રાજકોટ : જંગલેશ્વરમાં તોડી પડાયેલાં 1,500 મકાનોની જગ્યાએ શું બનશે અને આટલા કાટમાળનું શું થશે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, રાજકોટથી
  • વાંચવાનો સમય: 6 મિનિટ

રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારના રસ્તા પરનાં કથિત દબાણો તેમ જ આજી અને ખોખડદડી નદીના પટ અને કાંઠા પર કથિત અનધિકૃત રીતે ચણવામાં આવેલાં મકાનોને પાડી નાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સોમવારે શરૂ કરેલું અભિયાન મંગળવારે પણ યથાવત્ રહ્યું હતું.

દિવસ દરમિયાન મહાનગરપાલિકાએ આ વિસ્તારનાં વધું 385 મકાનોને જમીનદોસ્ત કર્યાં હતાં, બે દિવસ દરમિયાન તોડી પડાયેલાં આ પ્રકારનાં મકાનોની સંખ્યા હવે વધીને 1,504 થઈ ગઈ છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે બુધવારે કથિત દબાણો પૈકીના બાકી રહેલાં પાંચ ઢાંચા પણ તોડી પાડવામાં આવશે અને આ વિસ્તારમાં તોડી પડાયેલાં બધાં જ મકાનોનો કાટમાળ હઠાવી દેવામાં આવશે.

અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે કાટમાળ હઠી ગયા પછી ખુલ્લી કરાયેલી જમીન ઉપર નવા રસ્તાનાં કામનું ખાતમૂહુર્ત ક્યારે કરવું તે બાબતે મહાનગરપાલિકા બુધવાર સાંજે અંતિમ નિર્ણય કરશે, સાથે જ ઉમેર્યું કે આ કામગીરી 'યુદ્ધના ધોર' હાથ ધરાશે.

અસરગ્રસ્ત પરિવારોની માંગણી છે કે તેઓ દાયકાઓથી આ મકાનોમાં રહેતા હતા અને આરએમસી તોડી પડાયેલાં મકાનોની જગ્યાએ તેમને વૈકલ્પિક રહેઠાણો આપે.

જોકે, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સોમવારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ વિસ્તારના પાત્રતા ધરાવતા અંદાજે 800 પરિવારોને વૈકલ્પિક રહેઠાણો જે-તે સમયે જ અપાઈ ચૂક્યાં છે.

કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે જેમનાં ઘર રસ્તા પર દબાણ સ્વરૂપે ઊભાં હતાં તેમને વૈકલ્પિક રહેઠાણો આપવાની કોઈ વિચારણા નથી.

ડિમોલિશન ડ્રાઇવથી કેટલો કાટમાળ ઉત્પન્ન થયો છે?

ડિમોલિશન ડ્રાઇવમાં એક હજાર 489 મકાનો તોડી પાડવામાં આવશે એમ આરએમસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. તેમાંથી 992 મકાનો આજી અને ખોખડદડી નદીના પટમાં કે કિનારા પર અને બાકીનાં 497 મકાનો જંગલેશ્વર મેઇન રોડ તથા આ વિસ્તારના અન્ય રસ્તાઓ પર દબાણો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ડિમોલિશન કામગીરીમાંથી એકમાં સ્થાન પામે તેવા આ અભિયાનના બીજા દિવસે પત્રકારોને માહિતી આપતાં મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ જણાવ્યું કે આ ડ્રાઇવમાં કુલ 1,489 નહીં, પરંતુ એક હજાર 509 મકાનો તોડી પાડવામાં આવશે.

આરએમસીએ તેની મંગળવારની અખબારી યાદીમાં જણાવ્યું કે 1509 જેટલાં "ગેરકાયદેસરનાં દબાણો" પૈકીનાં 1,504 બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અને બાકીનાં પાંચને બુધવારે તોડી પાડવામાં આવશે.

પોતાનું નામ છતું ન કરવાની શરતે રાજકોટ મહાનગરપાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તોડી પડાયેલાં ઢાંચામાંથી મોટાભાગે રહેણાંક મકાનો હતાં.

મહેશ જાનીએ કહ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં મકાનો તોડી પાડવાથી અંદાજે 3,500 મેટ્રિક ટન કરતાં પણ વધારે જથ્થામાં કાટમાળ નીકળ્યો છે. દબાણો દૂર કરવાની સાથે-સાથે આ કાટમાળના નિકાલની કામગીરી પણ ચાલી રહી છે.

પત્રકારોને મંગળવારે સાંજે માહિતી આપતા આ અધિકારીએ કહ્યું, "ગઈકાલે (સોમવારે) 1,000 મેટ્રિક ટનથી વધારે કાટમાળ હઠાવી દીધો હતો અને આજે (મંગળવારે) પણ અમે સાંજે છ વાગ્યા સુધીમાં 2,500 મેટ્રિક ટન જેટલો કાટમાળ હઠાવી દઇશું. મોટા અમુક સ્લૅબ જે નીચે પડ્યા છે તેના ટુકડા કરીને લઈ જવા પડે છે. એ બધું કામ કાલ (બુધવાર) ઉપર રાખીશું."

આમ, બે જ દિવસની અંદર 3,500 મેટ્રિક ટન કરતાં પણ વધારે કાટમાળને જંગલેશ્વરમાંથી ઉપાડી લેવામાં આવ્યો છે.

મહેશ જાનીએ કહ્યું કે બુધવારે આખો દિવસ કાટમાળ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે અને તે કાર્યમાં પ્રગતિ આવશે કારણ કે દબાણો તોડી પાડવાની કામગીરી સવારના ભાગે પૂરી થઈ જશે અને ત્યાર બાદ 70 જેટલા જેસીબી અને હિટાચી મશીન્સ પૈકીનાં બધાં જ યંત્રોને કાટમાળ હઠાવવાની કામીગીરીમાં જોડવામાં આવશે.

મહાનગરપાલિકા આ કાટમાળનું શું કરશે?

રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે 84 ટ્રૅક્ટર અને 14 ડમ્પરની મદદથી કાટમાળ રસ્તાઓ તેમ જ નદીકાંઠાના વિસ્તારોમાંથી ભરીને જંગલેશ્વરની નજીકમાં આવેલા દેવપરા વિસ્તારના એક ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં ઠાલવવામાં આવી રહ્યો છે.

મહેશ જાનીએ કહ્યું કે પ્લૉટના માલિકે કોઈ પણ ભાડું લીધા વગર કાટમાળની હેરફેર માટે પોતાના પ્લૉટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. તેમણે ઉમેર્યું કે બાંધકામ કાટમાળનો અંતિમ નિકાલ કરવા માટેની જગ્યા જંગલેશ્વરથી દૂર આવેલી છે.

તેવા સંજોગામાં દબાણો દૂર કરતા ઉત્પન્ન થયેલા કાટમાળને સ્થળ પરથી ઝડપથી દૂર કરી શકાય તે માટે તેને હાલ પૂરતો શહેરની વચ્ચે આવેલા પ્લૉટમાં જ ઠલાવવામાં આવી રહ્યો છે.

જાનીએ કહ્યું કે રસ્તા તેમ જ નદીના તટ અને કાંઠેથી કાટમાળ હઠાવવાની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ આરએમસીના સૉલિડ વૅસ્ટ મૅનેજમેન્ટ (ઘનકચરા વ્યવસ્થાપન) વિભાગ તે કાટમાળને ખાનગી પ્લૉટમાંથી ભરીને ડમ્પિંગ સાઇટ પર લઈ જઈને નિકાલ કરશે.

રસ્તા પહોળા કરવાનું કામ ક્યારે ચાલુ થશે?

જંગલેશ્વર વિસ્તારના વિકાસ માટે 1996માં બનાવાયેલી રાજકોટ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર-6 (ટૂંકમાં, ટીપી-6 ) આરએમસીની વેબસાઇટ પર ઉપલબ્ધ નકશામાં હયાત જંગલેશ્વર મેઇન રોડને 15 મીટર પહોળા ટીપી રોડ તરીકે દર્શાવવામાં આવ્યો છે.

આ રોડ બાપુનગર પાસેથી શહેરના 80 ફૂટ રોડ પરથી શરુ થાય છે અને એકતા કૉલોની, જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, સૂર્યોદય સોસાયટી, નાળોદા નગર વગેરે વિસ્તારોમાંથી પસાર થઈ હુડકો શાક માર્કેટ નજીક આવેલા ક્રિષ્ના ચોક તરફ જાય છે.

મહેશ જાનીએ મંગળવારે સાંજે કહ્યું કે જંગલેશ્વર મૅઇન રોડ પરથી ખાસ્સો એવો કાટમાળ હઠાવી લેવાયો છે, જેના કારણે વાહનોની અવરજવર શરુ થઈ ગઈ છે અને બુધવાર સાંજ સુધીમાં તે પૂર્વવત્ થઈ જશે.

તેમણે કહ્યું, "અત્યારે મૉબિલિટી ઍસ્ટાબ્લિશ થઈ ગઈ છે. બે વાહન સરળતાથી આ ટીપી રોડ પર પસાર થઈ શકે તેટલી જગ્યા કરી દેવામાં આવી છે."

અધિકારીએ કહ્યું કે સોમવારે રસ્તા પહોળા કરવાનું કામ ચાલુ કરવાની વિચારણા છે, પરંતુ આ બાબતે અંતિમ નિર્ણય બુધવાર સાંજ સુધીમાં ડિમોલિશન સાઇટ પરથી કાટમાળ હઠાવવાની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કરવામાં આવશે.

મહેશ જાનીએ ઉમેર્યું હતું, "મહાનગરપાલિકા તંત્રની નેમ છે કે શક્ય હશે તો સોમવારે જ આપણે તેનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. કાલે (બુધવારે) સાંજે માનનીય કમિશનરશ્રી તે બાબતે અંતિમ નિર્ણય લેશે, જયારે આપણે સમગ્ર વિસ્તારમાંથી કાટમાળ ખસેડી લઈશું."

મહેશ જાનીએ એમ પણ કહ્યું કે જંગલેશ્વર વિસ્તારના ટીપી રોડના કૅરેજ-વે એટલે કે રસ્તાના જે ભાગ પર વાહનો ચાલે છે તેને પહોળા કરવાનું કામ આરએમસીએ અગાઉ જ રોકાયેલા રેટ કૉન્ટ્રાક્ટરો પાસેથી કરાવી શકશે અને તેથી આ કામ માટે અલગથી ટેન્ડર બહાર પાડી કૉન્ટ્રાક્ટર રોકવાની કદાચ જરૂર નહીં પડે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન