ઢાકાનું મલમલ : 200 વર્ષ સુધી ધરતીનું સૌથી કિંમતી રહેલું કાપડ અચાનક ગુમ થઈ ગયું

    • લેેખક, ઝરિયા ગોરવેટ
    • પદ, બીબીસી ફ્યૂચર
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઢાકાનું મલમલ 200 વર્ષ સુધી આ ધરતીનું સૌથી કિંમતી કાપડ બની રહ્યું અને પછી ધરમૂળમાંથી ગાયબ થઈ ગયું. આખરે આવું કઈ રીતે થયું?

ઢાકાના મલમલની સફર લાંબી રહી છે. એક જમાનામાં તે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કાપડ ગણાતું હતું અને સૌથી કિંમતી પણ, પરંતુ સમયની સાથે તે સમેટાતું ગયું. આજકાલ આ કાપડની શાન ફરી પાછી અપાવવાની કવાયત ચાલી રહી છે.

ઢાકાનું મલમલ 16 ચરણમાંથી પસાર થયા પછી તૈયાર થતું હતું. તે એવા દુર્લભ કપાસમાંથી બનાવવામાં આવતું હતું જે બાંગ્લાદેશ (તત્કાલીન ભારતીય બંગાળ)ની મેઘના નદીના કિનારે ઉત્પન્ન કરવામાં આવતું હતું.

હજારો વર્ષથી આ કાપડ આખી દુનિયામાં પસંદ કરાતું રહ્યું છે. પ્રાચીન ગ્રીસમાં દેવીઓની મૂર્તિઓને મલમલનાં કપડાં પહેરાવવામાં આવતાં હતાં. ઘણા દેશોની સમ્રાજ્ઞીઓનાં કપડાં મલમલમાંથી બનતાં હતાં.

ભારતીય ઉપખંડમાં રાજ કરનાર મુઘલ બાદશાહો અને અમીર-ઉમરાવોનાં વસ્ત્ર પણ આ જ કાપડમાંથી તૈયાર થતાં હતાં.

ઢાકાના મલમલની દીવાની હતી દુનિયા

મલમલનું આ કાપડ ઘણા પ્રકારનું હતું. રાજદરબારના કવિઓએ તેનાથી પ્રભાવિત થઈને તેનું નામ 'બફ્ત હવા' એટલે કે વણેલી હવા રાખ્યું હતું. કહેવાતું હતું કે ઉચ્ચ ગુણવત્તાવાળું આ કાપડ હવા જેટલું હલકું હતું.

એ એટલું પાતળું હતું કે તમે ત્રણસો ફૂટ લાંબા કાપડના ટુકડાને વીંટીમાંથી કાઢી શકતા હતા. એક મુસાફરે લખ્યું હતું કે તમે 60 ફૂટ લાંબા કાપડની ગડી વાળીને સૂંઘવાની નાની ડબીમાં રાખી શકતા હતા.

સામાન્ય રીતે એ દિવસોમાં સાડી કે જામા (કુર્તા) બનાવવા માટે મલમલનો ઉપયોગ કરાતો હતો, પરંતુ બ્રિટનમાં તે ઉચ્ચ વર્ગના લોકોનું કાપડ બની ગયું. તે એટલું પારદર્શક હતું કે ઘણી વાર તેને પહેરનાર મજાકનું પણ પાત્ર બન્યા.

તેમ છતાં, ઢાકાના મલમલની લોકપ્રિયતા ઓછી ન થઈ. જે લોકો તેને ખરીદવાની ક્ષમતા ધરાવતા હતા, તેઓ તેને પહેરતા હતા. આ એ જમાનાનું સૌથી મોઘું કાપડ હતું. વર્ષ 1851ની આસપાસ એક ગજ મલમલની કિંમત 50થી 400 પાઉન્ડની વચ્ચે હતી.

આજના હિસાબ પ્રમાણે તે 7,000થી લઈને 56,000 પાઉન્ડ ગણાય. તેના ઉચ્ચ વર્ગના કદરદાનોની અછત નહોતી. તેમાં ફ્રાન્સનાં ક્વીન મૅરી ઍન્ટોનેટથી લઈને સમ્રાજ્ઞી બોનાપાર્ટ અને જેન ઑસ્ટીન સુધીનાં સામેલ હતાં.

પરંતુ જ્યાં સુધીમાં આ કાપડ નવજાગૃત યુરોપ પહોંચ્યું ત્યાં સુધીમાં તે ગાયબ થવાનું શરૂ થઈ ગયું.

મલમલ કાપડ કેવી રીતે તૈયાર થતું હતું?

20મી સદીની શરૂઆત સુધી ઢાકાનું મલમલ દુનિયાના દરેક ખૂણામાંથી અદૃશ્ય થઈ ગયું. જે થોડુંઘણું કાપડ બચ્યું હતું તે લોકોના પ્રાઇવેટ કલેક્શન અને સંગ્રહાલયોમાં બચ્યું હતું.

તેની બારીક કારીગરી ભુલાવી દેવાઈ અને ગોસિપિયમ આર્બરિયમ (વાનસ્પતિક નામ) કે 'ફુટી કરપાસ' (સ્થાનિક નામના કપાસ)માંથી બનેલું સૂતર પણ અચાનક વિલુપ્ત થઈ ગયું. આ જ એકમાત્ર કપાસ હતું, જેમાંથી મલમલનું આ કાપડ તૈયાર થતું હતું. આખરે આવું કઈ રીતે થયું?

શું હવે આ કપાસને ફરીથી ઉત્પન્ન કરી શકાય છે? ઢાકાના મલમલ માટે ઉપયોગી કપાસના છોડની ખેતી મેઘના નદી (બાંગ્લાદેશ)ના કિનારે થતી હતી. તૈયાર છોડ પર વર્ષમાં બે વખત ડેફોડિલ જેવાં પીળાં ફૂલ આવતાં હતાં.

જેમાંથી પછી બિલકુલ સફેદ હલકો કપાસ નીકળતો હતો. તે કોઈ સામાન્ય દોરા નહોતા.

દક્ષિણ અમેરિકામાં લગભગ એના જેવી જ એક પ્રજાતિ ગોસેપિયમ હિરસટમ (તેનાથી આજે દુનિયામાં 90 ટકા સુતરાઉ કાપડ તૈયાર થાય છે)ના લાંબા ઝીણા રેસાની તુલનાએ ફુટી કરપાસથી તૈયાર થતા દોરા થોડા ગાંઠવાળા અને નબળા હતા.

આ એ દોરાની ખામી લાગી શકે છે, પરંતુ સવાલ એ છે કે તમે તેનાથી શું બનાવો છો? લંબાઈમાં નાના આ દોરા ઔદ્યોગિક મશીનોથી બનતા સસ્તા કાપડને લાયક નહોતા. મશીનમાં આ દોરા તૂટી જતા હતા.

હકીકતમાં, સ્થાનિક લોકોએ હજારો વર્ષોથી વિકસિત સરળ તકનીકો દ્વારા તેને મુશ્કેલ દોરો બનાવી દીધો હતો. ઢાકાનું મલમલ 16 ચરણોમાંથી પસાર થઈને તૈયાર થતું હતું. આ પ્રક્રિયા એટલી ખાસ હતી કે દરેક ચરણ ઢાકાની ચારેબાજુ વસેલાં ઘણાં ગામ જ પૂરું કરતાં હતાં.

તે સંપૂર્ણ સામુદાયિક કામ હતું. જેમાં યુવા અને વૃદ્ધ, મહિલાઓ, પુરુષો – બધાં સામેલ થતાં હતાં. પહેલાં કપાસના નાના દડા બોઆલ માછલીના દાંતના કાંસકાથી સાફ કરાતા હતા. ત્યાર પછી સૂતર કાંતવામાં આવતું હતું.

દોરા તૈયાર કરવા માટે ઘણા ભેજની જરૂર પડતી હતી, જેથી તે ખેંચાઈ શકે. તેથી આ કામ હોડીઓમાં કરવામાં આવતું હતું. આ કામ વહેલી સવારે કે ઢળતા બપોરે થતું હતું, જે સમય સૌથી વધુ ભેજ રહે છે.

વૃદ્ધો સૂતર નહોતા કાંતતા, કેમ કે તેમની નબળી આંખોના કારણે તેઓ પાતળા દોરાને બરાબર જોઈ નહોતા શકતા.

વર્ષ 2012માં મલમલ પર પુસ્તક લખનાર લેખિકા અને ડિઝાઇન ઇતિહાસકાર સોનિયા આશમોર કહે છે કે સૂતરના દોરામાં વચ્ચે-વચ્ચે ઝીણી ગાંઠો હતી, જે આખા દોરાને જોડી રાખતી હતી. તેનાથી દોરાની સપાટી પર એક બરછટતા રહેતી હતી, જે ઘણી સારી અનુભૂતિ કરાવે છે.

એશિયાનો ચમત્કાર હતું આ મલમલ

ઢાકાનું મલમલ એટલું શાનદાર હતું કે આ વિસ્તારમાં આવતા લોકોને એ વાત પર વિશ્વાસ નહોતો થતો કે તે માણસના હાથથી બનેલું છે. કેટલાક લોકો તો એવું પણ માનતા હતા કે તેને જલપરીઓ, પરીઓ કે ભૂત બનાવે છે.

બાંગ્લાદેશ નૅશનલિસ્ટ ક્રાફ્ટ કાઉન્સિલનાં પ્રેસિડેન્ટ રૂબી ગઝનવીનું કહેવું છે કે મલમલ એટલું હળવું અને મુલાયમ હોય છે કે તેનો બીજો કોઈ વિકલ્પ જ નથી. આજે ક્યાંય આ કાપડ જોવા નથી મળતું.

વર્ષ 2013માં યુનેસ્કોએ જામદાની વણાટને એક સાંસ્કૃતિક વારસા તરીકે સંરક્ષિત કર્યું હતું.

એક ફોટો એજન્સી ચલાવનાર 'રિસરેક્ટ ધ ફેબ્રિક' પ્રોજેક્ટના લીડર સૈફુલ ઇસ્લામે કહ્યું, "આજકાલ જે મલમલ આવી રહ્યું છે તેના થ્રેડ કાઉન્ટ 40થી 80 હોય છે, જ્યારે ઢાકાના મલમલના થ્રેડ કાઉન્ટ 800થી 1200ની વચ્ચે હોય છે. આ તેની ગુણવત્તા જણાવવા માટે પૂરતું છે."

આ દુર્લભ મલમલ આજથી એક સદી પહેલાં ગાયબ થઈ ગયું છે.

મલમલ ઉદ્યોગ કઈ રીતે નષ્ટ થયો?

આશમોર કહે છે, મુઘલકાળ મલમલ માટે સૌથી સારો સમય હતો. મુઘલ બાદશાહો અને તેમની રાણીઓએ મલમલને ખૂબ સંરક્ષણ આપ્યું. એ દિવસોમાં ફારસ (હવે ઈરાન), ઇરાક, તુર્કી અને મધ્યપૂર્વના દેશો સુધી મલમલનો વેપાર થતો હતો.

ઢાકાનું મલમલ એટલું બારીક હતું કે તેના ઘણા પડ હોવા છતાં તેમાંથી શરીરનાં અંગ દેખાતાં હતાં. કહેવાય છે કે એક વાર ઔરંગઝેબે મલમલ પહેરીને દરબારમાં આવવાના કારણે પોતાની પુત્રીને ઠપકો આપ્યો હતો—તેણે સાત આવરણવાળાં મલમલનાં કપડાં પહેર્યાં હતાં તેમ છતાં.

જે દિવસોમાં યુકેમાં લોકો મલમલનાં કપડાં પહેરીને ગર્વ અનુભવતા હતા, બરાબર એ જ સમયે તેના કારીગર દેવાના ડુંગર હેઠળ દબાઈને આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા હતા.

'ગુડ્સ ફ્રૉમ ધ ઈસ્ટ 1600-1800' નામના એક પુસ્તકમાં કહેવાયું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 18મી સદીના અંતમાં મલમલ બનાવવાની નાજુક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું.

કંપનીએ સૌથી પહેલાં મલમલના સ્થાનિક ખરીદદારોને દૂર કરીને તેણે પોતે જ ખરીદવાનું શરૂ કરી દીધું. આશમોર કહે છે કે તેમણે તેના પ્રોડક્શન પર ગાળિયો કસ્યો અને પછી આખા ઉદ્યોગ પર કબજો કરી લીધો. ત્યાર પછી તેઓ વણકરોને ઓછી કિંમતે વધુ કાપડ તૈયાર કરવાનું કહેવા લાગ્યા.

ઇસ્લામે કહ્યું, "પરંતુ એ મુશ્કેલ હતું, કેમ કે, ફુટી કરપાસથી કાપડ તૈયાર કરવા માટે એક ખાસ પ્રકારની આવડત હોવી જરૂરી છે. તે ઘણી શ્રમસાધ્ય અને ખર્ચાળ પ્રક્રિયા છે અને ઘણી વાર તો આખા દિવસના કામના અંતે આઠ ગ્રામ કાપડ તૈયાર થાય છે."

"ઘણી વાર કારીગરોને એક ખાસ સ્ટાન્ડર્ડનું કાપડ વણવા માટે ઍડ્‌વાન્સ પૈસા અપાતા હતા, પરંતુ એ સ્ટાન્ડર્ડ પર કાપડ ખરું ન ઊતરે ત્યારે પૈસા પાછા આપવા પડતા હતા. ઉતાવળે એ સ્ટાન્ડર્ડનું કામ નહોતું થઈ શકતું, કેમ કે, વધારેમાં વધારે કાપડ તૈયાર કરવાનું પણ દબાણ હતું."

પછીથી બ્રિટિશ ઉદ્યોગપતિઓએ મશીનો દ્વારા તેના મોટા પાયે ઉત્પાદનનો નિર્ણય કર્યો, જેથી વધુમાં વધુ નફો કમાઈ શકાય. પરંતુ સાધારણ કપાસમાંથી તૈયાર મલમલ હાથે વણેલા ઢાકાના મલમલની બરાબરી નહોતું કરી શકતું.

આ રીતે દાયકાઓ સુધી આ ઉદ્યોગ સાથે થયેલા દુર્વ્યવહાર અને આયાતી કાપડની માગ ઘટવાથી ઢાકાનો મલમલ ઉદ્યોગ ખતમ થઈ ગયો. પછીથી આ વિસ્તારમાં યુદ્ધ, ગરીબી અને ભૂકંપના કારણે વધ્યાઘટ્યા વણકરોએ પણ ઓછી ગુણવત્તાનાં કાપડ બનાવવાનું શરૂ કરી દીધું અને કેટલાક સંપૂર્ણપણે ખેતીવાડી કરવા લાગ્યા. આખરે મલમલનો આખો ઉદ્યોગ જ નષ્ટ થઈ ગયો.

ઢાકાના મલમલને પુનર્જીવિત કરવાના પ્રયાસ

બાંગ્લાદેશમાં જન્મેલા ઇસ્લામ 20 વર્ષ પહેલાં યુકે જતા રહ્યા હતા. 2013માં તેમને ઢાકાના મલમલ વિશે જાણવા મળ્યું, પરંતુ ઢાકાના મલમલને પુનર્જીવિત કરવાના ઇરાદામાં સૌથી મોટો અવરોધ ફુટી કરપાસ (કપાસનો એક પ્રકાર)ના છોડ લુપ્ત થઈ જવા હતો.

ઇસ્લામે કીવના રૉયલ બૉટનિકલ ગાર્ડનમાં એક બુકલેટ શોધી કાઢી, જેમાં ફુટી કરપાસનાં પાંદડાં સૂકવીને રાખવામાં આવ્યાં હતાં. ત્યાર પછી તેમણે તેનું ડીએનએ સિક્વેન્સિંગ કરાવ્યું. ઇસ્લામ બાંગ્લાદેશ પાછા આવ્યા અને મેઘના નદીના જૂના નકશાઓનો અભ્યાસ કર્યો.

એમણે એ જાણ્યું કે છેલ્લાં બસો વર્ષમાં આ નદીનું વહેણ કઈ રીતે બદલાયું. પછી એક હોડી લઈને નદીના ઓછામાં ઓછાં 12 કિલોમીટર પટ્ટામાં બધા જંગલી છોડ શોધ્યા. ખાસ કરીને એવા છોડ જે બુકલેટની તસવીરને મળતા આવતા હતા.

આખરે તેમને એક એવો છોડ મળ્યો જે 70 ટકા ફુટી કરપાસ જેવો હતો. તે ફુટી કરપાસનો પૂર્વજ હોઈ શકતો હતો. ઇસ્લામ અને તેમની ટીમે ફુટી કરપાસની ખેતી કરવાની કોશિશ કરી, પરંતુ તેમાં સફળતા ન મળી.

છેવટે તેમણે ભારતીય વણકરો સાથે મળીને સામાન્ય કપાસ અને ફુટી કરપાસને મેળવીને હાઇબ્રિડ દોરો બનાવવામાં સફળતા મેળવી. તેમની ટીમે આ હાઇબ્રિડ મલમલમાંથી અત્યાર સુધીમાં ઘણી સાડીઓ બનાવવામાં સફળતા મેળવી છે.

આ સાડીઓને દુનિયાભરમાં પ્રદર્શિત કરવામાં આવી છે. કેટલીક તો હજારો પાઉન્ડમાં વેચાઈ છે. આ નવા મલમલને જે રીતનો આવકાર મળતો દેખાયો, તેનાથી ઇસ્લામને આ કાપડનું ભવિષ્ય દેખાવા લાગ્યું છે.

કોને ખબર હતી કે ટૂંક સમયમાં જ કોઈ નવી પેઢી આ કાપડ વણવાનું સાહસ કરશે અને આ અનન્ય કાપડ પોતાના ભૂતકાળમાંથી બહાર આવીને ફરી પોતાનું પહેલાંનું ગૌરવ પાછું મેળવી લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન