ઈરાને હવે શું ધમકી આપી, તેનાથી ઑઇલના ભાવ પર કેવી અસર પડી શકે

    • લેેખક, બીબીસી ન્યૂઝ પર્શિયન અને ડબલ્યુએસએલ ગ્લોબલ જર્નાલિઝમ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ ઑઇલ શિપિંગ રૂટ હૉર્મુઝ સ્ટ્રેટ સોમવારે ઈરાને આપેલી ધમકી બાદ ઠપ થઈ ગયો હતો જેમાં ઈરાને કહ્યું હતું કે "તેલના પરિવહન માટેના આ શિપિંગ ચોકપૉઇન્ટને પાર કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને આગ ચાંપી દેવામાં આવશે."

ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)ના કમાન્ડર-ઇન-ચીફના સલાહકાર ઇબ્રાહિમ જબ્બારીએ સ્ટેટ ટીવી પર આ ચેતવણી આપી હતી.

તેમણે કહ્યું, " જે અહીયાં પ્રવેશ કરશે તે અમારા તરફથી ગંભીર પ્રતિક્રિયાનો સામનો કરશે."

વિશ્વના ક્રૂડ ઑઇલનો લગભગ પાંચમો ભાગ આ સાંકડી ચેનલમાંથી પસાર થાય છે જે તેના સૌથી સાંકડા બિંદુએ માત્ર 40 કિમી પહોળી છે.

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા પછી ગ્લોબલ એનર્જીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

તેલના ભાવ માટે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક 'બ્રેન્ટ ક્રૂડ' સોમવારે 79 ડૉલર પ્રતિ બૅરલને વટાવી ગયો.

હુમલાના પ્રથમ દિવસ 28 ફેબ્રુઆરી પછી થયેલ માર્કેટ બંધથી તેલનો ભાવ લગભગ 9 ટકા વધ્યો છે.

નવા ડેટા દર્શાવે છે કે મધ્ય પૂર્વથી ચીનમાં તેલ મોકલવા માટે સુપર ટૅન્કર ભાડે રાખવાનો ખર્ચ ગયા અઠવાડિયાથી બમણો થઈ ગયો છે, જે દરરોજ ચાર લાખ ડૉલરથી વધુની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

યુકેની ગુપ્તચર એજન્સી એમઆઈ6ના પૂર્વ વડા સર ઍલેક્સ યંગરે અગાઉ બીબીસીને કહ્યું હતું કે, "તેલના ભાવ પર તેની અસરને જોતાં સ્ટ્રેટ બંધ કરવું એ સ્પષ્ટપણે એક અકલ્પનીય આર્થિક સમસ્યા હશે."

હૉર્મુઝ સ્ટ્રેટમાંથી કેટલું તેલ પસાર થાય છે?

ફ્રેઇટ ઍનાલિટિક્સ ફર્મ વૉર્ટેક્સાના ડેટા અનુસાર, ગયા વર્ષે સરેરાશ બે કરોડ બૅરલથી વધુ ક્રૂડ ઑઇલ, કન્ડેન્સેટ (ઘણીવાર કુદરતી ગેસમાંથી ઉત્પન્ન થતું ઓછી ઘનતા ધરાવતું પ્રવાહી) અને અલગ-અલગ ઈંધણ દરરોજ સ્ટ્રેટમાંથી પસાર થતું હતું.

આ દર વર્ષે ઊર્જા ક્ષેત્રમાં જળમાર્ગે થતા 600 અબજ ડૉલરના વેપાર જેટલું છે.

ઈરાન સહિત ઓપેક (ઓપીઈસી)ના સાથી સભ્યો સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઇરાક તેમના મોટાભાગના ક્રૂડ ઑઇલનો નિકાસ મુખ્યત્વે એશિયામાં કરે છે.

આ જળમાર્ગમાં કોઈપણ પ્રકારનો આવો વિક્ષેપ તેલની વૈશ્વિક ડિલિવરીમાં વિલંબનું કારણ બની શકે છે, જેની તાત્કાલિક અસર કિંમતો પર પડે છે.

હૉર્મુઝ સ્ટ્રેટ કેટલો સાંકડો છે?

હૉર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાન વચ્ચેનો એક સાંકળો માર્ગ છે. તેનો પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ લગભગ 50 કિમી જેટલો જ પહોળો છે, અને મધ્યમાં તેના સૌથી સાંકડા બિંદુએ તો લગભગ તેની પહોળાઈ 40 કિમી છે.

જો કે, મોટાં જહાજો માટે આ સ્ટ્રેટનો માત્ર મધ્ય ભાગ જ પૂરતો ઊંડો છે.

દરિયાઈ નેવિગેશન ચાર્ટ, સુરક્ષિત ઇનબાઉન્ડ લેન અને આઉટબાઉન્ડ લેન ઉપરાંત બંને વચ્ચે બફર ઝોન દર્શાવે છે, આ બધા લેન ખાસ કરીને તેલનાં ભારે ટેન્કરો માટે છે . આમ, મોટાં જહાજોએ માત્ર 10 કિમી પહોળી ચેનલમાંથી પસાર થવું પડે છે.

જેમ મોટાં ટેન્કરો લઈ જતાં જહાજો પર્સિયન ગલ્ફમાંથી પસાર થાય છે, તેમ તેઓ ગ્રેટર અને લેસર તુંબ ટાપુઓ, જે ઈરાન અને આરબ દેશો વચ્ચેના વિવાદિત પ્રદેશોમાં આવેલ છે, તેની નજીક પહોંચે છે.

ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, દરિયાઈ ટ્રાફિકમાં વિક્ષેપ પાડવા માટે સૈન્ય કાર્યવાહી એ સૌથી અસરકારક પદ્ધતિ છે. આવું જ અગાઉ 1980થી 1988 દરમિયાન ઈરાન-ઇરાક યુદ્ધ વખતે પણ બન્યું હતું.

રક્ષણાત્મક સિદ્ધાંત?

વિશ્લેષકો કહે છે કે ઈરાન માટે, હૉર્મુઝ સ્ટ્રેટ બંધ કરવું એ પરમાણુ હથિયાર રાખવા જેવી શક્તિ છે.

જેમ આંતરરાષ્ટ્રીય સમુદાય લાંબા સમયથી ઈરાનના લશ્કરી પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યો છે, ત્યારે, મહાસત્તાઓએ વારંવાર કહ્યું છે કે તેઓ તેહરાનને ગ્લોબલ એનર્જીના પુરવઠાને દબાવવા માટે તેની વ્યૂહાત્મક ભૌગોલિક સ્થિતિનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં.

નિષ્ણાતોએ ઘણીવાર આગાહી કરે છે કે ઈરાન સ્ટ્રેટને અસ્થાયી રૂપે બંધ કરી શકે છે. પરંતુ ઘણા નિષ્ણાતોનો વિશ્વાસ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી દેશો લશ્કરી માધ્યમોનો ઉપયોગ કરીને દરિયાઈ ટ્રાફિકને ઝડપથી ખોલી શકે છે.

ઈરાન હૉર્મુઝ સ્ટ્રેટને કેવી રીતે બંધ કરી શકે છે?

યુએસ કૉંગ્રેશનલ રિસર્ચ સર્વિસના 2012ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે ઈરાન ધીમે ધીમે આ પ્રકારના અભિગમ અપનાવી શકે છે. જેમાં દર્શાવેલાં પગલાંઓમાં શામેલ છે.

  • હૉર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશન પ્રતિબંધની જાહેરાત તેના ઉલ્લંઘનનાં પરિણામો જણાવ્યા વિના કરવી.
  • જાહેરાત કરવી કે પસાર થતાં જહાજો પર નિરીક્ષણ રાખવું કે તેમને જપ્ત કરી શકે.
  • જહાજો પર વૉર્નિંગ ગોળીબાર કરી શકે.
  • લશ્કરી બળથી ચોક્કસ જહાજોને નિશાન બનાવી શકે.
  • સ્ટ્રેટ અને પર્સિયન ગલ્ફમાં નૌકાદળની સેના ઉતારી શકે.
  • વાણિજ્યિક અને લશ્કરી જહાજોને નિશાન બનાવવા માટે સબમરીન અને મિસાઇલોનો ઉપયોગ કરી શકે.

ઈરાન-ઇરાક યુદ્ધમાં, ઈરાને તેલનાં ટૅન્કરો સામે સિલ્કવર્મ મિસાઇલો તહેનાત કરી અને ગલ્ફના પાણીમાં નૌકાદળની ફોજ ઉતારી હતી.

આમાંથી નૌકાદળની એક ટુકડી યુએસએસ સેમ્યુઅલ બી રૉબર્ટ્સ સાથે ટકરાઈ હતી, જેના કારણે અમેરિકાએ લશ્કરી બદલો લેવાનું શરૂ કર્યું હતું.

ઈરાન હૉર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે બંધ કરવામાં નિષ્ફળ ગયું હતું, પરંતુ તેણે શિપિંગ ઇન્શ્યૉરન્સ પ્રિમિયમમાં વધારો કરીને ગલ્ફમાંથી બહાર નીકળતી વખતે ત્યાં એક જંગી દરિયાઈ નૌકાસેના ખડકી દીધી હતી.

વિશ્લેષકો શું આગાહી કરે છે?

નિષ્ણાતો કહે છે કે દર મહિને જળમાર્ગ પર ફરતાં 3,000 જેટલાં જહાજોને રોકવા માટે ઈરાનનો સૌથી અસરકારક માર્ગ એ છે કે ફાસ્ટ એટેક બોટ અને સબમરીનનો ઉપયોગ કરીને નેવીને ત્યાં ખડકીને હુમલો કરે.

ઈરાનનું પોતાનું નૌકાદળ અને ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)નું નૌકાદળ વિદેશી યુદ્ધ જહાજો અને વ્યાપારી જહાજો પર હુમલા કરી શકે છે.

આમ, મોટાં લશ્કરી જહાજો ઇઝરાયલી કે યુએસ હવાઈ હુમલા બાદ ઈરાન માટે સૌથી સરળ ટાર્ગેટ બની શકે છે.

ઈરાનની ફાસ્ટ બોટો ઘણીવાર ઍન્ટી-શિપ મિસાઇલોથી સજ્જ હોય ​​છે, અને દેશ સપાટી પર વિવિધ જહાજો, અર્ધ-સબમર્સિબલ ક્રાફ્ટ અને સબમરીન પણ ચલાવે છે.

હાલમાં, મેરીટાઇમ ટ્રેકિંગ વેબસાઇટ્સ જે સેટેલાઇટ તસવીરોનો ઉપયોગ કરીને દક્ષિણ દરિયાઈ સરહદો નજીક ઈરાની લશ્કરી જહાજોની ગતિવિધિઓની પર નજર રાખે છે.

સ્ટ્રેટ બંધ થવાથી કયા દેશો સૌથી વધુ પ્રભાવિત થશે?

વિશ્લેષણ કંપની વોર્ટેક્સા દ્વારા કરવામાં આવેલા સંશોધન સૂચવે છે કે સાઉદી અરેબિયા હૉર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરરોજ લગભગ 6 મિલિયન બેરલ ક્રૂડ ઑઇલ નિકાસ કરે છે, જે અન્ય કોઈપણ પડોશી દેશ કરતાં વધુ છે.

યુએસ એનર્જી ઇન્ફર્મેશન ઍડમિનિસ્ટ્રેશનનો અંદાજ છે કે 2024માં હૉર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા 84 ટકા ક્રૂડ ઑઇલ અને કન્ડેન્સેટ અને 83 ટકા લિક્વિફાઇડ નેચરલ ગૅસ એશિયન બજારોમાં ગયા હતા.

તે કહે છે કે ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા તેની સાથે પસાર થતા ક્રૂડ ઑઇલના ટોચના આયાતકારોમાં સામેલ છે.

ઈઆઈએ કહે છે કે યુનાઇટેડ સ્ટેટ્સે 2024માં સ્ટ્રેટમાંથી દરરોજ લગભગ 500,000 બૅરલ ક્રૂડ ઑઇલ અને કન્ડેન્સેટની આયાત કરી હતી, જે તેની કુલ તેલ આયાતના આશરે 7 ટકા અને તેના પેટ્રોલિયમ વપરાશના 2 ટકા છે.

આ જ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગલ્ફના દેશોમાંથી યુએસ ક્રૂડ ઑઇલની આયાત તે વર્ષે લગભગ 40 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ હતી કારણ કે સ્થાનિક ઉત્પાદન અને કેનેડાથી આયાતમાં વધારો થયો છે.

સ્ટ્રેટમાંથી નીકળતો તેલનો પુરવઠો યુરોપનો સામૂહિક હિસ્સો દરરોજ 1 મિલિયન બૅરલ કરતા ઓછો હોવાનું જણાય છે.

આને ધ્યાનમાં રાખીને, એવું લાગે છે કે તાજેતરના સંઘર્ષમાં ઇઝરાયલ સાથે રાજકીય રીતે જોડાયેલા યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન દેશો કરતાં હૉર્મુઝ સ્ટ્રેટના સંભવિત બંધ થવાથી આરબ અને એશિયન દેશોને વધુ નુકસાન થશે.

ઘણાં એશિયન રાષ્ટ્રો ઈરાન સાથે ગાઢ સંબંધો રાખે છે.

ચીન પર પ્રભાવ

ચીન હૉર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલના સૌથી મોટા ગ્રાહકોમાંનો એક છે. આ તેલનો નોંધપાત્ર હિસ્સો ઈરાન દ્વારા વૈશ્વિક બજાર દરથી ઓછા ભાવે વેચવામાં આવે છે.

ઈઆઈએનો અંદાજ છે કે, 2024માં ચીને ઈરાન દ્વારા વૈશ્વિક બજારમાં નિકાસ કરાયેલ લગભગ 90 ટકા તેલ ખરીદ્યું હતું.

ઈરાનના ફોરેન રિલેશન્સ પર સ્ટ્રેટેજિક કાઉન્સિલના સેક્રેટરી ફિરોઝાબાદીના મતે, જો સ્ટ્રેટ બંધ થઈ જાય છે, તો "નુકસાન સહન કરનાર પ્રથમ દેશ ચીન હશે, અને તેથી ચીન માટે પણ વાટાઘાટો મહત્ત્વપૂર્ણ છે."

ઈરાની તેલના મુખ્ય ગ્રાહક તરીકે, બેઇજિંગ પણ તેલના ભાવમાં કોઈપણ વધારા કે શિપિંગ માર્ગોમાં અવરોધની નિંદા કરી શકે કેમ કે, તેના માટે હાનિકારક સાબિત થશે છે. આ મહત્ત્વપૂર્ણ એનર્જી કૉરિડોરને બંધ થવાથી રોકવા માટે ચીન દરેક પ્રકારના કૂટનીતિક અભિગમનમો ઉપયોગ કરી શકે તેવી અપેક્ષા છે.

ઊર્જા સલાહકાર આઉટલુક ઍડવાઇઝર્સના ભાગીદાર અનસ અલ્હાજીએ સીએનબીસીને જણાવ્યું હતું કે હૉર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી કદાચ ઈરાનના સાથી દેશોને તેના દુશ્મનો કરતાં વધુ નુકસાન થશે.

તેમણે કહ્યું હતું કે, "ઈરાનીઓ એવું કંઈ જ કરવા ઇચ્છતા નથી જે તેમનું નુકસાન વધારે."

વૈકલ્પિક માર્ગો નાકાબંધીને સરભર કરી શકે છે?

હૉર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની સતત ધમકીએ વર્ષોથી ગલ્ફ ક્ષેત્રના તેલ નિકાસ કરનારા દેશોને વૈકલ્પિક નિકાસ માર્ગો વિકસાવવા માટે પ્રેરિત કર્યા છે.

2019માં, સાઉદી અરેબિયાએ કાચા તેલના વહન માટે કુદરતી ગ્સર પાઇપલાઇનનો અસ્થાયી રૂપે ફરીથી ઉપયોગ કર્યો.

યુનાઇટ આરબ અમીરાતે તેના આંતરિક તેલક્ષેત્રોને 1.5 મિલિયન બૅરલની દૈનિક ક્ષમતા ધરાવતી પાઇપલાઇન દ્વારા ઓમાનના અખાત પર ફુજૈરાહ બંદર સાથે જોડ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન