You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન યુદ્ધે ચીનની રણનીતિને શું બરબાદ કરી નાખી છે, શી જિનપિંગ હવે શું કરશે?
- લેેખક, લૉરા બિકર
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 6 મિનિટ
ચીનને હજુ સુધી મધ્ય-પૂર્વના યુદ્ધનો આંચકો નથી લાગ્યો, પરંતુ હળવી અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે.
હાલમાં તો ચીન પાસે કેટલાય મહિના સુધી ચાલે તેટલો ઑઇલનો જથ્થો છે. જરૂર પડે તો પાડોશી દેશ રશિયા પણ તેને મદદ કરી શકે છે.
છતાં ચીન વિચારે છે કે આ યુદ્ધ લાંબો સમય ચાલશે તો કેવી અસર પડશે. યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ચીને કરેલા રોકાણને જ નહીં, પરંતુ તેની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓને પણ ફટકો પડી શકે છે.
આ અઠવાડિયે બેઇજિંગમાં કૉમ્યુનિસ્ટ પાર્ટીના હજારો પ્રતિનિધિઓ બેઠક કરી રહ્યા છે. તેઓ દુનિયાના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર માટે આગળનો માર્ગ પણ નક્કી કરશે.
ચીન અત્યારે અનેક આર્થિક પડકારોનો સામનો કરે છે. ઘરેલુ વપરાશ ઘટ્યો છે, લાંબા સમયથી પ્રૉપર્ટી માર્કેટમાં સંકટ છે અને સ્થાનિક સરકારો પર પુષ્કળ દેવું થઈ ગયું છે.
ગુરુવારે ચીને પોતાના આર્થિક વૃદ્ધિદર માટે 1991 પછી સૌથી નીચો અંદાજ આપ્યો હતો.
જોકે, ચીન હાલમાં હાઈ-ટૅક અને રિન્યૂએબલ ઍનર્જી ઉદ્યોગના ઝડપી વિકાસ માટે પણ કામ કરી રહ્યું છે.
મધ્ય-પૂર્વની અસ્થિરતાની ચીન પર અસર
ચીનને આશા હતી કે તે નિકાસ વધારીને પોતાની આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકે છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તે અમેરિકા સાથે ટ્રેડ-વૉરમાં અટવાયેલું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે ચીને મધ્ય પૂર્વમાં પણ અસ્થિરતાનું જોખમ ઉઠાવવું પડી શકે છે. આ ક્ષેત્ર ચીન માટે સમુદ્રી માર્ગો અને ઊર્જાના પુરવઠાનો મુખ્ય સ્રોત છે.
આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે તો ચીનને ગંભીર અસર થઈ શકે છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોનું આવાગમન અવરોધાયેલું રહે તો નુકસાન થશે.
લંડનસ્થિત રૉયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત ફિલિપ શેટલર જૉન્સ કહે છે કે "મધ્ય પૂર્વમાં લાંબો સમય અસ્થિરતા રહેશે તો ચીન માટે મહત્ત્વનાં હોય એવાં બીજાં ક્ષેત્રો પર પણ તેની અસર પડશે."
તેઓ કહે છે "આફ્રિકાનાં ઘણાં અર્થતંત્રોમાં અખાતના દેશો દ્વારા સતત રોકાણ કરવામાં આવે છે. જો આ રોકાણ અટકશે તો તેનાથી વ્યાપાર અસ્થિરતા પેદા થશે. ચીનના લાંબા ગાળાના હિતને પણ નુકસાન થઈ શકે છે."
એટલે કે ચીનના વૈશ્વિક રોકાણ અને બજારો પણ લાંબા યુદ્ધથી અસર પામી શકે છે.
કિંગ્સ કૉલેજ લંડન ખાતે ચાઉના લાઉ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રોફેસર કૅરી બ્રાઉન કહે છે કે "મને લાગે છે કે ચીન એ જ વિચારે છે જે બાકીની દુનિયા વિચારે છે. આ બધાની રણનીતિ શું છે? શું અમેરિકા કોઈ પણ યોજના વગર આમાં કૂદી પડ્યું છે?"
તેઓ કહે છે, "કદાચ બીજા દેશોની જેમ અમેરિકા પણ વિચારતું હશે, હે ભગવાન, શું ખરેખર અમેરિકા કોઈ પણ સ્પષ્ટ યોજના વગર આમાં ઊતરી પડ્યું છે? અમે આ સંઘર્ષમાં ફસાવા નથી માંગતા, પરંતુ આપણે કંઈને કંઈ કરવું પડશે."
ઈરાન અને ચીનની દોસ્તી કેટલી મજબૂત
પશ્ચિમી દેશોમાં મોટા ભાગે ઈરાનને ચીનના સહયોગી તરીકે દર્શાવાય છે.
બંને દેશો વચ્ચેના સંબંધો નિશ્ચિત રીતે બહુ મિત્રતાપૂર્ણ છે.
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈએ 1989માં ચીનની છેલ્લી વિદેશયાત્રા કરી હતી.
તે વખતે તેમણે ગ્રેટ વૉલની સામે તસવીર પણ પડાવી હતી.
2016માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તહેરાનની મુલાકાત લીધી, ત્યારે બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા હતા.
ત્યાર પછી 2021માં બંને દેશોએ 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા.
તેના હેઠળ ચીને ઈરાનમાં 25 વર્ષમાં 400 અબજ ડૉલરના રોકાણનું વચન આપ્યું. તેના બદલામાં ઈરાને તેલનો પુરવઠો ચાલુ રાખવાનો ભરોસો આપ્યો.
પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે આ રોકાણનો બહુ ઓછો હિસ્સો વાસ્તવમાં ઈરાન સુધી પહોંચ્યો છે. બીજી તરફ તેલનો પુરવઠો ચાલુ રહ્યો.
કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ઑન ગ્લોબલ ઍનર્જી પૉલિસી મુજબ 2025માં ચીને ઈરાનથી દરરોજ લગભગ 13.8 લાખ બેરલ ક્રૂડ ઑઇલની આયાત કરી હતી.
તે ચીનની કુલ ઑઇલ આયાતના લગભગ 12 ટકા થાય છે.
કહેવાય છે કે તેમાંથી ઘણા તેલની અસલ ઓળખ છુપાવવા તેને 'મલેશિયન ઑઇલ' તરીકે દેખાડવામાં આવ્યું.
એક રિપોર્ટ પ્રમાણે એશિયામાં લગભગ 4.6 કરોડ બેરલ ઈરાની ઑઇલ સમુદ્રમાં સ્ટોરેજ જહાજોમાં રાખેલું છે.
આ ઉપરાંત ચીનના ડાલિયાન અને ઝોઉશાન બંદર પર પુષ્કળ ઑઇલનો સંગ્રહ છે, જ્યાં ઈરાનની રાષ્ટ્રીય ઑઇલ કંપનીએ ભાડે ટૅન્કો રાખેલી છે.
બંને દેશો વચ્ચે હથિયારોની લેવડ-દેવડના આરોપો પણ લાગ્યા છે. ચીને ઈરાનને ઍન્ટિ-શિપ ક્રૂઝ મિસાઇલ વેચવાનો ઇન્કાર કર્યો છે.
પરંતુ અમેરિકાની જાસૂસી એજન્સીઓનો આરોપ છે કે ચીને ઈરાનના બૅલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમમાં એન્જિનિયરોને તાલીમ અને ઉપકરણો આપીને ટૅક્નૉલૉજિકલ મદદ કરી હતી.
માનવાધિકાર સંગઠનોનો આરોપ છે કે ઈરાનમાં વિરોધપ્રદર્શનોને કચડવાં માટે જે મૉનિટરિંગ ટૅક્નૉલૉજી (જેમ કે ચહેરો ઓળખવાની તકનીક)નો ઉપયોગ થયો હતો, તે ચીન પાસેથી મળી છે.
આ બધી વાતો પરથી લાગે છે કે બંને દેશો વચ્ચે બહુ મજબૂત સંબંધો છે.
આ કારણથી કેટલાક પશ્ચિમી મીડિયાએ ચીન, ઈરાન, ઉત્તર કોરિયા અને રશિયાને સંયુક્ત રીતે 'અસ્થિરતાની ધરી' તરીકે ઓળખાવ્યાં હતાં.
જોકે, નિષ્ણાતો કહે છે કે આ સંબંધોનો પાયો વૈચારિક નહીં પરંતુ આપ-લે પર આધારિત છે.
પ્રોફેસર બ્રાઉન કહે છે, "એવું કોઈ ખાસ વૈચારિક કે સાંસ્કૃતિક કારણ નથી જેના લીધે ચીન અને ઈરાન સ્વભાવિક રીતે નિકટ ગણાય."
"ચીનની ભાગલા પાડો અને રાજ કરોની નીતિમાં ઘણી વખત એ ફાયદો થયો કે ઈરાન અમેરિકા માટે સતત પરેશાનીનું કારણ બની રહ્યું. તેથી મને લાગે છે કે ચીનના ઈરાન સાથેના સંબંધો મોટા ભાગે સકારાત્મક નહીં, પરંતુ નકારાત્મક છે."
તેમના કહેવા મુજબ આ સંબંધ બહુ મજબૂત ન હતા. તે માત્ર એક હદ સુધી કામ કરતા રહ્યા.
ચીન પશ્ચિમી દેશોની જેમ પોતાના સહયોગીઓ સાથે સંરક્ષણ કરાર નથી કરતું.
તેથી કોઈ સહયોગીને સૈન્ય મદદ કરવા માટે તે આગળ નથી આવતું.
ચીન સામાન્ય રીતે કોઈ પણ સંઘર્ષથી અંતર જાળવી રાખવામાં માને છે.
જવાબદાર સત્તા બનવા પ્રયાસ
આમ છતાં તેનો અર્થ એવો નથી કે ચીન મધ્ય-પૂર્વની ઘટનાઓથી ચિંતિત નથી.
ચીને આ મામલે અપેક્ષાકૃત હળવો પ્રતિભાવ આપ્યો અને યુદ્ધવિરામની અપીલ કરી હતી.
ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે "અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલાને મંજૂર રાખી શકાય નહીં. કોઈ પણ સાર્વભૌમ દેશના નેતાની હત્યા કરીને શાસન પરિવર્તનનો પ્રયાસ કરવો એ બિલકુલ મંજૂર નથી."
વાસ્તવમાં વેનેઝુએલા અને હવે ઈરાનની ઘટનાઓએ દેખાડી દીધું કે ચીનની ભાગીદારીઓની પણ મર્યાદા છે.
બંને મામલામાં ચીન માત્ર એક દર્શક બનીને રહ્યું અને પોતાના સહયોગીઓની મદદ કરી શકતું નથી.
ફિલિપ શેલટર-જૉન્સ કહે છે કે ચીન પોતાને અમેરિકાને બૅલેન્સ કરનાર એક જવાબદાર સત્તા તરીકે દેખાડવા માંગે છે.
"પરંતુ સૈન્ય ક્ષમતાના મામલે અમેરિકા હજુ પણ દુનિયામાં કોઈ પણ જગ્યાએ પરિણામો નક્કી કરવાની ક્ષમતા ધરાવે છે."
તેમના કહેવા પ્રમાણે ચીન એક મોટી આર્થિક સત્તા હોવા છતાં અમેરિકાના સ્તરનું સુપરપાવર નથી.
આ ચિંતાઓનો જવાબ આપવા માટે શી જિનપિંગ પોતાને એક સ્થિર અને ભરોસાપાત્ર વૈશ્વિક નેતા તરીકે રજૂ કરતા રહેશે, જે ડોનાલ્ડ ટ્રમ્પથી વિપરીત છે.
એસઓએસ ચાઇના ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રોફેસર સ્ટીવ ત્સાંગ કહે છે, "ચીન એવો તર્ક આપશે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત દેખાડી દીધું કે પશ્ચિમની કથની અને કરણીમાં કેટલો ફરક છે. ખાસ કરીને જ્યારે તે 'ઉદાર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા'ની વાતો કરે છે."
પ્રોફેસર ત્સાંગ કહે છે કે "ઈરાન યુદ્ધના કારણે ઍનર્જી સપ્લાય અને હવાઈયાત્રામાં સર્જાયેલા અવરોધોની અસર પશ્ચિમી દેશોની તુલનામાં ગ્લોબલ સાઉથના દેશો પર ઘણી વધારે પડશે."
તેઓ કહે છે, "કેટલાક દેશોમાં થોડા જ મહિનામાં ખાદ્ય કટોકટી પેદા થઈ શકે છે. આ દેશો મોટા ભાગે ગ્લોબલ સાઉથના હશે. આપણને પશ્ચિમી ગઠબંધનમાં પણ તિરાડ જોવા મળે છે, જ્યાં બ્રિટન અને સ્પેન જેવા દેશોને નિશાન બનાવીને ટીકા કરવામાં આવી રહી છે."
ચીન આને અન્ય દેશોની સાથે મળીને વાતચીતમાં મધ્યસ્થી કરવાની તક તરીકે જોઈ શકે છે.
ચીનના વિદેશમંત્રી વાંગ યીએ ઓમાન અને ફ્રાન્સના વિદેશમંત્રીઓ સાથે વાત કરી છે. ચીને જાહેરાત કરી છે કે તે મધ્યપૂર્વમાં એક વિશેષ દૂત મોકલશે.
ટ્રમ્પ સાથે મુલાકાતની તૈયારી
આટલા બધા ઘટનાક્રમ વચ્ચે પણ ચીન બહુ સાવધાનીથી પગલાં લઈ રહ્યું છે.
તેનું એક કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, જેઓ આ મહિનાના અંતમાં ચીન આવવાના છે.
ચીને અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલની ટીકા કરીને પણ ટ્રમ્પ પર સીધો હુમલો નથી કર્યો. તેના કારણે મુલાકાત આસાન બની શકે છે.
રૉયટર્સ મુજબ બંને દેશોના અધિકારીઓ હજુ આ યાત્રાની તૈયારીઓ વિશે ચર્ચા કરી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે "આ મુલાકાતથી ચીન એ જાણવાનો પ્રયાસ કરશે કે તાઇવાનના મુદ્દે અમેરિકાનું વલણ શું છે."
કેટલાક ચાઇનાના નિષ્ણાતો આ સંકટને અમેરિકાને યુદ્ધ ભડકાવનારા દેશ તરીકે દેખાડવાની તક તરીકે પણ જુએ છે.
પરંતુ પ્રોફેસર કૅરી બ્રાઉન કહે છે કે "અમેરિકાનો આવો અનપેક્ષિત અને અસ્થિર વ્યવહાર ચીન માટે પણ ચિંતાનું કારણ છે."
તેઓ કહે છે, "ચીન કદાચ એવી દુનિયા નથી ઇચ્છતું, જેમાં અમેરિકાનું સંપૂર્ણ વર્ચસ્વ હોય. પરંતુ તે એવી દુનિયા પણ નથી ઈચ્છતું જેમાં અમેરિકા આટલું અસ્થિર ખેલાડી બની જાય."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન