You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા પાર્ટનરની હત્યા કરીને મૃતદેહને બગીચામાં દાટી દીધો... 15 વર્ષ બાદ ખૂલ્યું રહસ્ય
- લેેખક, જ્યૉર્જ ટૉર
- પદ, ડર્બી
- વાંચવાનો સમય: 5 મિનિટ
(ચેતવણી : આ અહેવાલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી અમુક વાચકોને વિચલિત કરી શકે છે)
ડર્બી ક્રાઉન કોર્ટમાં 15 વર્ષ જૂનો હત્યાનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે અને આરોપી મહિલાને જનમટીપની સજા ફટકારાઈ છે.
40 વર્ષીય એન્ના પોદેદવૉર્ના પર આરોપ છે કે પંદર વર્ષ અગાઉ તેણે પોતાનાં મહિલા પાર્ટનર ઇઝાબેલા ઝેબ્લોકાની હત્યા કરી નાખી હતી એ પછી તેમના બે ટુકડા કરીને તેમના મૃતદેહને ડર્બીશાયર ખાતે પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે ઘરના ગાર્ડનમાં દફનાવી દીધો હતો.
'કૌશલ્યવાન કસાઈ' એન્નાએ મંગળવારે જ્યૂરી સમક્ષ પોતાની ઉપરના આરોપોને નકાર્યા હતા, જોકે, જ્યૂરીએ તેને દોષિત ઠેરવી હતી. એ પછી બુધવારે એ જ અદાલતે એન્નાને જનમટીપની સજા ફટકારી હતી. એનાએ ઓછામાં ઓછા 21 વર્ષ જેલમાં કાઢવા પડશે.
એન્નાને દોષિત ઠેરવતા જસ્ટિસ વિલિયમ્સ કેસીએ (કિંગ્સ કાઉન્સેલ) કહ્યું, "ટ્રાયલ દરમિયાન રજૂ કરવામાં આવેલા પુરાવા પરથી સ્પષ્ટ છે કે ઇઝાબેલા સ્નેહાળ પરિવારજન હતાં, જેઓ પોતાનાં માતા, દાદી તથા પુત્રી કેસિયા (કાતરઝ્યાના) સાથે ખૂબ જ નિકટતા ધરાવતાં હતાં."
"ઇઝાબેલા પોલૅન્ડમાં પોતાનાં પરિવારજનો સાથે નિયમિત રીતે સંપર્કમાં હતાં.... પરંતુ ચોથી સપ્ટેમ્બર 2010ના રોજ તેમણે પોતાના પુત્રી કાસિયાને 10મા જન્મદિવસ નિમિતે ફોન નહોતો કર્યો."
"તારાં હિંસક આચરણ, પ્રપંચયુક્ત અને ક્રૂર આચરણને કારણે પોતાનાં માતા સાથે શું થયું છે, તેના વિશે જાણ્યા વગર જ કાસિયા મોટી થઈ. પ્રેમાળ માતા અચાનક જ તેના જીવનમાંથી કોઈ પણ જાતની સ્પષ્ટતા વગર ગૂમ થઈ ગયાં હતાં."
"શું થયું એ જાણવા માટે જો પરિવારે દૃઢતા અને સાતત્યપૂર્ણ પ્રયાસ ન કર્યા હોય, તો તારા ગુના કદાચ વણઉકેલાયેલા રહ્યા હોત."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેં તારાં કૃત્યો માટે કોઈ પસ્તાવો નથી દેખાડ્યો. મે-2025માં મોડેથી પણ પોલીસનો સંપર્ક કરવા બદલ તને કોઈ યશ ન મળવો જોઈએ – તેં ઇઝાબેલના મૃત્યુ અંગેની ખોટી કહાણી આગળ કરવા જ આમ કર્યું હતું."
બે વિદેશી મહિલાઓનું યુકેમાં આગમન
જ્યૂરીને જણાવ્યા પ્રમાણે, પોલૅન્ડથી બે મહિલાઓ કામની તલાશમાં યુકે એકસાથે આવી હતી અને ડર્બીના નૉર્માન્ટન વિસ્તારમાં સાથે રહેતી હતી.
સરકારી પક્ષના જણાવ્યા પ્રમાણે, 30 વર્ષી ઇઝાબેલાએ છેલ્લે 28 ઑગસ્ટ, 2010ના રોજ પોતાનાં માતાને ફોન કર્યો હતો, એ પછી તેમણે ક્યારેય કોઈ સંપર્ક નહોતો કર્યો.
સરકારી વકીલ ગૉર્ડન ઍસ્પડીન કેસીએ કહ્યું હતું કે એ કોલ પછી એન્ના દ્વારા ઇઝાબેલાની હત્યા કરી નાખવામાં આવી હતી. એ પછી તેણે "મોટા ચાકુની મદદથી ઇઝાબેલાના શરીરના બે કટકા કરી નાખ્યા હતા."
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે અગાઉ એન્ના "કૌશલ્યવાન કસાઈ" તરીકે કામ કરતી હતી અને તે "મોટા ચાકુ વડે મડદામાંથી હાડકાં કાઢવાનું અને કટકા કરવાનું કામ કરતી હતી."
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે ઇઝાબેલાના મૃતદેહને ગાર્ડનમાં દફનાવી દેવાયો હતો, એ પછી તેની ઉપર સિમેન્ટનું ચણતર કરી નાખવામાં આવ્યું હતું.
માતાની શોધમાં દીકરીના પ્રયાસ
વર્ષ 2025માં ઇઝાબેલાનાં દીકરી કાસિયા જુવાન થઈ ગયાં હતાં. તેમણે પૉલિશ ટીવીના પત્રકાર રફાલ ઝાલેવસ્કીનો સંપર્ક કર્યો હતો અને તેમને માતાના મૃત્યુ વિશે તપાસ કરવા માટે કહ્યું હતું.
મે 2025માં રફાલે સંદિગ્ધ એન્નાનો સંપર્ક કરીને ઇન્ટરવ્યૂ આપવા માટે કહ્યું હતું. રફાલ ડર્બી ગયા હતા અને ડર્બીમાં બૉયર સ્ટ્રીટ ખાતેના ઘરે જઈને તેમને પડકાર્યા હતા.
એન્નાએ શરૂઆતમાં ઇઝાબેલા કોઈ પણ જાતની માહિતી હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે અદાલતની સુનાવણી દરમિયાન જણાવ્યા પ્રમાણે, "વધતાં દબાણ" હેઠળ "ભાંગી જઈને" તેણે મૃતદેહ ક્યાં હશે, તેના વિશે ડર્બીશાયર પોલીસને માહિતી આપી હતી.
એ પછી પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતે તેમના ઘર ખાતે મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે ઇઝાબેલના મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા.
સમગ્ર ઘટનાક્રમની પીડિત ઉપર શું અસર થઈ, તેના વિશે કોર્ટમાં વાંચી સંભળાવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે માતાનાં લાપતા થઈ જવાનો ઘાવ, સમગ્ર જીવન દરમિયાન તેમના ઉપર રહ્યો.
કાસિયાએ નિવેદન બહાર પાડી જણાવ્યું હતું, "હું નાની હતી, ત્યારે મારાં માતાની ખૂબ જ નજીક હતી. મારા માટે તેઓ આખી દુનિયા હતાં. તેઓ એક પણ શબ્દ કહ્યા વગર કે ખુલાસા વગર મારાં જીવનમાંથી ગુમ થઈ ગયાં હતાં, તે મારા માટે ખૂબ જ ભયાવહ અનુભવ હતો."
"અચાનક આ ખાલીપો સર્જાવાને કારણે મારા માનસ ઉપર ઊંડો ઘા થયો, જે આજ દિવસ સુધી રહ્યો છે."
"આ અનિશ્ચિતતા આત્માને કચડી નાખનારી હતી. તેણે મને શા માટે છોડી દીધો, એ વાત વર્ષો સુધી મને ખબર ન હતી."
"મિત્રો સાથે રમવાની ઉંમરે, હું સતત વિચારતી કે શા માટે તેણે મને કોલ કરવાનો બંધ કરી દીધો. મને એવું લાગ્યું કે મને ત્યાજી દીધી છે."
"વર્ષો સુધી અનિશ્ચિતતા પ્રવર્તતી હતી, પરંતુ હૃદયમાં હંમેશાં હું જાણતી હતી કે મારાં માતા મને કારણ વગર ન છોડી ગઈ હોય."
એન્નાએ શું દલીલ આપી હતી?
એન્નાનું કહેવું હતું કે તેણે આત્મરક્ષા માટે ઇઝાબેલાની હત્યા કરી હતી, પરંતુ જ્યૂરી તથા જજે આ દાવાને ફગાવી દીધો હતો.
એન્નાના વકીલ ક્લાઇવ સ્ટૉકવેલે કેસીએ કહ્યું હતું, "અગાઉ સારું આચરણ ધરાવનારાં આ પ્રતિવાદી સાથે એવું કંઈક થયું હોવું જોઈએ, જેથી કરીને તેમણે આવું આચરણ કર્યું હતું."
"તેમને અગિયાર તથા છ વર્ષનાં બે સંતાન છે અને હવે તેમણે જીવનનો ખાસ્સો સમય માતા વગર વિતાવવો પડશે."
જજ વિલિયમ્સે અવલોક્યું હતું, "ગુસ્સામાં પાર્ટનરની હત્યા કર્યા પછી પણ તિરસ્કાર રાખ્યો હતો અને તેના મૃતદેહ સાથે ક્રૂરતા આચરી હતી."
"તેં આખી જિંદગી એવી રીતે વર્તાવ કર્યો, જાણે કે કંઈ થયું જ ન હોય. તેના (ઇઝાબેલા) ગુમ થવા વિશે પોતાનાં તથા ઇઝાબેલાનાં માતાને ખોટું કહ્યું. જ્યારે ગુમ થયેલા લોકો વિશેનો કેસ દાખલ કરવામાં આવ્યો, ત્યારે તેં પોલીસને ખોટું કહ્યું."
"વર્ષોથી તું ખોટું બોલી."
ડિટેક્ટિવ ઇન્સ્પેક્ટર કૅન માર્ટિને આ કેસની તપાસ કરી હતી, તેમના કહેવા પ્રમાણે, "શરૂઆતથી જ આ કેસ ખૂબ જ પડકારજનક અને તણાવભર્યો રહ્યો હતો."
"તેઓ ઝૂંટવાઈ ગયા તેનાં વર્ષો સુધી એન્ના પોદેદવૉર્નાએ તેમની સાથે અકલ્પનીય રીતે ભયાનક આચરણ કર્યું હતું, જેનો સામનો ઇઝાબેલાનાં પરિવારજનોએ કરવો પડ્યો હતો."
"ઇઝાબેલા જેમને ચાહતાં હતાં, તેણે જ ઑગસ્ટ 2010માં પોતાના જ ઘરમાં ક્રૂરતાપૂર્વક ભયાનક રીતે રહેંસી નાખ્યાં હતાં."
"એન્ના પોદેદવૉર્નાના ખુદના સ્વીકાર પ્રમાણે, તેણે શયતાન જેવું આચરણ કર્યું હતું. મને નથી લાગતું કે તેણે ઇઝાબેલા સાથે જે આચરણ કર્યું કે તેના કૃત્યને સારી રીતે વર્ણવી શકશે."
"ઇઝાબેલાની હત્યા કર્યા પછી કામના સ્થળે બીજો કોઈ માંસનો ટુકડો હોય, એવી જ રીતે તેમના બે કટકા કરી નાખ્યા. એ પછી તેણે રાત પડવાની રાહ જોઈ. ઘરમાં કબર ખોદી અને ત્યાં ઇઝાબેલાને દફનાવી દીધાં."
"એ પછી તેણે ઇઝાબેલાના બધા પુરાવાનો નાશ કરી દીધો – પછીનાં વર્ષો દરમિયાન ખોટું બોલ્યું અને ન્યાયમાં અવરોધ ઊભા કર્યા."
માર્ટિનના કહેવા પ્રમાણે, તેમના અધિકારીઓએ, "યુકે અને પોલૅન્ડમાં જટિલ તપાસ દરમિયાન સખત મહેનત કરી. જેથી કરીને ઇઝાબેલાના પરિવારને સત્યની જાણ થાય. તેઓ ઇઝાબેલાને ન્યાય અપાવવા માટે કેન્દ્રિત અને પ્રેરિત રહ્યા."
"ઇઝાબેલાને તેમનાં માતા, પુત્રી તથા દાદી ખૂબ જ પ્રેમ કરતાં હતાં – કંઈ પણ કરીને તેમને પાછા નહીં લાવી શકાય, પરંતુ મને આશા છે કે આજે જે સજા પડી છે, એ પછી પરિવાર એમની યાદોને શાંતિ આપી શકશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન