You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જનરલ નરવણે કોણ છે અને અપ્રકાશિત પુસ્તકમાં એવું શું લખ્યું છે જેના પર હોબાળો થઈ રહ્યો છે?
સોમવાર અને મંગળવાર લોકસભામાં ભારે હોબાળાભર્યા દિવસો રહ્યા હતા. કૉંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા ભાષણથી આ વિવાદ થયો છે.
તેમણે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ (એમએમ) નરવણે દ્વારા લખાયેલા એક અપ્રકાશિત પુસ્તક (ફૉર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની) વિશે કારવાં મૅગેઝિનમાં લખાયેલા લેખના અંશો વાંચવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કહ્યું, "આ મૅગેઝિનમાં નરવણેજીએ કહ્યું છે કે આ તેમનું સંસ્મરણ છે, જેને સરકાર પ્રકાશિત કરવાની મંજૂરી આપી રહી નથી. હું તેમાંથી ફક્ત પાંચ લાઇન વાંચવા માગું છું."
ભાજપના નેતાઓએ આનો વિરોધ કર્યો હતો અને લોકસભામાં પૂછ્યું હતું કે અપ્રકાશિત પુસ્તકના અંશો કેવી રીતે વાંચી શકાય.
ત્યાર બાદ રાહુલ ગાંધીએ શાસક પક્ષ તરફ ઈશારો કરતા કહ્યું, "તેઓ કહે છે કે તેઓ આતંકવાદ સામે લડે છે, પરંતુ તેઓ માત્ર એક વાક્યથી ડરે છે. તેમાં એવું શું લખેલું છે જે તેમને ડરાવી રહ્યું છે અને હું બોલી શકતો નથી. જો તેઓ ડરતા ન હોય તો મને વાંચવા દે."
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ ગાંધી જે પુસ્તકના અંશો વાંચી રહ્યા હતા તે જાન્યુઆરી 2024માં બજારમાં રિલીઝ થવાનું હતું, પરંતુ ભારતીય સેના આ પુસ્તકની તપાસ કરી રહી છે.
જાન્યુઆરી 2024માં અંગ્રેજી અખબાર 'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે પુસ્તકના પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુસ્તકના અંશો અથવા સોફ્ટ કૉપી કોઈને ન આપવા માટે કહેવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલય પણ આ તપાસમાં કોઈ સ્તરે સામેલ હતું એવું મનાય છે અને હજુ સુધી એ તપાસ ચાલી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મનોજ મુકુંદ નરવણે કોણ છે?
જનરલ મનોજ મુકુંદ નરવણેએ ડિસેમ્બર 2019થી એપ્રિલ 2022 સુધી ભારતીય સેનાના 28મા સેનાપ્રમુખ તરીકે સેવા આપી હતી.
તેમણે એવા સમયે ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું જ્યારે કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો અને ભારત ગલવાન ખીણમાં ચીન સાથે તણાવનો સામનો કરી રહ્યું હતું.
મનોજ નરવણેએ તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેની જ્ઞાન પ્રબોધિની શાળામાંથી મેળવ્યું હતું. તેઓ નૅશનલ ડિફેન્સ ઍકેડૅમી, ખડકવાસલા (પુણે) અને ઇન્ડિયન મિલિટરી ઍકેડૅમી દ્વારા ભારતીય સેનામાં અધિકારી બન્યા હતા.
યુદ્ધભૂમિ ઉપરાંત, તેમની અભ્યાસમાં પણ ખૂબ જ રુચિ રહી છે. નરવણેએ ઇન્દોરની દેવી અહલ્યા યુનિવર્સિટીમાંથી કન્ઝર્વેશન ઍન્ડ મૅનેજમૅન્ટ સ્ટડીઝમાં એમ.ફિલ.ની ડિગ્રી મેળવી છે. મનોજ નરવણેના પિતા મુકુંદ નરવણે વાયુસેનાના અધિકારી હતા. મનોજ નરવણેનાં પત્ની શિક્ષિકા છે. નરવણે દંપતીને બે પુત્રી છે.
જનરલ નરવણેની લશ્કરી કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક 2020નો લદ્દાખ સંઘર્ષ હતો.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "સત્તાવાર સૈન્ય રેકૉર્ડ અને તેમના પોતાના અગાઉનાં નિવેદનો અનુસાર જૂન 2020માં પેટ્રોલિંગ પૉઇન્ટ 14 પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ચીની સેનાએ નિયુક્ત બફર ઝોનમાંથી તેના તંબુઓ હઠાવવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે કર્નલ સંતોષબાબુના નેતૃત્વમાં ભારતીય સૈનિકો તેમને રોકવા માટે આગળ વધ્યા, ત્યારે હિંસક અથડામણ થઈ હતી. જનરલ નરવણેએ ભારતની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો. પહેલાં ફક્ત રક્ષણાત્મક નીતિ હતી, પરંતુ તેમણે 'આક્રમક સંરક્ષણ' અપનાવ્યું."
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "નરવણેએ કૈલાસ રેન્જ પર ભારતીય ટૅન્ક તહેનાત કરી હતી, જેના કારણે ચીની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તેમણે સત્તાવાર રીતે 16 જૂન, 2020ના રોજ તેમના કારકિર્દીનો 'સૌથી દુઃખદ દિવસ' ગણાવ્યો હતો, કારણ કે તે દિવસે 20 સૈનિકો શહીદ થયા હતા."
પુસ્તકના આ અંશો 2023માં જ બહાર આવ્યા હતા
ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ મુજબ, "આ પુસ્તક 2020માં પૂર્વ લદ્દાખમાં ચીન સાથેના લશ્કરી વિવાદ વિશે જણાવે છે. તેમાં ગલવાન ખીણની અથડામણ અને અગ્નિપથ યોજનાનો પણ ઉલ્લેખ છે. આ પુસ્તકમાં 31 ઑગસ્ટ, 2020ની રાત્રે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ છે."
ઍક્સપ્રેસના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2023માં સમાચાર એજન્સી પીટીઆઇએ જનરલ નરવણેના પુસ્તકમાંથી કેટલાક અંશો પ્રકાશિત કર્યા હતા.
તેમાં 31 ઑગસ્ટની સાંજની ઘટનાઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું. આ ઘટના વિશેનો એક લેખ હવે કારવાં મૅગેઝિનમાં પ્રકાશિત થયો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ લેખમાં પ્રકાશિત અંશો સંસદમાં વાંચવા માગતા હતા.
બાદમાં, કૉંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર કારવાં મૅગેઝિનમાં પ્રકાશિત લેખનાં પાનાં પોસ્ટ કર્યાં જેમાં 31 ઑગસ્ટની સાંજનો ઉલ્લેખ હતો.
નરવણેના નામે મોટી સિદ્ધિઓ
લંડન સ્પીકર્સ બ્યૂરો અનુસાર, નરવણેના કાર્યકાળ દરમિયાન 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ઘણાં મોટાં હથિયાર ખરીદવાના પ્રૉજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય રૂપિયા 11,000 કરોડથી વધુ હતું. આનાથી ભારતીય સેનાને પોતાનાં શસ્ત્રો બનાવવાની શક્તિ મળી હતી અને વિદેશી માલ પરની તેની નિર્ભરતા ઓછી થઈ.
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેમણે નૅશનલ ડિફેન્સ ઍકેડૅમી (એનડીએ)માં મહિલાઓને કૅડેટ બનવાની મંજૂરી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, જે સેનામાં લૈંગિક સમાનતા તરફ એક મોટું પગલું હતું અને તે નરવણેના કાર્યકાળમાં જ લેવામાં આવ્યું.
આર્મી ચીફ બનતા પહેલાં નરવણે કોલકાતામાં નૉર્ધન કમાન્ડનું નેતૃત્વ કરતા હતા. તેમણે દિલ્હીમાં જનરલ ઑફિસર કમાન્ડિંગ તરીકે પણ સેવા આપી હતી. જનરલ નરવણે ઑપરેશન પવન દરમિયાન શ્રીલંકામાં તહેનાત ભારતીય શાંતિ સેનાના સભ્ય હતા. તેમણે ત્રણ વર્ષ સુધી મ્યાનમાર દૂતાવાસમાં પણ સેવા આપી હતી.
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેને ઘણી વખત સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને જમ્મુ અને કાશ્મીરમાં બટાલિયનનું નેતૃત્વ કરવા બદલ સેના મેડલ, નાગાલૅન્ડમાં આસામ રાઇફલ્સ (ઉત્તર)ના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપવા બદલ વિશિષ્ટ સેવા મેડલ, સ્ટ્રાઇક કૉર્પ્સનું નેતૃત્વ કરવા બદલ અતિ વિશિષ્ટ સેવા મેડલ અને આર્મી ટ્રેનિંગ કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ તરીકે સેવા આપવા બદલ પરમ વિશિષ્ટ સેવા મેડલ મળ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન