમાં નોંધાયું છે કે સંગ્રહક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ નથી થઈ રહ્યો.
નાણાકીય વર્ષ 2024માં 3.98 એમએમટી ક્ષમતાના અંડરગ્રાઉન્ડ ભંડારમાં 2.91 એમએમટી જ ક્રૂડઑઇલ હતું, જેનો અર્થ છે કે 27 ટકા ભાગ ખાલી રહ્યો.
ભારતમાં, ક્રૂડઑઇલ અંડરગ્રાઉન્ડ પથ્થરની ગુફાઓમાં (રોક કેવર્ન્સ) રાખવામાં આવે છે. જે પથ્થરમાં બનેલી વિશાળ માનવસર્જિત ગુફાઓ છે. આ ગુફામાં રખાયેલું ક્રૂડઑઇલ બાદમાં પાઇપલાઇન થકી ભારતીય રિફાઇનરીઓ સુધી પહોંચાડાય છે.
રિપોર્ટ જણાવે છે કે, "સરકાર/આઇએસપીઆરએલે માત્ર 5.33 એમએમટી સંગ્રહક્ષમતા વિકસાવી છે, જે (માર્ચ 2024 સુધી) 7.88 દિવસની આયાતને કવર કરી શકે છે, જ્યારે ફેઝ-1માં 19 દિવસની આયાત કવર કરવાનું લક્ષ્ય રખાયું હતું."
બીબીસીએ આ મામલે આઇએસપીઆરએલ પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, હજુ સુધી તેમની પાસેથી કોઈ જવાબ મળ્યો નથી. જવાબ મળતાં જ આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.
વૈશ્વિક સ્તરે, ઇન્ટરનૅશનલ ઍનર્જી એજન્સી દેશોને તેમની કુલ આયાતના 90 દિવસ સુધીનો ભંડાર જાળવી રાખવાની ભલામણ કરે છે.
ડિસેમ્બર 2025 સુધી, જાપાન પાસે તેની આયાતના 208 દિવસ જેટલો અને દક્ષિણ કોરિયા પાસે 200 દિવસની આયાતને કવર કરતો જેટલો ભંડાર હતો. અંદાજ છે કે ચીન પાસે 120 દિવસ સુધી ચાલે તેટલી આયાતને કવર કરતા ભંડાર છે.
તેની સરખામણીમાં, ભારતની વ્યૂહાત્મક અને સંચાલનલક્ષી કુલ સંગ્રહક્ષમતા આ દેશોની સરખામણીએ ઘણી ઓછી એટલે કે 74 દિવસનું રક્ષણ પૂરું પાડી શકે છે.
જોકે, પરીખનું કહેવું છે કે મોટા ભંડાર જાળવવાની વાત ખર્ચાળ પણ ખરી.
પરીખે ઉમેર્યું, "આ તબક્કે, જ્યારે આપણે સંકટની વચ્ચોવચ છીએ, ત્યારે ભંડાર મજબૂત કરવાનો કોઈ અર્થ નથી. કારણ કે આ તબક્કે આવું કરવું ખર્ચાળ સાબિત થશે."
"જો તમે 110 કે 120 ડૉલર પ્રતિ બૅરલ ક્રૂડઑઇલ ખરીદો છો, તો આવી સ્થિતિમાં તેને ભંડારમાં મૂકવાની વાત સમજદારીભરી નથી."
"આપણે આવું કિંમતો ઓછી હતી ત્યારે કરી લેવું જોઈતું હતું, જેમ કે, પ્રતિ બૅરલ 60 ડૉલર કે તેથી ઓછું."
આ સ્ટોરીની હેડલાઇનમાં સુધારો કરાયો છે અને સંદર્ભ સહિત નવી હેડલાઇન અપાઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન