You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વારેવારે કબજિયાત થવી એ કૅન્સર હોવાનો સંકેત છે? પાંચ બાબતથી સમજો
- લેેખક, શણમુગપ્રિયા
- પદ, બીબીસી માટે
- વાંચવાનો સમય: 5 મિનિટ
કૅન્સર કેવી રીતે થાય છે? એક સામાન્ય ટ્યૂમર કૅન્સરયુક્ત ટ્યૂમરમાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે? સતત કબજિયાત રહેવી તે કૅન્સરનું એક લક્ષણ છે?
લોકોના મનમાં આ રોગ વિશેની આધારવિહોણી શંકાઓને દર કરવા માટે બીબીસી તમિલે કૅન્સર સર્જન ડૉ. અય્યપન સાથે વાત કરી હતી. આવો, ડૉ. અય્યપને શૅર કરેલી માહિતી વિગતવાર જાણીએ. તેમાં કીમોથૅરપી સંબંધી ખોટી ધારણાઓનો પણ સમાવેશ થાય છે.
કૅન્સર શું છે અને તે કેવી રીતે શરીરમાં ફેલાય છે?
માનવ શરીરના કોષો સતત વિભાજિત થતા રહે છે. કોષો બે ભાગમાં વિભાજિત થાય છે અને પછી બે કોષો ચાર ભાગમાં વિભાજિત થઈને અંગો બનાવે છે. સામાન્ય પરિસ્થિતિમાં કોષ વિભાજન એક નિયંત્રિત પ્રક્રિયા અનુસાર થાય છે.
જોકે, આ નિયંત્રિત પ્રક્રિયા નિષ્ફળ થાય છે ત્યારે કોષો અનિયંત્રિત રીતે વિભાજિત થવા લાગે છે. આ અનિયંત્રિત કોષો ગાંઠોનું સર્જન કરે છે. તે ગાંઠોને આપણે કૅન્સર કહીએ છીએ.
અનિયંત્રિત કોષ વિભાજન દ્વારા રચાયેલી આ ગાંઠોને સૌમ્ય ગાંઠો અને જીવલેણ ગાંઠો એમ બે પ્રકારમાં વિભાજિત કરી શકાય.
કૅન્સરયુક્ત ગાંઠો સામાન્ય ગાંઠથી અલગ હોય છે. કૅન્સરગ્રસ્ત ગાંઠો જીવલેણ હોય છે અને તે અન્ય અવયવોમાં ફેલાઈ શકે છે.
કૅન્સરના કોષો લોહીના પ્રવાહ દ્વારા ફેફસાં, લીવર, કિડની અને હાડકાં જેવા અવયવોમાં ફેલાઈ શકે છે. તેને મેટાસ્ટેટિસ કહેવામાં આવે છે. પ્રારંભિક તબક્કામાં રોગ, તેની શરૂઆત થઈ હોય છે એ જ જગ્યાએ રહે છે. તે અન્ય અંગોમાં ફેલાય ત્યારે ઉન્નત અવસ્થા હોય છે.
એક સામાન્ય ટ્યૂમર કૅન્સરયુક્ત ગાંઠમાં પરિવર્તિત થઈ શકે?
સૌમ્ય ટ્યૂમર સામાન્ય રીતે અપરિવર્તિત રહે છે, પરંતુ ઘણાં વર્ષોથી હોય તેવી ગાંઠ મોટી થવા લાગે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અલબત્ત, તે કૅન્સરના સ્વરૂપમાં પરિવર્તિત થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. તેમ છતાં સૌમ્ય ગાંઠો કેટલાક દુર્લભ કિસ્સામાં કૅન્સરયુક્ત ગાંઠમાં પરિવર્તિત થઈ શકતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે સાર્કોમાના સ્વરૂપમાં હોઈ શકે છે. આવું પરિવર્તન પ્રત્યેક 100માંથી એક વ્યક્તિમાં થઈ શકે છે. તેથી ડૉક્ટર પાસે ગાંઠની નિયમિત રીતે તપાસ કરાવવી અને તેની સ્થિતિ નક્કી કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મોડું નિદાન ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
કેટલાંક અંગોને બાદ કરતાં પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં લગભગ બધાં જ અંગોમાં કૅન્સર થઈ શકે છે.
સ્ત્રીઓમાં થતા સૌથી સામાન્ય કૅન્સરમાં સ્તન કૅન્સર, સર્વાઇકલ કૅન્સર, ગર્ભાશયનું કૅન્સર અને અંડાશયનું કૅન્સર સામેલ છે.
પુરુષોમાં થતા સૌથી સામાન્ય કૅન્સરમાં ફેફસાંનાં કૅન્સર, પેટનાં કૅન્સર, મોઢાનાં કૅન્સર અને કોલોરેક્ટલ કૅન્સરનો સમાવેશ થાય છે.
કોલોન કૅન્સરમાં વધારો થવાનું કારણ શું છે?
કોલોન અને ગુદામાર્ગના કૅન્સરના કેસોમાં તાજેતરમાં વધારો જોવા મળ્યો છે.
કોલોન અને ગુદામાર્ગ પાચનતંત્રના બે અંતિમ વિભાગો છે.
જીવનશૈલીમાં પરિવર્તન, પર્યાવરણીય ફેરફારો, આહારના આદતો, અપૂરતા પ્રમાણમાં શાકભાજીનું સેવન અને પ્રોસેસ્ડ માંસનો વધુ પડતો વપરાશ કોલોરેક્ટલ કૅન્સરનાં મુખ્ય કારણો છે.
ખાસ કરીને ધૂમ્રપાન તથા દારૂ પીવાની આદત, કસરતનો અભાવ અને અપૂરતી શારીરિક પ્રવૃત્તિથી કૅન્સર થવાનું જોખમ વધી શકે છે.
શૌચ કરવામાં મુશ્કેલી, સતત કબજિયાત અને કોલોનના અંતિમ હિસ્સામાં અવરોધ જેવાં પરિબળો ગુદામાર્ગના કૅન્સરનું કારણ બની શકે છે.
તેનું વેળાસર નિદાન કરવામાં આવે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. પ્રારંભિક તબક્કામાં સારવાર ખર્ચ પણ ઓછો થાય છે અને આડઅસર પણ લઘુતમ હોય છે.
ગુદામાર્ગના કૅન્સરનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે.
- મળમાં લોહી આવવું તે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. ગુદામાર્ગમાં લોહી દેખાય તો તત્કાળ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ
- એનીમિયા, શ્વાસ લેવામાં તકલીફ અને પગમાં સોજો
- વજનમાં અચાનક ઘટાડો થાય તો તે ચેતવણીનો સંકેત છે
- મળત્યાગમાં મુશ્કેલી અને કબજિયાત પણ મહત્ત્વપૂર્ણ લક્ષણો છે
પેટના અલ્સર કૅન્સરમાં પરિવર્તિત થઈ શકે?
કોલોન અન પેટના અલ્સર વચ્ચેનો તફાવત જાણવો મહત્ત્વપૂર્ણ છે.
કોલોનમાં જોવા મળતા 99 ટકા જખમ કૅન્સર સંબંધિત હોય છે. તેની સારવાર ખૂબ જ સાવધાનીથી કરવી જોઈએ. પેટના મોટા ભાગના અલ્સર સામાન્ય અલ્સર હોય છે. તેની સારવાર દવા વડે કરી શકાય છે, પરંતુ તેની સારવાર કરવી જરૂરી છે.
તેની સારવાર કરવામાં ન આવે તો વર્ષો પછી તે કૅન્સરનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તમને ખાવામાં તકલીફ થતી હોય કે પીડા થતી હોય તો તમારે ઍન્ડોસ્કૉપી કરાવવી જોઈએ.
કીમોથૅરપીને કારણે ખરી પડેલા વાળ પાછા ઊગી શકે?
કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ રીતે કરવામાં આવે છે. તેમાં સર્જરી, કીમોથૅરપી અને રેડિયેશન થૅરપીનો સમાવેશ થાય છે.
કીમોથૅરપીમાં દવાઓ વડે કૅન્સરના કોષોનો નાશ કરવામાં આવે છે. રેડિયોથૅરપીમાં કિરણોત્સર્ગથી કૅન્સરના કોષોનો નાશ કરવામાં આવે છે.
ઘણા લોકોને સવાલ થતો હોય છે કે કીમોથૅરપીને લીધે ખરી પડેલા વાળ પાછા ઊગી શકે?
આ સવાલનો જવાબ આપતાં ડૉ. અય્યપને કહ્યું હતું, "કીમોથૅરપી દરમિયાન વાળ ખરી પડ્યા હોય તો સારવાર પૂર્ણ થયા બાદ થોડા મહિનાઓમાં તે ચોક્કસપણે ફરી સારી રીતે ઊગે છે."
કૅન્સર વિશે જાગૃતિ બહુ જ મહત્ત્વપૂર્ણ છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું, "વહેલું નિદાન, યોગ્ય સારવાર અને જીવનશૈલીમાં પરિવર્તન એ કૅન્સર સામે લડવાનાં મુખ્ય માધ્યમો છે. રસીકરણ, નિયમિત તબીબી તપાસ અને સ્વસ્થ જીવનશૈલી કૅન્સર નિવારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે."
ડૉ. અય્યપનને જણાવ્યા મુજબ, આધુનિક મેડિકલ ટૅક્નૉલૉજી અને અભિગમથી કૅન્સરની સારવારમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. કૅન્સરને પ્રારંભિક તબક્કામાં જ શોધી કાઢવાથી તેનો સંપૂર્ણ ઈલાજ શક્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન