You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉનાળાની શરૂઆતમાં ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, કઈ તારીખથી બદલાશે હવામાન?
ગુજરાતમાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હોળીના તહેવાર પછી શિયાળાની ઔપચારિક વિદાય થાય અને ઉનાળાનું આગમન થાય.
આ વખતે ધૂળેટી પહેલાંથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો હતો તથા તહેવાર પછીના દિવસો દરમિયાન તાપમાન વધતું જતું જણાયું હતું.
એવામાં શનિવારથી શક્તિશાળી વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ઊભી થવાની છે. જેની અસર ઉત્તર ભારત ઉપર જોવા મળશે.
આ સિસ્ટમની અસર હેઠળ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
ત્યારે એક નજર કરીએ પ્રવર્તમાન તાપમાન તથા આગામી દિવસોના હવામાન ઉપર અને ગુજરાતમાં ક્યાં-ક્યાં માવઠું પડી શકે છે, તે જાણવાનો પ્રયાસ કરીએ.
ગુજરાતમાં હવામાનની શું આગાહી કરાઈ છે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગે શુક્રવારે બપોરે બહાર પાડેલી આગાહી પ્રમાણે, ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હવામાન સૂકું રહ્યું છે.
ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં થયેલો ઘટાડો સામાન્ય હતો, જ્યારે ગુજરાત વિસ્તારમાં થયેલો ઘટાડો નોંધપાત્ર હતો.
સમગ્ર ગુજરાતના લઘુતમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહોતો થયો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન વધ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અન્ય ભાગો કરતાં સામાન્ય રહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજકોટ ખાતે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે નલિયા ખાતે 16.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું હતું.
શનિવારે સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હિટવૅવ જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. આ સિવાય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા અનુભવાશે.
આગામી ત્રણેક દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે. જોકે, આ ઘટાડો ધીમે-ધીમે થશે.
જ્યારે આગામી એક અઠવાડિયા દરમિયાન ગુજરાતના લઘુતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.
મંગળવાર સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીનું તાપમાન મહદંશે સૂકું રહેશે. જોકે, એ પછીના દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.
ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસર થશે?
શનિવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખૂબ જ શક્તિશાળી સિસ્ટમ ઊભી થવાની છે. જેની અસર આગામી દિવસોમાં ઉત્તર ભારત અને મધ્ય ભારતનાં રાજ્યોની સાથે ગુજરાત ઉપર જોવા મળી શકે છે.
જેની અસર હેઠળ ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં તાપમાન થોડું નીચું જશે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
કચ્છ, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેની અસરથી તાપમાન નીચું જશે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે, મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ ઉપરાંત કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
બુધવારે ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા અને પાટણમાં ; વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં ; સૌરાષ્ટ્રનાં રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર-સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાંંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
આ સિવાય પવનની ગતિમાં સામાન્ય કરતાં થોડો વધારો અનુભવાશે. જેમ-જેમ સિસ્ટમ નજીક આવતી જશે, તેમ-તેમ તેની અસર વધુ સ્પષ્ટ થતી જશે અને ક્યાં વરસાદ પડી શકે છે, તેના વિશે સ્પષ્ટતા થતી જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન