જ્યારે ઈરાને કાશ્મીર મુદ્દે ભારતને સાથ આપ્યો હતો, પણ બંને દેશોના સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યા છે?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 10 મિનિટ

"ઈરાન અને ભારતની દોસ્તી નવી નથી. આપણી મૈત્રી ઇતિહાસ જેટલી જ પુરાણી છે. સૈકાઓથી આપણા સમાજો કળા અને સ્થાપત્ય, વિચારો અને પરંપરાઓ, સંસ્કૃતિ અને વ્યાપાર થકી પરસ્પર જોડાયેલા છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં તેમના ઈરાન પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચેના ગહન સંબંધ વિશે વાત કરતાં ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

અલબત્ત, ભારતની આઝાદી પછી બંને દેશોના સંબંધોમાં ઘણાં નોંધનીય સીમાચિહ્નો અંકિત થયાં છે.

મધ્ય પૂર્વમાં સતત બદલાઈ રહેલી પરિસ્થિતિ, પાકિસ્તાન સાથેના સંબંધો, આંતરરાષ્ટ્રીય વેપાર, આંતરરાષ્ટ્રીય રાજકારણ, અમેરિકા-રશિયા-ચીન જેવા દેશોનો પ્રભાવ અને ઈરાનની આંતરિક સ્થિતિ, આ તમામ પરિબળોએ છેલ્લા સાત-આઠ દાયકામાં ભારત અને ઈરાનના સંબંધો પર અસર ઉપજાવી છે.

તાજેતરમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન ઉપરના હુમલા તેમજ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લાહ ખામેનેઈના મોત પછી ભારતે ઈરાન ઉપરના હુમલાની આલોચના નથી કરી.

આવી સ્થિતિમાં નિષ્ણાતો ભારત-ઈરાનના સંબંધોને ટાંકીને ભારત સરકારના આ વલણ પર સવાલ ઊઠાવી રહ્યા છે.

ઇતિહાસમાં કેટલીક એવી ઘટનાઓ નોંધાયેલી છે, જેમાં ઈરાને ભારતને ખુલ્લું સમર્થન કર્યું હતું, તો કેટલીક ઘટનાઓ એવી પણ છે, જેમાં બંને દેશોએ સ્વયંનાં હિતોને પ્રાથમિકતા આપી હતી.

ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં કેવી રીતે બદલાવ આવ્યો છે, કયા પ્રસંગોએ ઈરાને ભારતનું સમર્થન કર્યું છે અને કયા પ્રસંગોમાં તે ભારતની પડખે નથી રહ્યું, તેની વિગતો આ લેખમાં રજૂ કરવામાં આવી છે.

'ભારત અને ઈરાનઃ વિખૂટા પડેલા બે ભાઈ'

ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોનો પુરાવો ઇન્ડો-આર્યન સંસ્કૃતિના પ્રારંભથી મળે છે.

એ સર્વવિદિત છે કે, ભારત અને ઈરાન ધર્મ, સંસ્કૃતિ તથા ભાષા મારફત સદીઓથી એકમેક સાથે જોડાયેલા હતા.

ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'માં ભારત-ઈરાનના સંબંધો વિશે લખ્યું હતું કે, "ભારતીયોના જીવન અને સંસ્કૃતિ પર વિશ્વની ઘણી માનવ પ્રજાતિઓ અને સંસ્કૃતિઓનો પ્રભાવ પડ્યો છે. તે સૌમાં સૌથી જૂનો અને મજબૂત સંબંધ ઈરાનની પ્રજા સાથે રહ્યો હતો."

ઈરાનિયન કલ્ચરલ મિશનના વડા 1946માં અલ્હાબાદ આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું, "પર્શિયાના એક વિદ્વાનના મત અનુસાર, ઈરાનના લોકો અને ભારતના લોકો ભાઈઓ જેવા છે, જે એકમેકથી વિખૂટા પડી ગયા હતા. એક ભાઈ પૂર્વ તરફ ગયો અને બીજો ભાઈ પશ્ચિમમાં ગયો."

"બંનેના પરિવારો સ્વયં વિશે બધું ભૂલી ગયા છે. જો તેમની વચ્ચે કોઈ સમાનતા બચી હોય, તો તે છે, જૂની ધૂનો, જે કેટલીક વખત તેમની વાંસળીઓમાં વાગે છે. આથી જ અમે આપણી જૂની ધૂન છેડવા માટે વારંવાર ભારત આવતાં રહીએ છીએ, જેથી અમારા પિતરાઈ ભાઈઓ અમને ઓળખી શકે અને અમે ફરી તેમની સાથે જોડાઈ શકીએ."

નહેરૂ કાળમાં ભારત-ઈરાનના સંબંધો

ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂએ 1946માં પ્રકાશિત થયેલા પુસ્તક 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા'માં લખ્યું હતું, "વિશ્વમાં થઈ રહેલા ફેરફારો એશિયન દેશોને એકમેક તરફ ફરી નજર કરવાની ફરજ પાડી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે, આગામી સમયમાં ઈરાન સાથેની ભારતની નિકટતામાં વધારો થશે."

ભારત અને ઈરાને 15મી માર્ચ, 1950માં ફ્રૅન્ડશિપ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા, જે સાથે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની ઔપચારિક શરૂઆત થઈ હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, બંને દેશો શાંતિ અને મૈત્રીના માર્ગને અનુસરશે.

આ એ સમય હતો, જ્યારે વિશ્વ અમેરિકા અને સોવિયેટ સંઘના બે ધ્રુવોમાં વિભાજીત થઈ રહ્યું હતું અને ભારતે નૉન-અલાઇનમેન્ટનો માર્ગ અપનાવ્યો હતો.

'ઇન્ડિયાઝ વેસ્ટ એશિયા પૉલિસીઃ લિમિટ્સ ઑફ બાયલેટરાલિઝમ' શીર્ષક ધરાવતા શોધપત્રમાં પ્રોફેસર મુમતાઝ અહમદ શાહ લખે છે, "અમેરિકા ઈરાન, સાઉદી અરેબિયા અને અન્ય રાજાશાહી સામ્રાજ્યોનું સુપરપાવર સાથી રહ્યું હતું. તે પાકિસ્તાન અને આ ખાડીના દેશો વચ્ચેના લશ્કરી સહયોગનું સમર્થન કરતું હતું. ભારતે ઈરાન, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, સીરિયા અને ઈરાક સાથે રાજદ્વારી ભાગીદારી પ્રસ્થાપિત કરી હતી, પરંતુ તે આ પ્રદેશમાં કોઈ એવું મિત્ર રાષ્ટ્ર શોધી રહ્યું હતું, જે ધર્મનિરપેક્ષ મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતું હોય."

તેઓ જણાવે છે, "ઈરાનના શાહે 1956માં બગદાદ સંધિના માત્ર ચાર મહિના બાદ ભારતની મુલાકાત લીધી હતી. તેમણે ભારતને ખાતરી આપી હતી કે, પાકિસ્તાન સાથેના ઈરાનના નિકટના સંબંધો ભારત વિરુદ્ધ બિલકુલ નહોતા તેમજ ભારત-ઈરાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો પર તેની કોઈ વિપરિત અસર પડશે નહીં."

ત્યાર બાદ, સપ્ટેમ્બર, 1959માં નહેરૂએ પણ ઈરાનનો પ્રવાસ ખેડ્યો હતો અને તહેરાનથી ભારતની 'નૉન-અલાઇનમેન્ટ પૉલિસી' વિશ્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

બીબીસીએ કુવૈત અને ઈરાક જેવા દેશોમાં ભારતના રાજદ્વારી રહી ચૂકેલા તલમીઝ અહમદ સાથે ભારત-ઈરાનના સંબંધો વિશે વાત કરી હતી.

તલમીઝ અહમદ કહે છે, "ઈરાનના શાહના શાસનકાળ દરમિયાન, આપણે કહી શકીએ કે, શાહ ભારતની નિકટ આવવા માગતા હતા. આપણે 'ઈરાન-હિંદ શિપિંગ લાઇન' તથા 'મૅંગલોર ઑઇલ રિફાઇનરી' પ્રસ્થાપિત કરી હતી. ઈરાન ભારતને પેટ્રોલિયમનો પુરવઠો પૂરો પાડનારું મહત્ત્વનું સપ્લાયર બન્યું હતું."

ભારત-પાકિસ્તાન યુદ્ધોમાં ઈરાને કોને સાથ આપ્યો?

નહેરૂ અને ઈરાનના શાહ વચ્ચેની બેઠકો તથા ભારત અને ઈરાન વચ્ચે 'ફ્રૅન્ડશિપ સંધિ' થઈ હોવા છતાં, આ એવો સમય હતો, જ્યારે પાકિસ્તાન સાથેના ઘર્ષણને કારણે ઈરાન અને ભારત વચ્ચેના સંબંધોમાં પરિવર્તન જોવા મળ્યું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં યુદ્ધોમાં ઈરાને કોને સાથ આપ્યો, તેની વિગતો અમેરિકન વિદેશ વિભાગની 'ઑફિસ ઑફ ધ હિસ્ટોરિયનના' દસ્તાવેજોમાં ઉપલબ્ધ છે.

મે, 1972માં પ્રકાશિત થયેલા 'ઇન્ટેલિજન્સ મેમૉરેન્ડમ'માં લખ્યું છે કે, "1965ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ પછી ઈરાને પાકિસ્તાન માટે પર્ચેઝિંગ એજન્ટ તરીકે કામ કર્યું હતું. તે સમયે, પાકિસ્તાન પશ્ચિમી દેશો પાસેથી શસ્ત્રો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું. ઈરાને પશ્ચિમ જર્મનીના એક આર્મ્સ ડીલર પાસેથી 90 એફ-86 ફાઇટર જૅટ્સ, ઍર-ટુ-ઍર મિસાઇલ્સ, આર્ટિલરી અને થોડા સ્પેર પાર્ટ્સ ખરીદ્યાં હતાં. આ ફાઇટર જૅટ્સ પહેલાં ઈરાન પહોંચાડવામાં આવ્યાં અને પછીથી તે પાકિસ્તાન રવાના કરાયાં હતાં. બાકીનાં શસ્ત્રો સીધાં જ કરાચી પહોંચાડવામાં આવ્યાં હતાં."

તેમાં લખ્યું છે, "1971માં ઈરાને પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનમાં વાપરવા માટે 12 હેલિકૉપ્ટર અને અન્ય લશ્કરી ઉપકરણો ઉધાર આપ્યાં હતાં. તેમનો ઉપયોગ પૂર્વ પાકિસ્તાનમાં મોકલવામાં આવતાં હથિયારોની ભરપાઈ કરવા માટે થયો હતો. જ્યારે ભારતીય સેના પૂર્વ પાકિસ્તાનમાં પ્રવેશી, ત્યારે પણ આર્ટિલરી અને સ્પેર પાર્ટ્સનો પુરવઠો પાકિસ્તાન રવાના કરવામાં આવ્યો હતો."

પણ નિષ્ણાતોનું માનવું છે કે, ઈરાને કદી ખુલીને પાકિસ્તાનનું સમર્થન નહોતું કર્યું.

જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના સેન્ટર ફૉર વેસ્ટ એશિયન સ્ટડીઝનાં પ્રોફેસર સુજાતા ઐશ્વર્યાએ ભારત-ઈરાનના સંબંધો પર સઘન સંશોધન કર્યું છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "ઇતિહાસમાં અમુક પ્રસંગો ચોક્કસ એવા છે, જ્યારે ઈરાન ભારતની પડખે ઊભું રહ્યું હતું. પાકિસ્તાન-ઈરાન વચ્ચે ઈસ્લામી એક્તાની અપેક્ષા હતી, તેમ છતાં 1965 અને 1971ના યુદ્ધોમાં ઈરાને ખુલ્લેઆમ પાકિસ્તાનને સાથ નહોતો આપ્યો. ભારત માટે આ એક મહત્ત્વનો રાજદ્વારી સંકેત હતો."

ઈરાનની ક્રાંતિ પછી સંબંધોમાં પરિવર્તન

1979માં ઈરાની ક્રાંતિને પગલે મહમ્મદ રઝા શાહ પહલવીના રાજાશાહી શાસનનો અંત આવ્યો અને રૂહોલ્લાહ ખોમૈનીએ 'ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન'ની સ્થાપના કરી. ભારત-ઈરાનના સંબંધોમાં ત્યારથી નોંધપાત્ર ફેરફારો થયા છે.

પ્રોફેસર સુજાતા ઐશ્વર્યા કહે છે, "1979 પછીનો ગાળો વધુ જટિલ બન્યો, પણ ઈરાન અને ભારતે અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઉદય વિરુદ્ધ નોર્ધર્ન અલાયન્સને ટેકો આપ્યો. બંને દેશો વચ્ચેના સહકારનું તે કદાચ સૌથી નક્કર અને વ્યવહારુ ઉદાહરણ હતું."

એ પણ નોંધવું જોઈએ કે, 1979ની ક્રાંતિ પછી ઈરાને પ્રાદેશિક અલગાવમાંથી બહાર નીકળવાનું હતું અને ભારત એક એવું વિશાળ, બિન-પશ્ચિમી અને તટસ્થ બજાર હતું, જેની તેને જરૂર હતી.

તલમીઝ અહમદ કહે છે, "ઇસ્લામિક ક્રાંતિ પછી ઈરાનને એવું લાગતું હતું કે, ભારત ઇરાકનું સમર્થન કરે છે. પણ ટૂંક સમયમાં જ ભારત-ઈરાનના સંબંધો ફરી પાછા સુધરી ગયા. તે પછી ભૂતપૂર્વ પ્રમુખ રફસંજાનીના શાસન દરમિયાન ભારત-ઈરાનની મિત્રતા આગળ વધતી રહી. તેઓ ભારત આવ્યા, નરસિંહ રાવ ઈરાન ગયા અને વ્યૂહાત્મક ભાગીદારી પ્રગતિના પંથે આગળ વધી."

કાશ્મીર મુદ્દે જ્યારે ઈરાને ભારતની તરફેણમાં વિટો કર્યો

ભારત અને ઈરાનના સારા સંબંધોની વાત આવે, ત્યારે કાશ્મીરનું ઉદાહરણ હંમેશાં આપવામાં આવે છે.

તે સમયે ભારતના વડા પ્રધાન નરસિંહ રાવ હતા.

1994માં પાકિસ્તાન તથા ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને સાથે મળીને યુનાઇટેડ નૅશન્સ હ્યુમન રાઇટ્સ કમિશનની જીનિવા ખાતે યોજાયેલી બેઠકમાં ભારત વિરુદ્ધ ઠરાવ લાવવાનો પ્રયત્ન કર્યો, જેમાં ભારત ઉપર કાશ્મીરમાં માનવ હક્કોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

જોકે, પાકિસ્તાનને તેમાં આવશ્યક સમર્થન સાંપડ્યું નહીં અને તે માટેનું મુખ્ય કારણ હતું, ઈરાનનો 'વિટો'.

કૉંગ્રેસનાં ચૅરપર્સન સોનિયા ગાંધીએ અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસમાં તાજેતરમાં લખેલા એક લેખમાં તે અંગે ઉલ્લેખ કર્યો હતો.

તે લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું હતું, "1994માં જ્યારે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશને યુએન હ્યુમન રાઇટ્સ કમિશનમાં કાશ્મીર અંગે ભારત વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની કોશીશ કરી, ત્યારે પાકિસ્તાનને તેમ કરતું અટકાવવામાં ઈરાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."

આગળ તેમણે લખ્યું હતું, "ભારતની આર્થિક પરિસ્થિતિ અત્યંત નાજુક હતી, તેવા સમયે ઈરાનની દરમિયાનગીરીને કારણે કાશ્મીરના મુદ્દાનું તે સમયે આંતરરાષ્ટ્રીયકરણ ન થઈ શક્યું. ઈરાન સાથેના આપણા સંબંધો શાલીન અને વ્યૂહાત્મક રહ્યા છે."

આ અંગે પ્રોફેસર સુજાતા કહે છે, "એ સાચું છે કે, ઈરાને કદીયે ખુલીને કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કર્યો નથી. પરંતુ, તે પાછળનું કારણ ઈસ્લામિક એક્તા કરતાં વધારે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેની અંગત દુશ્મનાવટનું હતું."

તહેરાન ડિક્લરેશનથી લઈને ચાબહાર સુધી

2001માં ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી ઈરાનના પ્રવાસે ગયા હતા અને ત્યાં બંને દેશોએ 'તહેરાન ડિક્લેરેશન' પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલયની વેબસાઇટ અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન વાજપેયીના ઈરાન પ્રવાસ દરમિયાન થયેલા 'તહેરાન ડિક્લેરેશન' અને ઈરાનના પ્રમુખ મહમ્મદ ખાતમીના ભારત પ્રવાસ દરમિયાન થયેલા 'નવી દિલ્હી ડિક્લેરેશન'થી ભારત-ઈરાનના સંબંધો વધુ મજબૂત બન્યા હતા.

'તહેરાન ડિક્લેરેશન'માં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, ઊર્જા ક્ષેત્રમાં સહકાર, આર્થિક અને વ્યાપારી સંબંધો, પ્રાદેશિક સ્થિરતાથી લઈને અફઘાનિસ્તાનમાં શાંતિ માટે પ્રતિનિધિ સરકારની સ્થાપના જેવા મહત્વના મુદ્દાઓ પર કરારો થયા હતા.

ભારતે 2003માં ઈરાન સમક્ષ ચાબહાર બંદર વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેથી પાકિસ્તાનને બાયપાસ કરીને ભારતના માલ-સામાનને માર્ગ અને રેલવે પ્રોજેક્ટ - ઇન્ટરનૅશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કૉરિડોર (આઇએનએસટીસી) મારફત અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા પહોંચાડી શકાય.

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં ઈરાનની મુલાકાત લીધી હતી. તે જ વર્ષે કરાર પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

ત્યાર બાદ 2024માં ભારતે ચાબહારમાં શાહિદ બેહેસ્તી બંદરના સંચાલન માટે ભારતે સંધિ કરી હતી, તેને લઈને આ વર્ષે અમેરિકાના દબાણના અહેવાલો પણ સામે આવ્યા હતા.

પ્રોફેસર સુજાતા કહે છે, "અફઘાનિસ્તાનમાં તાલિબાનની હાજરી બંને દેશો માટે જોખમી હતી, આથી, તે મામલે સહકારની ભાવના સ્વાભાવિક હતી. ચાબહાર બંદરની સંધિએ ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન તથા મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ પૂરો પાડ્યો."

તલમીઝ અહમદ કહે છે, "અમે તહેરાન ડિક્લેરેશન સુધી પહોંચ્યા. પણ મનમોહનસિંહના શાસનકાળ દરમિયાન, અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું કે, ઈરાન સાથે તેના સારા સંબંધ નહીં રહે. ચાબહારની વાત આગળ વધી, પણ મનમોહન સરકારે અમેરિકાને વધુ મહત્ત્વ આપ્યું. પછી એક સમય એવો પણ આવ્યો, જ્યારે ઈરાન ભારતનું બીજા ક્રમનું ઓઇલ સપ્લાયર બન્યું."

"ટ્રમ્પે ઈરાન પર ફરી પાછા પ્રતિબંધો લાદ્યા અને ભારતે ઈરાન પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરી દીધું. ચાબહારમાં ભારતનું પ્રભુત્વ ઘટતું ગયું અને આખરે ભારતે ત્યાંથી પીછેહઠ કરવી પડી."

તેમણે કહ્યું, "ચાબહાર જેવી બીજી જેટલી પણ સંભવિતતાઓ હતી, તે તમામ આપણે ગુમાવી દીધી. ટ્રમ્પના દબાણના તાબે થઈને ઈરાન પાસેથી ઑઇલની ખરીદી બંધ કરી દીધી, તે ટ્રમ્પના શાસનકાળમાં આપણે કરેલી સૌથી મોટી ભૂલ હતી. આપણે અમેરિકાને કહેવું જોઈતું હતું કે, જો તેઓ આપણા મિત્ર બનીને રહેવા ઇચ્છતા હોય, તો તેમણે આપણાં હિતોને પણ પ્રાથમિકતા આપવી પડશે."

શું ભારત-ઈરાનના સંબંધો સાચે જ 'મૈત્રીપૂર્ણ' રહ્યા છે કે, 'મજબૂરી' બનીને રહી ગયા છે?

પ્રોફેસર સુજાતા ઐશ્વર્યા કહે છે કે, ઈરાને ઘણા પ્રસંગોએ ભારતને "સાથ આપ્યો છે", પણ તેને "સહિયારાં હિતોની આપ-લે" કહેવું વધુ ઉચિત ગણાશે, કારણ કે, જ્યારે પણ હિતોનો ટકરાવ થયો, તેવા સમયે ઈરાને "ભારતને પ્રાધાન્ય નહોતું આપ્યું".

તેઓ કહે છે, "સંશોધન અને અભ્યાસના આધારે હું કહી શકું છું કે, તે વ્યાપક સ્તરે મજબૂરી અને વ્યૂહાત્મક ગણતરીનું પરિણામ છે, તેમાં ભારત પ્રત્યેની કોઈ ગાઢ મિત્રતા કે એક્તા નથી."

પ્રોફેસર સુજાતાનું માનવું છે કે, ભારત અને ઈરાન વચ્ચેના સંબંધોનાં ત્રણ સ્તરો રહેલાં છે અને તે જ આ સંબંધની જટિલતા છે.

તેઓ સમજાવે છે, "પ્રથમ સ્તર સિવિલાઇઝેશન અને કલ્ચરલ છે. ફારસી (પર્શિયન) સાહિત્ય, ભાષા, સૂફી પરંપરા અને ઈતિહાસનો સમાન આધાર વાસ્તવિક છે. બંને સમાજોમાં એકમેક પ્રત્યે એક પ્રકારની કુદરતી આત્મીયતા છે."

"બીજું સ્તર વ્યવહારિક છે. તેમાં ઑઇલ, વેપાર, જોડાણ અને ભૂરાજકીય હિતોનો સમાવેશ થાય છે. ત્રીજું અને કદાચ સૌથી પ્રામાણિક સ્તર મજબૂરીનું છે. બંને દેશો કેટલીક વખત એકબીજા પાસે એટલા માટે આવ્યા, કારણ કે, તેમની પાસે બહેતર વિકલ્પ નહોતો અથવા તો તે સમયના આંતરરાષ્ટ્રીય વાતાવરણે જ બંનેને એકમેકની નિકટ લાવવામાં ભાગ ભજવ્યો."

ભૂતપૂર્વ રાજદ્વારી તલમીઝ અહમદ કહે છે, "આપણે ઈરાન સાથેના ભારતના સંબંધો પર નજર કરીએ તો, ભારત માટે ઈરાન હંમેશા ગૌણ રહ્યું છે. આપણે કાયમ અમેરિકાને પ્રાથમિકતા આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે કદીયે ભારત અને ઈરાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીનો લાભ ઉઠાવવામાં સક્ષમ રહ્યા નથી."

તેઓ કહે છે, "સંજોગો તરફ નજર કરતાં એવું લાગે છે કે, આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારત અમેરિકા તથા ઇઝરાયલની પડખે છે, નહીં કે ઈરાનની પડખે. ભારતે ઈરાન ઉપરના હુમલા અંગે કોઈ નિવેદન જારી કર્યું નહીં અને ખામેનેઈના મોતના પાંચ દિવસ પછી શોક વ્યક્ત કર્યો. ભારતે ખુદ જ સ્પષ્ટ કરી દીધું છે કે, વિદેશ નીતિમાં ઈરાન સાથેના આપણા સંબંધો તળિયે જઈ પહોંચ્યા છે."

"અત્યારે આપણે કશું જાણતા નથી. યુદ્ધ ચાલી રહ્યું છે અને તેનો ક્યારે અંત આવશે, તે આપણે નથી જાણતા. યુદ્ધ સમાપ્ત થયે મધ્ય પૂર્વની શું સ્થિતિ હશે, તે પણ આપણને ખબર નથી. આના કારણે ભારત સામે કયા નવા પડકારો આવશે, તે પણ આપણે જોવું પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન