ઉનાકાંડ : મૌખિક દલીલની અરજી હાઇકોર્ટમાં મંજૂર, ભોગ બનનારે શું કહ્યું?

વાંચવાનો સમય: 3 મિનિટ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેર રસ્તા પર પાંચ દલિતોને 2016ની અગિયારમી જુલાઈએ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને એ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો.

આ ઘટના 'ઉનાકાંડ'થી ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની હતી.

ઉનાકાંડમાં ભોગ બનનાર દલિતોમાં એક વશરામભાઈ પણ હતા. ઉનાકાંડમાં ઍટ્રોસિટી ઍક્ટની કલમ 15A હેઠળ તેમણે વેરાવળ સેસન્સ કોર્ટમાં ખાનગી વકીલ મારફત મૌખિક દલીલ કરવા માટે અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે આ અરજી નકારી કાઢી હતી.

પછી તેઓ આ ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે તેમની અરજી મંજૂર કરી છે.

તેના ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે "આ ફરિયાદીનો હક્ક છે તથા ફરિયાદી પક્ષને સાંભળવોએ તેનો બંધારણીય અધિકાર છે એટલે હાઇકોર્ટે અરજી મંજૂર કરી છે."

શું હતી આખી ઘટના?

મીડિયા રિપોર્ટ પ્રમાણે તારીખ 11 જુલાઈ 2016ના રોજ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીકના મોટા સમઢીયાળા ગામમાં એક દલિત પરિવારના સાત સભ્યો મૃત ગાયનું ચામડું ઉતારી રહ્યા હતા. બે કારમાં આવેલા કેટલાક માણસો તેમની પાસે આવ્યા અને તેમણે ગૌરક્ષકો હોવાનો દાવો કર્યો. અને તેમના પર ગાયની હત્યા કરવાનો આરોપ લગાવ્યો.

કથિત ગૌ રક્ષકોએ દલિતોને કાર સાથે બાંધી દીધા અને લાકડીઓ, લોખંડનાં પાઇપો અને છરીથી માર માર્યો. તેમાંથી ચારને કારમાં ઉના શહેરમાં લાવવામાં આવ્યા, કપડાં ઉતારી દેવામાં આવ્યાં અને ફરીથી જાહેરમાં હુમલો કરવામાં આવ્યો.

જ્યારે પોલીસ આવી, ત્યારે હુમલાખોરો તેમની કારમાં ભાગી ગયા. આ હુમલો વીડિયોમાં રેકૉર્ડ કરવામાં આવ્યો અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થયો. 14 જુલાઈના રોજ દલિતોને ઉનાની હૉસ્પિટલમાં અને પછી રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દેશભરમાં પ્રત્યાઘાત, રાજકારણ ગરમાયું

ઉનાકાંડને પગલે દેશભરના દલિત સમાજમાં આક્રોશ ફેલાયો હતો ગુજરાતમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ ઘટનાને પગલે તે વખતનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ, એ સમયે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટીનાં સર્વેસર્વા માયાવતી અને અન્ય નેતાઓની મુલાકાતને કારણે આ ઘટના પ્રત્યે દેશનું ધ્યાન ખેંચાયું હતું.

ઉનાકાંડ સંબંધે 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ એ પૈકીના માત્ર 11 લોકો જ જેલમાં છે. બાકીના જામીન પર છૂટી ગયા છે.

ઉના અત્યાચાર કાંડને પગલે દલિતોના ટેકામાં રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી અને આ કાંડનો ભોગ બનેલા લોકોને ટેકો આપ્યા બાદ જિજ્ઞેશ મેવાણી એક દલિત નેતા તરીકે જાણીતા થયા હતા. ત્યારબાદ તેમણે બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક પરથી 2017ની વિધાનસભાની ચૂંટણી અપક્ષ તરીકે લડી અને જીત્યા. પછી તેઓ કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા.

દલિતોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

લગભગ બે વર્ષ પહેલાં ઉનામાં કથિત ગૌરક્ષકોના અત્યાચારનો ભોગ બનેલા દલિત પરિવારોએ મોટા સમઢિયાળામાં હિંદુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.

હિંદુ ધર્મમાં જાતિગત ભેદભાવ અને અત્યાચાર કરાઈ રહ્યા હોવાની ફરિયાદ સાથે ગામના પીડિત પરિવારો ઉપરાંત સૌરાષ્ટ્રના અલગઅલગ વિસ્તારમાંથી અહીં આવેલા લગભગ 300 દલિત પરિવારોએ બુદ્ધના માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ભોગ બનનારે શું કહ્યું?

આ ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. ભોગ બનનારમાં એક વશરામભાઈ સરવૈયા પણ હતા.

વશરામભાઈએ મૌખિક દલીલના અધિકાર માટે અરજી કરી હતી. વશરામભાઈ સરવૈયાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે સેશન્સ કોર્ટમાં મૌખિક દલીલ કરવાની અરજી સ્વીકારવામાં ન આવતા હાઇકોર્ટમાં મેં અરજી કરી હતી જેને હાઇકોર્ટે મંજૂર રાખી હતી.

વશરામભાઈના વકીલ ગોવિંદ પરમારે બીબીસી ગુજરાતીને જણાવ્યા પ્રમાણે 2016માં આ ઘટના બની હતી.

"આ ઘટનામાં 23 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં એકનું મોત થયું હતું. આ ઘટનામાં આખા ગુજરાતમાં 74 જેટલા અને માત્ર ઉનામાં 13 ગુના નોંધાયા હતા. આ કેસની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. ઉનામાં કેસ ચાલ્યો હતો."

"સેશન્સ કોર્ટે ભોગ બનનારને મૌખિક દલીલ કરવાની અરજી નામંજૂર રાખી હતી. જેની સામે હાઈકોર્ટમાં ગયા હતા જ્યાં અરજી હાઈકોર્ટે માન્ય રાખી છે."

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન