WPL 2026 ફાઇનલ: આરસીબીએ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કરીને ખિતાબ જીત્યો, સ્મૃતિએ દોસ્તનું સપનું કેવી રીતે તોડ્યું?

વાંચવાનો સમય: 4 મિનિટ

મુંબઈ ઇન્ડિયન્સ બાદ હવે આરસીબીએ પણ બીજી વખત ડબલ્યુપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 200થી વધુના સ્કોરનો પીછો કરતી વખતે કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ જ્યૉર્જિયા વૉલ સાથે 165 રનોની રેકૉર્ડ ભાગીદારી કરી.

દિલ્હી કૅપિટલ્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. WPLના ઇતિહાસમાં દિલ્હી એકમાત્ર એવી ટીમ છે, જેણે ચારેય વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે, પરંતુ તે હજી સુધી એક પણ ટ્રૉફી જીતી શકી નથી. કૅપ્ટન બદલાઈ ગયાં, પરંતુ ફાઇનલનું પરિણામ બદલાયું નથી.

આ વખતે પહેલી વાર ફાઇનલમાં ચૉક પણ ન થયા. 203 રન જેવો પહાડ સમાન સ્કોર પણ બનાવી લીધો. સ્મૃતિ મંધાના અને જ્યૉર્જિયા વૉલની જોડીએ તમામ સપનાં પર પાણી ફેરવી દીધું.

બંનેએ 165 રનોની રેકૉર્ડ ભાગીદારી કરીને મૅચને લગભગ એકતરફી બનાવી દીધી. અંતમાં સ્મૃતિની વિકેટ પડતા થોડી રોમાંચક સ્થિતિ સર્જાઈ, પરંતુ રાધા યાદવે છેલ્લી ઓવરમાં બે ચોગ્ગા મારીને બે બૉલ બાકી રહેતાં જ મૅચ પૂરી કરી દીધી.

WPLમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રન ચેઝ રહ્યો. આ સાથે આરસીબીએ બીજી વખત WPL ખિતાબ જીત્યો. આ પહેલાં 2024માં પણ ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી હતી. જ્યારે 2023 અને 2025ની WPL સિઝન મુંબઈ ઇન્ડિયન્સે જીતી હતી.

સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગ

200થી વધુના ટાર્ગેટના ચેઝમાં આરસીબીની શરૂઆત ખાસ સારી રહી નહોતી. ટીમે ગ્રેસ હૅરિસ (9 રન)ની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. હૅરિસને શિનેલ હૅન્રીએ બોલ્ડ કર્યાં. ત્યાર બાદ સ્મૃતિ મંધાના અને જ્યૉર્જિયા વૉલે શાનદાર બેટિંગ કરી. બીજી વિકેટ માટે બંને વચ્ચે 92 બૉલમાં 165 રનની ભાગીદારી થઈ, જે WPLમાં કોઈ પણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે.

વૉલે 54 બૉલમાં 79 રન બનાવ્યા, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. વૉલ આઉટ થયાં બાદ રિચા ઘોષ મેદાન પર આવ્યાં, પરંતુ તેઓ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયાં.

હવે આખી જવાબદારી સ્મૃતિ મંધાના પર આવી ગઈ હતી કે ટીમને જીત સુધી પહોંચાડે. જોકે 19મી ઓવરમાં તેમની શાનદાર 87 રનની ઇનિંગ્સનો અંત આવ્યો. શિનેલ હૅન્રીએ તેમને પણ બોલ્ડ કરી દીધાં. સ્મૃતિએ માત્ર 41 બૉલમાં 87 રન ફટકાર્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

અંતિમ ઓવરનો રોમાંચ

છેલ્લી ઓવરમાં આરસીબીને જીત માટે 10 રનની જરૂર હતી. સ્ટ્રાઇક પર રાધા યાદવ હતાં. તેમણે પહેલા બૉલ પર સિંગલ લીધો. હવે સ્ટ્રાઇક પર નાદીન ડિ-ક્લાર્ક આવ્યાં. દર્શકો બાઉન્ડરીની આશા રાખી રહ્યા હતા, પરંતુ તેમને પણ માત્ર સિંગલ જ જોવા મળ્યો.

હવે ચાર બૉલમાં આરસીબીને જીત માટે આઠ રન જોઈતા હતા. બંને ટીમો ખૂબ જ નર્વસ દેખાઈ રહી હતી, પરંતુ રાધાએ પ્રેઝન્સ ઑફ માઇન્ડ દેખાડ્યું.

દિલ્હીનાં કૅપ્ટન જેમિમાએ લૅગ સાઇડ પર ફિલ્ડિંગ ગોઠવી હતી અને ઑફ સાઇડનાં તમામ ફીલ્ડરો 30 યાર્ડ સર્કલની અંદર હતાં.

રાધાને ખબર હતી કે બૉલર શ્રીચરણી વિકેટને ટાર્ગેટ કરશે. તેઓ થોડાં હઠ્યાં અને ફીલ્ડરોની ઉપરથી કવર તરફ ચોગ્ગો ફટકાર્યો. હવે ત્રણ બૉલમાં ચાર રન જોઈતા હતા. ચોગ્ગા બાદ રાધાનો આત્મવિશ્વાસ પણ વધી ગયો હતો. તેમણે આગલા બૉલ પર ફરી એ જ રીતે શૉટ મારીને આરસીબીને બીજી વખત ચૅમ્પિયન બનાવી દીધી.

જેમિમા રોડ્રિગ્સની શાનદાર પારી એળે ગઈ

વડોદરાનાં બીસીએ સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઇનલમાં દિલ્હી કૅપિટલે આરસીબી સામે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

આ ફાઇનલ મુકાબલામાં આરસીબીએ ટૉસ જીતીને પહેલી બૉલિંગ પસંદ કરી હતી. પહેલી ઇનિંગમાં દિલ્હી કૅપિટલ્સની ટીમનાં કૅપ્ટન જેમિમા રોડ્રિગ્સે 37 બૉલમાં 57 રન કર્યા હતા.

શિનેલ હૅનરીએ પણ નૉટઆઉટ રહીને 15 બૉલમાં 35 રન ફટકાર્યા હતા. આમ આ મોટી ઇનિંગ્સને કારણે દિલ્હીની ટીમ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 203ના સ્કોર સુધી પહોંચવામાં સફળ થઈ.

આ વીમેન્સ પ્રીમિયર લીગની ચોથી સિઝન હતી અને ચારે વખત દિલ્હી કૅપિટલની ટીમ ફાઇનલમાં પહોંચીને હારી ગઈ છે અને એક પણ વખત ચૅમ્પિયન નથી બની શકી.

વીમેન્સ પ્રીમિયર લીગની પહેલી અને ત્રીજી સિઝન મુંબઈ ઇન્ડિયન્સે જીતી હતી. જ્યારે આરસીબી બીજી અને ચોથી સિઝનમાં ચૅમ્પિયન બની.

જીત બાદની પ્રતિક્રિયા

ટ્રૉફી મેળવતા પહેલાં મંધાનાએ કહ્યું, "આરસીબીના ચાહકો દુનિયામાં શ્રેષ્ઠ છે. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં અમને અદ્ભુત સપોર્ટ મળે છે. અમારી ફ્રેન્ચાઇઝીએ છેલ્લાં ત્રણ વર્ષમાં ત્રણ ટ્રૉફી જીતી છે. પીચ બેટિંગ માટે સારી હતી, પરંતુ અમારાં બૉલરો અને ખાસ કરીને લૉરેન બેલે શાનદાર બૉલિંગ કરી."

"સપોર્ટ સ્ટાફે પણ અમારી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બધાં ખેલાડીઓને તેમની ભૂમિકા સમજાવાઈ હતી. તેમણે એટલું સારું કામ કર્યું કે ખેલાડીઓએ માત્ર મેદાનમાં જઈને તેનો અમલ કરવાનો હતો. અમારી ટીમનો આત્મવિશ્વાસ ખૂબ સારો હતો. આવી સ્થિતિમાં કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે."

સ્પૉર્ટ્સ સ્ટાર માટે કૉમેન્ટરી કરતા સબા કરીમે કહ્યું, "સ્મૃતિ મંધાના ભલે તેની સદી સુધી પહોંચી ન હોય, પરંતુ તેને મૅચ જિતાડનારી ઇનિંગ્સ રમવા બદલ અભિનંદન."

મૅચ પછી સ્ટાર સ્પૉર્ટ્સ કૉમેન્ટેટરો સાથે વાત કરતાં રાધા યાદવે કહ્યું કે તેઓ ગયા વર્ષ સુધી દિલ્હી કૅપિટલ્સ ટીમમાં હતાં, પરંતુ તેઓ દિલ્હી સામે વિજયી રન બનાવવામાં સફળ રહ્યાં.

રાધાએ કહ્યું, "ટીમ મૅનેજમૅન્ટે અમને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમને જે જોઈએ તે બધું પૂરું પાડ્યું."

"અમને પરિસ્થિતિઓ અનુસાર તૈયાર કરાયાં અને તેનો અમને ફાયદો થયો. તૈયારી સમયે અમને ઓછા બૉલમાં વધુ રન બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવતો હતો. દરેક ખેલાડી તેમની કુશળતા અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરી શકે તે અંગે અમને તાલીમ અપાઈ હતી."

"મેં સારું પ્રદર્શન કર્યું અને હું વધુ સારું પ્રદર્શન કરી શકું છું. મને આશા છે કે હું ભવિષ્યમાં દેશને વર્લ્ડકપ જિતાડીશ. પ્રૅક્ટિસ સત્ર પછી મૅનેજમૅન્ટે અમને થોડો સમય બહાર ફરવા મોકલ્યાં, તેનાથી ખેલાડીઓ તાજગીસભર રહ્યાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન