You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શા માટે પાક.ના પૂર્વ વડા પ્રધાનને થઈ દસ વર્ષની સજા?
ઇસ્લામાબાદની કોર્ટ ટૂંક સમયમાં લંડન ખાતે એવેનફિલ્ડ કરપ્શન કેસમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને દસ વર્ષ તથા એમના પુત્રી મરિયમને સાત વર્ષની જેલની સજા ફટકારી છે.
ડેપ્યુટી પ્રોસિક્યુટર સરદાર મુઝ્ઝફરના કહેવા પ્રમાણે, નવાઝના જમાઈ કેપ્ટન (રિટાયર્ડ) સફદરને એક વર્ષની જેલની સજા ફટકરાવામાં આવી છે.
જજ મોહમ્મદ બશીરના કહેવા પ્રમાણે, દસ વર્ષની સજા આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવા બદલ કરવામાં આવી છે, જ્યારે એક વર્ષની સજા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોને સહકાર નહીં આપવા બદલ કરવામાં આવી છે.
ઉપરાંત નવાઝને એંસી લાખ પાઉન્ડ તથા મરિયમને વીસ લાખ પાઉન્ડ (ભારતીય ચલણ પ્રમાણે લગભગ પોણા બે કરોડ)નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ કેસ લંડનના એવેનફિલ્ડ હાઉસમાં આવેલાં ચાર ફ્લેટ (ફ્લેટ નંબર 16, 16-એ, 17 અને 17-એ)ની માલિકી સંબંધિત છે. પનામા પેપર્સમાં આ ફ્લેટ અંગેની વિગતો બહાર આવી હતી.
નવાઝ શરીફ અને તેમના પુત્રી લંડનમાં છે, જ્યાં નવાઝના પત્ની કુલસુમની કૅન્સરની સારવાર ચાલી રહી છે.
નવાઝે આરોપોને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા છે. શરીફ પરિવારનું કહેવું છે કે તેમણે કાયદેસરની આવકમાંથી આ સંપત્તિ મેળવી છે.
નવ મહિનાની સુનાવણી બાદ ત્રીજી જુલાઈએ જજ દ્વારા સુનાવણીને મોકૂફ રાખવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મરિયમ નહીં લડી શકે ચૂંટણી
નવાઝ શરીફનાં પુત્રી મરિયમ શરીફને કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી છે.
ત્યારે નવાઝના 'રાજકીય વારસા'ને આગળ ધપાવવાના મરિયમના સપનામાં અવરોધ આવી શકે છે.
તેઓ તા. 25મી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. મરિયમ લાહોરની NA-127 બેઠક પરથી ઉમેદવાર છે.
પાકિસ્તાન અવામી લિગના વડા શેખ રાશિદના કહેવા પ્રમાણે, આ ચુકાદા દ્વારા અલ્લાહે નવાઝ શરીફને સજા આપી છે.
રાશિદે ઉમેર્યું હતું કે મરિયમે બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યાં હતાં.
મરિયમે એક ટ્વીટમાં લખ્યું, "શાબાશ નવાઝ, તમે ડર્યાં નહીં, તમે અંગત જીવન કરતાં પાકિસ્તાનને મહત્ત્વ આપ્યું. જનતા તમારી સાથે છે. તમારો જ વિજય થશે. ઇન્શાઅલ્લાહ."
પાકિસ્તાન મુસ્લિમ લિગ (નવાઝ)ના નેતા તારિક ફઝલ ચૌધરીના કહેવા પ્રમાણે, ચુકાદા સામે જે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર પડશે, તે કરવામાં આવશે.
ઇમરાન ખાનની પાર્ટીએ આ ચુકાદાને આવકાર્યો છે. તેમના કહેવા પ્રમાણે, આ ચુકાદાનો શ્રેય ઇમરાન ખાન છે. જેમણે ભ્રષ્ટાચાર સામે ચળવળ હાથ ધરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શું છે કેસનો ઘટનાક્રમ?
28મી જુલાઈ 2017: દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફને જાહેરપદ ઉપર રહેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા. નવાઝ શરીફ પોતાની આવક વિશે માહિતી જાહેર નહીં કરતા કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ ચુકાદો આપવામાં આવ્યો.
કોર્ટે શરીફને વડા પ્રધાન પદ માટે અયોગ્ય હોવાનું જણાવી, ભ્રષ્ટાચારના આરોપસર તેમના પરિવાર સામે ફોજદારી તપાસનો આદેશ આપ્યો હતો.
8મી સપ્ટેમ્બર, 2017: સર્વોચ્ચ અદાલતના નિર્દેશો બાદ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, તેમના બંને પુત્ર હસન અને હુસૈન, પુત્રી મરિયમ નવાઝ અને જમાઈ મુહમ્મદ સફદર સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો.
19મી ઓક્ટોબર, 2017: નવાઝ શરીફ, મરિયમ શરીફ અને મુહમ્મદ સફદર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો. ત્યારબાદ નવાઝ શરીફ અને પરિવારજનો દ્વારા કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી, જેમાં તેમની સામે જેટલા પણ આરોપ છે તે સ્થગિત કરવા અને તેમની સામેનું તહોમતનામું ફગાવી દેવામાં આવે. પરંતુ કોર્ટ દ્વારા અરજી નકારી દેવામાં આવી.
4 ડિસેમ્બરે, 2017: જવાબદાર કોર્ટ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાનના પુત્રો હસન અને હુસૈનને ભાગેડું જાહેર કરવામાં આવ્યા.
23મી મે, 2018: એવેનફિલ્ડ કેસમાં નવાઝશરીફે પોતાનું નિવેદન નોંધાવ્યું.
24 મે 2018: મરિયમ નવાઝે નિવેદન આપ્યું. પોતાના નિવેદનમાં તેમણે લંડનમાં આવેલી મિલ્કતો અને ઓફશોર કંપનીઓ નેલ્સન અને નેસ્કોલના માલિક હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો. મરિયમે દાવો કર્યો કે નવાઝ શરીફની પુત્રી હોવાનાં કારણે તેમને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યાં છે.
11મી જૂન, 2018: નવાઝ શરીફના વકીલ ખ્વાજા હરિસે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોમાં પોતાના અસીલનો પક્ષ રજૂ કરવા માટે નનૈયો ભણી દીધો.
20મી જૂન, 2016: કેસ પૂર્ણતાની નજીક હતો, ત્યારે ફરીથી નવાઝ શરીફના વકીલ ખ્વાજા હરિસે અસીલ માટે દલીલો આપવાનું ચાલુ કર્યું. તેમણે કોર્ટને ભારપૂર્વક જણાવ્યું કે લંડનમાં આવેલા ફ્લેટ્સના માલિક નવાઝ શરીફ છે તે વાત પાયાવિહોણી છે.
28મી જૂન, 2018: નવાઝ શરીફના વકીલે પોતાની દલીલો પૂર્ણ કરી.
3જી જુલાઈ 2018: નેશનલ એકાઉન્ટેબિલિટી અદાલતે કેસમાં પોતાની સુનાવણી પૂર્ણ કરી.
સાડા નવ મહિના સુધી આ કેસની સુનાવણી દરમિયાન નવાઝ શરીફ સત્તરથી પણ વધારે વખત અદાલતમાં હાજર રહ્યા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો