5 AI કોર્સ જેનાથી સૌથી વધુ પૈસા બનાવી શકાય - ક્યાં અભ્યાસ કરવો અને ખર્ચ કેટલો છે?

    • લેેખક, પ્રિયંકા ઝા
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઑફિસ હોય, ઘર હોય કે પછી મિત્રોની બેઠક, આજકાલ એક સવાલ સૌના મનમાં ઘૂમરાઈ રહ્યો છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું આપણી નોકરીઓ ખાઈ જશે?

અને આ ચિંતા માત્ર ઍન્ટ્રી લેવલ કર્મચારીઓને જ નથી થતી, પરંતુ ઊંચા હોદ્દા પર બેઠેલા સિનિયર લોકોને પણ મૂંઝવી રહી છે.

સવાલ એ છે કે જો એઆઈ આપણું કામ ઝડપથી અને ઓછા ખર્ચે કરી શકે છે, તો માણસો અને તેમની નોકરીઓનું શું થશે?

આ સવાલનો સ્પષ્ટ જવાબ અત્યારે કોઈની પાસે નથી; પરંતુ એટલું નક્કી છે કે એઆઈ હવે ભવિષ્ય નહીં, બલ્કે વર્તમાન છે.

મોબાઇલ ફોનથી લઈને બૅન્કિંગ સિસ્ટમ, ઑનલાઇન શૉપિંગ, સોશિયલ મીડિયા અને હેલ્થકેર સુધી દરેક જગ્યાએ એઆઈ કામ કરી રહ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે એઆઈ ફક્ત નોકરીઓને જ ખતમ નહીં કરે, પરંતુ નવી નોકરીઓનું નિર્માણ પણ કરશે.

જાન્યુઆરી 2026માં વર્લ્ડ ઇકોનૉમિક ફોરમના એક રિપોર્ટ અનુસાર એઆઈના કારણે દુનિયાભરમાં લાખો નવી નોકરીઓ સર્જાઈ છે.

12મું પાસ કર્યા પછી જો કોઈ એઆઈ ફીલ્ડમાં કરિયર બનાવવા માગે, તો શરૂઆત યોગ્ય કોર્સ પસંદ કરવાથી થાય છે.

કરિયર કનેક્ટમાં આજે અમે એવા ટૉપ પાંચ એઆઈ કોર્સ જણાવીશું, જે મજબૂત કરિયર અને સારી સૅલરીની દિશામાં પહોંચાડી શકે છે.

એઆઈ શું છે?

તમને એવું વિચારીને ક્યારેય આશ્ચર્ય થયું છે કે તમારો ફોન તમારા ચહેરાને કઈ રીતે ઓળખે છે? કોઈ સ્ટ્રીમિંગ સર્વિસ એ કઈ રીતે જાણી લે છે કે તમને કઈ ફિલ્મ ગમશે કે પછી કોઈ કાર ડ્રાઇવર વગર કઈ રીતે ચાલી શકે છે? આ બધા સવાલોનો જવાબ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈ.

શિવ નાદર યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના હૅડ પ્રોફેસર આકાશ સિંહા એઆઈને સરળ ભાષામાં સમજાવતાં કહે છે, "આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તમે એ રીતે સમજો કે મશીન કે કમ્પ્યૂટરની એવી ક્ષમતા, જેનાથી એવું લાગે કે તે માણસની જેમ જ વિચારવા-સમજવામાં સક્ષમ છે."

તેઓ કહે છે, રોજિંદા જીવનમાં જોઈએ તો, તમે જ્યાં પણ કમ્પ્યૂટર–મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છો, તેની પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામ કરી રહ્યું છે.

તેઓ કહે છે, "જ્યારે તમે યૂટ્યૂબ ખોલો છો, ત્યારે તમને કયો વીડિયો બતાવવામાં આવશે તે કોઈ વ્યક્તિ બેસીને નક્કી નથી કરતી; તેની પાછળ એઆઈ અલ્ગોરિધમ કામ કરે છે. ફેસબુક પર કઈ પોસ્ટ જોવા મળશે, કઈ જાહેરાત આવશે, કે બૅન્કિંગ વ્યવહારમાં છેતરપિંડી ક્યાં થઈ શકે છે – આ બધાનું વિશ્લેષણ એઆઈ કરે છે."

સમયની સાથે એઆઈ સિસ્ટમ સતત શીખીને ઘણી વધુ સારી થઈ રહી છે, બિલકુલ એવી જ રીતે, જે રીતે માણસ અનુભવથી શીખે છે—તે પણ શીખી રહી છે. આ જ કારણ છે કે તેને ઘણી નોકરીઓના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે.

એઆઈના પાંચ ટૉપ કોર્સ કયા છે?

દિલ્હીમાં ટેક પૉલિસી ફોકસ્ડ થિંકટૅન્ક ઇસિયા સેન્ટરનાં ડાયરેક્ટર અને જાણીતાં એઆઈ ઍક્સ્પર્ટ મેઘના બલ કહે છે, "એઆઈ એવા લોકો માટે જોખમ નથી જેઓ પોતાને અપડેટ રાખે છે. પરંતુ તે તેમના માટે તક છે, જેઓ ટેકનૉલોજીને સમજીને તેની સાથે કામ કરતાં શીખી લે છે."

મેઘના બલ કહે છે કે કેટલાક બેઝિક લેવલ કોર્સ તો બધાએ કરવા જોઈએ.

ઘણા કોર્સ તો સરકારના 'SWAYAM' પોર્ટલ દ્વારા ફ્રીમાં પણ કરી શકાય છે.

તે સિવાય જેનરેટિવ એઆઈના ટૂલનો કઈ રીતે ઉપયોગ કરાય તેનો ફંડામેન્ટલ કોર્સ બધાએ કરવો જોઈએ.

તેઓ કહે છે, "મશીન લર્નિંગના બેઝિક કૉન્સેપ્ટ, અપ્લાઇડ મશીન લર્નિંગના બેઝિક કૉન્સેપ્ટ સાથે જોડાયેલો કોર્સ કરી શકો છો, જે તમને જણાવશે કે મશીનો કઈ રીતે કામ કરે છે."

"ઍપ્લાઇડ ઑન બિઝનેસ ઍન્ડ ડેટા ઍનાલિટિક્સ જેવા કોર્સ પણ કરી શકો છો."

"તેનાથી એ સમજાશે કે ડેટાને કઈ રીતે હૅન્ડલ કરવાનો છે. એક કોર્સ છે એઆઈ રિલેટેડ ટૂ પ્રૉડક્ટ ઍન્ડ સ્ટ્રૅટેજી મૅનેજમેન્ટ, જે જણાવે છે કે પ્રૉડક્ટ સાથે જોડાયેલા, સ્ટ્રૅટેજી સાથે જોડાયેલા, મૅનેજમેન્ટ સાથે જોડાયેલા નિર્ણયો કઈ રીતે લેવા જોઈએ. તેમાં એઆઈ કઈ રીતે ઉપયોગી થશે. આ એક સારો કોર્સ સાબિત થઈ શકે છે."

"એઆઈ સાઇબર સિક્યૉરિટી સાથે કઈ રીતે જોડાઈ શકે છે, એ પણ એક સ્પેશિયલાઇઝ્ડ કોર્સ છે, પરંતુ તે ખાસ કરીને ઍન્જિનિયર માટે હોય છે. સાઇબર સિક્યૉરિટી અને રોબૉટિક્સ જેવા કોર્સ ઍન્જિનિયરિંગમાં કરિયરને આગળ વધારવાની ભરપૂર તક આપશે."

પરંતુ કોઈને એઆઈમાં જ કરિયર બનાવવી હોય તો પ્રોફેસર સિંહા તેમના માટે પાંચ બેસ્ટ કોર્સ સૂચવે છે, જે મજબૂત વિકલ્પ બની શકે છે.

એમબીએ/પીજી ડિપ્લોમા ઇન એઆઈ ઍન્ડ બિઝનેસ ઍનાલિટિક્સ: આ કોર્સ તેમના માટે વધુ સારો છે જેઓ બિઝનેસ, મૅનેજમેન્ટ અને કૉમર્સ બૅકગ્રાઉન્ડ ધરાવે છે અને જેઓ એઆઈ સ્ટ્રૅટેજી, ઍનાલિટિક્સ અને પ્રૉડક્ટ મૅનેજમેન્ટમાં જવા માગે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIMs), ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ, અને અપગ્રેડ કે ગ્રેટ લર્નિંગ જેવી ઍજ્યુટેક ટેક કંપનીઓ સાથે જોડાઈને આ કોર્સ કરી શકાય છે. ફી લગભગ અઢીથી સાત લાખ રૂપિયા હોય છે, જે કૉલેજ અને સંસ્થા પ્રમાણે અલગ હોઈ શકે છે. અને કોર્સ કર્યા પછી સંભવિત સૅલરી 6થી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. એ પણ કંપની અને પોસ્ટ પર આધારિત છે.

એઆઈ સર્ટિફિકેટ પ્રોગ્રામ (ઑનલાઇન): આ પણ Udacity કે બીજાં ઑનલાઇન એજ્યુટેક પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે. પ્રોફેસર સિંહા કહે છે કે તેની ફી દોઢ લાખ રૂપિયાની આસપાસ છે. આ એવા લોકો માટે છે, જેઓ એકદમ શરૂઆતના તબક્કામાં છે અને ફ્લેક્સિબલ લર્નિંગની સાથે એઆઈની પ્રાથમિક સમજ કેળવવા માગે છે. આ કોર્સ કર્યા પછી પણ વાર્ષિક 10 લાખ સુધીની સૅલરી મળી શકે છે.

એમસીએ/એમ ટેક ઇન એઆઈ ઍન્ડ મશીન લર્નિંગ: આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈઆઈટી અને બીજી કેટલીક મુખ્ય યુનિવર્સિટીમાંથી આ કોર્સ કરી શકાય છે. તે સિવાય આઈઆઈટીમાં એઆઈ સાથે જોડાયેલા ઘણા ક્રૅશ કોર્સ પણ ઉપલબ્ધ છે. માસ્ટર્સની ફી વાર્ષિક 1 લાખથી 10 લાખની વચ્ચે હોઈ શકે છે. પરંતુ આ કોર્સ કર્યા પછી વાર્ષિક સૅલરી 22 લાખ રૂપિયા સુધી મળી શકે છે. આ કોર્સ એમના માટે છે જેઓ એક મજબૂત તકનીકી કુશળતા ઇચ્છે છે.

બીએસસી/બીટેક ઇન એઆઈ ઍન્ડ ડેટા સાયન્સ: દિલ્હી ટેકનૉલોજિકલ યુનિવર્સિટી, વેલ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલોજી, એમિટી યુનિવર્સિટી, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, એનઆઈટી જેવી મોટી સંસ્થાઓમાંથી આ કોર્સ કરી શકાય છે. આખા પ્રોગ્રામની ફી 1 લાખથી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. સંભવિત સૅલરી વાર્ષિક 6થી 18 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આ કોર્સ તેમના માટે સારો છે જેઓ ગ્રેજ્યુએશન દરમિયાન જ એઆઈમાં નિપુણતા ઇચ્છે છે.

એઆઈ બૂટકૅમ્પ અને ઇન્ડસ્ટ્રી પ્રોગ્રામ: આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી બૉમ્બે અને ઘણી મોટી પ્રાઇવેટ સંસ્થાઓમાં આ કોર્સ ઉપલબ્ધ છે. ફી લગભગ 1 લાખથી સાડા ત્રણ લાખ રૂપિયા હોઈ શકે છે. કોર્સ પછી સંભવિત પૅકેજ 6થી 18 લાખ રૂપિયા કે તેનાથી વધુ હોઈ શકે છે. આ કોર્સ કરિયર બદલનારા પ્રોફેશનલ માટે છે અને સાથે જ એવા નોકરિયાત લોકો માટે પણ છે જેઓ એઆઈમાં અપસ્કિલ બનવા માગે છે.

પ્રોફેસર સિંહા જણાવે છે કે સિનિયર એઆઈ રોલમાં સૅલરી 25થી 40 લાખ રૂપિયા કે તેનાથી વધારે પણ મળી શકે છે—ખાસ કરીને બૅંગલુરુ, હૈદરાબાદ જેવા ટેક હબ અને ગ્લોબલ ટેક કંપનીઓમાં.

આ નોકરીઓ પર એઆઈની ઓછી અસર થશે

ઇન્વેસ્ટમેન્ટ બૅંક ગોલ્ડમૅન સાક્સના એક રિપોર્ટમાં એમ કહેવાયું છે કે વર્ષ 2030 સુધીમાં એઆઈથી દુનિયાભરમાં 30 કરોડ ફુલ-ટાઇમ જૉબ રિપ્લેસ થઈ જશે.

પરંતુ જાણકારો માને છે કે દરેક એવી ફીલ્ડ, જ્યાં એક ઍક્સ્પર્ટની જરૂર હોય, અનુભવની જરૂર હોય… તેનું એઆઈ દ્વારા રિપ્લેસ થવું મુશ્કેલ છે અથવા તેમાં હજુ સમય લાગશે. તેથી એવું જરૂરી નથી કે માત્ર એઆઈના કોર્સ કરીને જ કરિયરનું ફ્યૂચર બનાવી શકાય છે.

મેઘના બલ કહે છે, "નર્સ, હેલ્થકેર પ્રોફેશનલ, ફિઝિયોથેરપિસ્ટ, સાઇકૉલોજિસ્ટ, ટીચરનાં કામ એઆઈ નહીં કરી શકે. આ કામો માટે માણસ જ જોઈએ."

"હ્યૂમન કનેક્શન વગર લોકો માત્ર ઑટોમેટેડ જવાબોથી સંતુષ્ટ નહીં થાય."

"આના ઉપરાંત ક્રિએટિવ ડાયરેક્ટર્સ છે, લેખક છે કે કન્ટેક્ટ સ્ટ્રૅટેજિસ્ટ – જ્યાં ક્યાંય પણ ક્રિટિકલ થિંકિંગની જરૂર હશે, તેવાં કામોમાં એઆઈ મદદ કરી શકે છે, પરંતુ તેની જગ્યા નહીં લઈ શકે."

"પરંતુ, જે કામોમાં કંઈ નવું નથી, જે દરેક વખતે એક જ રીતે કરાય છે, તેને એઆઈ સરળતાથી કરી લેશે."

જ્યારે પ્રોફેસર આકાશ સિંહા કહે છે, "ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, ડૉક્ટર, નર્સ, એઆઈ ઍન્જિનિયર, સાઇબર સિક્યૉરિટી ઍક્સ્પર્ટ, વકીલ… કરિયર આ પાંચ-છ ફીલ્ડમાં લોકો સિક્યૉર છે, શરત એટલી કે તેમાં તમે તમારી પારંગતતા જાળવી રાખો. તમે પોતે એઆઇ ટૂલનો ઉપયોગ કરવાનું શીખો, જેથી કામ જલદી કરી શકો."

જોકે, તેઓ કરિયરના આ વિકલ્પોને પણ એઆઈથી સંપૂર્ણ સુરક્ષિત નથી માનતા.

પ્રોફેસર સિંહા કહે છે, "જ્યાં પણ તમને એક એક્સ્પર્ટ તરીકે જોવામાં આવશે, ત્યાં તમારી નોકરી સુરક્ષિત છે."

"કેમ કે, લોકોને એઆઈ પર કોઈ ઍક્સ્પર્ટના લેવલ જેટલો ભરોસો થતાં સમય લાગશે. જો આ જ કરિયરમાં તમે એન્ટ્રી કે મિડ લેવલ પર છો, તો તમારી નોકરી પર જોખમ છે."

"એ સ્થિતિમાં તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ટૂલનો ઉપયોગ કરીને પોતાનું કામ વધુ સારું કરો અને નોકરીને સુરક્ષિત રાખો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન