You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબમાં કબૂતર દોડના શોખીનો કોણ છે જે પક્ષીઓ માટે ખાસ મકાનો બંધાવે છે, શું છે આ રમત?
- લેેખક, હરમનદીપસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
પંજાબમાં કબૂતર દોડ સ્પર્ધાઓ ફરી શરૂ કરવાની વાત શિરોમણી અકાલી દલના વડા સુખબીર સિંહ બાદલ તેમની ચૂંટણી સભાઓ દરમિયાન કરી રહ્યા છે.
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન અને પક્ષના અન્ય પ્રતિનિધિઓએ પણ અગાઉ અનેક વખત કબૂતર દોડ સ્પર્ધાનું સમર્થન કર્યું છે. કબૂતરો અને કબૂતર દોડનો ઉલ્લેખ અનેક પંજાબી ગીતોમાં પણ જોવા મળે છે.
પંજાબમાં કબૂતર દોડ સંબંધે રાજનેતાઓનાં નિવેદનો, વચનો અને ગીતોના શબ્દો કબૂતર પાલનમાં લોકોને કેટલી રૂચિ છે તે દર્શાવે છે.
કેટલાક લોકોએ કબૂતરો પાળવા માટે બહુમાળી મકાનો બનાવ્યાં છે અને કેટલાક લોકો માટે આ શોખ કાયમી આવકનો સ્રોત પણ બની ગયો છે. કેટલાક લોકોએ આ શોખ મારફત ઓળખ અને પ્રસિદ્ધિ પણ પ્રાપ્ત કરી છે.
પંજાબની પરંપરાગત ખેલ સંસ્કૃતિના જાણકારોના જણાવ્યા મુજબ, કબૂતરોની દોડ પંજાબનો પરંપરાગત લોકરમતોનો એક હિસ્સો છે.
એક ખાસ શોખ માટે એક ખાસ ઘર
સિધવા ગામના રહેવાસી ગુલઝાર અલી છેલ્લાં ઘણાં વર્ષોથી કબૂતરો પાળે છે.
પંજાબમાં કબૂતર દોડ સ્પર્ધાની પરવાનગીને પગલે તેમણે અનેક સ્પર્ધાઓ જીતી છે. તેનાથી તેમને સમગ્ર પંજાબમાં ઓળખ મળી છે.
કબૂતરપ્રેમીઓ તેમને ગુલઝાર સિધવાનના નામે ઓળખે છે. ઘણા કબૂતરપ્રેમીઓ રોજ તેમના ઘરે આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુલઝાર તેમનો આખો દિવસ કબૂતરોની સારસંભાળમાં પસાર કરે છે. તેમણે એ માટે એક બહુમાળી મકાન બનાવ્યું છે.
એ મકાન તેમના પોતાના ઘર કરતાં પણ મોટું છે. પોતાના ઘરની બાજુમાં જ તેમણે કબૂતરો માટેનું ઘર બનાવ્યું છે.
તેમણે કહ્યું હતું, "મારું પોતાનું બે માળનું મકાન છે, પરંતુ કબૂતરો માટે મેં ત્રણ માળનું મકાન બનાવ્યું છે. તેમાં કદાચ એક માળનો ઉમેરો પણ કરીશ. હું ઇચ્છું છું કે કબૂતરો આઝાદીથી ઊડે."
"તેમને કોઈ તકલીફ ન થવી જોઈએ, કારણ કે મને કબૂતરો બહુ પ્રિય છે. હું સવારે કબૂતરો પાસે જાઉં છું અને છેક રાતે ઘરે પાછો આવું છું."
કબડ્ડીથી કબૂતરો સુધી
ગુલઝારે જણાવ્યું હતું કે પહેલાં તેમને કબડ્ડીનો શોખ હતો અને એ દરમિયાન તેમને કબૂતરો પાળવાનો શોખ પણ થયો હતો. પછી તેમણે કબડ્ડી છોડી દીધી હતી અને પોતાનું ધ્યાન સંપૂર્ણપણે કબૂતરો પર કેન્દ્રિત કર્યું હતું.
તેમણે કહ્યું હતું, "આ શોખ નિમિત્તે દોસ્તો એકઠા થાય છે. હું 35થી વધારે વર્ષથી કબૂતરો પાળી રહ્યો છું. અગાઉ હું કબડ્ડી રમતો હતો, પણ હવે માત્ર કબૂતરો સાથે સમય પસાર કરું છું."
ગુલઝારનો દાવો છે કે "પંજાબમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે, જ્યાં ઓછામાં ઓછું એક કબૂતર ન હોય. મારા પોતાના ગામમાં પણ અનેક ઘરોમાં કબૂતરો પાળવામાં આવે છે."
ગુલઝારે ઉમેર્યું હતું કે "કબૂતરો પાળવાનો શોખ બહુ જૂનો છે. અગાઉ પત્રો પહોંચાડવા માટે લોકો કબૂતરોનો ઉપયોગ કરતા હતા."
એક પરંપરાગત શોખ આવકનો સ્રોત કેવી રીતે બન્યો?
એક પરંપરાગત શોખ આવકનો સ્રોત કેવી રીતે બન્યો?
હિસોવાલ ગામના રહેવાસી હરપ્રીત સિંહનું કહેવું છે કે કબૂતરો પાળવા એ તેમનો ખાનદાની શોખ છે. એક નાના ખેડૂત હોવાને લીધે આ શોખ તેમના માટે આવકનો સ્રોત પણ છે.
હરપ્રીત સિંહ આ શોખને લીધે જ તેમનાં બે સંતાનોના ઉચ્ચ અભ્યાસ માટે ખર્ચ કરી શકે છે. તેમની પાસે અઢી એકર જમીન છે, પરંતુ કબૂતર દોડ બંધ થવાને લીધે તેમની આ આવક અટકી ગઈ છે.
હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી હિસોવાલે કહ્યું હતું, "પંજાબમાં કબૂતરોની દોડ એટલી લોકપ્રિય હતી કે એ સ્પર્ધા વખતે અહીં લગ્ન જેવું વાતાવરણ સર્જાતું હતું. આ શોખે મને સહારો આપ્યો છે. અન્યથા અઢી એકર જમીનમાં ગુજરાન કેવી રીતે ચાલે?"
"મારી દીકરી અને દીકરાનાં શિક્ષણનો ખર્ચ કબૂતરો કર્યો છે. આ કબૂતરો વડે થયેલી કમાણીને લીધે મારાં સંતાનો વિદેશ ભણવા જઈ શક્યાં છે."
તેમણે ઉમેર્યું હતું કે "કબૂતરોનો આ શોખ મને મારા પરિવાર તરફથી વારસામાં મળ્યો છે."
"અગાઉ મારા પરિવારના અન્ય સભ્યો પણ કબૂતર પાલન કરતા હતા, પરંતુ હવે હું એકલો જ કબૂતર પાળું છું."
હરપ્રીતના જણાવ્યા મુજબ, તેઓ કબૂતરોના આહારનું ખાસ ધ્યાન રાખે છે. કબૂતરોને બદામ, ઘઉં, ચણા અને સરસવ ખવડાવે છે.
પરંપરાગત લોકરમત
પંજાબના પ્રસિદ્ધ ખેલ લેખક અને મુખ્ય અધ્યાપક સરવન સિંહે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કબૂતરોની દોડ પંજાબની પરંપરાગત લોકરમતોનો એક હિસ્સો છે. આ કારણે લોકોને કબૂતરો પાળવાનો શોખ છે.
લોકોએ કબૂતરો પાળીને આજે પણ આ શોખને જીવંત રાખ્યો છે.
PETAએ કેટલી સ્પર્ધાઓ બંધ કરાવી?
પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (PETA) ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, તેમણે માત્ર 2025માં જ પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં કબૂતર દોડની 47 સ્પર્ધાઓ અટકાવી હતી.
પેટાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે કબૂતરોની દોડ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ (પીસીએ), 1960 હેઠળ પ્રતિબંધિત છે.
પેટા ઇન્ડિયાના કાયદાકીય સલાહકાર અને ક્રૂઅલ્ટી રિસ્પૉન્સ વિભાગના ડિરેક્ટર મીત અશરે કહ્યું હતું, "સુપ્રીમ કોર્ટે તમામ પ્રકારની પશુ દોડ પર 2014માં પ્રતિબંધ લાદ્યો હતો. કબૂતરોની આવી સ્પર્ધાને પણ કબૂતર દોડ કહેવામાં આવે છે."
તેથી આ નિર્ણયને પગલે કબૂતરોની દોડ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો તહો. જોકે, પ્રતિબંધ હોવા છતાં અનેક ઠેકાણે આવી સ્પર્ધા ચાલુ રહી છે, પરંતુ પેટાએ વહીવટીતંત્ર અને પોલીસની મદદથી આવી સ્પર્ધાઓને રોકવાના પ્રયાસ ચાલુ રાખ્યા છે.
અધિકારીઓએ શું કહ્યું?
પંજાબના મુખ્ય મંત્રીએ અનેક વાર દાવો કર્યો છે કે પંજાબમાં કબૂતર દોડ યોજવાની છૂટ છે.
અલબત, પશુપાલન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સંબંધે અત્યાર સુધી કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી.
પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબમાં અત્યારે કબૂતર દોડની પરવાનગી નથી.
જોકે, પંજાબ સરકારે આ સ્પર્ધાના આયોજન માટે એક ખરડો પસાર કરીને અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલી આપ્યો છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની સાથે જ સ્પર્ધાઓ ફરીથી શરૂ થઈ શકશે.
લુધિયાણા પશુપાલન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર અમરિક સિંહે કહ્યું હતું, "પંજાબમાં હાલ કબૂતર દોડ સ્પર્ધાની પરવાનગી નથી. તેના પર પશુ ક્રૂરતા નિવારણ કાયદા – 1960 હેઠળ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન