You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝિમ્બાબ્વેની હારનો હીરો : બુમરાહ, અક્ષરની ઓવરમાં સિક્સ, એ ખેલાડી જેને ભારત આઉટ ના કરી શક્યું અને 97 રને અણનમ રહ્યો
ભારતે ઝિમ્બાબ્વેને ટી20 વર્લ્ડકપના સુપર-8 મુકાબલામાં 72 રને હરાવ્યું છે.
ભારતે પહેલી બૅટિંગમાં ચાર વિકેટ ગુમાવીને 256નો રેકૉર્ડ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ઝિમ્બાબ્વે 6 વિકેટ પર 184 રન જ બનાવી શક્યું.
આ હાર સાથે જ ઝિમ્બાબ્વે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. પરંતુ આ મૅચમાં બ્રાયન બેનેટે શાનદાર બેટિંગ કરી હતી અને 97 રન બનાવ્યા હતા.
બ્રાયન બેનેટની જબરદસ્ત બેટિંગ
ભારત સામે 257 રનના મોટા પડકારનો પીછો કરતાં ઑપનિંગ બૅટ્સમૅન બ્રાયન બેનેટે 59 બૉલમાં 97 રન ફટકાર્યા હતા અને છેક સુધી અણનમ રહ્યા હતા.
તેમણે આ ઇનિંગમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.
બુમરાહ અને અક્ષર પટેલની બૉલિંગમાં પણ તેમણે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા.
શિવમ દુબેની એક ઓવરમાં તેમણે બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા અને એ ઓવરમાં દુબેએ 26 રન આપ્યા હતા.
માત્ર એક જ વાર આઉટ થયા છે બેનેટ
આ વર્લ્ડકપમાં બ્રાયન બેનેટ માત્ર વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં જ આઉટ થયા છે, જ્યારે બાકીની બધી મૅચમાં અણનમ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ચાર મૅચમાં 277 રન ફટકાર્યા છે અને તેમનો આ વર્લ્ડકપમાં હાઇએસ્ટ સ્કોર 97 રન ભારત સામે છે.
બ્રાયન બેનેટ હાલના જમાનામાં ઝિમ્બાબ્વેના બહેતરીન ક્રિકેટરોમાં સામેલ છે.
વર્ષ 2022માં રમાયેલા અંડર-19 વિશ્વકપમાં બેનેટે ઝિમ્બાબ્વે માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
તેમણે છ મૅચોમાં 45.50ની એવરેજથી 273 રન બનાવ્યા અને તેઓ ટીમના સૌથી સફળ બૅટ્સમૅન રહ્યા.
આ જ પ્રદર્શનને કારણે તેમને સિનિયર સ્તર પર આગળ વધવાની તક મળી. બેનેટે માત્ર દસ જ મહિનામાં ઝિમ્બાબવેમાં ફર્સ્ટ ક્લાય ક્રિકેટની પાંચ ફ્રેન્ચાઇઝી ટીમોમાંથી એક માઉન્ટેનિયર્સ માટે ફર્સ્ટ ક્લાસ ડૅબ્યૂ કર્યું.
તેઓ સ્પેન્સર મૅગોડોની જગ્યાએ કન્કશન સબ્સ્ટિટ્યૂટ તરીકે ટીમમાં સામેલ થયા.
ફેબ્રુઆરી 2023માં તેમણે ટી20 મૅચમાં ડૅબ્યૂ કર્યું. જેમાં તેમણે પહેલી ઇનિંગમાં જ 41 રનની પારી રમીને પ્રભાવનો પરચો આપી દીધો.
ત્યાર બાદ તેમનો ગ્રાફ ઝડપથી ઉપર વધતો રહ્યો. દસ મહિનામાં સિનિયર ટીમમાં તેમને તક મળી.
બેનેટે પોતાનું ઇન્ટરનૅશનલ ડૅબ્યૂ 7મી ડિસેમ્બર, 2023ના રોજ આયર્લૅન્ડની સામે કર્યું હતું.
બેનેટના જોડિયા ભાઈ પણ ક્રિકેટર
મે 2024માં બાંગ્લાદેશ સામે પાંચમી ટી20 મૅચમાં બ્રાયન બેનેટે 49 બૉલમાં 70 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તે તેમના ઇન્ટરનૅશનલ કૅરિયરની પહેલી અર્ધસદી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેદાનમાં પણ બેનેટે જલદી પોતાની અલગ છબિ બનાવી. પોતાની પાંચમી મૅચમાં જ તેમણે સદી ફટકારી.
ફેબ્રુઆરી 2024માં તો તેમણે ઇગલ્સ ટીમની સામે 264 રનની અણનમ પારી રમી. 259 બૉલમાં તેમણે 33 ચોક્કા અને 3 છક્કા ફટકારીને તેમણે આ ડબલ સદીની ઇનિંગ રમી હતી.
આ જ પ્રદર્શનના આધારે તેમને જુલાઈ 2024માં આયર્લૅન્ડની સામે એકમાત્ર ટેસ્ટ મૅચમાં પહેલી વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા.
બેનેટના જોડીયા ભાઈ ડૅવિડ બેનેટ પણ 2022 અંડર-19 વર્લ્ડકપની ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. બંને ભાઈઓએ સાથે મળીને ઝિમ્બાબ્વેની જૂનિયર ક્રિકેટ ટીમમાં અલગ ઓળખ મેળવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન