You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનના ખેલાડી અબરારને સનરાઇઝર્સ લીડ્સે ટીમમાં લેતા ગાવસ્કરે શું કહ્યું?
- લેેખક, સ્ટીફન શેમિલ્ટ
- પદ, ક્રિકેટ સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારતના પૂર્વ કૅપ્ટન સુનીલ ગાવાસ્કરે કહ્યું છે કે સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાનના સ્પિનર અબરાર અહમદને ખરીદીને 'આડકતરી રીતે ભારતના જવાનો અને નાગરિકોની હત્યામાં ફાળો આપ્યો છે.'
ગત અઠવાડિયે સનરાઇઝર્સે અબરારને હન્ડ્રેડની હરાજીમાં ખરીદ્યા એ પછી ગાવસ્કરનું નિવેદને એ પહેલી હાઇપ્રોફાઇલ ટીકા ગણાઈ રહી છે.
લીડ્સની ટીમ એ સન ગ્રૂપની માલિકીની છે અને આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની માલિકી ધરાવે છે. આઇપીએલની ટીમોને ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે 2009થી જ પાકિસ્તાનના ખેલાડીઓને ખરીદવાની મંજૂરી નથી.
જોકે, અબરારને કરારબદ્ધ કરીને સનરાઇઝર્સે એ વાત પરથી આશંકાઓ દૂર કરી દીધી છે કે હન્ડ્રેડ લીગમાં પણ કોઈ ટીમો પાકિસ્તાનના ખેલાડીઓને નહીં ખરીદે.
ત્યારબાદ સોશિયલ મીડિયા પર સનરાઇઝર્સની ટીકા થઈ રહી હતી અને ત્યારબાદ હવે ગાવસ્કરે મિડ-ડે અખબારમાં આ મુદ્દે લખ્યું છે.
સુનીલ ગાવસ્કરે શું કહ્યું?
સુનીલ ગાવસ્કરે લખ્યું છે કે, "હન્ડ્રેડમાં એક ભારતીય ફ્રેન્ચાઇઝી દ્વારા પાકિસ્તાની ખેલાડીઓને ખરીદવાને લઈને થયેલા વિવાદથી મને કોઈ આશ્ચર્ય થયું નથી."
તેમણે લખ્યું હતું કે, "મુંબઈમાં નવેમ્બર, 2009માં થયેલા હુમલા પછી ભારતના ફ્રેન્ચાઇઝી માલિકોએ પાકિસ્તાનના ખેલાડીઓને અવગણ્યા છે."
"મોડેથી પણ સૌને અહેસાસ થયો કે પાકિસ્તાનના પ્લૅયરને આપવામાં આવતી ફી પછી એ ત્યાંની સરકારમાં આવકવેરો ચૂકવે છે અને અંતે તેનાથી શસ્ત્રો, હથિયારો ખરીદવામાં આવે છે. તેનાથી આડકતરી રીતે ભારતના સૈનિકો અને નાગરિકોનાં મૃત્યુ થાય છે. આથી જ ભારતની ફ્રેન્ચાઇઝીઓ પાકિસ્તાનના કલાકારોને અને ખેલાડીઓને અવગણે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સ્પૉર્ટે ગાવસ્કર અને સનરાઇઝર્સ લીડ્સનો સંપર્ક કર્યો હતો. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બૉર્ડે આ મુદ્દે કૉમેન્ટ કરવાની મનાઈ કરી હતી.
ભારત-પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો
અહીં ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત વર્ષે એપ્રિલ મહિનામાં ચાર દિવસનો સૈન્યસંઘર્ષ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં પર્યટકો પર થયેલા ઘાતકી ચરમપંથી હુમલાને કારણે આમ થયું હતું. એ પછી બંને દેશો વચ્ચેના રમતક્ષેત્રના સંબંધો વધુ બગડ્યા હતા.
ભારત અને પાકિસ્તાને 2007 પછી ક્યારેય દ્વિપક્ષીય શ્રેણી રમી નથી અને બંને દેશો આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ એકબીજાના દેશમાં રમવા નથી જતા. તાજેતરમાં ટીમોએ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં એકબીજા સાથે હાથ પણ મિલાવ્યા નહોતા.
અબરારને કરારબદ્ધ કર્યા પછી સોશિયલ મીડિયા પર સનરાઇઝર્સ લીડ્સની ટીકા થઈ રહી હતી. ટીમનું ઍક્સ એકાઉન્ટ ગત શુક્રવારે થોડા સમય માટે સસ્પેન્ડ થઈ ગયું હતું. જોકે, એવું માનવામાં આવે છે કે એ ટૅક્નિકલ ખામીને કારણે થયું હતું.
જોકે, અંગતપણે ભારતીય ક્રિકેટ વર્તુળમાં એવું મનાઈ રહયું હતું કે આ ટીકા સોશિયલ મીડિયા પૂરતી જ સીમિત રહેશે અને સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ આવશે ત્યાં સુધીમાં માહોલ હળવો થઈ જશે.
પરંતુ ગાવસ્કરે આ મુદ્દે આપેલા પ્રતિભાવથી એવું લાગી રહ્યું છે કે ઉચ્ચસ્તરે પણ આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કારણ કે ગાવસ્કર ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં મોટું નામ છે.
76 વર્ષીય ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન બનાવનારા પહેલા ક્રિકેટર હતા અને 1983માં ભારતે વેસ્ટ ઇન્ડીઝને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવ્યું એ સમયે પણ ટીમનો ભાગ હતા.
1987માં તેમની કારકિર્દીનો અંત આવ્યો હતો અને એ પછી તેઓ મીડિયામાં સતત બોલતા રહે છે. તેઓ બીબીસી 'ટેસ્ટમૅચ સ્પેશિયલ'નો પણ ભાગ રહી ચૂક્યા છે.
કાવ્યા મારન અને વેટ્ટોરી વિશે શું કહ્યું?
સન ગ્રૂપ એ મીડિયા સંસ્થા છે જેની સ્થાપના કલાનિધી મારન દ્વારા કરવામાં આવી છે. તેમનાં પુત્રી કાવ્યા મારન હન્ડ્રેડ ટુર્નામેન્ટની હરાજી વખતે હાજર હતાં અને તેમણે જ અબરાર માટે બોલી લગાવી હતી.
હરાજી પછી સનરાઇઝર્સ લીડ્સના હેડ કોચ ડેનિયલ વેટ્ટોરીએ કહ્યું હતું કે તેમને કોઈ પ્લૅયરને અવગણવાની કોઈ સલાહ આપવામાં આવી નહોતી.
ગાવસ્કરની ટીકા સનરાઇઝર્સના માલિકો અને વેટ્ટોરી ઉપર પણ હતી.
તેમણે લખ્યું હતું કે, "એ ભારતીય ફ્રેન્ચાઇઝી હોય કે તેની માલિકીની સબસિડરી સંસ્થા પૈસાની ચૂકવણી કરતી હોય, પરંતુ માલિક ભારતીય હોય તો તેઓ ભારતીયોનાં મૃત્યુમાં ફાળો આપી રહ્યા છે. આ સ્પષ્ટ વાત છે."
ગાવસ્કરે કહ્યું હતું કે હું માની શકું કે વેટ્ટોરીને આ પરિસ્થિતિનો ખ્યાલ ન હોય, પરંતુ ફ્રેન્ચાઇઝીના માલિકોએ આ ખરીદીને પ્રોત્સાહન આપવાની જરૂર નહોતી.
સનરાઇઝર્સ હૈદરાબાદનો આઇપીએલમાં 28 માર્ચના રોજ પહેલો મુકાબલો રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ સામે થવા જઈ રહ્યો છે.
ગાવસ્કરે ઉમેર્યું હતું કે, "હજુ પણ આ જે ખોટું થયું છે એમાંથી પાછળ ખસી જવાનો સમય છે."
ફેબ્રુઆરી મહિનામાં જ સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે આઇપીએલ સાથે જોડાયેલી ચાર ફ્રેન્ચાઇઝીઓ પાકિસ્તાનના ખેલાડીઓને કરારબદ્ધ નહીં કરવાનું વિચારી રહી છે.
ત્યારબાદ ઇંગ્લૅન્ડ ક્રિકેટ બૉર્ડે આઠેય ટીમોને પત્ર લખીને ભેદભાવ વિરુદ્ધની નીતિઓની યાદ અપાવી હતી. ત્યારબાદ ગવર્નિંગ બૉડીએ ફ્રેન્ચાઇઝી સાથે મળીને સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે "રાષ્ટ્રીયતાના આધારે કોઈ ખેલાડીઓ સાથે ભેદભાવ નહીં કરવામાં આવે."
વિમૅન્સ હન્ડ્રેડમાં પણ ફાતિમા સના અને સાદિયા ઇકબાલ નામનાં બે પાકિસ્તાનનાં ખેલાડીઓ હતાં.
પુરૂષ ખેલાડીઓની હરાજીમાં પાકિસ્તાનના પાંચ ખેલાડીઓ સામેલ હતા, જેમાંથી ત્રણ ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. ઉસ્માન તારિક બર્મિંઘમ ફૉનિક્સમાં સામેલ થઈ ગયા છે જ્યારે અબરારને સનરાઇઝર્સ લીડ્સે ખરીદ્યા છે. આ ટુર્નામેન્ટ જુલાઈમાં શરૂ થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન