સેટેલાઇટ તસવીરોમાં ખુલાસો : ઈરાનની શાળા અને પાસેના સૈન્યમથક ઉપર વારંવાર હુમલા થયા

    • લેેખક, મૅરલિન થૉમસ, શયાન સરદારીઝાદેહ, બાર્બરા મૅટ્ઝલર
    • પદ, બીબીસી
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલીત કરી શકે છે. વાચકનો વિવેક અપેક્ષિત.

સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરતાં માલૂમ પડે છે કે મિનાબની 'શજરેહ તૈયાબા' શાળાની આસપાસ સળગવાનાં અનેક નિશાન છે, જેનો અર્થ એ છે કે તેની ઉપર વારંવાર હુમલા થયા છે.

ઈરાનના સત્તાધીશોનું કહેવું છે કે ગત શનિવારે થયેલા આ હુમલામાં 168 લોકો મૃત્યુ પામ્યા છે.

વૅરિફાય થયેલા વીડિયો અને સેટેલાઇટ તસવીરો પરથી માલૂમ પડે છે કે ઉપરોક્ત શાળા અને પાસે આવેલા આઇઆરજીસી (ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર) મથકને ભારે નુકસાન થયું છે.

વિસ્ફોટોનો નિષ્ણાત એન. આર. જેનઝેન જૉન્સ જણાવે છે કે વિસ્તાર ઉપર "એકસાથે વારંવાર અથવા લગભગ-સમાંતર હુમલા" થયા છે.

તસવીરમાં બે ઇમારતો સ્પષ્ટપણે જોઈ શકાય છે : એક બિલકુલ જમીનદોસ્ત થઈ ગયેલું આઇઆરજીસી મથક તથા શાળાની ઇમારત જે અંશતઃ પડી ભાંગી છે.

હુમલા પછી તરત જ લેવામાં આવેલા અને પ્રમાણિત થયેલા વીડિયોમાં અંધાધૂંધીનો માહોલ જોઈ શકાય છે. કાટમાળમાંથી પીડિતોની શોધખોળ કરતા લોકો અને આક્રંદ કરી રહેલા પરિવારજનોને આવા વીડિયોમાં જોઈ શકાય છે. અમુક વીડિયોમાં લોકોના હાથમાં બાળકોનાં સ્કૂલબૅગ અને પુસ્તકો છે, જે તેઓ કૅમેરા સમક્ષ દેખાડે છે.

ત્રણ દિવસ પછી લેવામાં આવેલા હવાઈ ફૂટેજમાં કતારબંધ રીતે તાજેતરમાં ખોદવામાં આવેલી કબરો જોઈ શકાય છે. જેમાંથી અમુકની ઉપર મૃતકોનાં નામવિગત છે.

ઈરાનના અધિકારીઓએ આ હુમલા માટે અમેરિકા તથા ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે. જોકે, બંનેમાંથી એક પણ દેશે આ કાર્યવાહીની જવાબદારી સ્વીકારી નથી.

ઇઝરાયલનું કહેવું છે કે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના ઑપરેશન અંગે તેઓ વાકેફ નથી, જ્યારે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેસતેથનું કહેવું છે કે આ અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ ઉમેર્યું હતું કે અમેરિકા, "ક્યારેય નાગરિક સ્થાનેને નિશાન ન બનાવે."

હાલ ઈરાનમાં ઇન્ટરનેટ બ્લૅકઆઉટ પ્રવર્તે છે. જેના કારણે આ ઘટના અંગેની વિગતોની સ્વતંત્ર પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

આ ઘટના અંગે આપણે શું જાણીએ છીએ?

કોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો, તેના વિશે વ્યાપક રીતે અટકળબાજી થઈ રહી છે. ઈરાનના સત્તાધીશોના કહેવા પ્રમાણે, આ હુમલો સ્થાનિક સમય મુજબ સવારે પોણા અગિયાર વાગ્યે (આંતરરાષ્ટ્રીય સમય મુજબ સવારે સવા સાત વાગ્યે) થયો હતો.

બીબીસી વૅરિફાયે શનિવારે સવારે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોની પુષ્ટિ કરી છે, જેમાં તારાજી પછીની પરિસ્થિતિ જોઈ શકાય છે. ઈરાનમાં શનિવારનો દિવસ સપ્તાહનો શરૂઆતનો દિવસ હોય છે.

વીડિયો ઉતારનાર એક શખ્સ આઇઆરજીસી મથકની પૂર્વોત્તરે આવેલી શાળાના પ્રાંગણ તરફ ધસી જાય છે. જેમાં શાળાના પ્રવેશદ્વારના શરૂઆતના ત્રણઅક્ષર વાચી શકાય છે. પર્શિયન ભાષામાં તેનો અર્થ 'પ્રાથમિક શાળા' એવો થાય છે.

શાળાનાં પરિસરમાંથી કાળા ધૂમાડાના ચાર ગોટા નીકળતા જોઈ શકાય છે. શાળાની મુખ્ય ઇમારતના ટોચના માળમાંથી ધુમાડા નીકળતા જોઈ શકાય છે.

એક દીવાલ શાળા પરિસરને આઇઆરજીસી મથકથી અલગ કરે છે. આ દિવાલ ઉપર બાળકોનાં ચિત્રો અને પર્શિયન ભાષાના મૂળાક્ષરો લખેલા છે.

ચાલતી ગાડીએ શૂટ કરવામાં આવેલો અન્ય એક વીડિયો આઇઆરજીસી પરિસરની દક્ષિણેથી લેવામાં આવ્યો છે. જેમાં પ્રવેશદ્વાર ઉપરનું લખાણ વાચી શકાય છે. જેની ઉપર આઇઆરજીસીના બે લૉગો સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ઈરાનના મીડિયા અહેવાલો પ્રમાણે, તે 'સૈયદ અલ-સોદાહા ઍજ્યુકેશન ઍન્ડ કલ્ચરલ કોર' તથા તબીબી ક્લિનિક છે, જે આઇઆરજીસીની નૌકાપાંખનું છે.

આ ફૂટેજમાં ધુમાડાના ત્રણ ગોટા નીકળતા જોઈ શકાય છે. જેમાંથી બે મથકના પ્રવેશદ્વાર તથા એક મેડિકલ ક્લિનિકની પાછળથી નીકળતા જોઈ શકાય છે.

વૅરિફાય થયેલા વીડિયોમાં જે સ્થળેથી ધુમાડા નીકળતા દેખાય છે, તેને નુકસાન થયું હોવાનું સેટેલાઇટ તસવીરોમાં પણ જોઈ શકાય છે.

એ જ દિવસે પછી શૂટ થયેલા વીડિયોમાં શાળાની ઇમારતને ભારે નુકસાન થયેલું જોવા મળે છે. ઇમર્જન્સી સેવાના કર્મચારીઓ કાટમાળમાં શોધખોળ કરી રહ્યા છે, જ્યારે વિષાદગ્રસ્ત પરિવારો પરિસરમાં આંટા મારી રહ્યા છે અને અમુક રોકકળ કરી રહ્યા છે.

શાળાનો એક જિયોલૉકેટેડ વીડિયો મોટાપાયે શૅર થઈ રહ્યો છે. જેમાં બચાવકર્મીઓને કાટમાળમાંથી એક બાળકનો હાથ મળી આવે છે. આ વીડિયોમાં કાટમાળની વચ્ચે દફતર તથા શાળાનાં પુસ્તકોને પણ જોઈ શકાય છે.

સેટેલાઇટ ઇમૅજરી શું દર્શાવે છે?

ધરાતલ ઉપરથી પૂરતી સંખ્યામાં ફૂટેજ અથવા તો પ્રત્યક્ષદર્શોનાં નિવેદન મળી શકે એમ ન હોય, એવા સંજોગોમાં શું થયું હશે તે સમજવામાં સેટેલાઇથી લેવાયેલી તસવીરો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ઘટનાના ચાર દિવસ પછી – 4 માર્ચે પ્લાનૅટ લૅબ્સ દ્વારા લેવામાં આવેલા સેટેલાઇટ તસવીરોમાં – અગાઉ વૅરિફાય થયેલાં વીડિયોમાં જેટલી તારાજી થઈ હોવાનું અનુમાન મૂકવામાં આવ્યું હતું, એના કરતાં વધુ નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું.

બીબીસી વૅરિફાયની તપાસમાં બહાર આવ્યું છે કે આ વિસ્તારની ઓછામાં ઓછી પાંચ ઇમારતોને આંશિક કે પૂરેપૂરું નુકસાન થયું છે. તેમાં દેખીતાં ગાબડાં અને બળવાનાં નિશાન જોઈ શકાય છે. જે અનેક હુમલા થયા હોવાનું દર્શાવે છે.

ઑરેગન સ્ટેટ યુનિવર્સિટી ખાતે સેટેલાઇટ ઇમૅજ ઍનાલિસ્ટ જેમન વાન દેન હોયેકે કહ્યું, "નજીકમાં (પ્રમાણમાં) હોય એવા આટલા બધા (હુમલો થયો હોય તેવા સ્થાનો) દર્શાવે છે કે ત્યાં એકબીજાથી નજીકનજીક હોય તેવા એક કે તેથી વધુ ટાર્ગેટ હતા."

તેઓ કહે છે, "લાગે છે કે આ વિસ્તાર ઉપર ઇરાદાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો."

સાથે જ ઉમેરે છે, "જોકે, તેઓ કોના ઉપર હુમલો કરવા માંગતા હતા, એ આપણે ન કહી શકીએ."

મૅકેન્ઝી ઇન્ટેલિઝન્સ સર્વિસ ખાતે સિનિયર ઍનાલિસ્ટ ઓઝ સ્મિથે બીબીસી વૅરિફાય સાથે વાત કરતા કહ્યું કે બે માળની શાળાની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લૉર ઉપર જે ગાબડું પડ્યું છે, તે જોતા વિશેષ પ્રકારના બૉમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હશે, જેથી કરીને "અંદર (બૉમ્બ) સુધી ઊતરી શકે."

શાળા અને આઇઆરજીસી બેઝ અલગ-અલગ છે?

આ શાળાની ઇમારત આઇઆરજીસી મથકની નજીક આવેલી છે. વર્ષ 2013માં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરો પરથી માલૂમ પડે છે કે એ સમયે બંને એક જ પરિસરમાં હતાં. એ પછી વર્ષ 2016માં લેવાયેલી તસવીરમાં બંનેને અલગ કરી દેવામાં આવ્યાં હોવાનું સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે.

હુમલા માટે જવાબદાર કોણ?

ઈરાનનું કહેવું છે કે અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો છે. જોકે, ઇઝરાયલ કે અમેરિકા, બંનેમાંથી એક પણ દેશે સ્કૂલને થયેલાં નુકસાનની જવાબદારી નથી લીધી.

ઇઝરાયલે બીબીસી વૅરિફાયને જણાવ્યું હતું કે તે આ વિસ્તારમાં આઇડીએફની (ઇઝરાયલ ડિફૅન્સ ફૉર્સ) કાર્યવાહી વિશે "માહિતગાર નથી." સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છે.

બુધવારે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસ્થે બીબીસીને જણાવ્યું હતું કે અમેરિકા આ ઘટના અંગે તપાસ કરી રહ્યું છે.

"અમે ક્યારેય નાગરિક ઠેકાણાંને નિશાન નથી બનાવતાં, છતાં અમે આના વિશે તપાસ કરી રહ્યા છીએ."

ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલના હુમલાના "પ્રારંભિક 100 કલાક" વિશે એક પત્રકારપરિષદ ભરવામાં આવી હતી, જેમાં જે-જે સ્થાનોએ હવાઇહુમલા કરવામાં આવ્યા હતા, તેનો નકશો દર્શાવવામાં આવ્યો હતો. એ મૅપમાં મિનાબનો પણ સમાવેશ થતો હતો.

જે બૉમ્બથી ધડાકા થયા, તેના કાટમાળનાં ફૂટેજ ઉપલબ્ધ ન હોવાથી કોણ જવાબદાર છે, તેની સ્પષ્ટપણે ઓળખ કરવી શક્ય નથી.

સોશિયલ મીડિયા ઉપર એક તસવીર વ્યાપક રીતે શૅર થઈ રહી છે, જેમાં આઇઆરજીસીએ છોડેલી મિસાઇલ નિષ્ફળ રહેવાથી ધડાકો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જોકે, અમારી તપાસમાં ઘટના ઝાનજનની હોવાનું બહાર આવ્યું હતું, જે મિનાબથી એક હજાર કિલોમીટર કરતાં પણ વધારે દૂર છે.

આર્મન્મેન્ટ રિસર્ચ સર્વિસના જેનઝેન જૉન્સના કહેવા પ્રમાણે, "ઈરાનની સરફૅસ-ટુ-ઍર મિસાઇલમાં પ્રમાણમાં ઓછા વિસ્ફોટક હોય છે, તેના વિસ્ફોટથી આટલું બધું નુકસાન થાય એમ નથી લાગતું."

કોના મૃત્યુ થયાં?

ઈરાનના અધિકારીઓનું કહેવું છે કે 168 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાંથી મોટા ભાગે બાળકો છે.

આ ઘટનાના જે વીડિયો ફૂટૅજ ઉપલબ્ધ છે, તેનો અભ્યાસ કરીને બીબીસી વૅરિફાય સ્વતંત્ર રીતે મરણાંકની વિગતોની ખરાઈ નથી કરી શકતું. ત્યાંથી કોણ ઑપરેટ કરતું હતું, તથા આઇઆરજીસીનાં સભ્યોનાં મૃત્યુ થયા છે કે નહીં, તે સ્પષ્ટ નથી.

ઈરાનના શિક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ શાળામાં કુલ 264 બાળકો અભ્યાસ કરે છે.

ઈરાનના મીડિયામાં એક હસ્તલિખિત યાદી પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં આ ઘટનામાં માર્યા ગયેલાં 56 લોકોનાં નામ જોઈ શકાય છે. જેમની સાથે તેમનાં નામ અને ઉંમર લખવામાં આવ્યાં છે. આ યાદીમાં 48 નામો છથી 11 વર્ષ વચ્ચેની ઉંમરના છે.

બીબીસી આ વિગતોની સ્વતંત્ર રીતે ખરાઈ નથી કરતું. એક વીડિયો ફરી રહ્યો છે, જેમાં તાબૂતો ઉપર મૃતકોનાં નામ અને સરનામાં લખેલાં છે. આમાંથી ઓછામાં ઓછા ત્રણ નામ યાદી સાથે મેળ ખાય છે.

તસવીરોમાં ત્રણ બાળકોનાં મૃતદેહ હોવાનું જણાય આવે છે.

અમેરિકાસ્થિત હ્યુમન રાઇટ્સ ન્યૂઝ એજન્સીએ (એચઆરએએનએ) યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં એક હજાર 114 ઈરાની નાગરિકોનાં મૃત્યુ થયાં હોવાનું નોંધ્યું છે. જેમાંથી 183 બાળકો છે.

હુમલાના અમુક દિવસ પછી ઈરાનના સરકારી મીડિયાએ જનાજામાં સામેલ થયેલાં હજારો લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હોવાનું દેખાય છે.

લોકોને જનાજા ઉઠાવતા જોઈ શકાય છે, જેમાંથી અમુકનાં કદ બાળકોનાં કદ-આકારનાં છે. તેમના તાબૂત ઉપર ઇસ્લામિક ગણરાજ્યનો ધ્વજ વીંટળાયેલો હતો. ભીડમાં અમુક મહિલાઓનાં હાથમાં છોકરા-છોકરીઓની તસવીરો હતી.

આઇઆરજીસી સાથે જોડાયેલી ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી તન્સીમે એક તસવીર પ્રકાશિત કરી છે, જેમાં આ હુમલામાં શાળાના 14 શિક્ષકો મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું છે.

પૉલ બ્રાઉન દ્વારા વધારાનું રિપોર્ટિંગ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન