You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સવારે ગરમ પાણી પીવાથી ખરેખર કેટલો ફાયદો થાય છે?
- લેેખક, કેટ બોઈ
- પદ, ગ્લોબલ હેલ્થ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- વાંચવાનો સમય: 6 મિનિટ
હૂંફાળું ગરમ પાણી પીવું જીવનશૈલીની સૈકાઓ જૂની આદત છે, અને અત્યારે આ આદત સોશ્યલ મીડિયામાં તે ભારે વાઇરલ થઈ રહી છે.
21 વર્ષનાં મરિયમ ખાન કહે છે, "મારા સોશ્યલ મીડિયા ફીડમાં તે આવ્યું અને ત્યાર બાદ હું એક પછી એક વીડિયો જોતી રહી... મેં વિચાર્યું, એક વાર આ ઉપાય અજમાવી જોઉં."
મરિયમ અને અન્ય ઘણા લોકો જે પ્રવાહને અનુસરી રહ્યાં છે, તે કોઈ મુશ્કેલ વર્કઆઉટ શિડ્યૂલ કે પછી મોંઘાં સ્કીનકૅર લોશન નથી, તે એકદમ સરળ છે - સવારે ગરમ પાણી પીવું.
ગરમ કે હૂંફાળું પાણી પીવાથી આરોગ્યને થતા લાભ પરંપરાગત ચાઇનિઝ ઉપચાર અને ભારતમાં ઉદ્ભવેલા આયુર્વેદ જેવી સર્વગ્રાહી પદ્ધતિઓમાં હજ્જારો વર્ષોથી પ્રચલિત છે.
આ પ્રાચીન પદ્ધતિ સોશ્યલ મીડિયાના માધ્યમથી હવે વૈશ્વિક સ્તરે નવા પ્રેક્ષકો સુધી પહોંચી છે.
લાખો વ્યૂઝ ધરાવતા ટિક-ટૉક અને ઇન્સ્ટાગ્રામના વીડિયોમાં "ન્યૂલી ચાઇનિઝ" અને "ચાઇનામેક્સિંગ" જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મોટાભાગે યુવાનોને ગરમ હૂંફાળું પાણી પીતાં, ગરમ નાસ્તો આરોગતાં અને સ્ટ્રેચિંગ કરવા સાથે દિવસની શરૂઆત કરતાં બતાવાય છે.
પણ જીવનશૈલીની આ સરળ આદતોથી વાસ્તવમાં આરોગ્યમાં સુધારો આવે છે ખરો?
ચાઇનીઝ પરંપરાગત ચિકિત્સાની માન્યતા શું છે?
ચીનમાં લાખો લોકો દ્વારા અનુસરવામાં આવતી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પાછળની મુખ્ય માન્યતા એ છે કે, ઊર્જા અથવા તો "ચી" સમગ્ર શરીરમાં ફરતી રહે છે અને જ્યારે આ પ્રવાહ અવરોધાય કે પછી તેમાં અસંતુલન સર્જાય, ત્યારે બિમારી ઉદ્ભવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પદ્ધતિના સમર્થકોનું માનવું છે કે, ગળું દાઝી ન જાય, તેવું 40થી 60 સેન્ટિગ્રેડ તાપમાન ધરાવતું ગરમ પાણી પીવાથી "ચી" (ઊર્જા) વધે છે, તેનું સંવર્ધન થાય છે અને તેની પ્રતિક્રિયારૂપે આરોગ્ય અને આયુષ્યમાં સુધારો થાય છે.
પરંપરાગત ચાઇનિઝ મેડિસિન સંશોધક પ્રોફેસર શુન એયુ જણાવે છે, "તેને એક ઘર જેવું જ ગણો." તેઓ સમજાવે છે કે, સર્વગ્રાહી આરોગ્ય વ્યવસ્થામાં, ઠંડો ખોરાક ખાવો એ તમારા ઘરમાં આવતા ઠંડા પવનના સુસવાટા જેવું છે.
આ સિદ્ધાંત ઘરમાં હૂંફાળાં સ્લિપર્સ પહેરી રાખવાં અને ગરમ નાસ્તો કરવા સાથે દિવસની શરૂઆત કરવી, વગેરે જેવી અન્ય પરંપરાગત ચાઇનિઝ આરોગ્યલક્ષી ટિપ્સનું પણ સમર્થન કરે છે.
હાલમાં લંડન રહેતાં આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટ મરિયમ ખાન માટે આ આદત પરંપરાગત ચાઇનિઝ મેડિસિન અપનાવવાનું પ્રથમ પગલું બની. આ ટ્રૅન્ડ સૌપ્રથમ તેમણે ટિક-ટૉક પર જોયો હતો.
તેઓ કહે છે કે, દિવસની શરૂઆત તાઇ-ચી સાથે કરવાથી થઈ રહેલા લાભ તેઓ અનુભવી શકે છે. તાઇ-ચીમાં ધીમી, લયબદ્ધ હિલચાલ, ઊંડા શ્વાસ અને ધ્યાનનું મિશ્રણ છે. વળી, કૉફીના સ્થાને હવે તેઓ ગરમ પાણી પીવે છે.
તેઓ કહે છે, "મને અહેસાસ નહોતો થતો કે, સવાર-સવારમાં જ કૅફેઇન (કૉફી) લીધા બાદ મને ઉબકા જેવું અનુભવાતું હતું."
આગળ તેઓ કહે છે, "તે પછી મેં સાદું ગરમ પાણી પીવાનું શરૂ કર્યું, કેટલીક વખત ફુદીના સાથે, લીંબુ સાથે... અને મને વધુ તાજગીનો અનુભવ થયો."
લોકો શા માટે પરંપરાગત ચિકિત્સા તરફ વળી રહ્યા છે?
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ)ના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનાં વચગાળાનાં ડિરેક્ટર ડૉક્ટર શ્યામા કુરુવિલ્લા કહે છે કે, પરંપરાગત ચાઇનિઝ જીવનશૈલી તરફ યુવા પેઢીની ઑનલાઇન રુચિ વધી રહેલો સામાજિક બદલાવ દર્શાવે છે.
"યુરોપમાં પણ વસ્તી આધારિત અભ્યાસો થયા છે... જર્મનીમાં થયેલો આવો જ એક અભ્યાસ દર્શાવે છે કે, 70 ટકા વસ્તી કોઈને કોઈ સ્વરૂપે પરંપરાગત પૂરક સંકલિત ચિકિત્સાનો ઉપયોગ કરે છે. તથા ચીન અને ભારત જેવા અમુક દેશોમાં તે પ્રમાણ 90 ટકા કરતાં વધુ હોઈ શકે છે," એમ તેઓ કહે છે.
કેટલાક સમર્થકોને આધુનિક દવાઓ ઉપર વિશ્વાસ નથી - આ માનસિકતા કોવિડ મહામારીના કારણે આકાર પામી હોઈ શકે છે. અમેરિકામાં થયેલો એક અભ્યાસ સૂચવે છે કે, સર્વેમાં ભાગ લેનારા લોકોનો ડૉક્ટરો અને હૉસ્પિટલો ઉપરનો ભરોસો 2020માં 70 ટકા હતો, તે 2024 સુધીમાં ઘટીને 40 ટકા થઈ ગયો હતો.
અન્ય લોકો માટે કદાચ આધુનિક તબીબી સુવિધાઓ સુધી પહોંચવું સુલભ નથી હોતું અથવા તો તેઓ સસ્તા વિકલ્પ તરીકે પરંપરાગત ઉપચારો વાપરે છે.
વળી, પરંપરાગત ચિકિત્સા વ્યક્તિગત અને સર્વગ્રાહી અભિગમ આપતી હોવાને કારણે કેટલાક લોકો તેના તરફ આકર્ષાતા હોય છે. ગરમ પાણી પીવાની ટેવ મન, શરીર અને પર્યાવરણમાં સંતુલનને વેગ આપતી આરોગ્ય વ્યવસ્થાનું પ્રવેશ દ્વાર બની શકે છે.
આ ઉપરાંત, ઘણા લોકો માટે આ પ્રણાલી ઊંડું સાંસ્કૃતિક, અધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે.
કુરુવિલ્લા કહે છે, "પરંપરાગત ચિકિત્સા અપનાવનારા સંખ્યાબંધ લોકો અને આદિવાસી સમુદાયો કહેશે, 'અમે અગણિત પેઢીઓથી તેનો ઉપયોગ કરતાં આવ્યાં છીએ... અમે જોયું છે કે, તે લોકો માટે ઘણી ઉપયોગી છે.'"
ડબલ્યૂએચઓનું ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નીતિ નિર્ધારકો તથા દર્દીઓને માર્ગદર્શન પૂરું પાડવાના આશયથી પુરાવાનું મૂલ્યાંકન કરે છે.
કુરુવિલ્લા કહે છે કે, આ સમય માગી લેતું કાર્ય છે, કારણ કે, અત્યારે વૈશ્વિક આરોગ્ય સંશોધનનું એક ટકા કરતાંયે ઓછું ભંડોળ પરંપરાગત ઔષધિઓનાં સંશોધન પાછળ ખર્ચાય છે.
"પુરાવાના આધારમાં સુધારો લાવવાની તાતી જરૂર છે," એમ તેમણે કહ્યું હતું.
પરંપરાગત દવાઓ અજમાવતાં પહેલાં દર્દીઓએ તે દવાઓ તેમના સર્વાંગી આરોગ્ય માટે સલામત છે કે કેમ, તે જાણવા માટે તેમના ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ, એમ ડબલ્યૂએચઓનાં નિષ્ણાતે જણાવ્યું હતું.
પણ શું ગરમ પાણી પીવું જોઈએ? ડબલ્યૂએચઓ આ અંગે કોઈ નિશ્ચિત માર્ગદર્શિકા નથી ધરાવતું, પણ કુરુવિલ્લા કહે છે કે, તેનો આધાર - પાણી કેટલું ગરમ છે, તમે કેટલું પાણી પીઓ છો અને તમારા આરોગ્યની શું સ્થિતિ છે - વગેરે જેવાં પરિબળો પર રહે છે.
"આ બધું પુરાવા અને સંતુલન પર નભે છે," એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
વિજ્ઞાન શું કહે છે?
જનરલ પ્રૅક્ટિશનર અને લૉન્જેવિટી મેડિસિનનાં વિશેષજ્ઞ ડૉક્ટર રોઝી બ્રૂક્સ કહે છે કે, નરણાં કોઠે ગરમ પાણી પીવાથી આરોગ્યને અમુક અંશે ફાયદો થઈ શકે છે.
"તેનાથી પાચનક્રિયામાં અને કબજીયાતની તકલીફમાં અમુક હદે લાભ થઈ શકે છે," એમ તેઓ ઉમેરે છે.
વળી, ગરદનને પેટ સાથે જોડતી અન્નનળીમાં થઈ જતા સ્નાયુઓના ખેંચાણને હળવું કરવામાં પણ ગરમ પાણી ઉપયોગી થતું હોવાના કેટલાક પુરાવા હોવાનું તેમણે જણાવ્યું હતું.
"પણ તે સિવાય, પાણી પીવું - પછી તે ગરમ હોય કે ઠંડું હોય - મુખ્યત્વે હાઇડ્રેશન માટે જ ફાયદાકારક છે," એમ તેઓ કહે છે.
બ્રિટનમાં ખાનગી પ્રૅક્ટિસ કરી રહેલાં જનરલ પ્રૅક્ટિશનર તથા લાઇફસ્ટાઇલ ફિઝિશિયન ડૉક્ટર સેલિના ગ્રે કહે છે કે, "ઠંડું પાણી પીવાથી આરોગ્યને નુકસાન પહોંચતું હોવાના કોઈ પુરાવા નથી."
સાથે જ તેઓ ભારપૂર્વક કહે છે કે, સોશ્યલ મીડિયા પર અમુક પ્રકારના દાવા કરાઈ રહ્યા હોવા છતાં, ગરમ પાણી પીવાથી ચરબી બર્ન થવાના, ચયાપચય (મૅટાબોલિઝમ)માં સુધારો થવાના કે શરીર ડિટોક્સ થતું હોવાના કોઈ પુરાવા મોજૂદ નથી.
તેઓ ઉમેરે છે, "જો કોઈને ગરમ પાણી પીવું વધુ પસંદ હોય અને તેના કારણે તેઓ વધુ પાણી પીતાં હોય, તો તે સારી બાબત છે, પણ તે મૅટાબોલિક શૉર્ટકટ નથી."
સિંગાપોરમાં પરંપરાગત ચાઇનિઝ દવાઓ વચ્ચે ઉછરેલાં ગ્રે કહે છે, "શરીરને ગરમાવો આપવા માટે મને ગરમ પાણી પીવાનું કહેતાં મારાં માતાનો અવાજ હું હજીયે સાંભળી શકું છું."
તેઓ ઉમેરે છે, "આ પરંપરાઓ કુદરતી અનુભવ કરાવતી દિનચર્યા આપે છે, સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી જોતાં તે પરંપરાઓ અર્થપૂર્ણ છે."
ગરમ પાણી પીવાના ફાયદા કેટલા?
ગરમ પાણી પીવા અંગેના પુરાવા સીમિત છે, પણ સંશોધન સૂચવે છે કે, અન્ય પરંપરાગત પ્રણાલીઓ લાભદાયી હોઈ શકે છે.
ઠંડા કરતાં ગરમ નાસ્તો વધુ પૌષ્ટિક હોઈ શકે છે.
ઠંડા પગથી બિમાર પડાતું હોવાના કોઈ પુરાવા નથી, પણ શરીર ગરમ રાખવાથી અને આરામદાયકતાનો અનુભવ કરવાથી તમે હળવાશ અનુભવી શકો છો અને બહેતર ઊંઘ લઈ શકો છો.
વળી, મધ્યમ પણ સારી ગુણવત્તાના અભ્યાસોમાં માલૂમ પડ્યું છે કે, પરંપરાગત ચાઇનિઝ તાઇ-ચી અને ક્વિગોંગ કસરતો શક્તિ, ગતિશીલતામાં સુધારો કરી શકે છે અને તણાવ ઘટાડી શકે છે.
"ચી" અથવા ઊર્જાનું સંવર્ધન કરવાનો વિચાર પરંપરાગત ચાઇનિઝ ચિકિત્સાનો પાયો છે.
ચાઇનિઝ મેડિસિન ઍક્સપર્ટ એયુ કહે છે, "રોજીંદા જીવનમાં મોટાભાગે આપણું મન સતત દોડતું રહે છે... આપણું શરીર અને આપણું મન બે જુદી જગ્યાએ હોય છે."
તેઓ ઉમેરે છે, "ધ્યાન, ક્વિગોંગ અને તાઇ ચીનો સમગ્ર વિચાર આ દોડને ધીમી પાડવા માટે છે."
ગરમ પાણી પીવાથી આરોગ્યને કોઈ નક્કર ફાયદા થતાં હોવાનું ડૉક્ટર બ્રૂક્સ નથી માનતાં, પણ તેઓ કબૂલે છે કે, મનોવૈજ્ઞાનિક રીતે તે ઉપયોગી હોઈ શકે છે.
તેઓ કહે છે, "તે એક પ્રકારનું રૂટિન છે... તે આપણને સ્વયં માટે એવો સમય આપે છે, જે આપણે ઘણી વખત વ્યસ્તતા વચ્ચે સ્વયં માટે નીકાળવાનું ભૂલી જતાં હોઈએ છીએ."
મરિયમ ખાન કહે છે કે, તેમના માનસિક આરોગ્ય પર તેની સકારાત્મક અસર પડી છે અને સવારે ગરમ પાણી પીવાથી તેમને સ્વયં સાથે થોડો સમય પસાર કરવાની તક મળી રહે છે.
"હું તેને ધીમા પડવા માટેની, બધી બાબતો શાંતિથી સમજવાની અને મક્કમ મનોબળ સાથે મારો દિવસ શરૂ કરવાની તક તરીકે જોઉં છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન