You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કુવૈતમાં અમેરિકાનાં વિમાનો ક્રૅશ થયાં, અત્યાર સુધી શું જાણવા મળ્યું?
કુવૈતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકાનાં અનેક ફાઇટર વિમાનો કુવૈતમાં દુર્ઘટનાગ્રસ્ત થયાં છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ક્રેશ થનારાં વિમાનોના તમામ પાઇલટ સુરક્ષિત છે અને તેમને હૉસ્પિટલે મોકલવામાં આવ્યા છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સંબંધિત અધિકારીઓએ તરત શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું. તેના હેઠળ ચાલકદળના સભ્યોને સુરક્ષિત હૉસ્પિટલે લઈ જવાયા હતા. બધાની હાલત સ્થિર છે.
સત્તાવાર પ્રવક્તાએ આગળ જણાવ્યું કે ઘટના વિશે અમેરિકન દળોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને સંયુક્ત ટેકનિકલ પગલાં લેવાઈ રહ્યાં છે.
કુવૈતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ઘટનાના કારણોની તપાસ ચાલુ છે. પરંતુ આ ટેક્નિકલ કારણોથી થયું કે કોઈ હુમલાનું પરિણામ છે તે જાણી શકાયું નથી.
એક વાઇરલ વીડિયોમાં અમેરિકાનું એફ-15 ફાઇટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતું જોવા મળે છે.
અલ જઝિરા ટીવીના અહેવાલ પ્રમાણે કુવૈતની રાજધાનીથી 32 કિલોમીટર દૂર જહરા શહેરમાં ફાઇટર વિમાન તૂટી પડ્યું હતું.
બીબીસીએ વીડિયો ફૂટેજને વેરિફાઈ કર્યા છે જેમાં કુવૈત સિટી નજીક એક અમેરિકન ફાઇટર વિમાન આકાશમાંથી જમીન પર પડતું જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વીડિયો અલ-જહરા વિસ્તારમાંથી લેવામાં આવ્યો હતો.
નજરે જોનારાઓએ શું કહ્યું?
કુવૈતથી બીબીસી સંવાદદાતા બાર્બરા પ્લેટ-અશરના રિપોર્ટ મુજબ કુવૈતના અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાનાં ઘણાં ફાઇટર વિમાનો ઈરાકની સરહદ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયાં છે.
અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર હવાઈ હુમલાના ત્રીજા દિવસે આ ઘટના ઘટી છે.
દરમિયાન, ઈરાને પડોશી આરબ દેશોમાં સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાં પર પોતાની વળતી કાર્યવાહી ચાલુ રાખી છે.
સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે કુવૈતમાં એક ફાઇટર વિમાનનો પાઇલટ વિમાન ક્રૅશ થાય તેની અમુક ક્ષણો પહેલાં જ બહાર નીકળ્યો અને પેરાશૂટની મદદથી સુરક્ષિત ઊતરી ગયો.
ખાડી દેશમાં આ યુદ્ધના કારણે અશાંતિનો માહોલ છે. દોહા, દુબઈ અને કુવૈતમાં ફરીથી મોટા ધડાકા સાંભળવા મળે છે.
કુવૈતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકોને સુરક્ષિત જગ્યા પર શરણ લેવાની સલાહ આપી છે.
દૂતાવાસે એ નથી જણાવ્યું કે તે પોતે નિશાન બન્યું છે કે કેમ. જોકે, નજરે જોનારાઓના કહેવા મુજબ કાળો ધૂમાડો ઉઠતો જોવા મળ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન