કંગના રનૌતે મુંબઈ છોડતાં કહ્યું, 'મુંબઈની PoK સાથે સરખામણી યોગ્ય હતી'

વાંચવાનો સમય: 3 મિનિટ

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને આ વચ્ચે કંગના રનૌત મુંબઈથી પરત ફરી ગયાં છે.

જતાં-જતાં તેમણે કહ્યું કે મુંબઈમાં જે રીતે તેમની સાથે વર્તન થયું, એ પછી Pok વાળી તેમની એનલૉજી સાચી સાબિત થઈ છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'ભારે મન સાથે મુંબઈથી જઈ રહી છું. જે રીતે હાલના દિવસોમાં મારા પર સતત હુમલા થયા, ધમકીઓ અપાઈ, ઑફિસ બાદ ઘર તોડવાનો પ્રયાસ થયો, ખતરનાક હથિયારોથી સજ્જ સિક્યૉરિટી મારી સાથે રહી, ત્યારબાદ કહેવું જોઈએ કે PoKવાળી મારી એનલૉજી સાચી જ હતી.'

બીજા ટ્વીટમાં તેમણે લખ્યું, 'જ્યારે રક્ષક જ ભક્ષક બનવાની ઘોષણા કરી રહ્યા છે, મગર બનીને લોકતંત્રનું ચીરહરણ કરી રહ્યા છે. મને કમજોર સમજીને મોટી ભૂલ કરી રહ્યા છે. એક મહિલાને ડરાવીને, તેને નીચું દેખાડીને પોતાની જ ઇમેજ ખરાબ કરી રહ્યા છે.'

વધુ એક ટ્વીટમાં તેમણે સોનિયા ગાંધી અને કૉંગ્રેસ પર પણ નિશાન સાધ્યું.

તેમણે લખ્યું, 'ચંડીગઢ ઊતરતા જ મારી સિક્યૉરિટી નામ માત્રની રહી ગઈ. લોકો ખુશીથી અભિનંદન આપી રહ્યા છે. લાગે છે આ વખતે હું બચી ગઈ.'

'એક દિવસ હતો જ્યારે મુંબઈમાં માના ખોળાની શીતળતા અનુભવાતી હતી. આજે એવો દિવસ છે કે જીવ બચ્યો તો બસ. શિવસેનાથી સોનિયા સેના બનતા જ મુંબઈમાં આતંકી પ્રશાસનની બોલબાલા છે.'

લોકોએ શું કહ્યું?

કંગનાએ મુંબઈ છોડતાં સમયે કરેલા ટ્વીટ બાદ ટ્વિટર પર #KanganaRanaut ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.

કેટલાક લોકોએ કંગનાના સમર્થનમાં તો કેટલાક લોકોએ મુંબઈની સરખામણી PoK સાથે કરવાને લઈને ક્યારેય પરત ન ફરવા કહ્યું હતું.

મોહિત રાજ નામના એક ટ્વિટર યૂઝર કહે છે, 'અમે તમારી સાથે છીએ'

ખુશી નામનાં એક ટ્વિટર યૂઝર લખે છે, 'ચિંતા ન કરો. જો બોલીવૂડ પણ તમારો સાથ ન આપે તો કંઈ નહીં. અમે ભારતીયો તમને સમર્થન આપીએ છીએ અને તમારી સાથે ઊભા છીએ.'

આ તરફ કૉંગ્રેસ કાર્યકર્તા રિયા ડિસૂઝાએ લખ્યું છે, 'મુંબઈની સરખામણી PoK સાથે કરી છે તો હવે અહીં ક્યારેય પરત ન ફરતાં. અને જો તમે દેશભક્ત છો તો આ જમીન પર પગ પણ ન મૂકતાં.'

અનુરાધા સરીન નામનાં એક ટ્વિટર યૂઝર લખે છે, 'તમારી ધારણા ખોટી છે. મુંબઈ PoK જેવું નથી પરંતુ તમારો વ્યવહાર દેશદ્રોહી જેવો છે જેમની સાથે આ જ વ્યવહાર થવો જોઈએ. એવું ન કહો કે મારી ઑફિસ, મારું ઘર... એ કહો અને સ્વીકારો કે તમારાં ઑફિસ અને ઘર ગેરકાયદેસર હતાં.'

મહત્ત્વનું છે કે ગત અઠવાડિયે શિવસેના સાથે કંગના રનૌતનો ભારે વિવાદ થયો હતો.

આ વિવાદના કારણે કંગના રનૌતને કેન્દ્ર સરકાર પાસેથી વાય પ્લસ સિક્યૉરિટી પણ મળી હતી.

બીએમસી દ્વારા તેમની ઑફિસમાં કથિતરૂપે ગેરકાયદેસર નિર્માણ તોડી પડાયા બાદ કંગના રનૌતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો