You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એલપીજી બુકિંગ માટે ઈ-કેવાઈસી કોના માટે જરૂરી છે, સરકારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયે જણાવ્યું છે કે એલપીજી બાયૉમેટ્રિક આધાર ઑથેન્ટિકેશન (ઈ-કેવાઈસી) માત્ર એ જ ગ્રાહકો માટે જરૂરી છે જેમણે હજુ વૅરિફિકેશન નથી કરાવ્યું.
મંત્રાલયે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તમામ ગ્રાહકો માટે આ જરૂરી નથી.
મંત્રાલયનું આ નિવેદન એલપીજી ઉપભોક્તાઓ માટે બાયૉમેટ્રિક આધાર ઑથેન્ટિકેશન સાથે જોડાયેલા કેટલાક રિપોર્ટ્સ બાદ આવ્યું છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે આ પ્રકારનો 'કોઈ નવો નિર્દેશ આપ્યો નથી'.
નિવેદનમાં જણાવાયું છે કે "મંત્રાલયની હાલની પોસ્ટ સરકારના એ પ્રયાસોનો ભાગ છે, જેનો અર્થ વધુમાં વધુ એલપીજી ઉપભોક્તાઓને બાયૉમેટ્રિક આધાર ઑથેન્ટિકેશન પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે."
મંત્રાલયે જણાવ્યું, "ઈ-કેવાઈસી માત્ર એ એલપીજી ઉપભોક્તાઓ માટે છે જેમણે હજુ તે નથી કરાવ્યું. જો તમે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના(પીએમયૂવાઈ)ના ગ્રાહક નથી અને તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે, તો તમારે તે ફરી કરવાની જરૂર નથી."
"પીએમયૂવાઈ ગ્રાહકોને ઈ-કેવાઈસી દર વર્ષે એક વખત કરાવવાનું હોય છે. તે પણ સાત વખત રિફિલ કરાવ્યા બાદ ડીબીટી સબ્સિડી પ્રાપ્ત કરવા માટે 8મી વખત અને 9મી વખતના રિફિલ વેળાએ."
ઈરાનના સુરક્ષા પ્રમુખનું મોત થયું હોવાનો ઇઝરાયલના સંરક્ષણ મંત્રીનો દાવો
ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇસરાઇલ કાટ્ઝે દાવો કર્યો છે કે ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના વરિષ્ઠ નેતા અલી લારિજાનીનું મોત થઈ ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક નિવેદનમાં કાટ્ઝે કહ્યું કે તેમને હાલ ઈરાનના મોટા સુરક્ષા અધિકારીના મોતની જાણકારી મળી છે.
અલી લારિજાની ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના પ્રભાવશાળી સચિવ છે.
તેમને ઑગસ્ટ, 2025ના રોજ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કાઉન્સિલના સચિવ તથા ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનેઈના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી હતી.
જોકે, ઈરાને હજુ પુષ્ટિ નથી કરી કે લારિજાની માર્યા ગયા છે કે ઘાયલ થયા છે. ઇઝરાયલી મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અલી લારિજાની તથા તેમના પુત્ર એક ઍપાર્ટમેન્ટમાં છુપાયેલા હતા જ્યાં હુમલો કરવામાં આવ્યો હતો.
ઉનાકાંડના ચુકાદા અંગે જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું?
ઉનામાં વર્ષ 2016માં દલિતો સાથે મારઝૂડ મુદ્દે જે ચુકાદો આવ્યો, તેના વિશે વડગામની બેઠક ઉપરથી કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પાલનપુરમાં પ્રેસકૉન્ફરન્સ દરમિયાન પ્રતિક્રિયા આપી હતી. બનાસકાંઠાથી બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર જણાવે છે :
મેવાણીએ કહ્યું, "અમે અમદાવાદથી ઉના સુધીની 'દલિત અસ્મિતા યાત્રા' કાઢી હતી અને 15મી ઑગસ્ટે ઉનાની ધરતી ઉપર તિરંગો ફરકાવ્યો હતો."
મેવાણીએ ઉમેર્યું, "હું પણ આ ચળવળનો હિસ્સો હોવાને નાતે કહું છું કે અમને પણ આ ચુકાદાને પગલે અમને ખૂબ જ નિરાશા સાંપડી છે. બહુ જ દુઃખ થયું છે. ન્યાયતંત્રનું સન્માન કરું છું, પરંતુ પોલીસ, પ્રશાસન અને ન્યાયિક સિસ્ટમ પાસેથી અપેક્ષા હતી કે જેમણે પણ આ ઉનાના પીડિત પરિવારોને બેરેહમીપૂર્વક, છડેચોક, ધોળાદિવસે ઉનાની બજારમાં પોલીસ સ્ટેશન, પોલીસ કર્મચારીઓની સામે માર્યા છે, એમને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવશે અને એક ઐતિહાસિસક ચુકાદો આવશે."
"જેનાથી એક દાખલો બેસશે અને આ પ્રમાણે કોઈપણ આદિવાસી, દલિત, ગરીબ અને વંચિત સમુદાયનું સન્માન છીનવવાનું કોશિશ કરશો કે હુમલો કરવાનો પ્રયાસ કરશો તો તંત્ર ચલાવી નહીં લે, પરંતુ એવો કોઈ ચુકાદો જોવા નથી મળતો."
મેવાણીએ માગ કરી હતી કે આ ચુકાદાને પીડિતો દ્વારા જે વકીલનું નામ સૂચવવામાં આવે, તેમના થકી આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સોમવારે વેરાવળની સ્થાનિક કોર્ટે વર્ષ 2016ના કેસમાં 40માંથી 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે અન્ય પાંચ દોષિત ઠર્યા હતા.
આ પાંચેયને મંગળવારે પાંચ-પાંચ વર્ષની જેલની સજા જાહેર કરવામાં આવી હતી. જ્યારે રૂ. પાંચ-પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઇઝરાયલી સેનાએ ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારિજાનીને નિશાન બનાવ્યા
ઇઝરાયલી સેનાના એક અધિકારીએ જણાવ્યું કે ઇઝરાયલની સેનાએ ઈરાનના નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવ અલી લારિજાનીને નિશાન બનાવ્યા છે.
હજુ સ્પષ્ટ નથી કે તેઓ ઘાયલ થયા છે કે માર્યા ગયા છે.
આ પહેલાં સોમવારે સાંજે અલી લારિજાનીએ એક પત્ર જારી કરીને ઇસ્લામિક દેશોની આલોચના કરી હતી.
અલી લારિજાનીએ આ પત્રમાં 'દુનિયાના મુસ્લિમો અને ઇસ્લામી દેશોની સરકારો'ને સંબોધિત કરીને લખ્યું, "તમે જાણો છો કે કેટલાક ગણ્યાં-ગાંઠ્યાં મામલાઓને છોડીને, કોઈ ઇસ્લામી સરકારે ઈરાની જનતાની મદદ નથી કરી?"
લારિજાનીએ આ દેશોને લખ્યું હતું, "ઈરાન આપનું મદદગાર છે અને તમારા પર હાવી થવાનો ઇરાદો નથી રાખતું, પરંતુ તમે કોના તરફ છો?"
અફઘાનિસ્તાન પર હુમલા મામલે પાકિસ્તાનના મંત્રીએ શું કહ્યું
પાકિસ્તાનના સૂચના તથા પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તારડે એક નિવેદનમાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલાની પુષ્ટિ કરી છે.
જોકે તેમણે કહ્યું કે આ હુમલો કાબુલ અને નંગરહારમાં અફઘાન તાલિબાન શાસનના'આતંકવાદને સમર્થન આપતાં સૈન્ય મથકો' પર થયાં છે.
બીબીસી પશ્તો અનુસાર, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને રાજધાની કાબુલમાં "એક નશામુક્તિ માટેની હૉસ્પિટલ પર હુમલા" કર્યા છે. આમાં "સેંકડો લોકોનાં મોત" થયાં છે.
અફઘાનિસ્તાન તાલિબાન સરકારના ઉપપ્રવક્તા હુમદુલ્લાહ ફિતરતે કહ્યું કે અત્યાર સુધી લગભગ '400 લોકોનાંં મોત' અને લગભગ 250 લોકોના ઈજાગ્રસ્ત થવાની સૂચના મળી છે.
પાકિસ્તાનના સંઘીય મંત્રી તારડે જણાવ્યું કે તેમની સેનાના હુમલામાં કાબુલમાં બે જગ્યાએ હાજર તકનીકી સહાયતા સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દારૂગોળાના ઠેકાણાને નષ્ટ કરાયાં છે.
તેમણે પોતાના નિવેદન સાથે એક વીડિયો પણ જાહેર કર્યો છે.
આ ઉપરાંત તારડે કહ્યું કે, "નંગરહારમાં પાકિસ્તાનની સશસ્ત્ર સેનાઓએ અફઘાન તાલિબાન શાસનના આતંકવાદનને સમર્થન આપતાં ચાર સૈન્યમથકો પર પણ હુમલા કર્યા છે, જ્યાં સંબંધિત લૉજિસ્ટિક, દારૂગોળો અને તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કર્યાં છે."
તેમણે કહ્યું કે બધા હુમલા "સચોટ રીતે માત્ર એવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયા છે જેનો ઉપયોગ અફઘાન તાલિબાન શાસન પોતોનાં કેટલાંક આતંકવાદી નેટવર્કના સમર્થન કરવા કરી રહ્યા હતા."
ગુજરાત સરકારે LPG ગૅસના સિલિન્ડરને લઈને શું મહત્ત્વની જાહેરાત કરી?
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત હોવાના અહેવાલ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે કહ્યું છે કે, 'રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટૉકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.'
આ ઉપરાંત એલપીજી અને પીએનજી ગૅસને લઈને સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાંની માહિતી આપી હતી.
સરકારે કહ્યું છે કે -
- એલપીજી સાથે પીએનજી કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાં
- એલપીજીના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા શરૂ કરાઈ
- પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન ફાળવવામાં આવશે.
એલપીજી અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222 પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનનો દાવો 'પાકિસ્તાનનો કાબુલની હૉસ્પિટલ પર હુમલો, સેંકડો લોકોનાં મોત'
અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો છે કે સોમવારે પાકિસ્તાને કાબુલ પર હવાઈ હુમલા કર્યા છે જેમાં સેંકડો લોકોનાં મોત થયાં છે.
બીબીસી પશ્તોના રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક નશામુક્તિ હૉસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં કેટલાક લોકોનાં મોત અને કેટલાક ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. તાલિબાન સરકારે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરવ્યું છે.
અફઘાન તાલિબાન સરકારના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે સોમવાર સાંજે હૉસ્પિટલ પર હુમલો થયો જેમાં કેટલાક લોકોનાં મોત થયાં અને કેટલાક ઘાયલ થયા છે.
પાકિસ્તાનના સૂચના મંત્રાલયે હૉસ્પિટલને નિશાન બનાવ્યાનો ઇનકાર કર્યો છે. મંત્રાલય અનુસાર હુમલામાં કાબુલ અને પૂર્વ અફઘાનિસ્તાનના પ્રાન્ત નંગરહારમાં સૈન્ય મથકો અને 'આતંકવાદી ઠેકાણાં'ને નિશાન બનાવાય છે.
અફઘાનિસ્તાન તાલિબાન સરકારના ઉપપ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે ઍક્સ પર માહિતી આપી કે, "પાકિસ્તાન સેનાએ આજે સાંજે (સોમવારે) લગભગ નવ વાગ્યે ઓમિદ નશામુક્તિ હૉસ્પિટલ પર હવાઈ હુમલા કર્યા છે. આ 2000 બેડની હૉસ્પિટલ છે જ્યાં નશાની લત ધરાવતા દરદીઓની સારવાર કરવામાં આવે છે."
તેમણે આગળ લખ્યું કે, "હુમલામાં હૉસ્પિટલનો એક મોટો ભાગ તબાહ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા છે. અત્યાર સુધી લગભગ 400 લોકોનાં મોત અને લગભગ 250 લોકોના ઈજાગ્રસ્ત થવાની સૂચના છે. રાહત દળો ઘટનાસ્થળે હાજર છે. તેઓ આગ પર કાબૂ મેળવવા અને કાટમાળમાંથી મૃતદેહો કાઢવાનું કામ કરી રહ્યા છે."
ઇરાકના બગદાદમાં આવેલા અમેરિકાના દૂતાવાસ પર ડ્રોન હુમલો
ઇરાકના બગદાદમાં આવેલા અમેરિકાના દૂતાવાસ પર ડ્રોન અને રૉકેટથી હુમલો થયો છે.
સમાચાર એજન્સી રૉઇટર્સ અને એએફપીએ આ હુમલાના અહેવાલો આપ્યા છે.
ઇરાકી સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે કે, "આ ક્ષેત્રમાં ફાટી નીકળેલા યુદ્ધ પછી સૌથી તીવ્ર હુમલો છે."
આ હુમલાની છ કલાક પહેલાં જ અમેરિકાના દૂતાવાસે ઇરાકમાં રહેલા પોતાના નાગરિકો માટે સુરક્ષા માટેનો ઍલર્ટ જાહેર કર્યો હતો.
આ સિવાય યુનાઇટેડ આરબ અમીરાતે પણ તેના ઍરસ્પેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાન તરફથી વધુ હુમલા થવાની આશંકાને કારણે યુએઈએ આ નિર્ણય લેવો પડ્યો છે.
એશિયામાં ક્રૂડ ઑઇલનો ભાવ વધીને 103.08 ડૉલર સુધી પહોંચ્યો
એશિયામાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 2.8 ટકાના ઉછાળા સાથે 103.08 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. જ્યારે અમેરિકાના બજારમાં ક્રૂડ ઑઇલનો ભાવ 3 ટકાના વધારા સાથે 96.25 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
બીબીસી બિઝનેસ સંવાદદાતા ઓસમાન્ડ ચિઆએ આ માહિતી આપી છે.
સમગ્ર દુનિયાના વેપારીઓની નજર હોર્મુઝની સામુદ્રધુની પર મંડાયેલી છે કે ત્યાંથી ઑઇલ ભરેલાં જહાજોનો રસ્તો ખુલી શકે છે કે નહીં.
કેટલાંક જહાજો ત્યાંથી બહાર નીકળી રહ્યાં હોવાના સમાચારો પછી ગઈકાલે 16 માર્ચે ક્રૂડ ઑઇલના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
એશિયાઈ દેશોમાં વહેલી સવારે શેરબજારમાં પણ જરાક ઉછાળો જોવા મળ્યો છે. જાપાન અને દક્ષિણ કોરિયાના શેરબજારોમાં થોડો ઉછાળો જોવા મળ્યો છે. આ બંને દેશો ખાડીદેશોના ઑઇલ પર નિર્ભર છે.
જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સમાં 0.25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પી ઍક્સચેન્જમાં 2.5 ટકા કરતાં વધારેનો ઉછાળો જોવા મળ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન