You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
JNU હિંસા : મુંબઈમાં ગેટવે ઑફ ઇંડિયાના દેખાવો દરમિયાનના એક પોસ્ટર ઉપર વિવાદ કેમ?
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ મુંબઈના ગેટ-વે ઑફ ઇંડિયા પાસે દેખાવ કરી રહેલાં પ્રદર્શનકારીઓને બળજબરીપૂર્વક આઝાદ મેદાન ખસેડાયા હતા, જ્યાં તેમણે આંદોલન સમાપ્ત જાહેર કર્યું હતું.
જોકે, વિરોધપ્રદર્શન દરમિયાન દેખાડવામાં આવેલું એક પોસ્ટર વિવાદનું કેન્દ્ર બન્યું હતું.
હિંદુ રક્ષા દળ નામના સંગઠને જે.એન.યુ.માં હુમલાની જવાબદારી સ્વીકારી છે.
પોલીસનું કહેવું છે કે દેખાવકારોને કારણે રાહદારીઓને તથા ત્યાં ફરવા આવતાં પર્યટકોને મુશ્કેલી પડતી હતી એટલે તેમને હઠાવવામાં આવ્યાં છે.
સોમવારે રાત્રે બોલીવૂડની અનેક હસ્તીઓએ આ દેખાવોમાં ભાગ લીધો હતો.
પોસ્ટર પર વિવાદ
મુંબઈમાં પ્રદર્શન દરમિયાન સોમવારે સાંજે 'FREE KASHMIR'ના પોસ્ટર જોવા મળ્યા હતા, જેની ઉપર પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે સવાલ ઉઠાવ્યા છે.
ફડણવીસે ટ્વિટર ઉપર લખ્યું કે 'શું ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં દેશ-વિરોધી તથા કાશ્મીરને સ્વતંત્ર કરવાનું અભિયાન સાંખી લેશે?'
ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ પોસ્ટર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈના ડી.સી.પી નિશાનદારનું કહેવું છે કે પ્રદર્શન દરમિયાન 'કાશ્મીરને આઝાદ કરો' પોસ્ટરની અમે ગંભીર નોંધ લીધી છે અને તેના વિશે તપાસ કરીશું.
બીજી બાજુ, શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે કાશ્મીરની આઝાદીની કોઈ વાત કોઈ કાળે ચલાવી નહીં લેવાય.
એ મહિલા કોણ?
બીબીસી મરાઠીના જણાવ્યા પ્રમાણે, મહેક મિર્ઝા પ્રભુ નામનાં મહિલાએ એ પોસ્ટર હાથમાં લીધું હતું, તેઓ મૂળ મહારાષ્ટ્રનાં જ છે.
વિવાદ વકરતા મહેકે સોશિયલ મીડિયા ઉપર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેઓ ઇન્ટરનેટ અને નિયંત્રણ સામે આઝાદીની માગ કરી રહ્યાં હતાં.
તેમને કલ્પના ન હતી કે આ વિવાદ આટલો વકરશે. મહેકની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પ્રમાણે તેઓ 'પર્ફૉર્મર અને વાર્તાકાર' છે.
હિંદુ રક્ષા દળે લીધી જવાબદારી
દરમિયાન હિંદુ રક્ષા દળના રાષ્ટ્રીય સંયોજક પિંકી ચૌધરીએ વીડિયો બહાર પાડીને જે.એન.યુ.માં થયેલા હુમલાની જવાબદારી લીધી છે.
ચૌધરીનું કહેવું છે કે યુનિવર્સિટી પરિસર હિંદુ તથા દેશવિરોધી પ્રવૃત્તિઓનો 'અડ્ડો' બની ગયું હતું.
દિલ્હી પોલીસે આ દાવાની તપાસ પણ હાથ ધરી છે.
'પર્યટકોને સમસ્યા હતી'
મુંબઈ ઝોન-1ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સંગ્રામસિંહ નિશાનદારના કહેવા પ્રમાણે:
"ગેટ-વે ઑફ ઇંડિયા ખાતેથી દેખાવકારોને હઠાવવામાં આવ્યાં છે. અમે તેમને અનેક વખત આઝાદ મેદાન ખાતે વિરોધપ્રદર્શન ચાલુ રાખવા અપીલ કરી હતી."
"પરંતુ, તેમણે અમારી અપીલને અવગણી હતી એટલે અમારે તેમને આઝાદ મેદાન હઠાવવા પડ્યાં છે."
"તેમના દેખાવોને કારણે પર્યટકો તથા રાહદારીઓને મુશ્કેલી પડતી હતી."
દેખાવકારોને આઝાદ મેદાન લઈ જવાયા હતા, જ્યાં તેમણે 'ઑક્યૂપાય ગેટવે' આંદોલનને સમાપ્ત જાહેર કર્યું હતું.
ઘોષ સામે FIR
જવાહરલાલ નહેરુ વિદ્યાર્થી સંઘનાં અધ્યક્ષ આઇસી ઘોષે કહ્યું છે, "વિદ્યાર્થી ઉપર વિંઝવામાં આવેલ એક-એક સરિયાનો જવાબ ડિબેટ તથા ડિસકસન દ્વારા આપીશું."
ઘોષે આરોપ મૂક્યો હતો કે હૉસ્ટેલ ફીમાં વધારા સામેનાં વિદ્યાર્થીઓના આંદોલનને ખોરવવા માટે જે.એન.યુ.ના વહીવટીતંત્રે હિંસક ભીડ સાથે સાંઠગાંઠ કરી હતી.
બીજી બાજુ, જે.એન.યુ. વહીવટીતંત્રની ફરિયાદના આધારે પોલીસે ઘોષની સામે ભાંગફોડ કરવાની FIR દાખલ કરી છે.
હુમલાના એક દિવસ પહેલાં ઘોષ તથા 19 અન્યએ યુનિવર્સિટીની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.
સોમવારે વિદ્યાર્થીઓ ઉપર હુમલો થયો ત્યારે ઘોષ પણ ઘાયલ થયાં હતાં અને માથામાંથી લોહી નીતરતી તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ હતી.
બીજી બાજુ, દિલ્હી પોલીસનું કહેવું છે કે જે.એન.યુ.માં સુરક્ષા માટે 700થી વધુ પોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે.
સોમવારની હિંસામાં 30થી વધુ વિદ્યાર્થી ઘાયલ થયા હતા.
બોલીવૂડની હસ્તીઓ સામેલ થઈ
આ પહેલાં સોમવારે મોડી સાંજે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, ઝોયા અખ્તર, અભિનેત્રી તાપ્સી પન્નુ, રીચા ચઢ્ઢા તથા સ્વરા ભાસ્કર કાર્ટર રોડ ખાતે ચાલી રહેલાં વિરોધ-પ્રદર્શનોમાં જોડાયાં હતાં.
બોલીવૂડની સેલિબ્રિટીઝે જેએનયુમાં થયેલી હિંસાને વખોડી કાઢી હતી.
અનિલ કપૂરે કહ્યું હતું કે 'જે.એન.યુમાં થયેલી હિંસાને જોઈને એ રાત્રે હું ઊંઘી શક્યો ન હતો.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો