You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શિક્ષણનીતિ 2020 : ગુજરાતીઓ સંતાનોને ગુજરાતી ભાષામાં ભણાવવા તૈયાર છે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 3 મિનિટ
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મારફતે કેન્દ્ર સરકારે અભ્યાસના ક્ષેત્રમાં અનેક ફેરફારો કર્યા છે. જેમાં સ્થાનિક ભાષામાં જ શિક્ષણ પર જોર આપવાની વાત પણ કરાઈ છે.
જો, ગુજરાતી માધ્યમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક સમયે લગભગ દરેક વાલી પોતાના બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હતા, જે માહોલ હવે બદલાઈ ગયો છે. મધ્યમ વર્ગના ઘણા વાલીઓ હવે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છે છે.
વર્ષ 2017-18ના ગુજરાત સરકારના શિક્ષણવિભાગના એક રિપોર્ટ પ્રમાણે રાજયભરમાં 11958 શાળાઓ છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે.
આ શાળાઓમાં ગુજરાતી માધ્યમની શાળાની સંખ્યા ખૂબ વધારે છે. આ રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 91,462 શિક્ષકો છે.
જો વર્ષ 2020ના ધોરણ 10ના બોર્ડની પરીક્ષાનાં પરિણામોની વાત કરવામાં આવે તો 'અમદાવાદ મિરર'ના એક અહેવાલ પ્રમાણે અંગ્રેજી અને હિંદીની સરખામણીએ ગુજરાતીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી હતી.
આશરે એક લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. આવી જ રીતે 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે એક તરફ જ્યારે અંગ્રેજી (HL)માં લગભગ 99 ટકા લોકો પાસ થયા હતા, ત્યારે બીજી બાજું ગુજરાતી (HL)માં આશરે 82 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એટલે કે અંગ્રેજી વિષયમાં પાસ થનારા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં પાસ થનારા વિદ્યાર્થીઓ કરતાં વધુ હતા.
જોકે હવે પ્રશ્ન એ આવે છે કે જો આ નવી શિક્ષણનીતી હાલમાં જે સ્વરૂપમાં છે, તે જ સ્વરૂપમાં અમલ થાય તો શું ગુજરાત રાજ્ય પાસે એવી માળખાકીય સુવિધાઓ કે શિક્ષકો છે, જે સ્થાનિક એટલે કે ગુજરાતી ભાષામાં સારી ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડી શકે. આ વિશે બીબીસી ગુજરાતીએ અમુક નિષ્ણાતો અને શિક્ષકો સાથે વાત કરી.
'આવકારદાયક છે, પણ સારા શિક્ષકોની જરૂરિયાત'
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં ઘણા શિક્ષકોની મજબૂરીમાં અંગ્રેજી માધ્યમમાં ભણાવવા જવું પડતું હોય છે, કારણ કે અંગ્રેજી માધ્યમની માગ વધુ છે, ત્યાં પગાર પણ સારો મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે શિક્ષણવિદ્ સુખદેવ પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું, "આજે પણ રાજ્યની કુલ શાળામાંથી 75 ટકા શાળાઓ ગુજરાતી માધ્યમની છે."
"ગુજરાતના શિક્ષકો હાલમાં જે અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે તેઓ જો ગુજરાતી માધ્યમમાં ભણાવશે તો વધુ સારું અને સારું ભણાવી શકશે. તેમણે કહ્યું કે NEP જો અમલમાં આવે તો ગુજરાતી માધ્યમની શાળાઓને વધુ પ્રોત્સાહન મળે અને સારી ગુણવત્તાવાળી ગુજરાતી માધ્યમની હજુ વધુ શાળાઓ આવે."
આવી જ રીતે બીબીસી ગુજરાતીએ જ્યારે શીક્ષણવિદ્ સુદર્શન આયંગર સાથે વાત કરી તો તેમણે કહ્યું, "ગુજરાતી માધ્યમમાં ભણતર આપવું એક વાત છે, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવવું એ બીજી વાત છે."
"હાલમાં ગુજરાત પાસે એવી તમામ માળખાકીય સુવિધાઓ છે, જ્યાં સ્થાનિક ભાષા પહેલાંથી જ ભણાવવામાં આવે છે, પરંતુ જરૂર છે સારા શિક્ષકોને તૈયાર કરવાની. રાજ્ય પાસે સ્થાનિક ભાષામાં ભણાવવાની કોઈ અણઆવડત નથી, પરંતુ માત્ર થોડી તાલીમની જરૂરિયાત છે. જો શિક્ષકોને યોગ્ય તાલીમ આપવામાં આવે તો આ પડકારને આપણે પહોંચી વળીએ એમ છીએ. "
તેમણે ક્હ્યું કે શિક્ષકને પોતાની માતૃભાષામાં ભણાવવાનું ગમશે, અને તે વધુ રસ સાથે ભણાવશે.
શું માને છે શિક્ષકો?
જોકે આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ શિક્ષકો સાથે વાત કરી તો મોટાભાગના શિક્ષકોનું માનવું હતું કે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓની કોઈ કમી નથી, પરંતુ સારા શિક્ષકો માટે ગુણવત્તાસભર તાલીમની જરૂર છે.
આ વિશે અમે 73 વર્ષનાં શિક્ષિકા રક્ષાબહેન દવે સાથે વાત કરી તો તેમણે કહ્યું કે ગુજરાતી ભણાવતા હોય તેવા અનેક શિક્ષકોને પણ તાલીમની જરૂર છે.
"સરકારે હવે જ્યારે આ નિયમ લાવવાની તૈયારી બતાવી છે, ત્યારે તુરંત જ રાજ્યભરમાં સારું ગુજરાતી જાણતા હોય તેવા શિક્ષકો કે પછી આવા શિક્ષકોની તાલીમની તુરંત જ વ્યવસ્થા કરવી જોઈએ."
રક્ષાબહેન છેલ્લા ઘણા દાયકાઓથી ગુજરાતી ભાષા ભણાવી રહ્યાં છે. આજકાલ તેઓ ગુજરાતી ભાષાના શિક્ષકોને પણ ગુજરાતી ભાષા ભણાવે છે.
તેમણે કહ્યું, "ગુજરાત રાજ્યમાં સારા શિક્ષકોની કમી નથી અને અમે વર્ષોથી સરકારને માતૃભાષામાં ભણતર આપવાની માગ કરી રહ્યાં હતાં, પરંતુ હવે તેનાથી એક પગલું આગળવધીને સારી ગુણવત્તાવાળા શિક્ષકો જો ન આવે તો માતૃભાષામાં ભણાવવાનો કોઈ ફાયદો નહીં થાય."
આવી જ રીતે બીબીસી ગુજરાતીએ મહુવા તાલુકાની નાના-ખોરવડા ગામની શાળાના એક આચાર્ય પ્રવીણ મકવાણા સાથે વાત કરી તો તેમણે કહ્યું, "હાલમાં મોટાભાગના શિક્ષકો PTCની લાયકાત ધરાવતા હોય છે."
"જ્યાં સુધી બી.ઍડ. કરી ચૂકેલા અને તાલીમબદ્ધ શિક્ષકોની શાળાઓમાં નિમણૂક ન થાય ત્યાં સુધી માતૃભાષામાં ભણતા વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ નહીં મળી શકે."
સ્થાનિક ભાષા વિશે શું કહે છે રાષ્ટ્રીય શિક્ષણનીતિ?
-કેન્દ્ર અને રાજ્યો એમ બન્ને સરકારો મળીને તમામ રાજ્યોની સ્થાનિક ભાષાનાં શિક્ષકો માટે મોટા પ્રયાસો કરશે.
-સરકાર એ વાતનું ધ્યાન રાખશે કે દરેક પાઠ્યપુસ્તક સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ હોય.
-'ઍલમ્પીયાડ્સ' જેવી સ્પર્ધાઓ સ્થાનિક ભાષામાં યોજાશે.
-સ્થાનિક ભાષામાં ભણાવવા માટેનું સાહિત્ય દરેક રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવશે, જેથી શિક્ષકોને તેનો ફાયદો થાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો