ઈરાનમાં સૈનિકો ઉતારવાની અમેરિકાની યોજના વિશે ઈરાને કહ્યું, "અમને ઇંતેજાર છે" – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાન પર અમેરિકાના સૈન્યના સંભવિત ભૂમિ હુમલાના અહેવાલો વચ્ચે ઈરાને કહ્યું છે કે તે લડવા માટે તૈયાર છે.

ભારતમાં ઈરાની દૂતાવાસે તેહરાન ટાઈમ્સના એક ખાસ અંકનું એક પાનું શેર કર્યું અને લખ્યું હતું કે, "જહન્નુમ (નર્ક)માં આપનું સ્વાગત છે."

તેહરાન ટાઇમ્સે આ પેજની હેડલાઈન પણ આ જ રાખી છે અને તેમાં લખાયું છે કે ઈરાનની જમીન પર પગ મૂકનારા અમેરિકાના સૈનિકો માત્ર શબપેટીઓમાં પાછા ફરશે.

અહીં ઉલ્લેખનીય છે કે અંગ્રેજી અખબાર વૉશિંગટન પોસ્ટે લખ્યું હતું કે પેન્ટાગન ઈરાનમાં અઠવાડિયાઓથી જમીન પર ઊતરીને કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઈરાની સરકારી મીડિયા એજન્સીએ ઈરાનની સંસદના સ્પીકર બાગર ગાલિબાફનું નિવેદન ટાંક્યું છે.

આ નિવેદનમાં ગાલિબાફ કહે છે કે, "અમેરિકાના સૈનિકોના જમીન પર ઉતરવાનો અમે ઇંતેજાર કરી રહ્યા છીએ, જેથી કરીને તેના પર આગ વરસાવી શકાય."

ઈરાને ગલ્ફ દેશો પર કર્યા હુમલા, યુએઈ પર છોડવામાં આવી મિસાઇલ

અમેરિકા-ઇઝરાયલ તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખાડીના દેશોનાં માળખાને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ખાડી દેશોનાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છેલ્લા 24 કલાકમાં હુમલા થયા.

સંયુક્ત આરબ અમીરાત પર શનિવારે ઘણી બૅલિસ્ટિક વડે હુમલા થયા, જે છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં સૌથી વધારે છે. એમિરેટ્સ ગ્લોબલ ઍલ્યુમિનિયમે જણાવ્યું કે અબુ ધાબીમાં તેના પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો છે. હુમલાને કારણે તેને ઘણું નુકસાન થયું છે. જેમાં કેટલાક કર્મચારીઓ ઘાયલ પણ થયા.

ખાડીમાં બહેરીન ઍલ્યુમિનિયમ પર પણ હુમલો થયો. જેમાં બે કર્મચારીઓ ઘાયલ થયાના સમાચાર છે. કુવૈતમાં આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની રડાર સિસ્ટમને નુકસાન થયું છે.

ખાડીના દેશોનું કહેવું છે કે શાંતિ માટે આગામી વાતચીત માટે પોતાની વાત મૂકવાનો તેમને અધિકાર મળવો જોઈએ.

જોકે, ખાડીના દેશ આ વાતને લઈને મતભેદ ધરાવે છે કે આગામી દિવસોમાં ઈરાન સાથે અને અમેરિકા સાથે કયા પ્રકારના સંબંધો હોવા જોઈએ.

અત્યાર સુધી ઈરાનનાં 11 હજારથી વધુ ઠેકાણાંને નિશાન બનાવાયાં : અમેરિકાની સેના

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ)એ જણાવ્યું છે કે ઈરાનની સામે જ્યારથી યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યાર સુધી તેનાં 11 હજારથી વધારે ઠેકાણાં પર હુમલો કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં ઈરાનનાં 150થી વધુ વિમાનો ક્યાં તો નષ્ટ થયાં કે પછી ક્ષતિગ્રસ્ત થયાં.

સેંટકૉમે કહ્યું, "ઈરાની સરકારની સુરક્ષા વ્યવસ્થાને તોડવા માટે આ ઠેકાણાં પર હુમલો કરવામાં આવી રહ્યો છે, ખાસ તો એ જગ્યા જે જોખમ પેદા કરે છે."

ઉલ્લેખનીય છે કે અમેરિકા-ઇઝરાયલે ઈરાન પર આ વર્ષે 28મી ફેબ્રુઆરીના રોજ હુમલા શરૂ કર્યા હતા. પહેલા જ દિવસે ઈરાનના સુપ્રીમ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ સહિત ઘણા નેતાઓ માર્યા ગયા હતા.

જોકે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન વાતચીત કરવા માગે છે. ટ્રમ્પના દાવાને લઈને ઈરાન તરફથી કોઈ વાતચીત કે યુદ્ધવિરામને લઈને કોઈ ઠોસ સકારાત્મક પ્રતિક્રિયા નથી આવી.

આઈપીએલ 2026 : વિરાટ કોહલીને લઈને મોહમ્મદ કૈફની સોશિયલ મીડિયા પોસ્ટ કેમ ચર્ચામાં છે?

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ માટે વિરાટ કોહલીની શનિવારે રમેલી પારીની ભરપૂર પ્રશંસા કરી છે.

મોહમ્મદ કૈફે ઍક્સ પર લખ્યું, "કલ્પના કરો, ઑસ્ટ્રેલિયામાં બે વાર શૂન્ય પર આઉટ થયા પછી એવું કહેવામાં આવ્યું કે વિરાટ કોહલીનો સમય પૂરો થઈ ગયો છે. પરંતુ તેમના છેલ્લા 10 સ્કોર સફેદ બૉલના ક્રિકેટમાં આ છે – 74, 135, 102, 65, 131, 77, 93, 23, 124 અને આ મૅચમાં 69 રન નૉટઆઉટ."

હકીકતમાં, વિરાટ કોહલીએ આઈપીએલ 2026ની પહેલી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સરળ જીત અપાવી.

કોહલીએ 38 બૉલમાં 69 રન બનાવ્યા, તેમણે પોતાની પારીમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા.

મૅચ પહેલાં પણ મોહમ્મદ કૈફે આરસિબી અને વિરાટ કોહલીને લઈને એક ઍક્સ પર પોસ્ટ કરી હતી.

તેમાં તેમણે લખ્યું, "આરસીબી અને વિરાટ કોહલીને 'ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ' કહેવાનો ગૌરવ મેળવવામાં 18 વર્ષ લાગ્યાં. આ સિઝનમાં જોવાનું રહેશે કે પહેલેથી જ શાનદાર ફૉર્મમાં ચાલી રહેલા વિરાટ વધુ સફળતા માટે કેટલા બેચેન છે."

કૈફે લખ્યું, "આરસીબી અને વિરાટ, કેટલી અદ્ભુત કહાણી છે. તેમણે ક્યારેય હાર માની નથી. તેઓ સતત પ્રયત્ન કરતા રહ્યા. જીવન એક મૅરાથૉન છે, ધીરજ રાખો, દોડતા રહો, તમે તમારી મંઝિલ સુધી જરૂર પહોંચશો."

આઈપીએલની આ સિઝનમાં બીજા દિવસે એટલે કે આજે, મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે મૅચ રમાશે.

પાકિસ્તાનનાં 20 જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની પરવાનગી મળી : ઇસહાક ડાર

પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇસહાક ડારે જાણકારી આપી છે કે તેમના દેશનાં જહાજોને હોર્મુઝની સામુદ્રધુની પાર કરવાની મોટી છૂટ મળી છે.

ઇસહાક ડારે કહ્યું, "ઈરાને પાકિસ્તાની ધ્વજવાળાં વધુ 20 જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની પરવાનગી આપવા અંગે સંમતિ વ્યક્ત કરી છે."

તેમણે જણાવ્યું કે દરરોજ બે જહાજ હોર્મુઝની સામુદ્રધુની પાર કરશે. ઈરાને હજુ આ વાતની પુષ્ટિ નથી કરી.

હાલનો સંઘર્ષ શરૂ થયા બાદથી ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીને લગભગ બંધ કરી દીધી છે. એ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ક્રૂડઑઇલ ટ્રાન્સપૉર્ટેશન માર્ગો પૈકી એક છે.

વિશ્વનું લગભગ 20 ટકા ક્રૂડઑઇલ અને લિક્વિડ નૅચરલ ગૅસ (એલએનજી) સામાન્યપણે આ જ રસ્તેથી પસાર થાય છે, પરંતુ બીબીસી વેરિફાઈના વિશ્લેષણમાં જોવા મળ્યું છે કે રોજિંદી અવરજવરમાં લગભગ 95 ટકાનો ઘટાડો આવ્યો છે.

ઇસહાક ડારે કહ્યું કે ઈરાન સાથે આ સમાધાન 'શાંતિના સંકેત છે, જે ક્ષેત્રમાં સ્થિરતા લાવવામાં મદદ કરશે.'

નોંધનીય છે કે આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે માહિતી આપી હતી કે તેમણે શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર 'વિસ્તારપૂર્વક' વાત કરી છે. તેમણે કહ્યું કે આ વાતચીત 'એક કલાકથી વધુ' ચાલી.

યમનના હૂતિ વિદ્રોહીઓએ ઇઝરાયલ પર વધુ એક મિસાઇલ છોડી

યમનના હૂથી વિદ્રોહીઓએ ઇઝારયલ પર બીજી મિસાઇલ છોડી છે અને ડ્રૉન હુમલા કર્યા છે.

આ જાણકારી 'સીએનએન' અને 'ટાઇમ્સ ઑફ ઇઝરાયલ' બંનેએ જણાવી છે. જોકે, ઇઝરાયલે કહ્યું કે તેણે યમનમાંથી છોડાયેલી એક મિસાઇલને રોકી દીધી.

ઈરાન સમર્થિત આ સમૂહે ઇઝરાયલ પર એક ક્રૂઝ મિસાઇલ છોડી, જેને તોડી પડાઈ. આ પહેલાં હૂતિ વિદ્રોહી સમૂહે એક બૅલિસ્ટિક મિસાઇલ ઇઝરાયલ પર છોડી હતી.

ઇઝરાયલી મીડિયા 'ચૅનલ 12' અને 'ટાઇમ્સ ઑફ ઇઝરાયલે' એવું પણ જણાવ્યું કે દક્ષિણ ઇઝરાયલના ઇલાત શહેર પર ડ્રૉન હુમલો થયો, જે યમન તરફથી કરાયો હતો.

આ પહેલાં હૂતિ વિદ્રોહીઓએ કહ્યું હતું તેમણે ઘણી બૅલિસ્ટિક મિસાઇલો છોડી છે જે 'સંવેદનશીલ ઇઝરાયલી સૈન્ય ઠેકાણાં'ને નિશાન બનાવવા માટે હતી.

હૂતિ આને પલટવાર હુમલો ગણાવી રહ્યા છે, તેમનું કહેવું છે કે, "પહેલાં ઇઝરાયલે ઈરાન, લેબનોન, ઇરાક અને પેલેસ્ટાઇનિયન વિસ્તારોને નિશાન બનાવ્યા. તેના જવાબમાં હવે ઇઝરાયલ પર હુમલા થઈ રહ્યા છે."

ઈરાને કહ્યું, પાકિસ્તાનમાં વાતચીત પહેલાં તુર્કીએ સંઘર્ષ ખતમ કરવામાં મદદની પેશકશ કરી

ઈરાનના વિદેશ મંત્રાલય પ્રમાણે, તુર્કીના વિદેશમંત્રી હફાન ફિદાને ફરી વખત કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવામાં "સાર્થક ભૂમિકા" ભજવવા માટે તેમનો દેશ તૈયાર છે.

મંત્રાલયે કહ્યું કે તુર્કી અને ઈરાનના વિદેશમંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ, જેમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ યુદ્ધને ખતમ કરવાની કોશિશો માટે તુર્કીના વિદેશમંત્રીને ધન્યવાદ કર્યા.

તુર્કી એ દેશોમાં સામેલ રહ્યું છે જે આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે કૂટનીતિક રસ્તા પર કામ કરી રહ્યા છે.

આ પહેલાં પાકિસ્તાને કહ્યું હતું સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સાથે મળીને તુર્કી 29 અને 30 માર્ચના રોજ ઇસ્લામાબાદમાં તણાવ ઘટાડવા અંગે થનારી વાતચીતમાં સામેલ થશે.

આ સંઘર્ષમાં તુર્કી માટે સંતુલન જાળવી રાખવું એક પડકારજનક છે, કારણ કે એ એક તરફ નાટોનો સભ્ય દેશ છે અને બીજી ઈરાનનો પાડોશી પણ, જેની સાથે તેની 300 માઈલ કરતાં વધુ લાંબી બૉર્ડર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન