ખાડીના દેશો પણ ઈરાન-અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે? કતારે આ ચેતવણી આપી

    • લેેખક, બારબરા પ્લેટ - અશર
    • પદ, બીબીસી સંવાદદાતા, દોહા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ખાડી દેશોને પણ પોતાની મરજી વગર ફ્રન્ટલાઇન પર આવવું પડી રહ્યું છે. આ કારણે તેઓ નારાજ પણ છે.

હકીકતમાં અમેરિકા-ઇઝરાયલના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને પોતાના આરબ પાડોશીઓ તરફ સેંકડો મિસાઇલ અને ડ્રોન છોડ્યાં છે.

ઈરાનું કહેવું છે કે આ હુમલામાં આરબ દેશોમાં ઉપસ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં. જોકે, નાગરિક અને ઊર્જા ઢાંચા પર પણ આ હુમલાની અસર થઈ છે.

આવું કરીને ઈરાન યાત્રા, પર્યટન તથા ફાયનાન્સ માટે સુરક્ષિત અને સમૃદ્ધ મનાતા ખાડીના દેશોની છબિને નિશાન બનાવી રહ્યું છે. સાથે જ ખાડીના ઑઇલ અને ગૅસ ઉદ્યોગને બાધિત કરી રહ્યું છે.

આ એક એવું યુદ્ધ છે જેને આરબ સરકારો નહોતી ઇચ્છતી અને તેને રોકવા માટે તેમણે ભરપૂર કોશિશ કરી હતી.

હવે સવાલ એ છે કે શું તેઓ આ હુમલાને કારણે આ યુદ્ધ તરફ ખેંચાઈ જશે? જેને તેમણે ઈરાનની 'દગાબાજી ભરેલી' કાર્યવાહી ગણાવી છે.

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ અંસારીએ મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું, "તમામ સીમાઓ પહેલાંથી જ ઓળંગવામાં આવી છે."

તેમણે પત્રકારોને કહ્યું, "અમારી સંપ્રભુતા પર સતત હુમલાઓ થઈ રહ્યા છે."

તેમણે કહ્યું, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાઓ થઈ રહ્યા છે, અમારા રહેણાક વિસ્તારો પર હુમલા થઈ રહ્યા છે. અને આ હુમલાની અસર સ્પષ્ટ છે."

"જ્યાં સુધી સંભવિત જવાબી કાર્યવાહીનો સવાલ છે, અમારી લીડરશિપ પાસે તમામ વિકલ્પો છે."

"અમે બહુ સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે આ પ્રકારના હુમલાનો/ જવાબ આપ્યા વગર નહીં રહી શકીએ."

ઈરાનની રણનીતિ શું છે?

ખાડીના દેશોમાં મહત્તમ ઈરાની મિસાઇલોને પાડી દેવામાં આવી રહી છે. પરંતુ કેટલાક હુમલામાં લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

ડ્રોન ઍર ડિફેન્સને ભેદવામાં વધુ સક્ષમ હોય છે. તેઓ નુકસાન ઓછું પહોંચાડે છે પરંતુ છતાં એવી પરિસ્થિતિ ઊભી કરે છે જેનાથી વ્યાપાર અને મુસાફરી પ્રભાવિત થાય છે.

એવું લાગે છે કે ઈરાનની આ જ રણનીતિ છે.

તેઓ પોતાના આરબ પડોશીઓ પર મોટો દાંવ લગાવવા માગે છે જેથી તેઓ યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકા પર દબાણ બનાવે.

ફાઇનાન્શિયલ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, એવું માનવામાં આવે છે કે ઈરાને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પર લગભગ તેટલાં જ ડ્રોન અને મિસાઇલો છોડી છે જેટલી ઇઝરાયલ પર. યુએઈ ખાડીનું પ્રમુખ વ્યાપાર અને પર્યટન કેન્દ્ર છે.

આ ક્ષેત્રને મહત્ત્વપૂર્ણ બનાવતા તેલ અને ગૅસ ઉદ્યોગો પણ ઈરાનના નિશાને આવી શકે છે.

જો તેમાં કોઈ અવરોધ ઉત્પન્ન થયો તો દુનિયાભરની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.

ઈરાનની રણનીતિ તેના પર જ પડી શકે છે ભારે?

તેનો અર્થ એ છે કે ઈરાનની રણનીતિ ઊલટી પણ પડી શકે છે.

ઈરાન ખાડી દેશોને અમેરિકાની વધુ નજીક ધકેલવાનું જોખમ ઉઠાવી રહ્યું છે અને શક્ય છે કે કોઈ પણ રૂપમાં તેઓ આ જંગમાં સામેલ થઈ જાય.

અત્યાર સુધી આ દેશોએ ઈરાન પર હુમલા માટે અમેરિકાને પોતાના હવાઈ ક્ષેત્ર અને જમીનનો ઉપયોગ કરવાની અનુમતિ નથી આપી.

તેમનો આ નિર્ણય બદલાઈ પણ શકે છે. કોઈ પણ સમયે તેઓ સૈન્ય અભિયાનનો ભાગ બનવાનો નિર્ણય લઈ શકે છે.

જોકે, તેઓ હાલ આ સ્થિતિમાં નથી. આરબ દેશો અત્યારે પોતાના સંરક્ષણ પર ધ્યાન આપી રહ્યા છે. પરંતુ એ બધું નિર્ભર કરે છે કે આ યુદ્ધ કેટલા સમય સુધી ચાલી શકે છે.

જેમાં કેટલાક દેશો આ જંગમાં ઇઝરાયલનો પક્ષ લેતા ખચકાટ અનુભવી શકે છે.

ખાડી દેશોને એકતાની શિખામણ કોણે આપી?

ઑક્ટોબર 2023માં હમાસના હુમલાનો જવાબ આપતા ગાઝામાં ઇઝરાયલે ઘાતક અને વિનાશકારી અભિયાન ચલાવ્યું હતું. તેણે સાથે લેબનોન અને સીરિયા જેવા દેશોમાં તેની સૈન્ય દખલઅંદાજીએ આરબ દેશો સાથેના સંબંધો તણાવપૂર્ણ બનાવી દીધા છે.

ગત સાલ જ્યારે ઇઝરાયલે હમાસ લીડરશિપની હત્યાની કોશિશમાં કતાર પર બૉમ્બમારો કર્યો હતો ત્યારે પણ આરબ દેશો નારાજ થયા હતા.

આ સ્પષ્ટ છે કે ઈરાનના હુમલાને કારણે ખાડી દેશો વચ્ચેની એકતા મજબૂત થઈ છે.

ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલના છ સભ્ય દેશો સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, બહેરીન, સંયુક્ત આરબ અમીરાત અને ઓમાને રવિવારે ઇમર્જન્સી બેઠક બોલાવી હતી.

જેમાં તેમણે એકતા દેખાડી અને 'પોતાની સુરક્ષા અને સ્થિરતાનું સંરક્ષણ કરવાની તથા પોતાના ક્ષેત્ર, નાગરિકો અને નિવાસીઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં' ભરવાની વાત કરી.

આ દેશોએ 'આક્રમકતાનો જવાબ આપવાના વિકલ્પ'નો પણ ઉલ્લેખ કર્યો.

યુએઈના રાષ્ટ્રપતિના એક વરિષ્ઠ કૂટનીતિક સલાહકાર અનવર ગાર્ગશે ઈરાનને સમજદારી દેખાડવાની વિનંતી કરી છે.

તેમણે ઍક્સ પર પોતાની પોસ્ટમાં લખ્યું, "તમારું યુદ્ધ તમારા પડોશીઓ સાથે નથી. તમારી આસપાસનાં ક્ષેત્રોને જુઓ અને અલગાવવાદી તથા તણાવનો વિસ્તાર વધારવા પહેલાં પોતાના પડોશીઓ સાથે સમજદારી અને જવાબદારીથી વર્તો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન