You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું હોર્મુઝમાંથી ભારતીય ધ્વજ ધરાવતાં ઈંધણનાં ટૅન્કર પસાર થઈ શકશે, જયશંકરે શું માહિતી આપી?
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશોને આ મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગને ખોલવા માટે યુદ્ધજહાજો મોકલવાની અપીલ કરી છે.
'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ને અપાયેલા ઇન્ટરવ્યૂમાં જયશંકરે જણાવ્યું કે, ભારત અને ઈરાન વચ્ચે વાતચીત થયા પછી શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગૅસ ટૅન્કર્સ પર્શિયન ગલ્ફમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શક્યાં.
તેમણે કહ્યું, "અત્યારે હું તેમની (ઈરાન) સાથે વાતચીત કરી રહ્યો છું અને આ વાતચીતનાં થોડાં પરિણામ મળ્યાં છે."
વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતીય ધ્વજવાળાં જહાજોને પસાર થવા દેવા માટે કોઈ 'સામાન્ય' કે 'કાયમી સમજૂતી' નથી થઈ અને 'તેના બદલામાં ઈરાનને કશું નથી મળ્યું'.
શનિવારે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી લિક્વિડ નૅચરલ ગૅસ લઈને જઈ રહેલાં બે ભારતીય ટૅન્કર્સ સુરક્ષિત પસાર થયાંના સમાચાર જાણવા મળ્યા, એ જ સમયે ઈરાની અધિકારીઓએ ઈરાની તેલથી લાદેલાં બીજાં ઘણાં ટૅન્કર્સને પણ પસાર થવા દેવાની જાહેરાત કરી.
બીબીસી પર્શિયન અનુસાર, ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)ની નૌસેનાના કમાન્ડર અલીરેઝા તંગસીરીએ ઍક્સ પર એક સંદેશમાં ભારતનું નામ લીધા વિના લખ્યું, "સમુદ્રમાંના યુદ્ધમાં ઈરાની નેવીની ઇચ્છા અને કાર્યવાહીનાં પરિણામ મળ્યાં છે. ઈરાની તેલ લઈને જઈ રહેલાં ઘણાં ટૅન્કર્સ, જે સરહદોથી હજારો કિલોમીટર દૂર હતાં, તેમને જવા દેવાયાં. આ જોખમ અને પ્રતિબંધ હટાવવાનું વાસ્તવિક મૉડલ છે."
જયશંકરે શું જણાવ્યું?
એસ. જયશંકરે 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ને જણાવ્યું કે ભારત અને ઈરાન વચ્ચે થયેલી વાતચીતના કારણે શનિવારે ભારતીય ધ્વજવાળાં બે ગૅસ ટૅન્કર્સ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શક્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું, "હું અત્યારે તેમની સાથે વાતચીત કરી રહ્યો છું અને મારી વાતચીતથી થોડાં પરિણામ મળ્યાં છે. આ પ્રક્રિયા ચાલુ છે. જો તેનાથી પરિણામો મળે છે, તો સ્વાભાવિક છે કે હું તેને આગળ પણ ચાલુ રાખીશ."
તેમણે કહ્યું, "ભારતની દૃષ્ટિએ વધુ સારું એ છે કે આપણે વાતચીત કરીએ, તાલમેળ સાધીએ અને સમાધાન શોધીએ. જો તેનાથી બીજા દેશોને પણ વાતચીતનો માર્ગ મળે છે, તો દુનિયા માટે તે સારું રહેશે."
'ફાઇનાન્સિયલ ટાઇમ્સ' અનુસાર, "ફ્રાન્સ અને ઇટલી એવા યુરોપિયન દેશોમાં સામેલ છે, જેમણે ઊર્જા પુરવઠો ફરીથી શરૂ કરવા માટે તહેરાન સાથે સંભવિત રાજદ્વારી ઉકેલ અંગેની વાતચીત શરૂ કરી છે."
જયશંકરે સોમવારે બ્રસેલ્સમાં યુરોપિયન સંઘના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેતાં પહેલાં 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ' સાથે આ વાતચીત કરી હતી.
યુરોપિયન દેશ શું ભારત જેવી કોઈ સમજૂતી કરી શકે છે?, એ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "દરેક સંબંધનો પોતાનો આધાર હોય છે. તેથી મારા માટે આની કોઈ બીજા સંબંધ સાથે સરખામણી કરવી મુશ્કેલ છે. અમે જે કરી રહ્યા છીએ, તે હું યુરોપિયન દેશો સાથે શેર કરવા તૈયાર છું. મને ખબર છે કે તેમાંના ઘણા દેશોની ઈરાન સાથે વાતચીત પણ થઈ છે."
જયશંકરે કહ્યું, "ભારતીય ધ્વજવાળાં જહાજો માટે ઈરાનની સાથે કોઈ સામાન્ય વ્યવસ્થા નથી અને દરેક જહાજની આવ-જા જુદી જુદી રીતે થાય છે."
તેમણે એમ પણ કહ્યું કે, "તેના બદલામાં ઈરાનને કશું નથી મળ્યું અને બંને દેશોની વચ્ચે લાંબા સમયથી રહેલા સંબંધ જ વાતચીતનો આધાર છે."
તેમણે કહ્યું, "આ કશી લેતી-દેતીની બાબત નથી. ભારત અને ઈરાનની વચ્ચે સંબંધ છે અને આપણે આ યુદ્ધને અત્યંત કમનસીબ માનીએ છીએ."
તેમણે કહ્યું કે આ હજુ શરૂઆતનો સમય છે અને વિસ્તારમાં હજુ ઘણાં ભારતીય જહાજો હાજર છે; તેથી વાતચીત ચાલુ છે અને આ દિશામાં આગળ પણ કામ ચાલુ રહેશે.
ક્રૂડઑઇલની કિંમતોમાં ઉછાળો
ગયા અઠવાડિયે ક્રૂડઑઇલની કિંમતો સો ડૉલર પ્રતિ બેરલથી ઉપર બંધ થઈ, જે ઑગસ્ટ 2022 પછી પહેલી વાર થયું છે.
ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ ગયા અઠવાડિયે પોતાના પહેલા નિવેદનમાં હોર્મુઝ સ્ટ્રેટનો હથિયારની જેમ ઉપયોગ કરવાની વાત કહી હતી.
અગાઉ દુનિયાનાં લગભગ 20 ટકા તેલ અને ગૅસ આ જ માર્ગેથી પસાર થતાં હતાં.
ભારત પોતાના વપરાશનો લગભગ 60 ટકા તરલ પ્રાકૃતિક ગૅસ આયાત કરે છે અને તેમાં પણ લગભગ 90 ટકા ભાગ સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત જેવા ખાડી દેશોમાંથી આવે છે.
આ ઈંધણનો મોટો ભાગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે.
એક અનુમાન પ્રમાણે, ભારતમાં 33 કરોડથી વધારે ઘર ભોજન બનાવવા માટે સિલિન્ડરમાં મળતા એલપીજી પર નિર્ભર છે.
કેટલાંક ભારતીય શહેરોમાં એલપીજી દુકાનોની બહાર લાંબી લાઇનો જોવા મળી છે.
ગૅસની અછતના કારણે ઘણાં રેસ્ટૉરાંએ 'કામચલાઉ ધોરણે બંધ'નો નિર્ણય પણ લીધો છે; કેમ કે, દેશમાં ગૅસના પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી ગઈ છે.
ઉદ્યોગ સાથે જોડાયેલા જાણકારોનું માનવું છે કે જો યુદ્ધ ચાલુ રહ્યું, તો કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન