You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs NZ: ટી 20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડ સામે ભારત નહીં જીતે તો શું થશે?
યુએઈ ખાતે રમાઈ રહેલા ટી 20 વર્લ્ડ કપમાં ભારત સામેની મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત તરફથી ન્યૂઝીલૅન્ડની સામેની મૅચમાં રોહિત શર્મા, કે.એલ.રાહુલ, કૅપ્ટન વિરાટ કોહલી, ઇશાન કિશન, વિકેટ કીપર ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ મેદાનમાં ઉતરશે.
ભારત સામે ન્યૂઝીલૅન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલ, ડૅરિલ મિચેલ, કૅપ્ટન કૅન વિલિયમસન, જેમ્સ નીશૅમ, ડેવૉન કૉનવે, ગ્લેન ફિલિપ્સ, મિચેલ સૅન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉધી, ઍડમ મિલને, ટ્રેન્ટ બોલ્ટ રમશે.
કટ્ટર હરીફ પાકિસ્તાન સામે કારમા પરાજય બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ન્યૂઝીલૅન્ડ સામે રમીને વર્તમાન ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના ભાવિનો નિર્ણય કરશે.
આમ તો આ મૅચ એટલે વર્લ્ડ કપની લીગ મૅચ માત્ર છે તેમ છતાં ભારત માટે એમ કહી શકાય કે આ ક્વાર્ટરફાઇનલ કે સેમિફાઇનલથી ઓછી નથી.
વર્લ્ડ કપના પ્રારંભે જ ભારતના અભિયાન પર મોટો ફટકો પડ્યો હતો.
તાજેતરમાં જ આઈપીએલ તથા અન્ય ટુર્નામેન્ટમાં રમવાને કારણે ભારતની ટીમ સજ્જ જણાતી હતી. તેમાં ય તેને એવી ટીમ સામે રમવાનું હતું જેની સામે વર્લ્ડ કપ કે આઈસીસીની મેગા-ઇવેન્ટમાં ભારત ક્યારેય હાર્યું ન હતું.
પણ, રવિવારે જે કાંઈ બન્યું તે ભારતના ક્રિકેટજગત માટે જ નહીં પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે પણ આધાતજનક હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય ટીમ હારી શકે છે તે કબૂલ પરંતુ એ દિવસે પાકિસ્તાન સામે તે જે રીતે હારી તે આસાનીથી પચાવી શકાય તેમ નથી. પહેલાં તો પાકિસ્તાની બૉલિંગ અને ખાસ કરીને શાહીન આફ્રિદી સામે ટીમનો રકાસ થયો અને ત્યાર બાદ ભારતના કહેવાતા સુસજ્જ બૉલિંગ આક્રમણ સામે પાકિસ્તાને એક પણ વિકેટે ગુમાવ્યા વિના 152 રનનો ટાર્ગેટ સર કરી દીધો.
પાકિસ્તાને એ મૅચમાં પૂરી તૈયારી કરી હતી અને હવે રણનીતિમાં તેનાથી પણ મજબૂત મનાતી ન્યૂઝીલૅન્ડની ટીમ સામે ભારતે આ રવિવારે રમવાનું છે.
બંને ટીમો પાસેથી બદલો લેવાની તક
પાકિસ્તાન સામે ક્યારેય નહીં હારવાનો રેકર્ડ તૂટ્યો ત્યારે એમ કહેવાતું હતું કે લૉ ઑફ એવરેજીસનો સિદ્ધાંત કામ કરી ગયો હતો તો પછી આ જ સિદ્ધાંત આ રવિવારે ભારતની તરફેણમાં રહી શકે છે કેમ કે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડની ટીમ ભારત સામે ક્યારેય હારી નથી.
આ સિવાય પણ ભારત અને ન્યૂઝીલૅન્ડનો મુકાબલો ઘણી રીતે મહત્ત્વનો છે.
ભારતે એક કરતાં વધારે કારણોસર આ મૅચમાં જીતવું પડે તેમ છે. શરૂઆત કરીએ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલથી.
તો ઇંગ્લૅન્ડમાં જૂન મહિનામાં રમાયેલી ફાઇનલમાં છેલ્લા દિવસના છેલ્લા સત્રનો પ્રારંભ થયો ત્યાં સુધી મૅચ ડ્રૉ જઈ રહી હતી.
વરસાદે મોટા ભાગની રમત ઉપર પાણી ફેરવી દીધું હતું અને અંતિમ સત્રમાં કીવી ટીમ બાજી મારી ગઈ હતી. આમ ભારતે એ ફાઇનલનો બદલો લેવાનો છે.
આ ઉપરાંત જાન્યુઆરી 2020માં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડ જઈને કીવી ટીમને પાંચ મૅચની સિરીઝમાં 5-0થી હરાવી હતી એ પરિણામને યાદ રાખીને કેન વિલિયમ્સનની ટીમ આ વખતે ભારત સામે બદલો લેવાની તૈયારી સાથે રમશે.
ટૂંકમાં બંને ટીમ મહેનત કરી રહી છે અને બંને હરીફો ભૂતકાળને ધ્યાનમાં રાખીને પ્રદર્શન કરવા આતુર રહેશે. આમ મુકાબલો રોમાંચક બની રહે તેવી સંભાવના પ્રબળ છે.
વર્તમાન ટુર્નામેન્ટની વાત કરીએ તો પાકિસ્તાને તો ભારત અને ન્યૂઝીલૅન્ડ બંનેને હરાવ્યાં છે એટલે તેનો સેમિફાઇનલ પ્રવેશ લગભગ નિશ્ચિત થઈ ગયો છે.
ભારત અને ન્યૂઝીલૅન્ડ બેમાંથી એક ટીમને સેમિફાઇનલમાં પ્રવેશવાનું છે. આ સંજોગોમાં આ મૅચના પરિણામ પર સેમિફાઇનલની બીજી ટીમ નક્કી થશે.
આ ગ્રૂપમાં ભારતને ત્રણ નબળી ટીમ સામે રમવાનું છે. અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કૉટલૅન્ડ. આ ત્રણ ટીમ સામે ભારત કે ન્યૂઝીલૅન્ડ બેમાંથી કોઈને જીતવામાં તકલીફ પડે તેમ લાગતું નથી.
તો પછી તે બંનેના મુકાબલા પર જ સૌની નજર રહેશે.
બંનેમાંથી કોઈ પણ ટીમને ફેવરિટ કહી શકાય તેમ નથી
ટી20માં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેના મુકાબલા હંમેશાં રોમાંચક રહ્યા છે. 2009માં ક્રાઇસ્ટચર્ચ ખાતે ન્યૂઝીલૅન્ડે સાત વિકેટે મૅચ જીતી તો 2019માં ઑકલૅન્ડમાં ભારતનો સાત વિકેટે વિજય થયો એ સિવાય બંને વચ્ચે રમાયેલી 16 મૅચમાંથી એકેયમાં આવો મોટો તફાવત જોવા મળ્યો નથી.
તેમાં ય ગયા વર્ષે જાન્યુઆરી (2020)માં તો સળંગ બે મૅચ ટાઈ પડી હતી અને પરિણામ સુપર ઓવરની મદદથી લેવાયું હતું જેમાં ભારતનો વિજય થયો હતો.
આમ બંને વચ્ચેની 16 મૅચમાં પણ પરિણામ સમાન જ છે કેમ કે ભારત અને ન્યૂઝીલૅન્ડ આઠ-આઠ મૅચ જીત્યાં છે. રહી વાત અંગત પ્રદર્શનની તો તેમાં પણ બેમાંથી એકેય ટીમને ફેવરિટ કહી શકાય તેમ નથી.
ન્યૂઝીલૅન્ડના ટ્રેન્ટ બૉલ્ટ કે કેન વિલિયમ્સન તાજેતરમાં જ આઈપીએલમાં રમી ચૂક્યા છે એટલે આઈપીએલનો લાભ માત્ર ભારતના જ ખેલાડીઓને મળશે તેમ પણ કહી શકાય નહીં.
બૉલ્ટ ઉપરાંત કાયલ જેમિસન, જીમી નિશમ, ઍડમ મિલ્ને, મિચેલ સેન્ટનર જેવા ખેલાડીઓ પણ ભારત સામે રમવાનો બહોળો અનુભવ ધરાવે છે.
જેમ જસપ્રીત બુમરાહ ભારતના આધારભૂત બૉલર છે તેવી જ રીતે કીવી ટીમ બૉલ્ટ પર આધાર રાખે છે અને યોગાનુયોગે આ બંને બૉલર આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના આધારભૂત બૉલર છે.
ન્યૂઝીલૅન્ડને કદાચ માર્ટિન ગુપટિલની ખોટ પડશે કેમ કે પાકિસ્તાન સામેની મૅચ દરમિયાન ગુપટિલ ઘાયલ થયા હતા અને તે રવિવારે રમી શકે તેવી શક્યતા ઓછી છે.
પાકિસ્તાન સામેના પરાજયને ભૂલીને રમવું પડશે
ભારતના પ્રદર્શનની વાત કરીએ તો રોહિત શર્મા અત્યારે વિશ્વના સૌથી આક્રમક ઓપનર છે પરંતુ પાકિસ્તાન સામે તેઓ પ્રથમ બૉલે જ આઉટ થઈ ગયા હતા.
લોકેશ રાહુલ શાનદાર ફૉર્મ ધરાવે છે પણ તે ય પાકિસ્તાન સામે નિષ્ફળ રહ્યા હતા.
વિરાટ કોહલીએ કૅપ્ટન્સ ઇનિંગ્ઝ રમીને પોતાના ફૉર્મનો પરચો આપી દીધો છે.
બૉલિંગમાં પાકિસ્તાન સામેની મૅચ બાદ કરીએ તો ભારતના મોટા ભાગના બૉલર આઈપીએલમાં મજબૂત પ્રદર્શન કરીને આવ્યા છે પણ વર્તમાન વર્લ્ડ કપની અત્યાર સુધીની મૅચ નિહાળ્યા બાદ ખ્યાલ આવી જાય છે કે આઈપીએલ અને વર્લ્ડ કપમાં કેટલો ફરક છે.
એક તરફ 180-190 રનના સ્કોર આસાનીથી ખડકાતા હતા અને એ સ્કોર ચેઝ પણ થઈ જતો હતો જ્યારે અહીં 125-130 રનના સ્કોર માંડ નોંધાય છે અને તે પણ સાવ આસાનીથી પાર કરી શકાતા નથી.
આઈપીએલમાં બૉલરે ખાસ કાંઈ કરવાનું રહેતું ન હતું જ્યારે એ જ યુનાઇટેડ આરબ અમિરાતની વિકેટો ઉપર અત્યારે વર્લ્ડ કપમાં બૉલરો ખતરનાક બની રહ્યા છે.
ભારત માટે આ મૅચ અત્યંત મહત્ત્વની છે ત્યારે વિરાટ કોહલીની ટીમ ગયા રવિવારના પાકિસ્તાન સામેના પરાજયને ભૂલીને રમવું પડશે અને તો જ તેના માટે અને ટી20 વર્લ્ડ કપના આયોજકો માટે ટુર્નામેન્ટ જીવંત રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો