You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs PAK : ટી20 વિશ્વકપની સેમિફાઇનલ કે ફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટકરાઈ શકે? સમજો આખું ગણિત
ટી20 વર્લ્ડકપ 2026માં સુપર-8ની તસવીર સ્પષ્ટ થઈ ચૂકી છે, પરંતુ સવાલ એ છે કે શું ભારત અને પાકિસ્તાન ટી20 વર્લ્ડકપમાં આમને-સામને થઈ શકે છે?
સુપર-8 માટે તો બંનેની ટીમો અગલ-અલગ ગ્રૂપમાં છે. ત્યારે સમજીએ કે એવા કયા સંજોગો ઊભા થઈ શકે છે કે સેમિફાઇનલમાં કે ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને આવી શકે છે.
21મી ફેબ્રુઆરીથી આઈસીસી મૅન્સ ટી20 વર્લ્ડકપના સુપર-8 મુકાબલા શરૂ થઈ રહ્યા છે. સુપર-8માં લીગ મૅચમાં ટૉપમાં રહેલી 8 ટીમો સામેલ છે. આ 8 ટીમો 4-4ના બે ગ્રૂપમાં વહેંચાઈ ગઈ છે. જે એકબીજા સાથે ત્રણ-ત્રણ મૅચ રમશે.
સુપર-8ના ગ્રૂપ-1માં ભારત, ઝિમ્બાબ્વે, વેસ્ટઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા છે. જ્યારે કે ગ્રૂપ-2માં પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ છે.
હવે સવાલ એ છે કે ટી20 વર્લ્ડકપમાં બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની મૅચ થઈ શકે કે નહીં? સુપર-8માં તો બંને દેશ એકબીજાની સામે નહીં રમે કારણ કે બંને અલગ-અલગ ગ્રૂપોમાં છે.
આ વિશ્વકપમાં કોલંબોમાં રમાયેલી ટી20 લીગ મૅચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી પરાજય આપ્યો હતો.
ટી20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમ ભારત સામે 13 મૅચ હારી ચૂકી છે. જ્યાં સુધી ટી20 વર્લ્ડકપની વાત છે, તો હારનો આ ઘટનાક્રમ 8 મૅચ સુધી લંબાઈ ચૂક્યો છે. તેની સામે પાકિસ્તાનના ખાતામાં ફક્ત એક જીત છે.
કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ પોતાના ત્રીજા સૌથી ઓછા સ્કોરે આઉટ થઈને 61 રનની કારમી હારથી નાસીપાસ થયેલી પાકિસ્તાન ટીમના પર્ફૉર્મન્સે ઘણા સવાલો ઊભા કરી દીધા છે. પરંતુ બંને ફરી આમને-સામને થાય તે માટેની કેટલી સંભાવના છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું બંને વચ્ચે સેમિફાઇનલમાં મુકાબલો શક્ય છે?
આ સવાલનો જવાબ છે કે હા. પરંતુ તેમાં કેટલીક શરતો અનિવાર્ય છે. ભારતે સેમિફાઇનલમાં આવવા માટે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ જેવી મજબૂત ટીમો અને ઝિમ્બાબ્વે જેવી ફૉર્મમાં હોય તેવી ટીમને પાર કરવી પડશે. જ્યારે પાકિસ્તાની સામે ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ જેવી મજબૂત ટીમો છે.
હવે સુપર-8 મુકાબલામાં જો ભારત અને પાકિસ્તાન પોતપોતાનાં ગ્રૂપમાં ટૉપ પર આવે.
એટલે કે ભારત અને પાકિસ્તાન સેમિફાઇનલ માટે ક્વૉલિફાય કરે. ઉપરાંત એક ટીમ પોતાના ગ્રૂપમાં ટૉપ પર હોય અને બીજી ટીમ પોતાના ગ્રૂપમાં બીજા સ્થાને હોય.
વળી પહેલી સેમિફાઇનલ 4થી માર્ચના રોજ કોલંબો કે પછી કોલકાતામાં રમાશે. બીજી સેમિફાઇનલ 5મી માર્ચે મુંબઈમાં રમાશે.
પાકિસ્તાન સેમિફાઇનલ માટે ક્વૉલિફાય કરશે તો આ સેમિફાઇનલ કોલંબોમાં રમાશે નહીંતર કોલકાતામાં.
એટલે કે ભલે સુપર-8માં ભારત-પાકિસ્તાનની મૅચ નથી રમાવાની પરંતુ જો સુપર-8માં બંને ટીમ ટૉપ-2માં અલગ-અલગ સ્થાને રહીને મુકાબલા સમાપ્ત કરે તો તેઓ સેમિફાઇનલમાં આપસમાં ટકરાઈ શકે છે.
સેમિફાઇનલનું ફૉર્મેટ ક્રૉસઓવર સિસ્ટમ પર આધારિત છે.
ગ્રૂપ-1ની ટૉપ ટીમ અને ગ્રૂપ-2ની બીજા સ્થાન પર રહેલી ટીમ વચ્ચે સેમિફાઇનલ રમાશે. હવે ભારત પોતાના ગ્રૂપમાં પહેલા સાથે રહે અને પાકિસ્તાન પોતાના ગ્રૂપમાં બીજા સ્થાને રહે તો બંને વચ્ચે સેમિફાઇલ સંભવ છે. બીજી સ્થિતિમાં પાકિસ્તાન પોતાના ગ્રૂપમાં પહેલા સ્થાને રહે અને ભારત પોતાના ગ્રૂપમાં બીજા સ્થાન પર રહે તો પણ બંને વચ્ચે સેમિફાઇનલ સંભવ છે. જો બંને ટીમો પોતપોતાના ગ્રૂપમાં પહેલા અથવા બંને ટીમો બીજા સ્થાને રહેશે તો બંને વચ્ચે સેમિફાઇનલ નહીં રમાય.
શું ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાઈ શકે?
જવાબ છે કે સંભાવના છે. હવે આ સમીકરણ સમજીએ કે કેવા સંજોગો બને જ્યારે બંને ટીમ ફાઇનલમાં ટકરાઈ શકે.
આઈસીસી મૅન્સ ટી20 વિશ્વકપની ફાઇનલ 8મી માર્ચના રોજ અમદાવાદ કે કોલંબોમાં રમાવાની છે. જો પાકિસ્તાન ફાઇનલમાં આવશે ફાઇનલ કોલંબોમાં રમાશે. જો પાકિસ્તાન વગર ફાઇનલ રમાવાની હશે તો તે અમદાવાદમાં રમાશે.
સુપર-8 મુકાબલામાં બંને ટીમ જો ટૉપ પર રહે અથવા તો બંને ટીમ બીજા સ્થાને રહે તો તેમના વચ્ચે સેમિફાઇનલ નહીં રમાય. આવા સંજોગોમાં જો તેઓ પોતપોતાની સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં આવે તો બંને ટીમો આપસમાં ટકરાઈ શકે છે.
એટલે કે સુપર-8માં બંને ટીમ જો અલગ-અલગ સેમિફાઇનલ રમશે અને જો બંને સેમિફાઇનલ જીતી જશે તો ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાશે.
જો બંને ટીમો સેમિફાઇનલમાં અલગ-અલગ વિરોધીઓને હરાવીને આગળ વધે તો આ વિશ્વકપમાં આપણને ભારત અને પાકિસ્તાનની ટીમ ફરી રમતી જોવા મળી શકે છે. છેલ્લે બંને ટીમો વર્ષ 2007માં પહેલા ટી20 વિશ્વકપમાં આપસમાં ટકરાઈ હતી અને તે મૅચ ભારતે જીતી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન