You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાલતુ કૂતરાના ચાટવાથી મહિલાનાં ચાર અંગ કાપવાં પડ્યાં, આ ગંભીર બીમારી કઈ છે?
- લેેખક, જોશ સેન્ડિફોર્ડ
- પદ, વૉલ્વરહેમ્પ્ટનથી
- વાંચવાનો સમય: 4 મિનિટ
ચેતવણીઃ લેખની તસવીરો કેટલાક વાચકોને વ્યથિત કરી શકે છે.
32 અઠવાડિયાં હૉસ્પિટલમાં વીતાવ્યાં બાદ, ઘણા કાર્ડિયાક અરેસ્ટ અને ચાર અંગવિચ્છેદન પછી
સેપ્સિસમાંથી ઊગરનારાં મનજીત સંઘા છેવટે ઘરે પરત ફર્યાં છે.
આ 56 વર્ષીય મહિલાનું મૃત્યુ લગભગ નિશ્ચિત માનતા ડૉક્ટરોની માન્યતાને મ્હાત આપીને મનજીતે ગત બુધવારે બર્મિંગહામના મોસલે હૉલના વૉર્ડ 9માંથી વિદાય લીધી હતી.
વૉલ્વરહેમ્પ્ટન/સ્ટ્રેટફોર્ડશાયર સીમા પર આવેલા પેન ખાતે તેમના પરિવારે તેમનું કોઈ વીરાંગનાની માફક સ્વાગત કર્યું હતું.
ડૉક્ટરોના મતે, તેમના શરીર પરના નાના અમથા ઉઝરડા કે ઘાવને તેમના પાલતૂ શ્વાને ચાટ્યો હોય, તેવી સાવ મામૂલી વાતમાંથી તેમને સેપ્સિસ થયું હોઈ શકે છે.
મનજીત હવે સાજાં થઈ રહ્યાં છે અને જીવન ફરી વ્યવસ્થિત કરી રહ્યાં છે, ત્યારે હવે તેઓ અન્ય લોકોને સેપ્સિસનાં જોખમોથી ચેતવવા માગે છે. તેમનું માનવું છે કે, "આ બીમારી કોઈને પણ થઈ શકે છે."
તેમણે કહ્યું હતું, "તે અનુભવ વર્ણવવો મુશ્કેલ છે. ટૂંકા ગાળામાં હાથ અને અન્ય અંગો ગુમાવવાં, એ દર્દનાક બાબત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ ઘણી ગંભીર વાત છે, તેને હળવાશથી ન લેવી જોઈએ."
સેપ્સિસ ભાગ્યે જ થતી ગંભીર પ્રકારની શારીરિક સ્થિતિ છે, જે બીમારી અને સંક્રમણ સામે લડતી શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા શરીરના ખુદનાં જ અંગો અને કોષો પર હુમલો કરવા માંડે, ત્યારે થાય છે.
એનએચએસ જણાવે છે કે, તે સમસ્યા જીવલેણ છે અને તેને પારખવી મુશ્કેલ હોઈ શકે છે, જ્યારે યુકે સેપ્સિસ ટ્રસ્ટ કહે છે કે, બ્રિટનમાં દર વર્ષે સેપ્સિસ સંબંધિત 50,000 મોતની ઘટનાઓ નોંધાય છે.
પુખ્ત લોકોમાં જોવા મળતાં લક્ષણોમાં બોલતી વખતે જીભ લથડવી, ખૂબ ધ્રુજારી થવી કે પછી સ્નાયુઓમાં દુખાવો થવો, અતિશય શ્વાસ ચઢવો અને ચામડી પર ડાઘ પડવા કે રંગ બદલાઈ જવો, વગેરેનો સમાવેશ થઈ શકે છે, પરંતુ લક્ષણો આટલા પૂરતાં મર્યાદિત નથી.
મનજીત સંઘા આ બીમારી થઈ, તે પહેલાં સપ્તાહના સાતેય દિવસ કામ કરતાં હતાં. ગયા વર્ષના જુલાઈ માસમાં રવિવારની એક બપોરે તબિયત ઠીક ન જણાતાં તેઓ ઘરે પરત ફર્યાં હતાં.
બીજા દિવસની સવાર સુધીમાં તે બેભાન થઈ ગયાં હતાં. તેમના હાથ અને પગ ઠંડાગાર થઈ ગયાં હતાં, હોઠ જાંબલી રંગના થઈ ગયા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.
તેમના પતિ કામ સંઘાએ જણાવ્યું હતું, "આ સ્થિતિમાં માણસનું દિમાગ ગૂંચવાઈ જાય છે અને વિચારે છે કે, 24 કલાક કરતાંયે ઓછા સમયમાં આવું કેવી રીતે થઈ શકે?'
"શનિવારે તે શ્વાન સાથે રમતાં હતાં. રવિવારે તેઓ કામ પર જાય છે અને સોમવારે રાતે તે બેભાનાવસ્થામાં છે."
સાત મહિનાથી કામ પર ગયો નથી: પતિ
મનજીત સંઘા વૉલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રૉસ હૉસ્પિટલમાં ઇન્સેન્ટિવ કેરમાં હતાં, ત્યારે તેમનું હૃદય છ વખત બંધ પડી ગયું હતું.
બાજુના શહેર ડડલીની રસેલ હૉલ હૉસ્પિટલના સર્જનોએ પછીથી બીમારી ફેલાઈ જવાથી મનજીતના બંને હાથ અને ઘૂંટણ નીચેથી બંને પગ કાપવા પડ્યા હતા.
ભૂતપૂર્વ ફાર્મસી કર્મચારી એવાં મનજીતે તેમની બરોળ (સ્પ્લીન) પણ ગુમાવવી પડી, ન્યૂમોનિયા સામે ઝઝૂમવું પડ્યું અને તેમને પિત્તાશયમાં પથરી પણ થઈ હતી, જેના માટે પણ સર્જરી કરવી પડી શકે છે, એમ તેમને જણાવવામાં આવ્યું હતું.
મનજીતે કહ્યું હતું કે, તેમને સમજાતું નહોતું કે, તેમની સાથે શું થઈ રહ્યું છે. પ્રથમ મહિનામાં જે બન્યું, તે કશું તેમને યાદ પણ નથી.
સ્ક્રૂફિક્સમાં વિતરણ કર્મચારી તરીકે કામ કરતા 60 વર્ષના કામ સંઘા તેમનાં પત્નીની મદદ કરવા માટે સાત મહિનાથી કામ પર ગયા નથી અને તેમણે કહ્યું હતું કે, તેમને તેમનાં પત્ની પર અત્યંત ગર્વ છે.
"તેઓ ઘણાં મજબૂત છે," એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું, "રોજ એવું લાગતું હતું કે, 'આજે તે જતી રહેશે' પણ તેણે રોજ આટલી પીડાઓમાંથી પસાર થવા દરમિયાન અમને ખોટા ઠેરવ્યા."
દંપતીએ તેમની 37મી લગ્નતિથિ હૉસ્પિટલમાં વીતાવી હતી સાથે જ ક્રિસમસની આસપાસ મનજીત સાંઘાના જન્મદિવસે પણ તેઓ હૉસ્પિટલમાં જ હતાં.
આ દંપતી અદ્યતન કૃત્રિમ અંગો માટે ભંડોળ એકત્રિત કરી રહ્યું છે, જેમાં સંભવતઃ રોબોટિક હાથનો પણ સમાવેશ થાય છે. તેની કિંમત હજ્જારો પાઉન્ડ્ઝ હોઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
અત્યાર સુધીમાં તેમણે ગોફંડમી વેબપેજ અને સ્ક્રૂફિક્સમાં ફંડ એકઠું કરવાના અભિયાન હેઠળ 22,000 પાઉન્ડ કરતાં વધુ રકમ એકત્રિત કરી છે. મનજીત સંઘા ફાર્મસીમાં કામ કરવા ઉપરાંત વીકેન્ડમાં ત્યાં પણ કામ કરતાં હતાં.
તેઓ જાણે છે કે, આગળનો માર્ગ મુશ્કેલ છે, પણ તેઓ તેમના જીવનનું પુનઃ નિર્માણ કરવા માટે મક્કમ છે.
તેમણે કહ્યું હતું, "હું ચાલવા માગું છું. હું કૃત્રિમ અંગો લગાવીને કામ પર પરત ફરવા માગું છું."
"ખુરશી અને પથારીમાં પૂરતો સમય પસાર કરી લીધો છે. હવે ફરી ચાલવાનો સમય આવી ગયો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન