You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાએ મહિનાઓનું પ્લાનિંગ કરીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને કેવી રીતે મારી નાખ્યા?
- લેેખક, ગોર્ડોન કોરેરા
- પદ, સુરક્ષા વિશ્લેષક
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈ પર ઘાતક હુમલો આશા પ્રમાણે અડધી રાત્રે નહીં પણ સવારે અજવાળા થયો.
કારણ કે અમેરિકા અને ઇઝરાયલે થોડા જ કલાકો પહેલાં મળેલી ખુફિયા માહિતીનો લાભ લેવાનું નક્કી કર્યું હતું.
મહિનાઓ સુધી, અમેરિકા અને ઇઝરાયલ એવા મોકાની તલાશમાં હતા જ્યારે ઈરાનના મોટા નેતાઓ અને અધિકારીઓ ભેગા થાય.
તેમને માહિતી મળી ગઈ હતી કે શનિવારે સવારે મધ્ય તેહરાનમાં એક કમ્પાઉન્ડમાં આયાતોલ્લાહ અલી ખામેનેઈ મુલાકાત લેશે.
એ જ સમયે ઈરાનની સેના અને ઇન્ટેલિજન્સ સર્વિસના વરિષ્ઠ સભ્યોની અન્ય બેઠકની પણ માહિતી તેમની પાસે હતી.
મહિનાઓથી અમેરિકા અને ઇઝરાયલ ઈરાનના સર્વોચ્ચ નેતાની હીલચાલ પર નજર રાખી રહ્યાં હતાં. જોકે તેની ઝીણવટ ભરેલી વિગતો મળી નથી પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ મામલે સંકેત આપ્યા હતા.
તેમણે લખ્યું હતું, "તે (ઈરાનના સર્વોચ્ચ નેતા) અમારી ઇન્ટેલિજન્સ અને ઍડવાન્સ્ડ ટ્રૅકિંગ સિસ્ટમથી બચી ન શક્યા."
ગુપ્ત માહિતીનો સ્રોત કોઈ વ્યક્તિ હોઈ શકે જે અહેવાલો આપતી હોય પણ આ સમગ્ર ઘટનાક્રમમાં ઈરાની લોકોની ટેક્નિકલ ટ્રૅકિંગની સંભાવના વધુ રહેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનના જાસૂસીતંત્રની નિષ્ફળતા
ગયા જૂનમાં 12 દિવસના યુદ્ધમાં, ઇઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને અધિકારીઓને ટાર્ગેટ કર્યા હતા.
મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની હલન-ચલન પર નજર રાખવા માટે તેમના ટેલિકૉમ તથા મોબાઇલ ફોન સિસ્ટમ્સમાં ઘૂસણખોરીના અહેવાલો હતા.
મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓના બૉડીગાર્ડ્સની હલનચલન પર પણ નજર રાખવામાં આવી હતી.
આનાથી લાંબા સમયગાળે જીવનની એક પૅટર્ન સમજવામાં મદદ મળે છે જેના પરથી પ્રવૃત્તિનો પૂર્વઅંદાજ કાઢી શકાય છે અને વ્યક્તિ ક્યારે નબળી સ્થિતિમાં હોય છે તે જાણી શકાય છે.
ઈરાન જાણતું હતું કે તેના દુશ્મનની નજર તેમના સુપ્રીમ લીડર પર છે. છતાં તેઓ આટલા મહિનાઓ દરમિયાન આ જોખમને ઓળખવામાં નિષ્ફળ ગયા તે ઈરાનના સુરક્ષા અને જાસૂસી તંત્રની નિષ્ફળતા દેખાડે છે.
અથવા તે દર્શાવે છે કે ઈરાન અને અમેરિકાએ પોતાના દુશ્મનનો પતો લગાવવા માટે નવા રસ્તા શોધી કાઢ્યા છે.
અમેરિકા-ઇઝરાયલે કામગીરી વહેંચી લીધી
ઈરાને કદાચ એવી ગણતરી કરી હશે કે દિવસના સમયે હુમલો થવાની શક્યતા ઓછી છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે આ કેસમાં જાસૂસી માહિતી સીઆઈએ દ્વારા મેળવવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક હુમલા માટે આ માહિતી ઇઝરાયલને અપાઈ હતી.
એવા સંકેત છે કે બંનેએ કામ વહેંચી લીધું છે.
ઇઝરાયલે ઈરાનની લીડરશિપને નિશાન બનાવવા પર ધ્યાન ફોકસ કર્યું છે, જ્યારે અમેરિકા ઈરાનમાં સૈન્ય ઠેકાણાને નિશાન બનાવે છે.
ઈરાનના સુપ્રીમ લીડરની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ઇન્ટેલિજન્સ મારફત પૂરતી માહિતી મળી હતી.
આ ઉપરાંત લૉંગ રેન્જ મિસાઇલોથી સજ્જ જેટ વિમાનો દ્વારા બાકીના અધિકારીઓ પર હુમલો કરવાનું આયોજન કરાયું હતું.
માત્ર એક નિર્ણાયક સ્ટ્રાઇક કરવાના બદલે ઇઝરાયલ અને અમેરિકાની યોજના એક વ્યાપક હુમલાની હતી જેથી તેને આગળ વધારી શકાય અને જ્યારે તક મળે ત્યારે ફાયદો લઈ શકાય.
ઇઝરાયલી વિમાનોને તેહરાન પહોંચવામાં બે કલાક લાગી શકે, પરંતુ તેમણે કેટલે દૂરથી મિસાઇલો ફાયર કરી હતી તે સ્પષ્ટ નથી.
લગભગ 30 બૉમ્બનો ઉપયોગ થયો
હુમલાનો નિર્ણય લેવાયો ત્યારે ઇઝરાયલી વિમાનોએ તહેરાનમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે 9.40 વાગ્યે કમ્પાઉન્ડ પર હુમલો કરવા 30 બૉમ્બનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે.
તેનું કારણ કદાચ એ હતું કે ઈરાનના સુપ્રીમ લીડર પોતાના રક્ષણ માટે હજુ પણ કમ્પાઉન્ડની નીચે એક અંડરગ્રાઉન્ડ બંકરનો ઉપયોગ કરતા હતા. (ઈરાન દ્વારા ઉપયોગમાં લેવાતું આ સૌથી ઊંડું બંકર ન હતું એવું માનવામાં આવે છે.)
ટાર્ગેટને પાર પાડવા માટે પૂરતા પ્રમાણમાં ઊંડે જઈ શકાય તે માટે અનેક વિસ્ફોટકોની જરૂર પડી હોવાની શક્યતા છે.
ઈરાનની રાજધાનીમાં અન્ય ઠેકાણે પણ હુમલા થયા હતા જેમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કીયન સામેલ છે, જેમણે પછી નિવેદન આપીને જાહેર કર્યું કે તેઓ સુરક્ષિત છે.
ઈરાનના વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓ માર્યા ગયા હોવાની ઈરાને પુષ્ટિ કરી છે, જેમાં ડિફેન્સ કાઉન્સિલના સેક્રેટરી અલી શમખાની, સંરક્ષણ મંત્રી બ્રિગેડિયર જનરલ અઝીઝ નસીરઝાદા અને આઈઆરજીસીના કમાન્ડર જનરલ મોહમ્મદ પાકપોર સામેલ છે.
ઈરાનમાં નવી લીડરશિપ માટે આયોજન
વિમાનોએ હુમલો કર્યો ત્યારે ફ્લોરિડામાં મધરાત હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ટોચના અધિકારીઓ સાથે બેસીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.
સુપ્રીમ લીડર ખામેનેઈ માર્યા ગયા છે તેની પુષ્ટિ થવામાં કલાકો લાગી જવાના હતા.
જોકે, ઈરાન આ સંભાવના માટે તૈયાર હતું. અહેવાલો પ્રમાણે ઈરાને માત્ર ખામેનેઈ જ નહીં, પરંતુ બીજા અનેક અધિકારીઓનું મૃત્યુ થાય તો તેમની જગ્યાએ કોણ આવશે તેની તૈયારી કરી લીધી હતી.
તેથી આ હત્યાઓથી આ યુદ્ધ કઈ દિશામાં જશે તે હજુ સ્પષ્ટ નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન