You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટી20 વિશ્વકપ : ન્યૂઝીલૅન્ડે કરેલી એ ભૂલ જેને કારણે ભારત વર્લ્ડ ચૅમ્પિયન બની ગયું
- લેેખક, પ્રદીપ ક્રિષ્ના
- પદ, બીબીસી તામિલ
- વાંચવાનો સમય: 9 મિનિટ
રવિવારે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચમાં મહેમાન ટીમનો 96 રને પરાજય થયો હતો. 'ચૉકર'નો ટૅગ ધરાવનારી ન્યૂઝીલૅન્ડની ટીમ માટે વર્લ્ડકપમાં આ 'વધુ એક' હાર હતી.
સામાન્ય રીતે મોટી મૅચમાં ખેલાડીઓ ઉપર પ્રેશર હોય, એટલે જ અન્ય મૅચોની સરખામણીમાં આ પ્રકારના મુકાબલામાં મોટો જુમલો નથી ખડકાતો.
અમદાવાદ ખાતેની ફાઇનલ મૅચ પહેલાં એવું કહેવાતું હતું કે ભારતે 180-190 રન બનાવવા જોઈએ. જોકે, ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 255 રન બનાવ્યા હતા.
સામાન્ય રીતે ભારતની ઓપનિંગ જોડી મોટાભાગે ચાર ઓવર સુધી ટકતી ન હતી, તેણે ફાઇનલ મૅચમાં ચાર ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી લીધો હતો.
એટલું જ નહીં, પાવર-પ્લૅ સુધીમાં રેકૉર્ડ 92 રન બનાવી લીધા હતા. પાવરપ્લૅની ઓવરો પતી ત્યારે ટ્રૉફી ભારતના હાથમાં આવી ગઈ હતી, એમ કહી તો પણ કદાચ ખોટું નહીં હોય.
ન્યૂઝીલૅન્ડે જે નિર્ણય લીધા, તેના કારણે પાવરપ્લૅમાં ભારે નુકસાન થયું અને ન્યૂઝીલૅન્ડે તેની કિંમત ટ્રૉફીથી ચૂકવી હતી.
કૅપ્ટન મિચેલ સૅંટનરે બીજી ઓવર પછી જે નિર્ણય લીધા, તેના કારણે ભારતને ખૂબ જ લાભ થયો હતો. મિચેલે જાન્યુઆરી મહિનામાં ભારત સામેની મૅચ દરમિયાન જે ભૂલો કરી હતી, તેની ભારે ચર્ચા થઈ હતી અને રવિવારે પણ તેને જ દોહરાવી હતી?
કૉલ મૅક્કોની કેમ ડ્રૉપ?
ભારતના બૅટ્સમૅન ટી20 ફૉર્મેટમાં ઑફ-સ્પિન બૉલરો સામે રમવામાં મુશ્કેલી અનુભવે છે અને આ વાતની ફાઇનલ પહેલાં વ્યાપકપણે ચર્ચા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇએમસપીએન ક્રિકઇન્ફોના ડેટા પ્રમાણે, સુપર-8 રાઉન્ડમાં જે આઠ ટીમો રમી, તેમાં ઑફ-સ્પિન બૉલરો સામે ભારતની સરેરાશ સૌથી નીચી (15.87) રહી છે. ભારતની ટીમ જ એકમાત્ર એવી ટીમ હતી કે જેની સરેરાશ 20થી નીચે હતી.
વર્લ્ડકપ દરમિયાન અભિષેક શર્મા, ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા જેવા બૅટ્સમેનોની સરેરાશ 13 કે એથી પણ ઓછી રહી હતી.
એટલે એવું માનવામાં આવતું હતું કે ન્યૂઝીલૅન્ડના કૉલ મૅક્કોની ભારત માટે ભારે મુશ્કેલી ઊભી કરશે.
સામે છેડે ગ્લૅન ફિલિપ્સ પણ ઑફ-સ્પિન બૉલિંગથી ભારતની મુશ્કેલીઓ વધારશે. જોકે, ન્યૂઝીલૅન્ડે અલગ યોજના ઘડી હતી.
સૅંટનરે ટૉસ જીત્યા બાદ બૉલિંગ પસંદ કરી હતી અને જાહેરાત કરી હતી કે પ્લેઇંગ ઇલેવનમાં જેકબ ડફીને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતના બૅટ્સમૅન માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે, એવા ખેલાડીને જ ન્યૂઝીલૅન્ડની ટીમે તક ન આપી, એ વાત જાણીને ઘણાને આશ્ચર્ય થયું હતું.
આની પાછળ એવો તર્ક આપવામાં આવ્યો હતો કે પીચની તાસિરને જોતા તેમને વધુ એક ફાસ્ટ બૉલરની જરૂર છે.
ચેન્નાઈ સુપરકિંગ્સના પૂર્વ ખેલાડી યો મહેશે ટૉસ બાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "મૅક્કોની (રમવાના) નથી !! શું આ સ્થિતિ અભિષેક શર્મા માટે સારી છે? કે પછી ન્યૂઝીલૅન્ડની ટીમે કોઈ ગુપ્ત યોજના ઘડી છે?"
પત્રકાર ભરત સુંદરેશને ઍક્સ પોસ્ટમાં લખ્યું, "આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતની ઇનિંગ્સની શરૂઆતના સમયમાં ઑફ-સ્પિનની કેટલી મોટી અસર રહી છે, તેને જોતા ન્યૂઝીલૅન્ડે કૉલ મૅક્કોનીને સામેલ નથી કર્યા, એ વાત આશ્ચર્ય પમાડે તેવી છે. કદાચ આજે રાત્રે ગ્લૅન ફિલિપ્સને વધારાની જવાબદારી આપવામાં આવશે."
આમ, મૅક્કોનીને સામેલ નહીં કરવાના ન્યૂઝીલૅન્ડના નિર્ણયથી ભારતમાં ઘણાને આશ્ચર્ય અને આઘાતની લાગણી અનુભવાઈ હતી.
સ્પેલ બદલ્યો, બાજી બદલાઈ
અપેક્ષા પ્રમાણે જ સૅંટનરે 'ન્યૂ બૉલ સ્પેશિયાલિસ્ટ' મૅટ હૅનરી પાસે બૉલિંગ આક્રમણની શરૂઆત કરાવી હતી અને બીજી ઓવર ગ્લૅન ફિલિપ્સને આપી હતી.
ભારતની ઓપનિંગ જોડીએ આ બંને ઓવર ખૂબ જ ધીરજપૂર્વક રમી હતી. સેમસને સાવધાનીપૂર્વક હૅનરી ફાસ્ટ બૉલિંગનો સામનો કર્યો, તો અભિષેક શર્માએ ગ્લેન ફિલિપ્સની ઑફ-સ્પિન બૉલિંગ સામે સ્વસ્થતા જાળવી. બે ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કોર માત્ર 12 રન હતો.
સૅંટનરે એ પછી એવો નિર્ણય લીધો, જેની અપેક્ષા કોઈએ નહોતી કરી. તેમણે સારી શરૂઆત કરનારા બે બૉલરોનો સ્પેલ ચાલુ રાખવાને બદલે ત્રીજી ઓવર જેકબ ડફીને તથા ચોથી ઓવર લૉકી ફર્ગ્યુસનને આપી. આ બંને ઓવરમાં અનુક્રમે 15 અને 24 રન ભારતના ખાતામાં ઉમેરાયા.
આ પહેલાં ભારતની ટીમે વર્લ્ડકપ દરમિયાન ભારતની ઓપનિંગ જોડી વધુમાં વધુ 3.4 ઓવર સુધી ટકી હતી. એ આઠમાંથી ચાર મૅચમાં ઑફ સ્પિનરે ભારતીય ટીમની જોડીને તોડી હતી.
એક મૅચમાં ડાબેરી સ્પિનરે તથા ત્રણ વખત ફાસ્ટ બૉલરે ભારતના ઓપનિંગ બૅટ્સમૅનને પેવેલિયન ભેગો કર્યો હતો.
ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચમાં ભારતે લૅફ્ટ-રાઇટ્સ બૅટ્સમૅનની ઓપનિંગ જોડી અજમાવી હતી. ત્યારે ઇંગ્લૅન્ડે ઑફ-સ્પિનર જૅક્સની મદદથી આ જોડી તોડી હતી.
ફાઇનલ મૅચ પહેલાં અભિષેક શર્માની પાંચ ઇનિંગમાં ત્રણ વખત ઑફ-સ્પિનરે તેમને આઉટ કર્યા હતા. એટલે ફિલિપ્સને ફરીથી નહીં ઉતારવાનો નિર્ણય ચોંકાવનારો હતો.
સૅંટનરે ડફી અને ફર્ગ્યુસનને બૉલ સોંપ્યો. આ બંને ખેલાડી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલ ફેંકે છે. ત્યારે યો મહેશના કહેવા પ્રમાણે, આ વાત અભિષેક માટે લાભકારક સાબિત થઈ હતી.
અભિષેક શર્મા આ પ્રકારના ફાસ્ટ બૉલ સામે પોતાની સહજ રમત રમી શકે છે. એટલે આ બંને ઓવરે અભિષેક શર્માને તક આપી હતી.
પરિણામે ભારતની ઓપનિંગ જોડી ચાર ઓવર સુધી ટકી ગઈ અને પહેલી વખત ચાર ઓવરમાં અડધી સદી ફટકારી દીધી.
ન્યૂઝીલૅન્ડના પરિણામ અંગે બીબીસી તામિલ સાથે વાત કરતાં યો મહેશે કહ્યું, "પાવરપ્લૅમાં મૅટ હૅનરી અને ગ્લૅન ફિલિપ્સે સારી શરૂઆત કરી હતી. જોકે, એ પછી તેમની પાસે સ્પેલ ચાલુ નહોતો કરાવ્યો. ત્યાર સુધીમાં અભિષેક શર્મા સારી રીતે સૅટલ થઈ ગયા હતા."
"કૉલ મૅક્કોનીના નહીં રમવાથી તેઓ (અભિષેક) ખુશ થયા હશે. જ્યાર સુધી ન્યૂઝીલૅન્ડની વાત છે, તો તેઓ શ્રેષ્ઠ 11 ખેલાડી સાથે નહોતા રમ્યા. તેમની યોજના બરાબર ન હતી."
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ તેમની ઍક્સ પોસ્ટમાં લખ્યું, "એવું લાગે છે કે મિચેલ સૅંટનરે બહુ બધી વ્યૂહરચના ખૂબ જ ઝડપથી અજમાવવાનો પ્રયાસ કર્યો. શરૂઆતની બે ઓવર ખૂબ જ કિફાયતી રહી હતી, છતાં તેમણે ચાર ઓવરમાં ચાર બૉલરનો ઉપયોગ કર્યો. તેમણે તક ગુમાવી દીધી, પરંતુ અમે (ભારતીય) ફરિયાદ નહીં કરીએ."
એ પછી ભારતના ડાબેરી બૅટ્સમૅન આવ્યા, તો પણ ન્યૂઝીલૅન્ડના કપ્તાને ફરીથી એક ઓવર માટે પણ ફિલિપને બૉલ ન સોંપ્યો.
આ વર્લ્ડકપ દરમિયાન ઇશાન કિશને છ મૅચમાંથી પાંચ વખત ઑફ-સ્પિનર સામે વિકેટ ગુમાવી હતી. ત્યારે આ ફાઇનલ મૅચમાં ઑફ-સ્પિનર સામે એક પણ બૉલ નહોતો રમ્યો.
'પાવરપ્લૅમાં જ મૅચ પતી ગઈ'
ચાર ઓવરમાં ભારતનો સ્કોર 39 રન ઉપર પહોંચી ગયો હતો અને બંને ખેલાડી સારું રમી રહ્યા હતા. એ પછી ન્યૂઝીલૅન્ડના બૉલરો માટે કપરી પરિસ્થિતિ ઊભી થઈ.
ભારતીય ઇનિંગની પાંચમી ઓવર મૅટ હૅનરીને મળી. તેમણે 'ધીમા બૉલ' નાખવાનું ચાલુ કર્યું. તેમણે વાઇડલાઇન બૉલ નાખવાનો પ્રયાસ કર્યો, જેના કારણે એ ઓવરમાં તેમણે ચાર વાઇડ બૉલ નાખ્યા.
મૅટ હૅનરી સતત એક જ પ્રકારની બૉલિંગ કરી રહ્યા હતા, એટલે અભિષેક શર્માએ તકને પીછાણી અને બૉલને હવામાં જ બાઉન્ડ્રીની બહાર મોકલી દીધી. એ એક ઓવરમાં 21 રન બનાવ્યા.
ન્યૂઝીલૅન્ડના પૂર્વ ખેલાડી સિમન ટોલે એ સમયે કૉમેન્ટ્રી કરી રહ્યા હતા. તેમણે અવલોક્યું હતું, "અહીં 'ધીમા બૉલ' વિકેટ અપાવે છે, એટલે તેમણે બૉલિંગ પસંદ કરી અને એમ જ કરી રહ્યા છે."
મૅટને ત્રીજીના બદલે પાંચમી ઓવર આપવાના નિર્ણયની સિમને ટીકા કરી હતી. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું, "બૉલ જ્યારે પ્રમાણમાં નવો હોય, ત્યારે હૅનરી સારી બૉલિંગ કરી શકે છે. એટલે તેમને ત્રીજી ઓવર આપવી જોઈતી હતી. એ ભૂલ હતી."
સૅંટનરે એકમાત્ર દક્ષિણ આફ્રિકાની મૅચને બાકાત રાખતા વર્લ્ડકપ દરમિયાનની દરેક મૅચમાં પહેલી અને ત્રીજી ઓવર મૅટ હૅનરીને આપી હતી. જે મૅચોમાં હૅનરીએ ત્રીજી ઓવર નહોતી ફેંકી (દક્ષિણ આફ્રિકા અને ભારત) તેમાં ન્યૂઝીલૅન્ડની હાર થઈ હતી.
ત્રીજી અને ચોથી ઓવરમાં રન ગયા હતા, એટલે જ્યારે હૅનરી પાંચમી ઓવર ફેંકવા આવ્યા, ત્યારે તેમની ઉપર દબાણ હતું. એવી જ રીતે છઠ્ઠી ઓવર (20 રન) ફેંકનારા જેકબ ડફી પણ દબાણ હેઠળ હતા.
આમ પાવરપ્લૅ દરમિયાન જ ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 92 રન બનાવી લીધા હતા. જેના કારણે મૅચ ઉપર ભારતનું વર્ચસ્વ સ્થપાઈ ગયું હતું.
મૅચ પછી બીબીસી તામિલ સાથે વાત કરતા કૉમેન્ટેટર ભગવતી પ્રસાદે કહ્યું, "ન્યૂઝીલૅન્ડની ટીમ પાસે દરેક મૅચ પહેલાં સ્પષ્ટ પ્લાન હોય છે, પરંતુ ફાઇનલની મૅચમાં એવું ન લાગ્યું. મિચેલ સૅંટનરની કપ્તાની થોડી વધુ સારી થઈ શકી હોત."
"જેમ કે, કૉલ મૅક્કોનીના નહીં રમવા ઉપર સવાલ ઊઠ્યા હતા. કારણ કે ભારતના બૅટ્સમૅનો વિશેષ કરીને અભિષેક શર્મા સામે ઑફ-સ્પિનરોનું પ્રદર્શન સારું હતું. એટલે ઘણાં વિચારતા થઈ જાય છે કે તેમને શા માટે રમાડવામાં ન આવ્યા. તેઓ સારા બૅટ્સમૅન પણ છે."
"જો ગ્લૅન ફિલિપ્સે સારી લય મેળવી લીધી હતી, તો તેમનો સ્પેલ કેમ બદલવામાં આવ્યો? આવી કેટલીક બાબતોમાં સૅંટનરની કપ્તાની સારી થઈ શકી હોત. કારણ કે આને કારણે પહેલી છ ઓવરમાં જ ટ્રૉફી (ભારતને) સોંપી દીધી હતી. બૉલર તરીકે તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ કપ્તાન તરીકે તેમનાં નિર્ણય ખોટાં હતાં."
44 દિવસ પહેલાંની એ ભૂલ
પાવરપ્લૅ દરમિયાન સૅંટનરે હાથમાંથી મૅચ ગુમાવી દીધી હોય એવો આ પહેલો કિસ્સો ન હતો. 44 દિવસ પહેલાં – તા. 23 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મૅચમાં પણ એવું જ થયું હતું.
ભારતની ટીમ સામે 209નું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું હતું અને શરૂઆતના સાત બૉલમાં જ બે વિકેટ પડી ગઈ હતી. ત્યારે 12 બૉલમાં ભારતનો સ્કોર આઠ રન હતો. એમાં પણ નવ બૉલ ખાલી ગયા હતા.
સૂર્યકુમાર યાદવે ચાર બૉલમાં માત્ર એક રન બનાવ્યો હતો, જ્યારે ઇશાન કિશને બે બૉલનો સામનો કરીને એક રન બનાવ્યા હતા.
મૅટ હૅનરીએ પહેલી અને જેકબ ડફીએ બીજી ઓવર ફેંકી હતી. બંનેએ એક-એક વિકેટ ખેરવી હતી.
જે બૉલરોએ સારી બૉલિંગ કરી હતી અને વિકેટો લીધી હતી, તેમનો સ્પેલ ચાલુ રાખવામાં આવ્યો હોત, તો એ મૅચમાં ભારત ઉપર દબાણ ઊભું થયું હોત.
જોકે, સૅંટનરે ત્રીજી ઓવર જૅક ફોએક્સને આપી હતી. જેમાં 24 રન આવ્યા. એ પછીની ત્રણ ઓવરમાં 10, 12 અને 21 રન આવ્યા હતા. જેથી પાવરપ્લૅના અંતે ભારતનો સ્કોર 8/2થી વધીને 75/2 ઉપર પહોંચી ગયો હતો.
અભિષેક શર્માએ ફાઇનલની મૅચમાં જે કર્યું, એ (જાન્યુઆરીની) મૅચમાં ઈશાન કિશને કર્યું હતું. પાવરપ્લૅ દરમિયાન ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. એ પછી ભારતની ટીમે ગતિ પકડી લીધી હતી અને તેની ઉપર લગામ લગાવવી મુશ્કેલ બની ગઈ હતી.
ભારતે 200 (કે તેથી વધુ) રનનો સ્કોર ઝડપભેર પાર કરવાનો રેકૉર્ડ બનાવ્યો. માત્ર 15.2 ઓવરમાં ભારતે એ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. એ સમયે સોશિયલ મીડિયા ઉપર ક્રિકેટફેન્સે સૅંટનરના એ નિર્ણયની ભારે ટીકા કરી હતી.
રાયપુરની મૅચમાં સૅંટનરના એ નિર્ણયને કારણે ન્યૂઝીલૅન્ડે ટ્રૉફી જીતવાની તક ગુમાવી દીધી હતી. 44 દિવસ પછી એ વાતનું પુનરાવર્તન થયું હતું.
સૅંટનરે શું કહ્યું?
ફાઇનલની મૅચમાં પરાજય પછી ન્યૂઝીલૅન્ડની ટીમના કૅપ્ટન મિચેલ સૅંટનરે કહ્યું, "શરૂઆતમાં પીચ ઉપર બૉલ સ્વિંગ કે સીમ નહોતો થઈ રહ્યો. જેથી અમે બૅટ્સમૅન ફટકો મારી શકે, એનાથી બહારના વિસ્તારમાં બૉલ કરવાનું નક્કી કર્યું હતું. અમે જાણતા હતા કે અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશન કેટલું સારું રમે છે."
"આમ છતાં, તેઓ જે રીતે રમ્યા, તેની સામે કોઈ પર્ફેક્ટ પ્લાન ન હતો. તેઓ જે રીતે રમ્યા, તેમને અટકાવવા સહેલા ન હતા. અમે બધું અજમાવી જોયું. કેટલાક વાઇડ બૉલ તો કેટલાક લૉંગ સાઇટ બૉલ. જોકે, પાવરપ્લૅ દરમિયાન તેઓ જે રીતે રમ્યા તેની પ્રશંસા કરવી રહી. એ પછી પણ તેમણે આક્રમક રીતે રમવાનું ચાલુ રાખ્યું. જેની મદદથી તેઓ મોટો સ્કોર ખડકવામાં સફળ રહ્યા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન